વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w09 ૯/૧ પાન ૧૩-૧૭
  • ઈસુની જેમ હિંમતથી આજ્ઞા પાળીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુની જેમ હિંમતથી આજ્ઞા પાળીએ
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • અપૂર્ણ હોવા છતાં આજ્ઞા પાળી શકીએ
  • હિંમત બતાવવા ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો
  • ઈસુના દાખલામાંથી હિંમત રાખતા શીખો
  • ઈસુ જેવો વિશ્વાસ અને હિંમત બતાવો
  • ‘બળવાન તથા હિંમતવાન થાઓ!’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • હિંમતવાન બનો અને યહોવાનું કામ પૂરું કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • ‘બળવાન તથા બહુ હિંમતવાન થાઓ’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • હિંમતવાન થાઓ યહોવા તમારી સાથે છે!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
w09 ૯/૧ પાન ૧૩-૧૭

ઈસુની જેમ હિંમતથી આજ્ઞા પાળીએ

“હિંમત રાખો; જગતને મેં જીત્યું છે.”—યોહાન ૧૬:૩૩.

૧. ઈસુએ ઘણું દુ:ખ સહન કરીને પણ શું કર્યું?

ઈસુ ખ્રિસ્ત હંમેશા યહોવાહની ઇચ્છા પ્રમાણે ચાલ્યા. આજ્ઞા તોડીને યહોવાહને દુઃખી કરવા વિષે તેમણે કદીયે વિચાર્યું નહિ. (યોહા. ૪:૩૪; હેબ્રી ૭:૨૬) પણ તેમણે આજ્ઞા પાળવા અનેક અઘરા સંજોગો સહન કર્યા. જેમ કે, ઈસુએ ઈશ્વરનો સંદેશો ફેલાવવાનું શરૂ કર્યું ત્યારે વિરોધીઓ અને શેતાને તેમનું પરીક્ષણ કર્યું. તેમના પર લાલચો અને દબાણ લાવ્યા. (માથ. ૪:૧-૧૧; લુક ૨૦:૨૦-૨૫) એનાથી ઈસુને અમુક વખતે મનની શાંતિ ન હતી. તેમણે મારપીટ સહન કરી. છેવટે ઈસુને રિબાવી રિબાવીને વંધસ્તભ પર મારી નાખ્યા. (માથ. ૨૬:૩૭, ૩૮; લુક ૨૨:૪૪; યોહા. ૧૯:૧, ૧૭, ૧૮) આ બધું સહન કરીને પણ ઈસુ ‘મરણ સુધી યહોવાહને આધીન’ રહ્યા.—ફિલિપી ૨:૮ વાંચો.

૨, ૩. ઈસુ ઘણું બધું સહન કરીને પણ આધીન રહ્યા એમાંથી આપણને શું શીખવા મળે છે?

૨ ખરું કે ઈસુ સ્વર્ગમાં હતા ત્યારે યહોવાહને આધીન હતા. પણ પૃથ્વી પરના મુશ્કેલ સંજોગમાં તે વધારે આજ્ઞા પાળવાનું શીખ્યા. (હેબ્રી ૫:૮) જોકે ઈસુ અને યહોવાહ અબજો વર્ષો સાથે હતા. યહોવાહે સૃષ્ટિનું સર્જન કરવા “કુશળ કારીગર” ઈસુનો ઉપયોગ કર્યો. એટલે આપણને લાગે કે ઈસુએ સ્વર્ગમાં જ આજ્ઞાપાલન શીખી લીધું હશે. (નીતિ. ૮:૩૦) પણ પૃથ્વી પર આવ્યા ત્યારે સખત કસોટી સહન કરીને ઈસુએ પુરાવો આપ્યો કે તે કદીયે યહોવાહને છોડશે નહિ અને આજ્ઞા તોડશે નહિ. તેમનો સંબંધ યહોવાહ સાથે વધારે ગાઢ બન્યો. એમાંથી પણ આપણે કંઈ શીખી શકીએ છીએ.

૩ યહોવાને આધીન રહેવા ઈસુએ પોતાની શક્તિ પર આધાર રાખ્યો ન હતો. પણ શક્તિ માટે તે યહોવાહને પ્રાર્થના કરતા હતા. (હેબ્રી ૫:૭ વાંચો.) ઈસુની જેમ યહોવાહને આધીન રહેવા આપણે પણ નમ્ર દિલથી પ્રાર્થના કરવી જોઈએ. એ માટે પાઊલે આપણને સલાહ આપી કે ‘ખ્રિસ્ત ઈસુના જેવું મન તમે પણ રાખો.’ તેમણે તો ‘વધસ્તંભના મરણને, આધીન થઈને, પોતાને નમ્ર કર્યા.’ (ફિલિ. ૨:૫-૮) ઈસુનું પૃથ્વી પરનું જીવન શું પુરાવો આપે છે? એ જ કે આપણે પણ વિરોધનો સામનો કરીને યહોવાની આજ્ઞા પાળી શકીએ છીએ. પણ તમને થશે કે ઈસુ તન-મનથી પવિત્ર હતા એટલે યહોવાહને આધીન રહ્યા. આપણે કઈ રીતે યહોવાહને આધીન રહી શકીએ?

અપૂર્ણ હોવા છતાં આજ્ઞા પાળી શકીએ

૪. યહોવાએ ખરું-ખોટું પારખવાની શક્તિ આપી છે એનાથી આપણે શું કરી શકીએ છીએ?

૪ યહોવાહે આદમ અને હવાને ખરું-ખોટું પારખવાનું જ્ઞાન આપ્યું હતું. તેઓ સમજી વિચારીને નિર્ણય લઈ શકતા હતા. આપણે તેઓના વંશજો હોવાથી ખરું-ખોટું પારખી શકીએ છીએ. સમજી વિચારીને નિર્ણય લઈ શકીએ છીએ. એટલે યહોવાહની આજ્ઞા પાળવી કે નહિ એ નિર્ણય લેવો આપણા હાથમાં છે. પણ હંમેશા યાદ રાખીએ કે ગમે તે નિર્ણય લઈએ એ માટે આપણે જવાબદાર છીએ. એટલે જીવન કે મરણ એ આપણે પસંદ કરવાનું છે. એટલું જ નહિ આપણા નિર્ણયની ભાઈ-બહેનો પર અસર પડી શકે.

૫. શા માટે યહોવાહની આજ્ઞા પાળવી મુશ્કેલ લાગી શકે? યહોવાહની આજ્ઞા પાળવા શું કરવું જોઈએ?

૫ આદમમાંથી મળેલા વારસોને લીધે આપણે યહોવાહને આધીન રહેવા ઘણા પ્રયત્નો કરવા પડે. તેમની આજ્ઞા પાળવી પણ મુશ્કેલ લાગી શકે છે. પાઊલને પણ એવું જ લાગ્યું હતું. તેમણે કહ્યું: “મારો જૂનો સ્વભાવ નવા સ્વભાવ સાથે લડાઈ કરે છે. એમાં જૂનો સ્વભાવ જીતે છે અને મને પાપનો ગુલામ બનાવે છે.” (રોમન ૭:૨૩, IBSI) ખરું કે જીવનમાં કોઈ ફેરફાર ન કરવા પડે કે દુઃખ-તકલીફ વિના યહોવાહની આજ્ઞા પાળવી સહેલી છે. પણ યહોવાહની આજ્ઞા પાળવી હોય ત્યારે “દૈહિક વાસના તથા આંખોની લાલસા” પણ હોય તો આપણે શું કરવું જોઈએ? આપણે અપૂર્ણ છીએ અને ‘જગતની ઝેરી’ હવાને લીધે ખરાબ વિચારો મનમાં આવી શકે. એ વિચારો આપણને ખોટે માર્ગે જતા લલચાવી શકે. (૧ યોહા. ૨:૧૬; ૧ કોરીં. ૨:૧૨) એટલે લાલચથી દૂર રહેવા આપણે ‘હૃદય તૈયાર’ કરવું જોઈએ. યહોવાહના કહેવા પ્રમાણે કરવાની મનમાં ગાંઠ વાળવી જોઈએ. (ગીત. ૭૮:૮) બાઇબલમાં ઘણા દાખલા છે જેઓએ યહોવાને આધીન રહેવા પોતાના હૃદય તૈયાર કર્યા હોય.—એઝ. ૭:૧૦; દાની. ૧:૮.

૬, ૭. સારા નિર્ણય લેવા પર્સનલ સ્ટડી કેવી રીતે મદદ કરે છે એ દાખલાથી સમજાવો?

૬ ‘હૃદય તૈયાર કરવા’ આપણે શું કરી શકીએ? બાઇબલ અને બાઇબલને લગતા બીજા સાહિત્યો પર મન લગાડીને અભ્યાસ કરવો જોઈએ. એનાથી કેવી મદદ મળે છે એ વિષે ચાલો એક દાખલો લઈએ. તમે પર્સનલ સ્ટડી પૂરી કરીને પ્રાર્થના કરો છે. એમાં તમે યહોવાહને કહો છો કે જે કંઈ શીખ્યા એ જીવનમાં લાગુ પાડવા મદદ કરે. તમને ખબર છે કે બીજા દિવસે તમે ટી.વી. પર એક ફિલ્મ જોવાના છો. તમે બીજાઓ પાસેથી આ ફિલ્મ વિષે ઘણું સારું સાંભળ્યું હશે. પણ એમાં ખૂન-ખરાબી અને અનૈતિક સીન છે.

૭ પછી તમે પાઊલે આપેલી આ સલાહનો વિચાર કરો છો: “વ્યભિચાર તથા સર્વ પ્રકારની મલિનતા અથવા લોભ, એઓનાં નામ સરખાં તમારે ન લેવાં, કેમકે સંતોને એજ શોભે છે.” (એફે. ૫:૩) એ પછી ફિલિપી ૪:૮નો વિચાર કરો છો (વાંચો). આ બન્‍ને સલાહ પર વિચાર કર્યા પછી તમને થાય છે કે ‘જો હું આ ફિલ્મ જોઈશ તો શું મારું મન સાફ રહેશે? શું ઈસુની જેમ હું યહોવાહને આધીન રહું છું?’ આવું વિચાર્યા પછી પણ શું તમે એ ફિલ્મ જોશો?

૮. યહોવાના નીતિ-નિયમો હલકા ન ગણીએ માટે શું કરી શકીએ?

૮ કદી પણ વિચારવું ન જોઈએ કે અનૈતિક અને હિંસક ફિલ્મો આપણને અસર નહીં કરે. જો આપણે એવી ફિલ્મો જોઈએ તો યહોવાહે આપેલા નીતિ-નિયમોને કદાચ હલકા ગણીએ છીએ. એવું ન થાય માટે આપણે પોતાને અને કુટુંબને શેતાનની લાલચોથી દૂર રાખવા જોઈએ. એ સમજવા કૉમ્પ્યુટરનો દાખલો લઈએ. આપણે કૉમ્પ્યુટરમાં વાઇરસ ન આવે માટે ઘણી સાવચેતી રાખીએ છીએ. કૉમ્પ્યુટરમાં વાઇરસ આવવાથી ફાઈલોને નુકસાન થઈ શકે. આપણું કૉમ્પ્યુટર નૅટવર્ક સાથે જોડાયેલું હશે તો, વાઇરસ બીજા કૉમ્પ્યુટરને પણ નુકસાન કરી શકે. એટલું જ નહિ ઘણી વખત તો વાઇરસ આખા કૉમ્પ્યુટરને નકામું બનાવી શકે. “શેતાનની કુયુક્તિઓ” પણ એક વાઇરસ છે. (એફે. ૬:૧૧) એટલે તે આપણામાં ન આવી જાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

૯. શા માટે યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવું જોઈએ?

૯ રોજ આપણે કોઈને કોઈ બાબતમાં નિર્ણયો લઈએ છીએ. એ વખતે આપણે પસંદ કરવું પડે છે કે યહોવાહની ઇચ્છા પ્રમાણે કરીશું કે નહિ. પણ યાદ રાખીએ કે તારણ મેળવવા આપણે યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવું જોઈએ. ઈસુની જેમ આપણે પણ ‘મરણ’ સુધી “આધીન” રહીશું તો, એ બતાવે છે કે આપણને યહોવાહમાં પૂરી શ્રદ્ધા છે. આપણે યહોવાને આધીન રહીશું તો, તે અમર જીવન આપશે. ઈસુએ કહ્યું “અંત સુધી જે કોઈ ટકશે તેજ તારણ પામશે.” (માથ. ૨૪:૧૩) તેથી આપણે ઈસુ જેવી હિંમત બતાવવી જોઈએ.—ગીત. ૩૧:૨૪.

હિંમત બતાવવા ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો

૧૦. કઈ બાબતો આપણને યહોવાહના માર્ગથી દૂર લઈ જઈ શકે? એ સંજોગોમાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ?

૧૦ દુનિયાનું વલણ અને વર્તનથી દૂર રહેવા આજે હિંમત રાખવી બહુ જરૂરી છે. આજે દુનિયાના લોકોને સંસ્કારની કંઈ પડી નથી. સમાજ આપણને ખોટું કરવા કે ખોટા રીત-રિવાજો પાળવા દબાણ કરે છે. પૈસા કમાવા દબાણ કરે છે. એટલું જ નહિ, અમુક ભાઈ-બહેનાનાં સગાં-વહાલા તેઓનો વિરોધ કરતા હોય છે. અમુક દેશોમાં સ્કૂલોમાં ઉત્ક્રાંતિ વિષે અને ઈશ્વર નથી એવું શીખવવામાં આવે છે. આ બધી બાબતો આપણને યહોવાહના માર્ગથી દૂર લઈ જઈ શકે. જો ધ્યાન ન રાખીએ તો એની આપણા પર અસર પડી શકે. એટલે એ બાબતોથી દૂર રહેવા આપણે પગલાં ભરવા જોઈએ. ચાલો જોઈએ કે ઈસુએ કેવાં પગલાં ભર્યા હતા.

૧૧. શા માટે ઈસુના દાખલા પર ધ્યાન આપવું જોઈએ?

૧૧ ઈસુએ શિષ્યોને જણાવ્યું: “જગતમાં તમને સંકટ છે; પણ હિંમત રાખો; જગતને મેં જીત્યું છે.” (યોહા. ૧૬:૩૩) ઈસુ દુનિયાની ખરાબ બાબતોથી દૂર રહ્યા. ગમે તેવા દબાણમાં પણ તે ઈશ્વરનો સંદેશો ફેલાવતા રહ્યાં. તેમણે યહોવાહના કોઈ પણ નીતિ-નિયમો પાળવામાં બાંધછોડ કરી નહિ. તેમણે ઈશ્વરની ભક્તિ શુદ્ધ રાખી. આપણે પણ એમ જ કરવું જોઈએ. એટલે પ્રાર્થનામાં એક વખતે ઈસુએ તેમના શિષ્યો વિષે કહ્યું: “જેમ હું જગતનો નથી, તેમ તેઓ જગતના નથી.” (યોહા. ૧૭:૧૬) ઈસુએ હિંમત બતાવવામાં સૌથી સારો દાખલો બેસાડ્યો છે. આપણે ઈસુના દાખલાને ધ્યાન આપવું જોઈએ. એનાથી આપણને પણ દુનિયાની ખરાબ બાબતોથી દૂર રહેવા હિંમત મળશે.

ઈસુના દાખલામાંથી હિંમત રાખતા શીખો

૧૨-૧૪. ઈસુએ કઈ રીતે હિંમત બતાવી? દાખલાથી સમજાવો.

૧૨ યહોવાએ ઈસુને અધિકાર આપ્યો હોવાથી તેમણે સેવાકાર્યમાં હિંમત બતાવી. જેમ કે, ઈસુ એક વખતે ‘ઈશ્વરના મંદિરમાં ગયા, ને મંદિરમાં જેઓ વેચતા તથા ખરીદતા હતા, તે સર્વને તેમણે કાઢી મૂક્યા. અને નાણાંવટીઓના બાજઠ, તથા કબૂતર વેચનારાઓના આસનો તેમણે ઊંધાં વાળ્યા.’ (માથ. ૨૧:૧૨) બીજો દાખલા લઈએ. ઈસુના મરણની છેલ્લી રાત્રે સૈનિકો તેમને પકડવા આવ્યા હતા. એ વખતે શિષ્યો ઈસુ સાથે હતા. ઈસુએ હિંમતથી શિષ્યોનું રક્ષણ કર્યું. તેમણે સૈનિકોને કહ્યું કે “હું તે છું; માટે જો તમે મને શોધતા હો તો આ માણસોને જવા દો.” (યોહા. ૧૮:૮) પછી ઈસુએ પીતરને કહ્યું કે તરવાર એક બાજુએ મૂકી દે. આ બનાવમાંથી જોવા મળે છે કે ઈસુનો ભરોસો હથિયારમાં નહિ પણ યહોવાહમાં હતો.—યોહા. ૧૮:૧૧.

૧૩ ઈસુએ હિંમતથી કઠણ દિલના ઢોંગી ધર્મગુરુઓને પણ ખુલ્લા પાડ્યા. તેમણે તેઓને કહ્યું: ‘ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમકે લોકોની સામે તમે આકાશનું રાજ્ય બંધ કરો છો. નિયમશાસ્ત્રની મોટી વાતો, એટલે ન્યાયકરણ તથા દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે. તમે થાળીવાટકો બહારથી સાફ કરો છો, પણ તેમની માંહે જુલમ તથા અન્યાય ભરેલા છે.’ (માથ. ૨૩:૧૩, ૨૩, ૨૫) ઈસુની જેમ શિષ્યોએ પણ હિંમત બતાવવાની હતી. કેમ કે ઢોંગી ધર્મગુરુઓ તેઓને સતાવવાના હતા. અમુકને મારી નાખવાના પણ હતા.—માથ. ૨૩:૩૪; ૨૪:૯.

૧૪ ઈસુએ દુષ્ટ દૂતોનો પણ હિંમતથી સામનો કર્યો. દાખલા તરીકે, એક માણસને દુષ્ટ દૂતો વળગેલા હતા. અરે તેને કોઈ સાંકળોથી પણ બાંધી શકતું ન હતું. પણ ઈસુએ હિંમતથી અને યહોવાહની શક્તિથી એ માણસમાંથી ખરાબ દૂતો બહાર કાઢ્યા. (માર્ક ૫:૧-૧૩) આજે એવા ચમત્કારો કરવા યહોવાહ આપણને શક્તિ આપતા નથી. ઈસુની જેમ આપણે પણ ઈશ્વરનો સંદેશો ફેલાવીએ ત્યારે શેતાનના ફાંદાઓનો સામનો કરવો પડે છે. કેમ કે, શેતાને “અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે.” (૨ કોરીં. ૪:૪) ઈસુના કિસ્સામાં હતું તેમ શેતાનના ફાંદાઓ સામે લડવા આપણું ‘હથિયાર સાંસારિક નથી. પણ ઈશ્વરની સહાયથી આપણે સમર્થ છીએ.’ ઈશ્વરની મદદથી આપણે ખોટું શિક્ષણ ખુલ્લું પાડીએ છીએ. (૨ કોરીં. ૧૦:૪) ઈશ્વરની સહાયથી આપણે પણ ઈસુની જેમ હિંમત બતાવી શકીએ.

૧૫. શું ઈસુએ પોતાના પર વિશ્વાસ રાખીને હિંમત બતાવી હતી?

૧૫ પોતે બહાદૂર છે એ દેખાડવા ઈસુએ હિંમત બતાવી ન હતી. યહોવાહ માટે પૂરી શ્રદ્ધા હતી એટલે હિંમત બતાવી હતી. (માર્ક ૪:૪૦) ઈસુની જેમ આપણે કેવી રીતે યહોવાહમાં પૂરો વિશ્વાસ રાખી શકીએ? એ માટે ચાલો જોઈએ કે ઈસુએ શું કર્યું. તેમની પાસે શાસ્ત્રનું જ્ઞાન હતું. એ શાસ્ત્રમાં તેમને પૂરો ભરોસો હતો. બીજાઓને ઈશ્વરનું જ્ઞાન શીખવવા તેમણે શાસ્ત્રનો ઉપયોગ કર્યો. એટલે ઘણી વાર ઉપદેશ આપતી વખતે તેમણે કહ્યું કે શાસ્ત્રમાં “એમ લખેલું છે.”a

૧૬. આપણે કેવી રીતે વિશ્વાસને મજબૂત કરી શકીએ?

૧૬ આપણે પણ ઈસુના શિષ્યો હોવાથી નાની-મોટી સતાવણી તો આવવાની જ. પણ એનો સામનો કરવા રોજ બાઇબલ વાંચવું જોઈએ. નિયમિત મિટિંગોમાં જવું જોઈએ. એમાંથી જે સત્ય શીખીએ છીએ એના પર મનન કરવું જોઈએ. જીવનમાં લાગુ પાડવું જોઈએ. સાથે સાથે આપણે પ્રાર્થના કરવી જોઈએ. આમ કરવાથી યહોવામાં આપણો વિશ્વાસ મજબૂત થશે. (રૂમી ૧૦:૧૭) વિશ્વાસ પણ ઈશ્વરની શક્તિનો એક ગુણ છે. (ગલા. ૫:૨૨) ફક્ત વિશ્વાસ જ આપણને હિંમત આપી શકે છે.—યાકૂ. ૨:૧૭

૧૭, ૧૮. સ્કૂલમાં કેટીએ કેવી રીતે હિંમત બતાવી?

૧૭ વિશ્વાસથી કેવી રીતે હિંમત મળે છે એ વિષે આપણે યુવાન કેટીનો અનુભવ જોઈએ. કેટી નાની હતી ત્યારથી જાણતી હતી કે સ્કૂલમાં મિત્રોને ઈશ્વરનો ‘સંદેશો જણાવતા શરમ લાગવી ન જોઈએ.’ એટલે તે ક્લાસમાં બધાને ઈશ્વરનો સંદેશો જણાવવા માંગતી હતી. (રૂમી ૧:૧૬) દર વર્ષે તે બીજાઓને સંદેશો જણાવવા ચાહતી હતી, પણ તેનામાં હિંમત ન હતી. અમુક વર્ષો પછી તેણે સ્કૂલ બદલી. કેટીએ કહ્યું કે ‘આ વખતે હું બધાને હિંમતથી ઈશ્વર વિષે જણાવીશ.’ કેટીએ પ્રાર્થના કરી કે તેને ઈસુ જેવી હિંમત મળે. તેમ જ, એવી તક મળે જેથી યહોવાનું નામ રોશન કરી શકે.

૧૮ કેટીને તેની પ્રાર્થનાનો જવાબ મળ્યો. કેમ કે, સ્કૂલના પહેલાં દિવસે બધા જ સ્ટુડન્ટ્‌સને પોતાની ઓળખ આપવાની હતી. શરૂઆતમાં ઘણા સ્ટુડન્ટ્‌સે પોતાની ઓળખ આપી અને જણાવ્યું કે તેઓ દરેકને ધર્મ તો છે પણ નામનો જ, તેઓ પોતાનો ધર્મ પાળતા નથી. હવે કેટીનો વારો આવ્યો ત્યારે તેણે હિંમતથી જણાવ્યું: ‘હું યહોવાહની સાક્ષી છું. હું તો બાઇબલ જે શીખવે છે એ પ્રમાણે કરું છું.’ કેટી આ જણાવતી હતી ત્યારે અમુક સ્ટુડન્ટ્‌સ બગાસા ખાતા હતા. બીજા અમુક તેનું ધ્યાનથી સાંભળતા હતા. પછીથી તેઓએ કેટીને એ વિષે ઘણા સવાલો પણ કર્યા. કેટીએ હિંમતથી પોતાના ધર્મ વિષે જણાવ્યું એટલે ટીચરે પણ તેના વખાણ કર્યા. કેટી ક્યારેય ભૂલશે નહિ કે ઈસુના દાખલામાંથી હિંમત બતાવવાનું શીખી.

ઈસુ જેવો વિશ્વાસ અને હિંમત બતાવો

૧૯. (ક) વિશ્વાસ રાખવો એટલે શું? (ખ) કેવી રીતે યહોવાહને આનંદ આપી શકીએ?

૧૯ પ્રેરિત પાઊલ પણ જાણતા હતા કે હિંમત બતાવવા વિશ્વાસ હોવો જરૂરી છે. એટલે જ તેમણે ઈસુને વિનંતી કરી કે “અમારો વિશ્વાસ વધાર.” (લુક ૧૭:૫, ૬ વાંચો.) વિશ્વાસ રાખવો એટલે ઈશ્વરમાં માનીએ એટલું જ પૂરતું નથી. જેમ એક બાળક અને પિતા વચ્ચે સંબંધ હોય છે, એવો જ ગાઢ સંબંધ આપણે યહોવાહ સાથે કેળવવો જોઈએ. સુલેમાન રાજાએ લખ્યું: “મારા દીકરા, જો તારૂં હૃદય જ્ઞાની થશે, તો મારૂં હૃદય હરખાશે; જ્યારે તારા હોઠો નેક વાત બોલશે, ત્યારે મારૂં અંતર હરખાશે.” (નીતિ. ૨૩:૧૫, ૧૬) નેક વાત બોલીને બતાવીએ છીએ કે આપણે યહોવાહના નીતિ-નિયમો દિલમાં ઉતાર્યા છે. યહોવાહને એ જાણીને આનંદ થાય છે. યહોવાહ આપણાથી ખુશ છે એનાથી હિંમત વધે છે. એટલે ચાલો હંમેશા ઈસુની જેમ હિંમતથી યહોવાહના નીતિ-નિયમો પાળીએ. (w09 9/15)

[ફુટનોટ્‌સ]

a આ કલમો જુઓ: માત્થી ૪:૪, ૭, ૧૦; ૧૧:૧૦; ૨૧:૧૩; ૨૬:૩૧; માર્ક ૯:૧૩; ૧૪:૨૭; લુક ૨૪:૪૬; યોહાન ૬:૪૫; ૮:૧૭.

તમે સમજાવી શકો?

• યહોવાહની આજ્ઞા પાળવા શું કરવું જોઈએ?

• આપણે કેવી રીતે યહોવાહમાં પૂરો વિશ્વાસ રાખી શકીએ? વિશ્વાસથી કેવી રીતે હિંમત મળે છે?

• ઈસુની જેમ યહોવાહની આજ્ઞા પાળીને હિંમત બતાવીશું તો શું પરિણામ આવશે?

[પાન ૧૫ પર ચિત્ર]

લાલચનો સામનો કરવા શું તમારું ‘હૃદય’ તૈયાર રાખો છો?

[પાન ૧૭ પર ચિત્ર]

ઈસુની જેમ હિંમત બતાવવા આપણે યહોવાહમાં પૂરો વિશ્વાસ રાખવાની જરૂર છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો