વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w09 ૧/૧ પાન ૧૮-૨૧
  • શું તમે ‘ઈશ્વરની કૃપાના કારભારી’ છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે ‘ઈશ્વરની કૃપાના કારભારી’ છો?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈશ્વરની અનેક પ્રકારની કૃપા
  • ‘એકબીજાની સેવા કરીએ’
  • તમારું “કૃપાદાન” કઈ રીતે વાપરશો?
  • બેમાંથી શું મહત્ત્વનું?
  • ‘એકબીજા પર પ્રેમ રાખીએ’
  • ઈશ્વરની અપાર કૃપા માટે આભાર માનીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • ઈશ્વરની અપાર કૃપાની ખુશખબર ફેલાવીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • આપણે કસોટીઓનો સામનો કરી શકીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • અપાર કૃપાને લીધે પાપની ગુલામીમાંથી આઝાદી મળી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
w09 ૧/૧ પાન ૧૮-૨૧

શું તમે ‘ઈશ્વરની કૃપાના કારભારી’ છો?

‘ભાઈઓ જેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો; માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.’—રૂમી ૧૨:૧૦.

૧. બાઇબલ અનેક વાર કઈ ખાતરી આપે છે?

બાઇબલ અનેક વાર ખાતરી આપે છે કે આપણે હિંમત હારી જઈએ તોપણ, યહોવાહ ચોક્કસ મદદ કરશે. બાઇબલ કહે છે: “સર્વ પડતા માણસોને યહોવાહ આધાર આપે છે, અને સર્વ દબાઈ રહેલાઓને તે ઊભા કરે છે.” યહોવાહ “હૃદયભંગ [નિરાશ] થએલાંને સાજાં કરે છે; તે તેઓના ઘાને રૂઝવે છે.” (ગીત. ૧૪૫:૧૪; ૧૪૭:૩) ખુદ યહોવાહ કહે છે: ‘હું યહોવાહ તારો ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું, કે તું બીશ મા; હું તને સહાય કરીશ.’—યશા. ૪૧:૧૩.

૨. યહોવાહ પોતાના ભક્તોને કઈ રીતે મદદ આપે છે?

૨ યહોવાહ તો સ્વર્ગમાં રહે છે. ત્યાંથી તે કઈ રીતે ‘આપણો હાથ પકડી રાખે’ છે? જીવનની ચિંતાઓથી ‘દબાઈ જઈએ’ ત્યારે, તે આપણને કઈ રીતે ઊભા કરે છે? યહોવાહ અનેક રીતે એમ કરે છે. દાખલા તરીકે, તે પોતાના ભક્તોને “પરાક્રમની અધિકતા” એટલે કે શક્તિ આપે છે. (૨ કોરીં. ૪:૭; યોહા. ૧૪:૧૬, ૧૭) બીજું કે બાઇબલ વાંચીએ ત્યારે, તે એમાંથી ઉત્તેજન આપે છે. (હેબ્રી ૪:૧૨) હવે પહેલા પીતરમાંથી જોઈએ કે યહોવાહ બીજી કઈ રીતે મદદ કરે છે.

ઈશ્વરની અનેક પ્રકારની કૃપા

૩. (ક) પરીક્ષણો આવવા વિષે પીતરે શું કહ્યું? (ખ) પહેલા પીતરના અંતે શાની ચર્ચા થાય છે?

૩ અમુક ભક્તોને સ્વર્ગમાં જવાનો મોટો આશીર્વાદ મળ્યો છે. તેઓને પીતરે કહ્યું, ‘હમણાં થોડી જ વાર સુધી નાના પ્રકારનાં પરીક્ષણ થયાથી તમે દુઃખી થયા છો.’ (૧ પીત. ૧:૧-૬) “નાના પ્રકારનાં” ભાષાંતર થયેલા ગ્રીક શબ્દનો અર્થ થાય, ‘અનેક પ્રકાર.’ અહીં પીતર કહેતા ન હતા કે કેવાં પરીક્ષણો આવશે. ગમે એ પ્રકારનાં પરીક્ષણો હોય, તેઓ યહોવાહની મદદથી સહી શકશે. પત્રના અંતે એવી જ ખાતરી આપતા, પીતર કહે છે કે ‘સર્વનો અંત પાસે છે.’—૧ પીત. ૪:૭.

૪. પહેલા પીતર ૪:૧૦માંથી કયું ઉત્તેજન મળે છે?

૪ પીતરે કહ્યું: ‘દરેકને જે કૃપાદાન મળ્યું તે એકબીજાની સેવા કરવામાં, ઈશ્વરની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું.’ (૧ પીત. ૪:૧૦) અહીં ફરીથી પીતર ‘અનેક પ્રકાર’ શબ્દો વાપરે છે. પીતર જાણે કહે છે કે ‘ભલે અનેક પ્રકારનાં પરીક્ષણો આવે, એમાં યહોવાહ અનેક પ્રકારની કૃપા પણ બતાવે છે.’ તે આપણને કોઈ પણ પરીક્ષણ સહેવા મદદ કરશે. યહોવાહ કઈ રીતે કૃપા બતાવે છે? પીતરે જણાવ્યું કે મંડળના ભાઈ-બહેનો દ્વારા.

‘એકબીજાની સેવા કરીએ’

૫. (ક) યહોવાહના દરેક ભક્તે શું કરવું જોઈએ? (ખ) કયા સવાલ ઊભા થાય છે?

૫ “વિશેષે કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રીતિ કરો.” એમ કહ્યા પછી પીતરે કહ્યું, ‘દરેકને જે કૃપાદાન મળ્યું તે એકબીજાની સેવામાં વાપરો.’ (૧ પીત. ૪:૮, ૧૦) એકબીજાને ઉત્તેજન આપવાની આપણી દરેકની જવાબદારી છે. યહોવાહે આપણને ‘કૃપાદાન’ કે અમૂલ્ય ગીફ્ટ આપી છે, જે સારી રીતે વાપરીએ. એ ગીફ્ટ શું છે? એ કઈ રીતે ‘એકબીજાની સેવામાં વાપરવી’ જોઈએ?

૬. યહોવાહે આપણને કેવાં દાન આપ્યાં છે?

૬ બાઇબલ કહે છે કે “દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે.” (યાકૂ. ૧:૧૭) યહોવાહ આપણને પ્રેમને લીધે અનેક દાન કે ગીફ્ટ આપે છે. એવી એક ખાસ ગીફ્ટ યહોવાહની શક્તિ છે. એનાથી આપણે પ્રેમ, ભલાઈ અને નમ્રતા જેવા ગુણો કેળવી શકીએ છીએ. એના લીધે આપણને એકબીજા પર પ્રેમ છે. એકબીજાને સાથ આપીએ છીએ. યહોવાહની શક્તિથી આપણને જ્ઞાન અને સાચી સમજણ પણ મળે છે. (૧ કોરીં. ૨:૧૦-૧૬; ગલા. ૫:૨૨, ૨૩) આપણી શક્તિ અને આવડત પણ ગીફ્ટ છે. ભાઈ-બહેનોની સેવામાં એવાં કૃપાદાન વાપરીએ, એ આપણી ફરજ છે. એનાથી તેઓ યહોવાહની કૃપા અનુભવશે.

તમારું “કૃપાદાન” કઈ રીતે વાપરશો?

૭. (ક) ૧ પીતર ૪:૧૦ પ્રમાણે દરેકને કેવાં કૃપાદાન મળ્યાં છે? (ખ) આપણે કયા સવાલો પર વિચાર કરવો જોઈએ અને શા માટે?

૭ પહેલા પીતર ૪:૧૦ પ્રમાણે આપણને દરેકને “કૃપાદાન,” એટલે કે જુદા જુદા ગુણો અને આવડતો મળ્યા છે. કોઈમાં એ વધારે, તો કોઈમાં ઓછા હોય છે. તોપણ ‘સારા કારભારીઓ તરીકે એ એકબીજાની સેવામાં વાપરીએ.’ આપણને એવી આજ્ઞા હોવાથી, વિચારીએ કે ‘યહોવાહે આપેલાં દાનો શું હું બીજાને ઉત્તેજન આપવા વાપરું છું? (વધુ માહિતી: ૧ તીમોથી ૫:૯, ૧૦.) કે પછી હું એ પોતાનું નામ કમાવા, પૈસા બનાવવા વાપરું છું?’ (૧ કોરીં. ૪:૭) યહોવાહે આપેલાં દાનો ‘એકબીજાની સેવા કરવા’ વાપરીશું તો, તેમને ઘણો આનંદ થશે.—નીતિ. ૧૯:૧૭; હેબ્રી ૧૩:૧૬ વાંચો.

૮, ૯. (ક) આજે ભાઈ-બહેનો કઈ રીતે એકબીજાની સેવા કરે છે? (ખ) તમારા મંડળમાં ભાઈ-બહેનો કઈ રીતે એકબીજાની સેવા કરે છે?

૮ પહેલી સદીમાં યહોવાહના ભક્તો એકબીજાની અનેક રીતે સેવા કરતા. (રૂમી ૧૫:૨૫, ૨૬; ૨ તીમોથી ૧:૧૬-૧૮ વાંચો.) આજે પણ મંડળમાં ભાઈ-બહેનો એકબીજાની દિલથી સેવા કરે છે.

૯ ઘણા ભાઈઓ ટૉક તૈયાર કરવા દર મહિને પોતાનો કીમતી સમય વાપરે છે. એવી ટૉકથી મંડળને ખૂબ ઉત્તેજન મળે છે. મુશ્કેલીઓ સહેવા મદદ મળે છે. (૧ તીમો. ૫:૧૭) અમુક ભાઈ-બહેનો હંમેશાં બીજાના દુઃખમાં સહારો બને છે. (રૂમી ૧૨:૧૫) ઘણા ભાઈ-બહેનો ડિપ્રેસ થયેલાને મળવા જાય છે. તેઓ સાથે પ્રાર્થના કરે છે. (૧ થેસ્સા. ૫:૧૪) જેઓ મુશ્કેલી અનુભવતા હોય, તેઓને અમુક ભાઈ-બહેનો ઉત્તેજન આપતા પત્રો લખે છે. બીજાઓ બીમાર કે અપંગ ભાઈ-બહેનોને મિટિંગમાં આવવા મદદ કરે છે. જ્યારે અણધારી આફતો આવે ત્યારે, હજારો ભાઈ-બહેનો ત્યાં જઈને મદદ કરે છે. ભલે કોઈ પણ રીતે ભાઈ-બહેનોને પ્રેમ બતાવવામાં આવે, એમાં ‘ઈશ્વરની અનેક પ્રકારની કૃપા’ જોવા મળે છે.—૧ પીતર ૪:૧૧ વાંચો.

બેમાંથી શું મહત્ત્વનું?

૧૦. (ક) પાઊલે કઈ બે જવાબદારી નિભાવી? (ખ) આપણે કઈ રીતે પાઊલ જેવા બની શકીએ?

૧૦ આપણે જોયું કે યહોવાહે આપેલાં દાન એકબીજાની સેવામાં વાપરવાં જોઈએ. સાથે સાથે યહોવાહે તેમના રાજ્યનો સંદેશો જણાવવાની જવાબદારી પણ સોંપી છે. પાઊલે ‘ઈશ્વરની કૃપાનું જે દાન તેમને આપવામાં આવ્યું હતું, તેના વહીવટ વિષે’ એફેસસ મંડળને વાત કરી. (એફે. ૩:૨) એની સાથે તેમને મળેલી બીજી જવાબદારી વિષે પાઊલે કહ્યું: ‘ઈશ્વરે સુવાર્તાનો ઉપદેશ કરવાને અમને પસંદ કર્યા છે.’ (૧ થેસ્સા. ૨:૪) પાઊલની જેમ આપણે પણ થાક્યા વગર યહોવાહના રાજ્ય વિષે પ્રચાર કરીએ. (પ્રે.કૃ. ૨૦:૨૦, ૨૧; ૧ કોરીં. ૧૧:૧) એમાં લોકોના જીવનનો સવાલ છે. તેમ જ એકબીજાને “આત્મિક દાન” કે ઉત્તેજન પણ આપીએ.—રૂમી ૧:૧૧, ૧૨; ૧૦:૧૩-૧૫ વાંચો.

૧૧. આપણને મળેલી બે જવાબદારીમાંથી કઈ વધારે મહત્ત્વની છે?

૧૧ એ બે જવાબદારીમાંથી કઈ વધારે મહત્ત્વની છે? ચાલો એક દાખલો લઈએ. પક્ષીની બે પાંખમાંથી કઈ વધારે મહત્ત્વની? બંને, કેમ કે એક પાંખથી પક્ષી ઊડી જ ન શકે. એટલે પ્રચાર કામ કરવું અને ભાઈ-બહેનોને ઉત્તેજન આપવું બંનેય ઘણું મહત્ત્વનું છે. પાઊલ અને પીતરની જેમ આપણે પણ એ બંને જવાબદારીઓ સારી રીતે ઉપાડીએ. ચાલો જોઈએ કે કઈ રીતે એમ કરી શકાય.

૧૨. યહોવાહે આપણને કયો આશીર્વાદ આપ્યો છે?

૧૨ લોકોનાં દિલમાં સત્ય પહોંચે એ માટે સારી રીતે શીખવીએ. યહોવાહના ભક્ત બનવા, તેઓને બનતી બધી જ મદદ કરીએ. મંડળમાં બધાને ઉત્તેજન અને મદદ આપવા પણ, ઈશ્વરે આપેલાં “કૃપાદાન” વાપરીએ. (નીતિ. ૩:૨૭; ૧૨:૨૫) યહોવાહને વળગી રહેવા ભાઈ-બહેનોને મદદ કરીએ. યહોવાહે ‘એકબીજાની સેવા કરવાનું’ અને પ્રચાર કરવાનું કામ સોંપ્યું છે. એ કેટલો મોટો આશીર્વાદ કહેવાય!—ગલા. ૬:૧૦.

‘એકબીજા પર પ્રેમ રાખીએ’

૧૩. ‘એકબીજાની સેવા કરવાનું’ છોડી દઈએ તો શું થશે?

૧૩ પાઊલે અરજ કરી કે ‘ભાઈઓ જેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો; માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.’ (રૂમી ૧૨:૧૦) એવો પ્રેમ કેળવીને, આપણે યહોવાહની કૃપા વાપરવામાં ‘સારા કારભારી’ બનીએ છીએ. શેતાન અખતરા કરે છે, જેથી મંડળમાં સંપ ન રહે અને આપણે ‘એકબીજાની સેવા કરવાનું’ છોડી દઈએ. (કોલો. ૩:૧૪) પક્ષીની એક પાંખને કંઈ થાય તો એ ઊડી નહિ શકે. એ જ રીતે મંડળમાં સંપ નહિ હોય તો, પ્રચાર કામ પણ ધીમું પડી જશે. શેતાન આપણને બેમાંથી એક જવાબદારીમાં ઠંડા પાડી નાખે, તો બીજામાં પણ આપણે ઠંડા પડી જઈશું.

૧૪. ‘એકબીજાની સેવા કરવાથી’ કોને કોને લાભ થાય છે? દાખલો આપો.

૧૪ ‘બીજાની સેવા કરવાથી’ સેવા કરનારને પણ યહોવાહની કૃપા મળે છે. (નીતિ. ૧૧:૨૫) એક પતિ-પત્નીનો વિચાર કરો. ૨૯ વર્ષનો રાયન અને ૨૫ વર્ષની રોની અમેરિકાના ઇલિનોઈમાં રહે છે. અમુક વર્ષો પહેલાં, કટ્રિના નામનું તોફાન આવ્યું. એણે લુઈસિયાના શહેરમાં ઘણું નુકસાન કર્યું. અરે, ઘણા ભાઈ-બહેનોનાં મકાનો તબાહ કરી નાખ્યાં. એ જોઈને રાયન અને રોની તેઓને મદદ કરવા તૈયાર થયા. તેઓએ જૉબ છોડીને, ફ્લૅટ વેચી નાખ્યો. નાનું કેરેવાન લીધું અને ૧,૪૦૦ કિલોમીટર મુસાફરી કરી. એક વરસ ત્યાં બાંધકામ, રિપેરકામ કર્યું. ભાઈ-બહેનોને દિલાસો આપ્યો. રાયને કહ્યું, ‘હું જોઈ શક્યો કે યહોવાહ પોતાના ભક્તોની કેટલી સંભાળ રાખે છે! એનાથી યહોવાહ સાથેનો મારો નાતો વધારે પાકો થયો. અનુભવી ભાઈઓ પાસેથી હું ઘણું શીખ્યો. હવે ભાઈ-બહેનોની વધારે સારી રીતે સેવા કરતા શીખ્યો. યહોવાહની ભક્તિમાં યુવાનિયાઓ માટે પુષ્કળ કામ છે.’ રોનીએ કહ્યું, ‘આ રીતે સેવા કરીને, હું યહોવાહનો અહેસાન માનું છું. હું કદીયે આટલી ખુશ ન હતી. આ અનુભવ ભૂલાશે નહિ.’

૧૫. આપણે કેમ ઈશ્વરની કૃપાના સારા કારભારીઓ બનવું જોઈએ?

૧૫ ઈસુએ કહ્યું, “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહા. ૧૩:૩૫) આપણે ઈસુને પગલે ચાલીને, યહોવાહનું નામ રોશન કરીએ છીએ. મંડળમાં સંપ અને પ્રેમ હશે તો સાબિત થશે કે આપણે યહોવાહના ભક્તો છીએ. યહોવાહે પ્રચાર કરવાનું અને ભાઈ-બહેનોની શ્રદ્ધા વધારવાનું કામ સોંપ્યું છે. એનાથી બધાને આશીર્વાદ મળે છે. જેને મદદ આપીએ એની શ્રદ્ધા વધે છે અને મદદ કરવાથી આપણો આનંદ વધે છે. (પ્રે.કૃ. ૨૦:૩૫) યહોવાહ આપણા જેવા મામૂલી ઇન્સાન દ્વારા પોતાનો પ્રેમ બતાવે છે. ચાલો આપણે દરેક ‘એકબીજાની સેવા કરવામાં ઈશ્વરની કૃપાના સારા કારભારીઓ’ બનીએ!—હેબ્રી ૬:૧૦ વાંચો. (w09 1/15)

આપણે શું શીખ્યા?

• યહોવાહ પોતાના ભક્તોને કઈ રીતે સાથ આપે છે?

• આપણને કઈ કઈ જવાબદારી સોંપવામાં આવી છે?

• ભાઈ-બહેનોને કઈ રીતે મદદ આપવી જોઈએ?

• આપણે કેમ ‘એકબીજાની સેવા કરવી’ જોઈએ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો