વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w16 જુલાઈ પાન ૩૧-પાન ૩૨ ફકરો ૬
  • વાચકો તરફથી પ્રશ્નો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વાચકો તરફથી પ્રશ્નો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • સરખી માહિતી
  • ‘હું તેઓને એક પ્રજા બનાવીશ’
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • બે લાકડીઓને એક કરવામાં આવી
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • “તમે જીવતા થશો”
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • હું એક ઘેટાંપાળકને પસંદ કરીશ
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
w16 જુલાઈ પાન ૩૧-પાન ૩૨ ફકરો ૬
હઝકીએલના હાથમાં બે લાકડી છે

વાચકો તરફથી પ્રશ્નો

હઝકીએલના ૩૭મા અધ્યાયમાં બે લાકડીઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને એક કરવામાં આવી, એનો શો અર્થ થાય?

પ્રબોધક હઝકીએલ દ્વારા યહોવાએ ભાખ્યું હતું કે, તેમના લોકો વચનના દેશમાં પાછા આવશે અને એક રાષ્ટ્ર તરીકે ફરીથી એકતામાં આવશે. એ ભવિષ્યવાણીમાં એવું પણ જણાવ્યું હતું કે છેલ્લા દિવસોમાં ઈશ્વરની ભક્તિ કરતા લોકો એક પ્રજા તરીકે એકતામાં આવશે.

યહોવાએ હઝકીએલ પ્રબોધકને બે લાકડી પર લખવા જણાવ્યું હતું. એક લાકડી પર લખવાનું હતું કે, “આ યહુદાને માટે તથા તેના સાથી ઈસ્રાએલીઓને માટે.” તેમ જ, બીજી લાકડી પર તેમણે લખવાનું હતું કે, “આ એફ્રાઈમની લાકડી જે યુસફ તથા તેના સાથી ઈસ્રાએલના તમામ લોકોને માટે.” એ બંને લાકડીઓ હઝકીએલના હાથમાં “એક લાકડી” બનવાની હતી.—હઝકી. ૩૭:૧૫-૧૭.

“એફ્રાઈમ” શબ્દનો શો અર્થ થાય? એફ્રાઈમનું કુળ ઈસ્રાએલના દસ કુળથી બનેલા ઉત્તરના રાજ્યનું સૌથી શક્તિશાળી કુળ હતું. હકીકતમાં તો, એ રાજ્યના સૌ પ્રથમ રાજા યરોબઆમ હતા, જે એફ્રાઈમના કુળના હતા. (પુન. ૩૩:૧૩, ૧૭; ૧ રાજા. ૧૧:૨૬) યુસફના પુત્ર એફ્રાઈમ દ્વારા એ કુળ આવ્યું હતું. (ગણ. ૧:૩૨, ૩૩) યુસફને તેમના પિતા યાકૂબ દ્વારા ખાસ આશીર્વાદ મળ્યો હતો. એટલા માટે, દસ કુળથી બનેલું ઉત્તરનું રાજ્ય “એફ્રાઈમની લાકડી”ને રજૂ કરે એ યોગ્ય હતું. હઝકીએલે ભવિષ્યવાણી કરી એનાં ઘણાં વર્ષો પહેલાં, ઈસવીસન પૂર્વે ૭૪૦માં આશ્શૂરીઓએ ઈસ્રાએલના ઉત્તરના રાજ્યને જીતી લીધું હતું અને ત્યાંના લોકોને બંદી બનાવીને લઈ ગયા હતા. (૨ રાજા. ૧૭:૬) વર્ષો પછી બાબેલોનીઓએ આશ્શૂરીઓને હરાવ્યા. તેથી, હઝકીએલે બે લાકડીઓ વિશેની ભવિષ્યવાણી કરી ત્યારે, મોટા ભાગના ઈસ્રાએલીઓ બાબેલોનના આખા સામ્રાજ્યમાં વિખેરાઈ ગયા હતા.

ઈ.સ. પૂર્વે ૬૦૭માં બાબેલોનીઓએ બે કુળથી બનેલા દક્ષિણના રાજ્ય એટલે કે યહુદાના રાજ્ય પર જીત મેળવી અને લોકોને બાબેલોન લઈ ગયા. તેઓ ઈસ્રાએલના ઉત્તરના રાજ્યના બચી ગયેલા લોકોને પણ લઈ ગયા હોય શકે. દક્ષિણના રાજ્યના રાજાઓ યહુદાના કુળના હતા. યાજકો પણ યહુદાહમાં રહેતા હતા, કારણ કે તેઓ યરૂશાલેમના મંદિરમાં સેવા કરતા હતા. (૨ કાળ. ૧૧:૧૩, ૧૪; ૩૪:૩૦) એટલા માટે, એ યોગ્ય હતું કે ‘યહુદાની લાકડી’ બે કુળથી બનેલા દક્ષિણના રાજ્યને રજૂ કરે.

એ બે લાકડીઓને ક્યારે ભેગી કરવામાં આવી? એ ઈ.સ. પૂર્વે ૫૩૭માં બન્યું, જ્યારે ઉત્તર અને દક્ષિણના રાજ્યના આગેવાનો મંદિર ફરી બાંધવા બાબેલોનથી યરૂશાલેમ પાછા ફર્યા. ઈસ્રાએલ રાષ્ટ્ર ફરી એક વખત એકતામાં આવ્યું અને એણે ભેગા મળીને યહોવાની ભક્તિ કરી. (હઝકી. ૩૭:૨૧, ૨૨) પ્રબોધક યશાયા અને યિર્મેયાએ પણ એ એકતા વિશે ભાખ્યું હતું.—યશા. ૧૧:૧૨, ૧૩; યિર્મે. ૩૧:૧, ૬, ૩૧.

હઝકીએલની ભવિષ્યવાણીએ શુદ્ધ ભક્તિ વિશે શું જણાવ્યું હતું? એ જ કે, જે લોકો યહોવાની ભક્તિ કરે છે તેઓને યહોવા “એક” કરશે. (હઝકી. ૩૭:૧૮, ૧૯) શું એ વચન આજના સમયમાં સાચું પડ્યું છે? હા. એ ભવિષ્યવાણી પૂરી થવાની શરૂઆત ૧૯૧૯માં થઈ. એ પહેલાં, શેતાને કોશિશ કરી હતી કે ઈશ્વરના લોકોમાં હંમેશ માટે ભાગલા પડી જાય. પણ, ૧૯૧૯માં તેઓને ધીમે-ધીમે સંગઠિત કરવામાં આવ્યા અને ફરી એકતામાં લાવવામાં આવ્યા.

એ સમયના મોટા ભાગના ઈશ્વરભક્તોને આશા હતી કે, તેઓ સ્વર્ગમાં ઈસુ સાથે રાજા અને યાજકો બનશે. (પ્રકટી. ૨૦:૬) તેઓ યહુદાની લાકડી જેવા હતા. જોકે, એ સમયે થોડા લોકો એવા પણ હતા, જેઓને પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા હતી. સમય પસાર થતો ગયો તેમ, પૃથ્વીની આશા રાખનાર લોકોની સંખ્યામાં વધારો થતો ગયો. (ઝખા. ૮:૨૩) તેઓ યુસફની લાકડી જેવા હતા.

આજે એ બંને સમૂહો ભેગા મળીને યહોવાની ભક્તિ કરે છે. તેઓના એક જ રાજા છે, ઈસુ ખ્રિસ્ત. હઝકીએલની ભવિષ્યવાણીમાં ઈસુને ‘મારા સેવક દાઊદ’ કહેવામાં આવ્યા છે. (હઝકી. ૩૭:૨૪, ૨૫) ઈસુએ શિષ્યો માટે યહોવાને પ્રાર્થના કરી: ‘તેઓ બધા એક થાય; હે પિતા, જેમ તમે મારામાં અને હું તમારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય.’a (યોહા. ૧૭:૨૦, ૨૧) ઈસુએ એમ પણ ભાખ્યું હતું કે, અભિષિક્તોની નાની ટોળી અને “બીજાં ઘેટાં” ભેગા મળીને “એક ટોળું” થશે. તેઓ બધા “એક ઘેટાંપાળક”ને અનુસરશે. (યોહા. ૧૦:૧૬) ઈસુએ કહ્યું હતું તેમ, આજે બધા જ ઈશ્વરભક્તો એકતામાં રહે છે, પછી ભલેને તેઓને સ્વર્ગની આશા હોય કે પૃથ્વીની.

પ્રાચીન સમયમાં અને છેલ્લા દિવસોમાં બંને લાકડી એક બની

a ઈસુએ જ્યારે છેલ્લા દિવસોની નિશાની વિશે જણાવ્યું હતું, ત્યારે તેમણે શિષ્યોને ઘણાં ઉદાહરણો પણ આપ્યાં. એ નોંધપાત્ર છે કે તેમણે સૌથી પહેલા “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર”ની વાત કરી હતી. (માથ. ૨૪:૪૫-૪૭) એ અભિષિક્ત ભાઈઓથી બનેલો નાનો સમૂહ છે, જે ઈશ્વરભક્તોને દોરવામાં આગેવાની લે છે. ત્યાર બાદ તેમણે એવાં ઉદાહરણો આપ્યાં, જે બધા અભિષિક્તોને લાગુ પડે છે. (માથ. ૨૫:૧-૩૦) છેલ્લે, તેમણે એવા લોકો વિશે વાત કરી, જેઓ અભિષિક્તોને ટેકો આપશે અને પૃથ્વી પર હંમેશ માટે જીવશે. (માથ. ૨૫:૩૧-૪૬) એવી જ રીતે, આપણા સમયમાં હઝકીએલની ભવિષ્યવાણી પૂરી થવા લાગી ત્યારે, સૌ પ્રથમ એ લોકોને લાગુ પડી જેઓ સ્વર્ગમાં જીવવાની આશા રાખે છે. ખરું કે, ઈસ્રાએલના દસ કુળ મોટા ભાગના કિસ્સામાં પૃથ્વી પર હંમેશ જીવવાની આશા રાખનાર લોકોને રજૂ કરતા નથી. પણ, એ ભવિષ્યવાણીમાં જણાવેલી એકતા, પૃથ્વીની આશા ધરાવતા લોકો અને સ્વર્ગની આશા ધરાવતા લોકો વચ્ચે રહેલી એકતાની યાદ અપાવે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો