યહોવાહ આપણો આશ્રય છે
“કેમ કે યાહવે મારા આશ્રય છે. . . . તેથી મારા પર દુઃખ આવશે નહિ.”—ગીતશાસ્ત્ર ૯૧:૯, ૧૦, IBSI.
યહોવાહ પોતાના લોકો માટે આશ્રય છે. જો તેમને આપણું પૂરેપૂરું સમર્પણ કર્યું હોય તો, આપણે ‘ચોતરફથી દબાણ છતાં દબાઈ ગએલા નથી; ગૂંચવાયેલા છતાં નિરાશ થએલા નથી; સતાવણી પામ્યા છતાં તજાએલા નથી; નીચે પટકાએલા છતાં નાશ પામેલા નથી.’ શા માટે? કારણ કે યહોવાહ આપણને “પરાક્રમની અધિકતા” આપે છે. (૨ કોરીંથી ૪:૭-૯) હા, યહોવાહ આપણને તેમના માર્ગમાં ચાલવામાં મદદ કરે છે. આપણે ગીતકર્તાના શબ્દો પર ધ્યાન આપી શકીએ: “કેમ કે યાહવે મારા આશ્રય છે. હા, મારા આશ્રયસ્થાન તરીકે પરાત્પર ઈશ્વર પોતે છે. તેથી મારા પર દુઃખ આવશે નહિ.”—ગીતશાસ્ત્ર ૯૧:૯, ૧૦, IBSI.
૨ ગીતશાસ્ત્ર ૯૧ના આ શબ્દો, મુસા દ્વારા લખવામાં આવ્યા હોય શકે. કેમ કે ગીતશાસ્ત્ર ૯૦ના રચનાર તરીકે મથાળામાં તેમનું નામ છે અને ગીતશાસ્ત્ર ૯૧ના મથાળા પર કોઈ બીજા લેખકનું નામ આપવામાં આવ્યું નથી. ગીતશાસ્ત્ર ૯૧માં ગીતને સમૂહગીતની જેમ ગાવામાં આવ્યું હોય શકે અર્થાત્, એક વ્યક્તિ પ્રથમ (ગી.શા. ૯૧:૧, ૨) અને ત્યાર પછી ગાનાર ટુકડીએ (ગી.શા. ૯૧:૩-૮) ગાયું હોય શકે. ફરી એક વ્યક્તિએ (ગી.શા. ૯૧:૯ક) ગાયું અને સમૂહે (ગી.શા. ૯૧:૯ખ-૧૩) ગાયું હોઈ શકે. ત્યાર પછી, એક ગીતકારે છેવટના શબ્દો (ગી.શા. ૯૧:૧૪-૧૬) ગાયા હોય શકે. ભલે એ ગીત ગમે તે રીતે ગાવામાં આવ્યું હોય, પરંતુ ગીતશાસ્ત્ર ૯૧ અભિષિક્ત ખ્રિસ્તીઓના વર્ગને તેમ જ તેમના સમર્પિત સંગાથીઓના વૃંદને આત્મિક સલામતીનું વચન આપે છે.a તેથી, ચાલો આપણે આ ગીતને યહોવાહના સર્વ સેવકોની દૃષ્ટિથી ધ્યાન પર લઈએ.
‘પરમેશ્વરના ગુપ્તસ્થાનમાં’ સલામત
૩ ગીતકર્તાએ ગાયું: “પરાત્પરના ગુપ્તસ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે. હું યહોવાહ વિષે કહીશ, કે તે મારો આશ્રય તથા કિલ્લો છે; એજ મારો દેવ છે, તેના પર હું ભરોસો રાખું છું.” (આ લેખના અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (ગીતશાસ્ત્ર ૯૧:૧, ૨) ‘પરાત્પરનું ગુપ્તસ્થાન’ આપણા અને ખાસ કરીને અભિષિક્ત જનોના રક્ષણ માટે રૂપકાત્મક સ્થાન છે કેમ કે તેઓ શેતાનનું ખાસ નિશાન છે. (પ્રકટીકરણ ૧૨:૧૫-૧૭) જે સર્વસમર્થ પરમેશ્વરની છાયામાં આપણે રક્ષણનો આનંદ માણીએ છીએ એ ન હોત તો શેતાને આપણા સર્વનો નાશ કરી નાખ્યો હોત. “પરાત્પરના ગુપ્તસ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં” રહીને, આપણે પરમેશ્વરનો રક્ષણાત્મક છાંયડો અનુભવી શકીએ છીએ. (ગીતશાસ્ત્ર ૧૫:૧, ૨; ૧૨૧:૫) આપણા સર્વસમર્થ પરમેશ્વર, યહોવાહ સિવાય બીજું કોઈ પણ સલામત સ્થાન કે આશ્રય નથી.—નીતિવચનો ૧૮:૧૦.
૪ ગીતકર્તા ઉમેરે છે: “કેમકે તે [યહોવાહ] પારધીના પાશથી અને નાશકારક મરકીથી તને બચાવશે.” (ગીતશાસ્ત્ર ૯૧:૩) પ્રાચીન સમયમાં પારધી હંમેશા પક્ષીઓને પકડવા જાળ કે ફાંદાનો ઉપયોગ કરતા હતા. “પારધીના” ફાંદાની જેમ, શેતાન પોતાના દુષ્ટ સંગઠન અને ‘કુયુક્તિઓનો’ ઉપયોગ કરે છે. (એફેસી ૬:૧૧) આપણને દુષ્ટતામાં ફસાવવા અને આપણી આત્મિકતાનો નાશ કરવા તેણે આપણા જીવનના માર્ગમાં છૂપા ફાંદાઓ નાખ્યા છે. (ગીતશાસ્ત્ર ૧૪૨:૩) તેમ છતાં, આપણે બિનવફાદાર બનવાનો નકાર કર્યો હોવાથી, ‘પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય છે તેમ આપણો જીવ બચી ગયો છે.’ (ગીતશાસ્ત્ર ૧૨૪:૭, ૮) યહોવાહે આપણને દુષ્ટ ‘પારધીના’ હાથમાંથી છોડાવ્યા છે, તેથી આપણે કેટલા આભારી છીએ!—માત્થી ૬:૧૩.
૫ ગીતકર્તા “નાશકારક મરકી” વિષે ઉલ્લેખે છે. એવું કંઈક છે કે જે ચેપી રોગચાળાની જેમ, માનવ કુટુંબને અને યહોવાહની સર્વોપરિતાને ટેકો આપનારાઓ માટે “નાશકારક” બને છે. આ બાબતમાં, ઇતિહાસકાર એર્નોલ્ડ ટોએન્બીને લખ્યું: “બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું પછી, પ્રાદેશિક સ્વતંત્ર દેશોની સંખ્યા બમણી થઈ ગઈ છે. . . . માણસજાતનું હાલનું વલણ વધારેને વધારે લડાઈ-ઝઘડાવાળું થઈ ગયું છે.”
૬ સદીઓથી, અમુક સરકારોએ આંતરરાષ્ટ્રીય લડાઈ-ઝઘડાની આગને ભડકાવી છે. તેઓએ પોતાને તેમ જ વિવિધ મૂર્તિઓ કે ચિહ્નોને ખાસ માન આપવાની પણ માંગણી કરી છે. પરંતુ, યહોવાહ કદી પણ પોતાના વિશ્વાસુ લોકોને ‘મરકીના’ સકંજામાં ફસાવા દેશે નહિ. (દાનીયેલ ૩:૧, ૨, ૨૦-૨૭; ૬:૭-૧૦, ૧૬-૨૨) એક આંતરરાષ્ટ્રીય ભાઈચારા તરીકે, આપણે યહોવાહને અનન્ય ભક્તિભાવ આપીએ છીએ, આત્મિક તટસ્થતા જાળવી રાખીને પક્ષપાત રાખ્યા વગર સ્વીકારીએ છીએ કે “દરેક દેશમાં જે કોઈ [પરમેશ્વરની] બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫; નિર્ગમન ૨૦:૪-૬; યોહાન ૧૩:૩૪, ૩૫; ૧૭:૧૬; ૧ પીતર ૫:૮, ૯) આપણે “નાશકારક” રૂપમાં સતાવણી સહન કરીએ છીએ છતાં, આપણે આનંદિત છીએ અને આત્મિક રીતે “પરાત્પરના ગુપ્તસ્થાનમાં” સલામત છીએ.
૭ યહોવાહને આપણા આશ્રય બનાવીને આપણે આ શબ્દોમાંથી દિલાસો મેળવી શકીએ: “તે પોતાનાં પીછાંથી તને ઢાંકશે, અને તેની પાંખો તળે તને આશ્રય મળશે; તેની સત્યતા ઢાલ તથા બખતર છે.” (ગીતશાસ્ત્ર ૯૧:૪) પક્ષી પોતાના બચ્ચાનું રક્ષણ કરે છે તેમ, પરમેશ્વર આપણું રક્ષણ કરે છે. (યશાયાહ ૩૧:૫) ‘તે પોતાના પીછાંથી આપણને ઢાંકે છે.’ પક્ષી પાંખોથી પોતાના બચ્ચાંને ઢાંકીને તેઓને શિકારીથી બચાવે છે. નાના બચ્ચાંની જેમ, આપણે યહોવાહની રૂપકાત્મક પાંખોમાં સલામતી અનુભવીએ છીએ કારણ કે આપણે તેમના સાચા ખ્રિસ્તી સંગઠનમાં આશ્રય લીધો છે.—રૂથ ૨:૧૨; ગીતશાસ્ત્ર ૫:૧, ૧૧.
૮ આપણે “સત્યતા” કે વિશ્વાસુપણામાં ભરોસો મૂકીએ છીએ. એ પ્રાચીન સમયની મોટી ઢાલ જેવો છે કે જે ઘણી વાર લંબચોરસ આકારની અને વ્યક્તિનું આખું શરીર ઢંકાઈ જાય એટલી મોટી હતી. (ગીતશાસ્ત્ર ૫:૧૨) આ પ્રકારના રક્ષણમાં ભરોસો મૂકવાથી આપણે ભયમુક્ત થઈએ છીએ. (ઉત્પત્તિ ૧૫:૧; ગીતશાસ્ત્ર ૮૪:૧૧) આપણા વિશ્વાસની જેમ, પરમેશ્વરની સત્યતા મોટી રક્ષણાત્મક ઢાલ જેવી છે કે જે શેતાનના બળતા ભાલાઓને હોલવી શકે છે. (એફેસી ૬:૧૬) એ મજબૂત રક્ષણાત્મક બખતર પણ છે કે જેનાથી આપણે મક્કમ ઊભા રહીએ છીએ.
‘આપણે બીહીશું નહિ’
૯ યહોવાહના રક્ષણને ધ્યાનમાં રાખીને, ગીતકર્તા કહે છે: “રાત્રે જે ધાસ્તી લાગે છે તેથી, અથવા તો દહાડે ઊડનાર તીરથી, અંધારામાં ચાલનાર મરકીથી, કે બપોરે મહામારીથી તું બીહીશ નહિ.” (ગીતશાસ્ત્ર ૯૧:૫, ૬) ઘણાં કાર્યો અંધકારમાં કરવામાં આવતા હોવાથી, રાત ભયાનક બની શકે. પૃથ્વી પર આત્મિક અંધકાર ફેલાયેલો હોવાથી, આપણા દુશ્મનો ઘણી વાર આપણી આત્મિકતાનો નાશ કરવા અને આપણા પ્રચાર કાર્યને અટકાવવા કપટી કાર્યો કરે છે. પરંતુ, યહોવાહ આપણું રક્ષણ કરે છે આથી, ‘આપણે અંધકારના ભયથી ડરતા નથી.’—ગીતશાસ્ત્ર ૬૪:૧, ૨; ૧૨૧:૪; યશાયાહ ૬૦:૨.
૧૦ “દહાડે ઊડનાર તીર” મૌખિક હુમલાને બતાવતા હોય એવું લાગે છે. (ગીતશાસ્ત્ર ૬૪:૩-૫; ૯૪:૨૦) આપણે સત્ય માહિતી આપવા સતત પ્રયાસ કરીએ છીએ તેમ, આપણી પવિત્ર સેવાનો આવો જાહેરમાં વિરોધ નિરર્થક પુરવાર થાય છે. વધુમાં, આપણે “અંધારામાં ચાલનાર મરકીથી” પણ ડરવાની જરૂર નથી. આ રૂપકાત્મક મરકી છે કે જે શેતાનની સત્તામાં રહેલા આ જગતના નૈતિક અને ધાર્મિક રીતે બીમાર જગતના અંધકારમાં પેદા થાય છે. (૧ યોહાન ૫:૧૯) એ મન અને હૃદયમાં પ્રાણઘાતક સ્થિતિ પેદા કરીને લોકોને યહોવાહ, તેમના હેતુઓ અને તેમની પ્રેમાળ ગોઠવણો વિષે અંધકારમાં રાખે છે. (૧ તીમોથી ૬:૪) આપણે આ અંધકારમાં, ભરપૂર આત્મિક પ્રકાશનો આનંદ માણતા હોવાથી ગભરાતા નથી.—ગીતશાસ્ત્ર ૪૩:૩.
૧૧ ‘બપોરની મહામારી’ પણ આપણને ડરાવી શકતી નથી. ‘બપોર’ આ જગતના કહેવાતા પ્રકાશ અર્થાત્ જ્ઞાનને બતાવે છે. એના ભૌતિકવાદના સકંજામાં ફસાઈ જનારાઓએ આત્મિક વિનાશ વેઠવો પડે છે. (૧ તીમોથી ૬:૨૦, ૨૧) આપણે હિંમતપૂર્વક રાજ્ય સંદેશાને જાહેર કરીએ છીએ તેમ, આપણે આપણા કોઈ પણ દુશ્મનોથી ડરવાની જરૂર નથી, કેમ કે યહોવાહ આપણો રક્ષક છે.—ગીતશાસ્ત્ર ૬૪:૧; નીતિવચનો ૩:૨૫, ૨૬.
૧૨ ગીતકર્તા આગળ ગાવાનું ચાલુ રાખે છે: “તારી બાજુએ હજાર અને તારે જમણે હાથે દશ હજાર [માણસો] પડશે; પણ તે તારી પાસે આવશે નહિ. તું માત્ર નજરે જોશે, તું દુષ્ટોને મળેલો બદલો દેખશે.” (ગીતશાસ્ત્ર ૯૧:૭, ૮) ઘણા લોકો યહોવાહને પોતાનો આશ્રય બનાવવામાં નિષ્ફળ ગયા હોવાથી, તેઓ આપણી ‘બાજુએ’ આત્મિક રીતે મરણમાં “પડ્યા” છે. હકીકતમાં, “દશ હજાર” આજના આત્મિક ઈસ્રાએલીઓના ‘જમણા હાથે’ પડેલા છે. (ગલાતી ૬:૧૬) પરંતુ, ભલે આપણે અભિષિક્ત ખ્રિસ્તીઓ કે તેઓના સમર્પિત ખ્રિસ્તીઓ હોઈએ, આપણે પરમેશ્વરના “ગુપ્ત” સ્થાનમાં સલામત છીએ. આપણે ‘દુષ્ટોને મળેલા બદલાને માત્ર જોઈ અને દેખી શકીએ છીએ’ કે જેઓ વેપારધંધામાં, ધર્મમાં અને બીજી રીતોએ મુશ્કેલીઓ લણી રહ્યા છે.—ગલાતી ૬:૭.
“તારા પર કંઇ દુઃખ આવી પડશે નહિ”
૧૩ આ જગતની સલામતી ભાંગી પડે છતાં, આપણે પરમેશ્વરને પ્રથમ મૂકીને ગીતશાસ્ત્રના શબ્દમાંથી હિંમત મેળવીએ છીએ: “કેમકે, હે યહોવાહ, તું મારો આધાર છે! તેં પરાત્પરને તારો આશ્રય કર્યો છે; તારા પર કંઇ દુઃખ આવી પડશે નહિ, મરકી તારા તંબુની પાસે આવશે નહિ.” (ગીતશાસ્ત્ર ૯૧:૯, ૧૦) હા, યહોવાહ આપણો આધાર છે. તેમ છતાં, આપણે પરાત્પર પરમેશ્વરને ‘આપણો આશ્રય’ પણ બનાવીએ છીએ કે જ્યાં આપણે સલામતી મેળવીએ છીએ. આપણી સલામતીના ઉદ્ભવ તરીકે યહોવાહ પર ‘આધાર’ રાખીને અને તેમના રાજ્યના સુસમાચાર જાહેર કરીને, આપણે વિશ્વના સર્વોપરી તરીકે યહોવાહની સ્તુતિ કરીએ છીએ. (માત્થી ૨૪:૧૪) એ કારણે, આ ગીતની શરૂઆતમાં વર્ણન કરવામાં આવ્યું છે તેમ, ‘આપણા પર કંઈ પણ દુઃખ આવી પડશે નહિ.’ આપણે ધરતીકંપ, વાવાઝોડું, પૂર, ભૂખમરો અને યુદ્ધ કે લૂંટફાટ જેવી આફતોનો અનુભવ કરીએ ત્યારે, એનાથી આપણા વિશ્વાસ અને આપણી આત્મિક સલામતીનો નાશ થવો જોઈએ નહિ.
૧૪ અભિષિક્ત ખ્રિસ્તીઓ પરદેશી પ્રવાસીઓની જેમ આ જગતથી ભિન્ન તંબુઓમાં રહે છે. (૧ પીતર ૨:૧૧) ‘મરકી પણ તેઓના તંબુઓની પાસે આવતી નથી.’ ભલે આપણી આશા સ્વર્ગની હોય કે પૃથ્વી પરની, પરંતુ આપણે આ જગતનો ભાગ નથી. આપણી આત્મિકતાને અનૈતિકતા, ભૌતિકવાદ, જૂઠો ધર્મ અને “શ્વાપદ” તથા એની “મૂર્તિ,” સંયુક્ત રાષ્ટ્રસંઘની ઉપાસના જેવી પ્રાણઘાતક મરકીઓથી ચેપ લાગતો નથી.—પ્રકટીકરણ ૯:૨૦, ૨૧; ૧૩:૧-૧૮; યોહાન ૧૭:૧૬.
૧૫ આપણે જે રક્ષણનો આનંદ માણીએ છીએ એ વિષે ગીતકર્તા ઉમેરે છે: “તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે તે [યહોવાહ] પોતાના દૂતોને આજ્ઞા આપશે; તેઓ પોતાને હાથે તને ધરી રાખશે, રખેને તારો પગ પથ્થર પર અફળાય.” (ગીતશાસ્ત્ર ૯૧:૧૧, ૧૨) દૂતોને આપણું રક્ષણ કરવાની શક્તિ આપવામાં આવી છે. (૨ રાજા ૬:૧૭; ગીતશાસ્ત્ર ૩૪:૭-૯; ૧૦૪:૪; માત્થી ૨૬:૫૩; લુક ૧:૧૯) તેઓ ‘આપણા સર્વ માર્ગમાં’ આપણું રક્ષણ કરે છે. (માત્થી ૧૮:૧૦) આપણે રાજ્યના પ્રચાર કરનારાઓ તરીકે દૂતોના માર્ગદર્શન અને રક્ષણનો આનંદ માણીને આપણી આત્મિકતાને નબળી પડવા દેતા નથી. (પ્રકટીકરણ ૧૪:૬, ૭) અરે, ‘પથ્થરો’ એટલે કે આપણા કાર્ય પર પ્રતિબંધો પણ આપણને ઠોકર ખવડાવીને પરમેશ્વરની કૃપા મેળવતા રોકી શકતા નથી.
૧૬ ગીતકર્તા આગળ કહે છે: “તું સિંહ તથા સાપ પર પગ મૂકશે; સિંહના બચ્ચાને તથા એરૂને તું છૂંદી નાખશે.” (ગીતશાસ્ત્ર ૯૧:૧૩) સિંહ ખુલ્લી રીતે સામેથી હુમલો કરે છે તેમ, અમુક દુશ્મનો આપણા પ્રચાર કાર્ય પર પ્રતિબંધ મૂકવાનો નિયમ બનાવીને ખુલ્લી રીતે આપણો વિરોધ કરે છે. પરંતુ, સંતાઈને બેઠેલા સાપની જેમ આપણા પર અચાનક હુમલાઓ પણ કરવામાં આવે છે. પાદરીઓ અમુક વાર ખાનગી રીતે સરકાર દ્વારા કાયદાઓ બનાવીને, ન્યાયાધીશો અને બીજાઓના દ્વારા આપણા પર હુમલો કરે છે. પરંતુ, યહોવાહની મદદથી, આપણે અદાલતમાં શાંતિપૂર્વક હક્ક માંગીએ છીએ. આ રીતે આપણે, ‘સુવાર્તાને બચાવીએ છીએ કે સમર્થન કરીએ છીએ.’—ફિલિપી ૧:૭, પ્રેમસંદેશ; ગીતશાસ્ત્ર ૯૪:૧૪, ૨૦-૨૨.
૧૭ ગીતકર્તા “સિંહના બચ્ચાને તથા એરૂને” છૂંદી નાખવા વિષે કહે છે. સિંહનું બચ્ચું હિંસક અને એરું પેટે ચાલનાર મોટો ઝેરી સાપ બની શકે. (યશાયાહ ૩૧:૪) ભલે સિંહનું બચ્ચું ગમે તેટલું હિંસક બનીને સામેથી હુમલો કરે તોપણ, આપણે પરમેશ્વરની આજ્ઞાઓને આધીન રહીને સિંહ જેવા માણસો કે સંગઠનોને રૂપકાત્મક રીતે છૂંદીએ છીએ. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯) તેથી, ગર્જના કરનાર “સિંહ” આપણને આત્મિક રીતે કંઈ પણ નુકસાન પહોંચાડી શકતો નથી.
૧૮ ગીતમાં ઉલ્લેખવામાં આવેલો “સાપ” આપણને “મોટા અજગર . . . એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે” એની યાદ દેવડાવે છે. (પ્રકટીકરણ ૧૨:૭-૯; ઉત્પત્તિ ૩:૧૫) તે પેટે ચાલનાર ભયંકર પ્રાણી જેવો છે કે જે પોતાના શિકારને પકડીને ગળી જાય છે. (યિર્મેયાહ ૫૧:૩૪) શેતાન આપણને પોતાની જાળમાં ફસાવીને આ જગતનાં દબાણોથી દબાવવાનો અને ગળી જવાનો પ્રયત્ન કરે છે ત્યારે, ચાલો આપણે પોતાને તેના બંધનમાંથી મુક્ત રાખીને આ ‘સાપને’ છૂંદી નાંખીએ. (૧ પીતર ૫:૮) અભિષિક્ત શેષ ભાગે રૂમી ૧૬:૨૦ની પરિપૂર્ણતામાં ભાગ લેવો હોય તો, તેઓએ આ પ્રમાણે કરવું જ જોઈએ.
યહોવાહ—આપણા તારણનો ઉદ્ભવ
૧૯ સાચા ઉપાસકો વિષે, પરમેશ્વર વતી ગીતકર્તા કહે છે: “તેણે મારા પર પોતાની પ્રીતિ બેસાડી છે, માટે હું તેને બચાવીશ; તેણે મારૂં નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ.” (ગીતશાસ્ત્ર ૯૧:૧૪) “હું તેને ઊંચો કરીશ” પદનો શાબ્દિક અર્થ સહેલાઈથી પહોંચી ન શકાય એમ થાય છે. આપણે યહોવાહમાં તેમના ઉપાસકો તરીકે આશ્રય લઈએ છીએ કારણ કે ‘આપણે તેમને પ્રેમ કરીએ છીએ.’ (માર્ક ૧૨:૨૯, ૩૦; ૧ યોહાન ૪:૧૯) એના બદલામાં, પરમેશ્વર આપણને આપણા દુશ્મનોથી ‘બચાવે છે.’ આપણો કદી પણ પૃથ્વી પરથી નાશ કરવામાં આવશે નહિ. એને બદલે, આપણો બચાવ થશે કેમ કે આપણે પરમેશ્વરનું નામ જાણીએ છીએ અને તેમનામાં વિશ્વાસ કરીએ છીએ. (રૂમી ૧૦:૧૧-૧૩) આપણે ‘યહોવાહના નામમાં સદાસર્વકાળ ચાલવાનો’ નિર્ણય કર્યો છે.—મીખાહ ૪:૫; યશાયાહ ૪૩:૧૦-૧૨.
૨૦ ગીતશાસ્ત્ર ૯૧ નિષ્કર્ષ આપે છે તેમ, યહોવાહ પોતાના વિશ્વાસુ સેવકોને કહે છે: “તે મને અરજ કરશે, એટલે હું તેને ઉત્તર દઈશ; હું સંકટસમયે તેની સાથે થઈશ; હું તેને છોડાવીને માન આપીશ. લાંબા આયુષ્યથી હું તેને તૃપ્ત કરીશ, અને તેને મારૂં તારણ દેખાડીશ.” (ગીતશાસ્ત્ર ૯૧:૧૫, ૧૬) આપણે યહોવાહને તેમની ઇચ્છાના સુમેળમાં પ્રાર્થનામાં અરજ કરીએ છીએ ત્યારે, તે આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે. (૧ યોહાન ૫:૧૩-૧૫) આપણે શેતાનના વિરોધને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. પરંતુ, “હું સંકટસમયે તેની સાથે થઈશ,” એ શબ્દો આપણને ભવિષ્યની મુશ્કેલીઓ માટે તૈયાર કરે છે. વળી એ આપણને ખાતરી અપાવે છે કે આ દુષ્ટ જગતનો નાશ થશે ત્યારે પરમેશ્વર આપણું રક્ષણ કરશે.
૨૧ શેતાન ભલે ગમે તેટલો ઉગ્ર વિરોધ કરે છતાં, યહોવાહ પૃથ્વી પરના “લાંબા આયુષ્ય” પછી, એટલે કે નિયુક્ત સમયે અભિષિક્ત જનોને સ્વર્ગમાં મહિમાવાન કરશે. તોપણ, પરમેશ્વરના અદ્ભુત બચાવે અભિષિક્ત જનોને આત્મિક રીતે મહિમાવાન કર્યા છે. વળી, આ છેલ્લા દિવસોમાં પૃથ્વી પર યહોવાહના સાક્ષીઓ તરીકે આગેવાની લેવા દઈને તેઓને કેવું માન આપવામાં આવ્યું છે! (યશાયાહ ૪૩:૧૦-૧૨) યહોવાહ પોતાની સૌથી મોટી આર્માગેદોનની લડાઈમાં પોતાની સર્વોપરિતાને દોષમુક્ત કરીને પોતાના નામને પવિત્ર મનાવશે ત્યારે, એ તેમના લોકો માટે સૌથી મોટો છુટકારો થશે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮; હઝકીએલ ૩૮:૨૩; પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬.
૨૨ ભલે આપણે નિયુક્ત ખ્રિસ્તીઓ કે તેઓના સમર્પિત સંગાથીઓ હોઈએ, આપણે તારણ માટે પરમેશ્વર પર આશા રાખવી જોઈએ. ‘યહોવાહના મોટા તથા ભયંકર દિવસ’ દરમિયાન, તેમની વફાદારીપૂર્વક સેવા કરનારાઓને બચાવવામાં આવશે. (યોએલ ૨:૩૦-૩૨) આપણામાંના જેઓ પણ ‘મોટી સભાના’ લોકો તરીકે પરમેશ્વરની નવી દુનિયામાં બચી જશે અને અંતિમ કસોટી દરમિયાન વફાદાર રહેશે તેઓ, ‘લાંબા આયુષ્યથી તૃપ્ત થશે’ અર્થાત્ હંમેશ માટે રહેશે. પરમેશ્વર અસંખ્ય લોકોને પણ ફરીથી સજીવન કરશે. (પ્રકટીકરણ ૭:૯; ૨૦:૭-૧૫) યહોવાહ ઈસુ ખ્રિસ્ત દ્વારા ‘આપણું તારણ કરીને’ ખરેખર આનંદ અનુભવશે. (ગીતશાસ્ત્ર ૩:૮) આવી ભવ્ય આશા આપણી સમક્ષ રહેલી છે ત્યારે, ચાલો આપણે તેમના મહિમા માટે આપણા દિવસો ગણવા તેમની તરફ મીટ માંડીએ. આપણા શબ્દો અને કાર્યો દ્વારા યહોવાહ આપણો આશ્રય છે એવું પુરવાર કરવાનું ચાલુ રાખીએ.
[ફુટનોટ]
a ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોના લેખકો મસીહની ભવિષ્યવાણીને ધ્યાનમાં રાખીને ગીતશાસ્ત્ર ૯૧ની ચર્ચા કરતા ન હતા. જોકે, ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા ત્યારે યહોવાહ તેમના માટે આશ્રય હતા, જેમ તે આ ‘અંતના સમયમાં’ ઈસુના અભિષિક્ત અનુયાયીઓ અને તેઓના સમર્પિત સંગાથીઓ માટે પણ છે.—દાનીયેલ ૧૨:૪.
તમે કેવો જવાબ આપશો?
• ‘પરાત્પરનું ગુપ્તસ્થાન’ શું છે?
• શા માટે આપણે ડરવું જોઈએ નહિ?
• કઈ રીતે ‘આપણા પર કંઈ દુઃખ આવી પડશે નહિ’?
• શા માટે આપણે કહી શકીએ કે યહોવાહ આપણા તારણના ઉદ્ભવ છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧. શા માટે આપણે કહી શકીએ કે યહોવાહ આપણા આશ્રય છે?
૨. ગીતશાસ્ત્ર ૯૧ વિષે શું કહી શકાય અને એ આપણને કયાં વચનો આપે છે?
૩. (ક) ‘પરાત્પરનું ગુપ્તસ્થાન’ શું છે? (ખ) આપણે “પરાત્પરના ગુપ્તસ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં” કેવું અનુભવીએ છીએ?
૪. શેતાન, “પારધી” તરીકે કઈ કુયુક્તિઓનો ઉપયોગ કરે છે અને આપણે કઈ રીતે બચી જઈએ છીએ?
૫, ૬. કઈ “મરકી” ‘નાશકારકનું’ કારણ બને છે પરંતુ, શા માટે યહોવાહના લોકો એમાં ફસાતા નથી?
૭. યહોવાહ કઈ રીતે ‘તેમની પાંખો તળે’ આપણું રક્ષણ કરે છે?
૮. કઈ રીતે યહોવાહની “સત્યતા” મોટી ઢાલ અને બખતર જેવી છે?
૯. શા માટે રાત ભય પેદા કરનારી હોય શકે, પરંતુ શા માટે આપણે ડરવું જોઈએ નહિ?
૧૦. (ક) “દહાડે ઊડનાર તીર” શું હોય શકે અને આપણે એ પ્રત્યે કઈ રીતે વર્તવું જોઈએ? (ખ) “અંધારામાં ચાલનાર મરકી” કેવા પ્રકારની છે અને આપણે શા માટે એનાથી ડરવું જોઈએ નહિ?
૧૧. ‘બપોરની મહામારી’ અનુભવનારાઓનું શું થાય છે?
૧૨. કોની બાજુમાં હજારો ‘પડેલા’ છે અને કઈ રીતે?
૧૩. કઈ મરકીઓ આપણા પર આવશે નહિ અને શા માટે?
૧૪. યહોવાહના સેવકો તરીકે, શા માટે આપણને પ્રાણઘાતક મરકીઓથી ચેપ લાગેલો નથી?
૧૫. આપણે કયા અર્થમાં દૂતોની મદદનો આનંદ માણીએ છીએ?
૧૬. ‘સાપથી’ ભિન્ન “સિંહ” કઈ રીતે હુમલો કરે છે અને આપણે કઈ રીતે વર્તવું જોઈએ?
૧૭. આપણે કઈ રીતે “સિંહના બચ્ચાને” છૂંદીએ છીએ?
૧૮. “સાપ” આપણને કોની યાદ અપાવે છે અને આપણે એના સકંજામાં આવી જઈએ તો શું કરવું જોઈએ?
૧૯. શા માટે આપણે યહોવાહમાં આશ્રય લેવો જોઈએ?
૨૦. ગીતશાસ્ત્ર ૯૧ નિષ્કર્ષ આપે છે તેમ, યહોવાહ પોતાના વિશ્વાસુ સેવકોને કયું વચન આપે છે?
૨૧. કઈ રીતે અભિષિક્તોને મહિમાવાન કરવામાં આવ્યા છે?
૨૨. ‘યહોવાહ દ્વારા તારણ’ કોણ જોશે?
[પાન ૧૭ પર ચિત્ર]
શું તમે જાણો છો કે યહોવાહની સત્યતા આપણા માટે કેટલી મોટી ઢાલ છે?
[પાન ૧૮ પર ચિત્રો]
યહોવાહ પોતાના સેવકોને ખુલ્લો વિરોધ અને અચાનક હુમલાઓ છતાં પ્રચાર કાર્યમાં લાગુ રહેવા મદદ કરે છે
[ક્રેડીટ લાઈન]
સાપ: A. N. Jagannatha Rao, Trustee, Madras Snake Park Trust