ઈશ્વરની અપાર કૃપાની ખુશખબર ફેલાવીએ
‘ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવી.’—પ્રે.કૃ. ૨૦:૨૪.
૧, ૨. પાઊલે કઈ રીતે બતાવ્યું કે તે ઈશ્વરની અપાર કૃપા માટે આભારી હતા?
પ્રેરિત પાઊલ ઇમાનદારીથી પોતાના વિશે કહી શક્યા: ‘ઈશ્વરની જે કૃપા મારા પર થઈ તે નિષ્ફળ નીવડી નથી.’[1] (૧ કોરીંથી ૧૫:૯, ૧૦ વાંચો.) પાઊલ સારી રીતે જાણતા હતા કે, તેમણે ઈશ્વરની કૃપાને કમાઈ ન હતી અથવા એ મેળવવાને લાયક પણ ન હતા. કારણ કે, અગાઉ તે ખ્રિસ્તીઓને સતાવતા હતા.
૨ પોતાના જીવનનાં છેલ્લાં વર્ષો દરમિયાન પાઊલે તીમોથીને લખ્યું: ‘મને સામર્થ્ય આપનાર આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુનો હું ઉપકાર માનું છું, કેમ કે તેમણે મને વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં દાખલ કર્યો.’ (૧ તીમો. ૧:૧૨-૧૪) એ સેવા કઈ હતી? એ વિશે પાઊલે એફેસસના વડીલોને આમ જણાવ્યું: “હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી, એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ પાસેથી મને મળી છે તે હું પૂર્ણ કરું.”—પ્રે.કૃ. ૨૦:૨૪.
૩. પાઊલને કઈ ખાસ સેવા સોંપવામાં આવી હતી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૩ પાઊલે કઈ ‘સુવાર્તા’ કે ખુશખબર ફેલાવી, જે ઈશ્વરની અપાર કૃપાને બતાવતી હતી? પાઊલે એફેસસનાં ભાઈ-બહેનોને જણાવ્યું: ‘ઈશ્વરની જે કૃપાનું દાન તમારે માટે મને આપવામાં આવ્યું છે, તેના કારભાર વિશે’ તમે કદાચ સાંભળ્યું છે. (એફે. ૩:૧, ૨) ઈસુએ પાઊલને એવા લોકોને ખુશખબર જણાવવાનું કહ્યું હતું, જેઓ યહુદી ન હતા. કારણ કે, હવે બીજી પ્રજાના લોકો માટે પણ ઈસુના રાજ્યનો ભાગ બનવાનું શક્ય બન્યું હતું. (એફેસી ૩:૫-૮ વાંચો.) પાઊલે ખુશખબર ફેલાવવામાં જોરદાર ઉત્સાહ બતાવ્યો અને આજના ઈશ્વરભક્તો માટે સારું ઉદાહરણ બેસાડ્યું. તેમણે બતાવ્યું કે, તેમના જીવનમાં ઈશ્વરની કૃપા “નિષ્ફળ નીવડી નથી” કે નકામી ગઈ નથી.
ઈશ્વરની અપાર કૃપા શું તમને પ્રેરે છે?
૪, ૫. રાજ્યની સુવાર્તા કઈ રીતે ‘ઈશ્વરની કૃપાની સુવાર્તા’ પણ છે?
૪ આ અંતના સમયમાં યહોવાના ભક્તો પાસે એક મહત્ત્વની સોંપણી છે. તેઓએ “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં” ફેલાવવાની છે. (માથ. ૨૪:૧૪) રાજ્યની આ સુવાર્તા ‘ઈશ્વરની કૃપાની સુવાર્તા’ પણ છે. આપણે શા માટે એમ કહી શકીએ? કારણ કે, ઈશ્વરના રાજ્યમાં મળનારા આશીર્વાદો યહોવાની અપાર કૃપાને લીધે જ મળવાના છે. (એફે. ૧:૩) ઉત્સાહથી પ્રચારકામ કરીને પાઊલે યહોવાની અપાર કૃપા માટે કદર વ્યક્ત કરી હતી. શું આપણે પાઊલના દાખલાને અનુસરી રહ્યા છીએ?—રોમનો ૧:૧૪-૧૬ વાંચો.
૫ ગયા લેખમાં આપણે શીખ્યા કે, પાપી હોવા છતાં આપણે કઈ રીતે યહોવાની અપાર કૃપામાંથી ફાયદો મેળવી શકીએ. એ કૃપાને લીધે આપણે ઘણા બધા આશીર્વાદોનો આનંદ માણી રહ્યા છીએ. હવે, આપણી જવાબદારી કઈ છે? આપણે બીજાઓને શીખવવાનું છે કે યહોવા કઈ રીતે પ્રેમ બતાવે છે અને એમાંથી તેઓ કઈ રીતે ફાયદો મેળવી શકે. બીજાઓ પણ ઈશ્વરની અપાર કૃપાની કદર કરે એ માટે આપણે કઈ રીતે તેઓને મદદ કરી શકીએ?
ઈસુના બલિદાન વિશેની ખુશખબર ફેલાવો
૬, ૭. આપણે ઈસુના બલિદાન વિશે જણાવીને કઈ રીતે ઈશ્વરની કૃપાની સુવાર્તા ફેલાવીએ છીએ?
૬ આજે, ઘણા લોકો પાપ કરે છે ત્યારે તેઓનું દિલ ડંખતું નથી. એટલે, તેઓ સમજી નથી શકતા કે તેઓને શા માટે ઈસુના બલિદાનની જરૂર છે. એ જ સમયે, મોટા ભાગના લોકોને અહેસાસ છે કે પોતાની હાલની જીવનઢબથી તેઓને કોઈ ખુશી મળતી નથી. તેઓ યહોવાના સાક્ષીઓને ન મળે ત્યાં સુધી જાણતા નથી કે, પાપ શું છે, એની કેવી અસર થાય છે અને એની ગુલામીમાંથી છૂટવા શું કરવું જોઈએ. એક વાર તેઓ સમજી જાય કે પાપ શું છે, પછી નમ્ર હૃદયના લોકો યહોવાનો આભાર માનવા પ્રેરાય છે. કારણ કે, યહોવાએ પોતાના દીકરાને પૃથ્વી પર મોકલ્યા, જેથી આપણને બધાને પાપ અને મરણની ગુલામીમાંથી છોડાવી શકે. યહોવાએ પોતાના અખૂટ પ્રેમ અને અપાર કૃપાને લીધે એમ કર્યું છે.—૧ યોહા. ૪:૯, ૧૦.
૭ ધ્યાન આપો કે, પાઊલે યહોવાના વહાલા દીકરા ઈસુ વિશે શું કહ્યું. તેમણે કહ્યું: “એનામાં, એના લોહી દ્વારા, તેની [યહોવાની] કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે.” (એફે. ૧:૭) ઈસુનું બલિદાન યહોવાના પ્રેમની સૌથી મોટી સાબિતી છે. એનાથી એ પણ દેખાઈ આવે છે કે યહોવાની અપાર કૃપા કેટલી મહાન છે! એ જાણીને ખૂબ રાહત મળે છે કે, જો આપણે ઈસુના બલિદાનમાં શ્રદ્ધા બતાવીશું, તો આપણને પાપની માફી મળશે અને આપણું અંતઃકરણ શુદ્ધ રાખી શકીશું. (હિબ્રૂ ૯:૧૪) સાચે જ, આ એક ખુશખબર છે, જે આપણે બીજાઓને જણાવવી જોઈએ.
ઈશ્વરના મિત્ર બનવા લોકોને મદદ કરો
૮. પાપી માણસોને શા માટે ઈશ્વર સાથે સમાધાન કરવાની જરૂર છે?
૮ જો લોકો ઈસુના બલિદાનમાં વિશ્વાસ નહિ મૂકે, તો ઈશ્વર તેઓને પોતાના દુશ્મન ગણશે. તેથી, આપણી જવાબદારી છે કે આપણે તેઓને જણાવીએ કે, તેઓ ઈશ્વરના મિત્ર બની શકે છે. પ્રેરિત યોહાને લખ્યું: “દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરાનું જે નથી માનતો, તે જીવન નહિ દેખશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.” (યોહા. ૩:૩૬) આપણે એ જાણીને ખુશ છીએ કે, ખ્રિસ્તના બલિદાનને લીધે ઈશ્વર સાથે દોસ્તી બાંધવી શક્ય બન્યું છે. એ વિશે પાઊલે આમ લખ્યું: ‘તમે અગાઉ ઈશ્વરથી દૂર હતા, અને દુષ્ટ કામોથી તમારા મનમાં તેના દુશ્મનો હતા, પણ ઈસુએ હમણાં પોતાના હાડમાંસના શરીરમાં મરણ વડે તમારું સમાધાન કરાવ્યું છે.’—કોલો. ૧:૨૧, ૨૨.
૯, ૧૦. (ક) ઈસુએ અભિષિક્તોને કઈ જવાબદારી સોંપી? (ખ) “બીજાં ઘેટાં” કઈ રીતે અભિષિક્તોને મદદ કરે છે?
૯ ઈસુએ પોતાના પૃથ્વી પરના અભિષિક્ત ભાઈઓને “સમાધાન પ્રગટ કરવાની સેવા” સોંપી છે. પાઊલે એ સમયના અભિષિક્તોને જણાવ્યું હતું: “સર્વ ઈશ્વર તરફથી છે, જેણે ખ્રિસ્તની મારફતે આપણું સમાધાન પોતાની સાથે કરાવ્યું, અને સમાધાન પ્રગટ કરવાની સેવા અમને સોંપી; એટલે, ઈશ્વર ખ્રિસ્તમાં પોતાની સાથે જગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધ તેઓને લેખે ગણતો નથી, અને તેણે અમને સમાધાનનો સંદેશો સોંપેલો છે. એ માટે અમે ખ્રિસ્તના એલચી છીએ, જાણે કે ઈશ્વર અમારી મારફતે વિનંતી કરતો હોય તેમ; અમે ખ્રિસ્ત તરફથી તમારી આજીજી કરીએ છીએ કે, ઈશ્વરની સાથે સમાધાન કરો.”—૨ કોરીં. ૫:૧૮-૨૦.
૧૦ એ સુવાર્તા ફેલાવવામાં અભિષિક્તોને સાથ આપવાનો “બીજાં ઘેટાં” પાસે અજોડ લહાવો છે. (યોહા. ૧૦:૧૬) ખ્રિસ્તના “એલચી” કે સંદેશવાહકો તરીકે મોટા ભાગનું સેવાકાર્ય “બીજાં ઘેટાં”ના લોકો કરે છે. તેઓ ખુશખબર ફેલાવે છે, બીજાઓને બાઇબલ સત્ય શીખવે છે અને યહોવા સાથે ગાઢ સંબંધ બાંધવા મદદ કરે છે. ઈશ્વરની અપાર કૃપાની સુવાર્તા ફેલાવવાનો એ મહત્ત્વનો ભાગ છે.
ઈશ્વર પ્રાર્થના સાંભળે છે એ વિશે લોકોને જણાવો
૧૧, ૧૨. લોકો યહોવાને પ્રાર્થના કરી શકે છે, એ જાણવું તેઓ માટે કેમ એક ખુશખબર છે?
૧૧ મોટા ભાગના લોકો પોતાને સારું લાગે એ માટે પ્રાર્થના કરે છે. જોકે, તેઓ એમ નથી માનતા કે ઈશ્વર તેઓની પ્રાર્થના સાંભળે છે. તેઓને એ જાણવાની જરૂર છે કે, ઈશ્વર યહોવા “પ્રાર્થનાના સાંભળનાર” છે. ઈશ્વરભક્ત દાઊદે લખ્યું: “હે પ્રાર્થનાના સાંભળનાર, તારી પાસે સર્વ લોક આવશે. ભૂંડાઈની વાતો મારા પર જય પામે છે; અમારાં ઉલ્લંઘનો તું નિવારશે.”—ગીત. ૬૫:૨, ૩.
૧૨ ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “જો તમે મારે નામે કંઈ મારી પાસે માગશો, તો તે હું કરીશ.” (યોહા. ૧૪:૧૪) એનો અર્થ થાય કે, આપણે યહોવાની ઇચ્છા મુજબ પ્રાર્થનામાં “કંઈ” પણ માંગી શકીએ છીએ. યોહાને લખ્યું હતું: “તેના વિશે આપણને જે હિંમત છે તે એ કે જો આપણે તેની ઇચ્છા પ્રમાણે કંઈ માગીએ, તો તે આપણું સાંભળે છે.” (૧ યોહા. ૫:૧૪) કેટલું સારું થશે કે, આપણે લોકોને એ સમજવા મદદ કરીએ કે પ્રાર્થના ફક્ત આપણને સારું લાગે એ માટે નથી; પણ પ્રાર્થના દ્વારા આપણે યહોવાના “કૃપાસનની” આગળ દિલ ઠાલવી શકીએ છીએ. (હિબ્રૂ ૪:૧૬) આપણે જ્યારે લોકોને શીખવીએ છીએ કે, પ્રાર્થના કઈ રીતે કરવી, કોને કરવી અને શા માટે કરવી, ત્યારે આપણે તેઓને યહોવાના મિત્ર બનવા મદદ કરીએ છીએ. તેમ જ, મુશ્કેલ સંજોગોમાં તેઓને દિલાસો મેળવવા મદદ કરીએ છીએ.—ગીત. ૪:૧; ૧૪૫:૧૮.
નવી દુનિયામાં ઈશ્વરની અપાર કૃપા
૧૩, ૧૪. (ક) અભિષિક્તોને ભાવિમાં કયો અદ્ભુત લહાવો મળશે? (ખ) અભિષિક્તો માનવજાત માટે કેવા મહાન કામો કરશે?
૧૩ યહોવા “આવતા યુગોમાં” એટલે કે, નવી દુનિયામાં હજી પણ વધારે પોતાની અપાર કૃપા બતાવશે. કઈ રીતે? ઈસુ સાથે રાજ કરનાર ૧,૪૪,૦૦૦ લોકોને યહોવા એક જોરદાર લહાવો આપશે. એ લહાવા વિશે પાઊલે આમ સમજાવ્યું હતું: “ઈશ્વર, જે કરુણાથી ભરપૂર છે, તેણે આપણા પર પ્રેમ રાખ્યો, તેના અત્યંત પ્રેમને લીધે, આપણે પાપમાં મૂએલા હતા ત્યારે તેણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા (કૃપાથી તમે તારણ પામેલા છો), અને સાથે ઉઠાડ્યા, ને ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તેની સાથે બેસાડ્યા; જેથી આપણા પરની તેની દયાને લીધે તે આવતા યુગોમાં ખ્રિસ્ત ઈસુમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત દેખાડે.”—એફે. ૨:૪-૭.
૧૪ અભિષિક્તો ઈસુ સાથે સ્વર્ગમાંથી રાજ કરશે, એ માટે યહોવા જે કરવાના છે, એ આપણી કલ્પના બહાર છે. (લુક ૨૨:૨૮-૩૦; ફિલિ. ૩:૨૦, ૨૧; ૧ યોહા. ૩:૨) યહોવા “પોતાની કૃપાની અતિ ઘણી સંપત” અભિષિક્તો પર વરસાવશે. તેઓ “નવું યરૂશાલેમ” એટલે કે ખ્રિસ્તની કન્યા બનશે. (પ્રકટી. ૩:૧૨; ૧૭:૧૪; ૨૧:૨, ૯, ૧૦) તેઓ ઈસુ સાથે મળીને “પ્રજાઓને નિરોગી” કરશે. તેઓ આખી માણસજાતને પાપ અને મરણની ગુલામીમાંથી આઝાદ કરશે અને તેઓને સંપૂર્ણ બનવા મદદ કરશે.—પ્રકટીકરણ ૨૨:૧, ૨, ૧૭ વાંચો.
૧૫, ૧૬. યહોવા ભવિષ્યમાં કઈ રીતે “બીજાં ઘેટાં”ને પોતાની અપાર કૃપા બતાવશે?
૧૫ એફેસી ૨:૭ જણાવે છે કે, ઈશ્વર “આવતા યુગોમાં” અપાર કૃપા બતાવશે. એ સમયે પૃથ્વી પરની દરેક વ્યક્તિ ઈશ્વરની “કૃપાની અતિ ઘણી સંપત”નો અનુભવ કરશે. (લુક ૧૮:૨૯, ૩૦) જેઓ મરણની ઊંઘમાં છે, તેઓ ‘કબરમાંથી’ પાછા આવશે અને એ યહોવાની અપાર કૃપાનો સૌથી મહાન પુરાવો હશે. (અયૂ. ૧૪:૧૩-૧૫; યોહા. ૫:૨૮, ૨૯) કયા લોકોને પાછા જીવતા કરવામાં આવશે? ઈસુના મરણ પહેલાં મૃત્યુ પામેલા વફાદાર ભક્તોને ઉઠાડવામાં આવશે. તેમ જ, છેલ્લા દિવસોમાં મરણપર્યંત વફાદાર રહ્યા હોય એવા “બીજાં ઘેટાં”ના લોકોને પણ પાછા જીવતા કરવામાં આવશે. એ બધા ઈશ્વરભક્તોને સજીવન કરવામાં આવશે, જેથી તેઓ યહોવાની ભક્તિમાં લાગુ રહી શકે.
૧૬ જેઓને મરતા સુધી યહોવા વિશે જાણવાનો મોકો નથી મળ્યો, એવા કરોડો લોકોને પણ પાછા જીવતા કરવામાં આવશે. યોહાને લખ્યું: “મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વને, ઈશ્વરની સમક્ષ ઊભાં રહેલાં જોયાં; અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં, અને એક બીજું પુસ્તક જે જીવનનું પુસ્તક છે તે પણ ઉઘાડવામાં આવ્યું; તે પુસ્તકોમાં જે જે લખેલું હતું તે પરથી મૂએલાંઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. સમુદ્રે પોતાનામાં જેઓ મૂએલાં હતાં તેઓને પાછાં આપ્યાં; અને મરણે તથા હાડેસે પણ પોતાનામાં જેઓ મૂએલાં હતાં, તેઓને પાછાં આપ્યાં; અને દરેકનો ન્યાય તેની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો.” (પ્રકટી. ૨૦:૧૨, ૧૩) સજીવન થયેલા લોકોને યહોવા વિશે શીખવાની અને નિયમો પાળવાની તક આપવામાં આવશે. તેઓએ બાઇબલ સિદ્ધાંતો અને નવાં “પુસ્તકો”માં લખેલા માર્ગદર્શન વિશે શીખવું પડશે અને એને જીવનમાં લાગુ પાડવું પડશે. એ નવા માર્ગદર્શન દ્વારા પણ યહોવા પોતાની અપાર કૃપા બતાવશે.
ખુશખબર ફેલાવતા રહો
૧૭. પ્રચાર કરતી વખતે આપણે શું યાદ રાખવું જોઈએ?
૧૭ અંત ખૂબ જ નજીક છે. તેથી, રાજ્યની ખુશખબર ફેલાવવી ખૂબ જ મહત્ત્વનું છે. અરે, પહેલાં કરતાં પણ વધુ મહત્ત્વનું છે! (માર્ક ૧૩:૧૦) આપણે યાદ રાખવું જોઈએ કે, પ્રચાર કરવાનો આપણો હેતુ યહોવાને મહિમા આપવાનો છે. આપણે એમ કઈ રીતે કરી શકીએ? આપણે લોકોને કહી શકીએ કે, નવી દુનિયામાં આપણે જે આશીર્વાદોનો આનંદ માણીશું, એ યહોવાની અપાર કૃપાને લીધે જ શક્ય છે.
“ઈશ્વરની કૃપાના સારા કારભારીઓ તરીકે” ઉત્સાહથી સેવાકાર્ય કરીએ.—૧ પીત. ૪:૧૦ (ફકરા ૧૭-૧૯ જુઓ)
૧૮, ૧૯. આપણે કઈ રીતે યહોવાની અપાર કૃપાનો મહિમા પ્રગટ કરીએ છીએ?
૧૮ પ્રચારમાં આપણે લોકોને સમજાવી શકીએ કે, ઈસુના રાજમાં આખી માનવજાત તેમના બલિદાનને લીધે મળતા બધા આશીર્વાદો અનુભવશે. તેમ જ, તેઓ ધીરે ધીરે સંપૂર્ણ બનશે. બાઇબલ જણાવે છે: “સૃષ્ટિ પોતે પણ નાશના દાસત્વમાંથી મુક્ત થઈને ઈશ્વરનાં છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે.” (રોમ. ૮:૨૧) એ બધું યહોવાની અપાર કૃપાને કારણે જ શક્ય બનશે.
૧૯ પ્રકટીકરણ ૨૧:૪, ૫માં જણાવેલ અદ્ભુત વચન વિશે લોકોને જણાવવાનો આપણી પાસે લહાવો છે. એ વચન જણાવે છે: “તે [ઈશ્વર] તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.” રાજ્યાસન પર બેઠેલા યહોવાએ કહ્યું: “જુઓ, હું સઘળું નવું બનાવું છું.” પછી તેમણે કહ્યું: “તું લખ; કેમ કે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે.” જ્યારે આપણે બીજાઓને ઉત્સાહથી આ ખુશખબર જણાવીએ છીએ, ત્યારે આપણે સાચે જ યહોવાની અપાર કૃપાનો મહિમા પ્રગટ કરીએ છીએ.
^ [૧] (ફકરો ૧) આ લેખમાં જ્યારે બાઇબલની કલમમાં “કૃપા” શબ્દ આવે, ત્યારે એ ઈશ્વરની “અપાર કૃપા”ને દર્શાવે છે.