વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w16 ઑગસ્ટ પાન ૨૫-૨૯
  • બીજાઓને તાલીમ આપવી શા માટે જરૂરી છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બીજાઓને તાલીમ આપવી શા માટે જરૂરી છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • નવા લોકોને બાઇબલમાંથી અભ્યાસ કરતા શીખવો
  • પ્રચાર કરવાની અને બાઇબલમાંથી શીખવવાની તાલીમ આપો
  • ભાઈ-બહેનો પ્રત્યે પ્રેમ કેળવવાની તાલીમ આપો
  • તાલીમ આપવી ખૂબ મહત્ત્વનું છે
  • જવાબદારી નિભાવવા માટે યહોવાહ વડીલોને શીખવે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • વડીલો બીજાઓને જવાબદારી ઉપાડવાની તાલીમ આપો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • ભાઈઓને પ્રગતિ કરવા મદદ કરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • ખુશખબર જણાવવાની રીતો
    યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
w16 ઑગસ્ટ પાન ૨૫-૨૯
એક ભાઈ નવા પ્રકાશકને પ્રચારની તૈયારી કરવા મદદ કરે છે

બીજાઓને તાલીમ આપવી શા માટે જરૂરી છે?

“હું તમને ઉત્તમ બોધ આપું છું.”—નીતિ. ૪:૨.

ગીતો: ૪૫, ૪૪

જવાબમાં તમે શું કહેશો?

  • આપણે શા માટે વિદ્યાર્થીના દિલમાં બાઇબલમાંથી અભ્યાસ કરવાની ઇચ્છા જગાડવી જોઈએ?

  • આપણે કઈ રીતે નવા લોકોને પ્રચારમાં અને બીજાઓ સાથે વાત કરતા શીખવી શકીએ?

  • સેવકાઈ ચાકરોને સારા વડીલો બનવા શા માટે તાલીમ આપવી જોઈએ?

૧, ૨. બીજાઓને તાલીમ આપવી શા માટે જરૂરી છે?

રાજ્યની ખુશખબર ફેલાવવા ઈસુએ ખૂબ મહેનત કરી હતી. જોકે, પોતાના શિષ્યોને તાલીમ આપવા પણ તેમણે સમય કાઢ્યો હતો. તેમણે તેઓને શીખવ્યું કે બીજાઓને કઈ રીતે પ્રચાર કરવો અને ઈશ્વરના લોકોની કઈ રીતે સંભાળ લેવી. એનાથી શિષ્યો શીખ્યા કે, જેમ એક ઘેટાંપાળક ઘેટાંની કાળજી રાખે છે તેમ તેઓએ બીજાઓની કાળજી રાખવાની છે. (માથ. ૧૦:૫-૭) પ્રચારક ફિલિપનો વિચાર કરો. પ્રચારના કામમાં તે ખૂબ વ્યસ્ત હતા. તોપણ, તેમણે પોતાની ચાર દીકરીઓને એ કામ કરવા માટે તાલીમ આપી. (પ્રે.કૃ. ૨૧:૮, ૯) આજે, આપણે પણ બીજાઓને તાલીમ આપવાની જરૂર છે. શા માટે?

૨ આખી દુનિયાનાં મંડળોમાં આજે ઘણા નવા લોકો આવી રહ્યા છે, જેઓએ હજી બાપ્તિસ્મા નથી લીધું. એ નવા લોકોને તાલીમ આપવાની જરૂર છે. આપણે તેઓને એ સમજવા મદદ કરવી જોઈએ કે, બાઇબલ વાંચવું અને એનો અભ્યાસ કરવો શા માટે જરૂરી છે. તેઓ બીજાઓને રાજ્યની ખુશખબર જણાવી શકે અને બાઇબલમાંથી શીખવી શકે એ માટે પણ તેઓને તાલીમ આપવી જરૂરી છે. જેઓએ હાલમાં જ બાપ્તિસ્મા લીધું છે એવા ભાઈઓને પણ તાલીમની જરૂર છે, જેથી સમય જતાં તેઓ સેવકાઈ ચાકરો અને વડીલો તરીકે સેવા આપી શકે. આ નવા લોકોને તાલીમ આપવા મંડળનાં બધાં ભાઈ-બહેનો મદદ કરી શકે છે.—નીતિ. ૪:૨.

નવા લોકોને બાઇબલમાંથી અભ્યાસ કરતા શીખવો

૩, ૪. (ક) પ્રચારમાં અસરકારક બનવા વિશે પાઊલે શું કહ્યું હતું? (ખ) વિદ્યાર્થીને બાઇબલમાંથી અભ્યાસ કરવા ઉત્તેજન આપતા પહેલાં, આપણે પોતે શું કરવાની જરૂર છે?

૩ બાઇબલમાંથી અભ્યાસ કરવો શા માટે મહત્ત્વનું છે? એનો જવાબ આપણને પ્રેરિત પાઊલના શબ્દોમાંથી મળે છે. તેમણે કોલોસી મંડળનાં ભાઈ-બહેનોને આમ લખ્યું હતું: ‘તમે સર્વ સમજણ તથા બુદ્ધિમાં ઈશ્વરની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ એ માટે અમે પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી. જેથી તમે પૂર્ણ રીતે યહોવાને પ્રસન્‍ન કરવાને માટે યોગ્ય રીતે વર્તો, અને સર્વ સારાં કામમાં તેનું ફળ ઉપજાવો, અને ઈશ્વર વિશેના જ્ઞાનમાં વધતા જાઓ.’ (કોલો. ૧:૯, ૧૦) એવું જ્ઞાન મેળવીને કોલોસીનાં ભાઈ-બહેનો ‘યહોવાને પ્રસન્‍ન કરવાને માટે યોગ્ય રીતે વર્તી’ શકતા હતા. તેમ જ, એનાથી તેઓ યહોવાએ સોંપેલાં ‘સર્વ સારાં કામ’ કરવાનું ઉત્તેજન મેળવી શકતા હતા, ખાસ કરીને ખુશખબર ફેલાવવાના કામમાં. પ્રચારમાં અસરકારક બનવા યહોવાના દરેક ભક્તે નિયમિત રીતે બાઇબલમાંથી અભ્યાસ કરવો જ જોઈએ. એટલું જ નહિ, આપણા બાઇબલ વિદ્યાર્થીને પણ એ હકીકત સમજવા મદદ આપવી જોઈએ.

૪ જો આપણે જ બાઇબલનો અભ્યાસ કરતા નહિ હોઈએ, તો આપણા વિદ્યાર્થીઓને બાઇબલ અભ્યાસનું મહત્ત્વ સમજાવી નહિ શકીએ. જો આપણે નિયમિત બાઇબલ વાંચન અને મનન કરીશું, તો એનાથી આપણા રોજિંદા જીવન અને સેવાકાર્યમાં મદદ મળશે. દાખલા તરીકે, જ્યારે આપણે પ્રચારમાં હોઈએ અને કોઈ આપણને સવાલ પૂછે, ત્યારે આપણે બાઇબલમાંથી એનો જવાબ આપી શકીશું. અથવા જ્યારે આપણે વાંચીએ છીએ કે, ઈસુ, પાઊલ અને બીજાઓ પોતાના સેવાકાર્યમાં લાગુ રહ્યા હતા, ત્યારે આપણો પણ ઉત્સાહ વધે છે. તેમ જ, અઘરા સંજોગોમાં પણ પ્રચારમાં લાગુ રહેવા ઉત્તેજન મળે છે. અભ્યાસથી કોઈ સારો મુદ્દો જાણવા મળ્યો હોય અને એનાથી આપણને મદદ મળી હોય તો, એ વિશે બીજાઓને જણાવીએ. એનાથી બીજાઓને પણ બાઇબલનો ઊંડો અભ્યાસ કરવા ઉત્તેજન મળશે.

૫. કઈ રીતો દ્વારા આપણે વિદ્યાર્થીને બાઇબલમાંથી અભ્યાસ કરવા મદદ કરી શકીએ?

૫ તમને કદાચ થાય કે, ‘હું મારા વિદ્યાર્થીને કઈ રીતે નિયમિત બાઇબલ અભ્યાસ કરવાની તાલીમ આપી શકું?’ તમે વિદ્યાર્થી જોડે જે સાહિત્યમાંથી બાઇબલ અભ્યાસ કરો છો, એની સારી તૈયારી કરવા તેને શીખવી શકો. પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકમાં આપેલી વધારાની માહિતી વાંચવા અને ટાંકેલી કલમો પર નજર કરવા જણાવી શકો. સભાની તૈયારી કરવાનું અને જવાબ આપવાનું શીખવી શકો. ચોકીબુરજ અને સજાગ બનો!ના દરેક અંક વાંચવાનું ઉત્તેજન આપો. બની શકે કે, વિદ્યાર્થીના મનમાં ઘણા સવાલો હશે. એ સવાલોના જવાબ શોધવા તેને વૉચટાવર લાઇબ્રેરી અથવા વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરીનો ઉપયોગ કરતા શીખવી શકો. અભ્યાસ કરવા તે આ બધી રીતો અજમાવશે તો, તે એનો આનંદ માણશે અને વધુ શીખવા પ્રેરાશે.

૬. (ક) વિદ્યાર્થીના દિલમાં બાઇબલ માટેનો પ્રેમ કેળવવા તેને કઈ રીતે મદદ કરી શકાય? (ખ) વિદ્યાર્થીના દિલમાં બાઇબલ માટેનો પ્રેમ વધતો જશે તેમ, તે શું કરવા પ્રેરાશે?

૬ આપણે બાઇબલ વિદ્યાર્થીને મહેસૂસ કરાવવા માંગીએ છીએ કે, બાઇબલ ખૂબ જ અનમોલ છે. કારણ કે, બાઇબલની મદદથી જ તે યહોવા વિશે વધુ શીખી શકે છે. અભ્યાસ કરવા દબાણ કરવાને બદલે આપણે તેને બતાવી શકીએ કે, કઈ રીતે અભ્યાસનો આનંદ માણવો. બાઇબલમાંથી શીખતો જશે તેમ, તે પણ ગીતશાસ્ત્રના એક લેખક જેવું અનુભવશે. તેમણે કહ્યું હતું: ‘ઈશ્વર પાસે આવવું, તેમાં મારું ભલું છે; મેં પ્રભુ યહોવાને મારા આશ્રય કર્યા છે.’ (ગીત. ૭૩:૨૮) જેઓ યહોવા સાથે ગાઢ સંબંધ બાંધવા ચાહે છે, તેઓને યહોવાની પવિત્ર શક્તિ ચોક્કસ મદદ કરશે.

પ્રચાર કરવાની અને બાઇબલમાંથી શીખવવાની તાલીમ આપો

૭. ઈસુએ કઈ રીતે તેમના શિષ્યોને તાલીમ આપી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૭ ઈસુએ પોતાના પ્રેરિતોને જે રીતે તાલીમ આપી હતી, એમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. ઈસુ પ્રચારમાં જતા ત્યારે, પ્રેરિતોને પોતાની સાથે લઈ જતા. એનાથી, તેઓ જોઈ શક્યા કે ઈસુ કઈ રીતે લોકોને શીખવે છે. કઈ રીતે પ્રચાર કરવો એ વિશે ઈસુએ તેઓને ચોક્કસ માર્ગદર્શન પણ આપ્યું હતું. (માથ્થી, અધ્યાય ૧૦)[1] બહુ જ થોડા સમયમાં, પ્રેરિતો ઈસુ પાસેથી શીખ્યા કે, કઈ રીતે લોકોને સત્ય શીખવવું. (માથ. ૧૧:૧) આપણે પણ આપણા વિદ્યાર્થીઓને પ્રચારમાં અસરકારક બનવા તાલીમ આપી શકીએ. ચાલો એવી બે રીતો વિશે જોઈએ.

૮, ૯. (ક) ઈસુએ સેવાકાર્યમાં લોકો સાથે કઈ રીતે વાત કરી? (ખ) આપણે કઈ રીતે નવા લોકોને બીજાઓ સાથે વાત કરવાનું શીખવી શકીએ?

૮ લોકો સાથે વાતચીત કરો. ઈસુએ કંઈ હંમેશાં લોકોનાં ટોળાં સાથે જ વાત કરી ન હતી. ઘણી વાર તેમણે વ્યક્તિઓ સાથે રૂબરૂ વાત કરી હતી અને એ પણ મિત્રભાવે. દાખલા તરીકે, સૈખાર શહેર નજીક આવેલા કૂવા પાસે એક સ્ત્રી પાણી ભરવા આવી હતી; ઈસુએ તે સ્ત્રી સાથે રસપ્રદ વાતચીત કરી. (યોહા. ૪:૫-૩૦) ઈસુએ માથ્થી નામના દાણી સાથે પણ વાત કરી અને તેને પોતાના શિષ્ય બનવા આમંત્રણ આપ્યું. માથ્થીએ એ આમંત્રણ સ્વીકાર્યું. પછીથી તેણે ઈસુ અને બીજાઓને પોતાના ઘરે જમવા બોલાવ્યા. ત્યાં ઈસુએ ઘણા લોકો સાથે વાત કરી.—માથ. ૯:૯; લુક ૫:૨૭-૩૯.

૯ નાથાનાએલનો વિચાર કરો. તેણે નાઝારેથના લોકો વિશે ખોટી વાતો કહી હતી. તેમ છતાં, ઈસુએ તેની સાથે મિત્રભાવે વાત કરી. એના લીધે, નાથાનાએલને ઈસુ માટેના પોતાના વિચારો બદલવા મદદ મળી, જે નાઝારેથના હતા. તેણે ઈસુ પાસેથી વધારે શીખવાનું નક્કી કર્યું. (યોહા. ૧:૪૬-૫૧) ઈસુના દાખલા પરથી આપણે શું શીખી શકીએ? એ જ કે, જ્યારે આપણે નમ્રતાથી અને મિત્રભાવે લોકો સાથે વાત કરીએ છીએ, ત્યારે તેઓ આપણું સાંભળવા તૈયાર થાય છે.[2] નવા લોકોને આપણે એ રીતે વાત કરવાનું શીખવીશું તો, તેઓને પ્રચારમાં હજી વધારે મજા આવશે.

૧૦-૧૨. (ક) ઈસુએ કઈ રીતે વ્યક્તિના દિલમાં ઈશ્વર વિશે શીખવાનો રસ કેળવ્યો? (ખ) આપણે કઈ રીતે નવા લોકોને કુશળ શિક્ષક બનવા મદદ કરી શકીએ?

૧૦ રસ ધરાવતા લોકોને શીખવો. ખરું કે, ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, ખૂબ વ્યસ્ત હતા. તેમ છતાં, જ્યારે પણ લોકો ખુશી ખુશી તેમની પાસેથી શીખવા માંગતા, ત્યારે ઈસુએ તેઓ સાથે સમય વિતાવ્યો અને તેઓને ઘણી બાબતો શીખવી. દાખલા તરીકે, એક દિવસે લોકોનું એક ટોળું સરોવર કિનારે ઈસુ પાસે શીખવા આવ્યું. તેથી, પીતર અને ઈસુ હોડી પર ચડ્યા અને ઈસુએ હોડી પરથી લોકોને શીખવ્યું. તે પીતરને પણ એક મહત્ત્વનો બોધપાઠ શીખવવા માંગતા હતા. તેથી, તેમણે એક ચમત્કાર કર્યો અને પીતરની જાળમાં ઘણી બધી માછલીઓ ભરાઈ આવી. પછી તેમણે પીતરને કહ્યું: “હવેથી તું માણસો પકડનાર થશે.” તરત જ પીતર અને તેમના સાથીદારો “હોડીઓને કાંઠે લાવ્યા” અને પછી “બધું મૂકીને તેની [ઈસુની] પાછળ ચાલ્યા.”—લુક ૫:૧-૧૧.

૧૧ નીકોદેમસ નામનો એક માણસ યહુદી ન્યાયસભાનો સભ્ય હતો. તે ઈસુ પાસેથી ઘણું શીખવા માંગતો હતો. પણ, પોતાની પદવીને લીધે તે ડરતો હતો કે, જો બીજાઓ તેને ઈસુ જોડે વાત કરતા જોઈ જશે, તો શું કહેશે. તેથી, ઈસુને મળવા તે રાતના સમયે ગયો. ઈસુએ તેને કાઢી ન મૂક્યો, પણ તેની સાથે સમય વિતાવ્યો અને તેને ઈશ્વર વિશેનું સત્ય શીખવ્યું. (યોહા. ૩:૧, ૨) ઈસુ હંમેશાં બીજાઓને સત્ય શીખવવા અને તેઓની શ્રદ્ધા મજબૂત કરવા સમય કાઢતા. એ જ રીતે, આપણે પણ રસ ધરાવનારની ફરી મુલાકાત કરવા કે અભ્યાસ ચલાવવા તેઓને અનુકૂળ હોય એવા સમયે જઈએ. આમ, તેઓને સત્ય શીખવવા આપણે સમય કાઢીએ.

૧૨ નવા લોકો સાથે પ્રચારમાં જઈએ ત્યારે, આપણે તેઓને શીખવી શકીએ કે, થોડો પણ રસ બતાવ્યો હોય એવા લોકોની ફરી મુલાકાત કરવી. આપણે ફરી મુલાકાત કે બાઇબલ અભ્યાસમાં જઈએ ત્યારે, તેઓને આપણી જોડે લઈ જઈ શકીએ. એ રીતે, તેઓ શીખી શકશે કે બીજાઓને કઈ રીતે શીખવવું. તેમ જ, તેઓ જોઈ શકશે કે બીજાઓને યહોવા વિશે શીખવવાથી કેટલો સંતોષ મળે છે. આમ, તેઓને પણ ફરી મુલાકાત કરવામાં અને બાઇબલ અભ્યાસ ચલાવવામાં ખૂબ જ મજા આવશે. તેમ જ, અનેક પ્રયાસો છતાં રસ બતાવનાર વ્યક્તિ ઘરે ન મળે ત્યારે, ધીરજ બતાવવાનું અને હાર ન માનવાનું પણ શીખી શકશે.—ગલા. ૫:૨૨; “તેમણે હાર માની નહિ” બૉક્સ જુઓ.

ભાઈ-બહેનો પ્રત્યે પ્રેમ કેળવવાની તાલીમ આપો

૧૩, ૧૪. (ક) બાઇબલ સમયમાં જેઓએ બીજાઓની મદદ કરવા ઘણું જતું કર્યું હતું, તેઓ વિશે તમને કેવું લાગે છે? (ખ) ભાઈ-બહેનો માટે પ્રેમ કેળવવા નવા લોકો અને યુવાનોને આપણે કઈ રીતોએ મદદ કરી શકીએ?

૧૩ યહોવા ચાહે છે કે, તેમના સેવકો એકબીજાને ભાઈ-બહેનોની જેમ પ્રેમ કરે અને એકબીજાની સેવા કરે. (૧ પીતર ૧:૨૨; લુક ૨૨:૨૪-૨૭ વાંચો.) બાઇબલમાં ઘણા લોકો વિશે જણાવવામાં આવ્યું છે, જેઓએ બીજાઓ માટે ઘણું જતું કર્યું હતું. દાખલા તરીકે, ઈસુએ બીજાઓને મદદ કરવા પોતાનું સર્વસ્વ આપી દીધું હતું. અરે, પોતાનો જીવ પણ પાછો ન રાખ્યો! (માથ. ૨૦:૨૮) દરકાસ નામની ઈશ્વરભક્ત ‘સારાં કામોમાં આગળ પડતી તથા પુષ્કળ દાનધર્મ કરતી હતી.’ (પ્રે.કૃ. ૯:૩૬, ૩૯) મરિયમે રોમમાં રહેતાં ભાઈ-બહેનો માટે “ઘણી મહેનત” કરી હતી. (રોમ. ૧૬:૬) આપણે નવા લોકોને એ સમજવા કઈ રીતે મદદ કરી શકીએ કે, ભાઈ-બહેનો માટે સારાં કામ કરવાં ખૂબ જ મહત્ત્વનું છે?

એક બહેન અને તેમની દીકરી આપણાં વૃદ્ધ બહેન માટે ખોરાક લાવે છે

ભાઈ-બહેનો પ્રત્યે પ્રેમ કેળવવા નવા લોકોને તાલીમ આપીએ (ફકરા ૧૩, ૧૪ જુઓ)

૧૪ વૃદ્ધ અથવા બીમાર લોકોને મળવા જઈએ ત્યારે, આપણે નવા લોકોને જોડે લઈ જઈ શકીએ. માતા-પિતા આવા લોકોને મળવા જાય ત્યારે, શક્ય હોય તો પોતાનાં બાળકોને જોડે લઈ જઈ શકે. વડીલો જ્યારે વૃદ્ધ ભાઈ-બહેનોને ખોરાક આપવા અથવા તેઓનાં ઘરનું સમારકામ કરવા જાય ત્યારે, યુવાનો અથવા નવા લોકોને પોતાની સાથે લઈ જઈ શકે. આમ, યુવાનો અને નવા લોકો શીખી શકશે કે, આપણાં ભાઈ-બહેનો કઈ રીતે એકબીજાની કાળજી લે છે અને તેઓ પણ એમ કરવા પ્રેરાશે. એક વડીલનો વિચાર કરો. તે જ્યારે પણ શહેરથી દૂરના વિસ્તારમાં પ્રચાર માટે જતા, ત્યારે ત્યાં રહેતા આપણા ભાઈઓને મળવા જતા. એનાથી વડીલ જાણી શકતા કે ભાઈઓ મજામાં છે કે નહિ. એક યુવાન ભાઈ ઘણી વાર આ વડીલ સાથે જતો. વડીલના સારા દાખલાથી એ યુવાન શીખી શક્યો કે, મંડળનાં ભાઈ-બહેનોને મદદ કરવા તે શું કરી શકે છે.—રોમ. ૧૨:૧૦.

૧૫. વડીલોએ મંડળના ભાઈઓની પ્રગતિમાં શા માટે રસ લેવો જોઈએ?

૧૫ મંડળનાં ભાઈ-બહેનોને બાઇબલ વિશે શીખવવાની જવાબદારી યહોવાએ ભાઈઓને સોંપી છે. તેથી, ભાઈઓ માટે જરૂરી છે કે, તેઓ પોતાની શીખવવાની કળા નિખારે અને સારા વક્તા બને. જો તમે વડીલ હો, તો તમે સેવકાઈ ચાકરને કઈ રીતે મદદ કરી શકો? તે જ્યારે પોતાના પ્રવચનની પ્રેક્ટિસ કરતો હોય, ત્યારે તમે તેને સાંભળી શકો અને સુધારા કરવા જરૂરી સલાહ-સૂચન આપી શકો.—નહે. ૮:૮.[3]

૧૬, ૧૭. (ક) પાઊલે કઈ રીતે તીમોથીની પ્રગતિમાં રસ લીધો? (ખ) સેવકાઈ ચાકરોને સારા વડીલો બનવા કઈ રીતે તાલીમ આપી શકાય?

૧૬ મંડળમાં વડીલોની ખૂબ જરૂર છે. તેથી, ભાવિમાં જેઓ વડીલો તરીકે સેવા આપશે, તેઓને અત્યારે સતત તાલીમની જરૂર છે. પાઊલે તીમોથીને તાલીમ આપી અને ઉત્તેજન આપ્યું કે તે બીજાઓને તાલીમ આપે. પાઊલે કહ્યું: “મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સમર્થ થા. જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તેં મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે.” (૨ તીમો. ૨:૧, ૨) પાઊલ પોતે એક વડીલ અને પ્રેરિત હતા. તીમોથી તેમની પાસેથી ઘણું શીખ્યા. તે પ્રચારની આવડતમાં સુધારો કરવાનું અને મંડળમાં બીજાઓને મદદ કરવાનું શીખ્યા.—૨ તીમો. ૩:૧૦-૧૨.

૧૭ પાઊલે તીમોથી સાથે ઘણો સમય વિતાવ્યો. કારણ કે, તે ખાતરી કરવા ચાહતા હતા કે તીમોથી સારી તાલીમ મેળવે. (પ્રે.કૃ. ૧૬:૧-૫) વડીલો કઈ રીતે પાઊલને અનુસરી શકે? તેઓ ભાઈ-બહેનોને ઉત્તેજન આપતી પ્રતિપાલન મુલાકાતોમાં જાય ત્યારે, કોઈ વાર પરિપક્વ સેવકાઈ ચાકરોને પોતાની સાથે લઈ જઈ શકે. આમ, સેવકાઈ ચાકરો વડીલો પાસેથી શીખશે કે, કઈ રીતે બીજાઓને શીખવવું, પ્રેમાળ બનવું, ધીરજ રાખવી અને ‘ઈશ્વરના ટોળાની’ સંભાળ રાખવા યહોવા પર આધાર રાખવો.—૧ પીત. ૫:૨.

તાલીમ આપવી ખૂબ મહત્ત્વનું છે

૧૮. યહોવાની સેવામાં બીજાઓને તાલીમ આપવી આપણા માટે કેમ મહત્ત્વનું હોવું જોઈએ?

૧૮ આ અંતના સમયમાં, નવા લોકોને તાલીમ મળવી ખૂબ જરૂરી છે, જેથી તેઓ પ્રચારમાં પોતાની આવડત કેળવી શકે. મંડળની સંભાળ લેવા ભાઈઓને પણ તાલીમની જરૂર છે. યહોવા ચાહે છે કે તેમના દરેક ભક્તને તાલીમ મળે. નવા લોકોને મદદ કરવાનો લહાવો તેમણે આપણને આપ્યો છે. તેથી, પાઊલ અને ઈસુની જેમ બીજાઓને તાલીમ આપવા મહેનત કરવી ખૂબ જરૂરી છે. આપણે બને એટલા લોકોને તાલીમ આપવાની જરૂર છે. કારણ કે, અંત આવે એ પહેલાં પ્રચારમાં ઘણું કરવાનું છે.

૧૯. તમે શા માટે ખાતરી રાખી શકો કે, બીજાઓને તાલીમ આપવાના તમારા પ્રયત્નો સફળ થશે?

૧૯ નવા લોકોને તાલીમ આપવા સમય અને પ્રયત્નો માંગી લે છે. પણ, આપણે ખાતરી રાખી શકીએ કે, બીજાઓને તાલીમ આપવા યહોવા અને ઈસુ આપણને સમજશક્તિ અને મદદ આપશે. આપણે જેઓને તાલીમ આપીએ છીએ તેઓ મંડળમાં અથવા પ્રચારમાં “મહેનત તથા શ્રમ” કરશે ત્યારે, આપણું દિલ ખુશીથી છલકાઈ જશે. (૧ તીમો. ૪:૧૦) એ જ સમયે, આપણે પોતે પણ ભક્તિમાં પ્રગતિ કરવા, ઈશ્વર જેવા ગુણો કેળવવા અને યહોવાની વધુ નજીક જવા બનતું બધું કરતા રહીએ.

^ [૧] (ફકરો ૭) દાખલા તરીકે, ઈસુએ તેમના શિષ્યોને કહ્યું હતું: (૧) રાજ્ય વિશે પ્રચાર કરવો, (૨) અન્‍ન-વસ્ત્ર માટે યહોવા પર આધાર રાખવો, (૩) લોકો સાથે દલીલમાં ઊતરવાનું ટાળવું, (૪) સતાવણી થાય ત્યારે, યહોવા પર ભરોસો રાખવો અને (૫) લોકોનો ડર ન રાખવો.

^ [૨] (ફકરો ૯) પ્રચારમાં વાતચીત કરવાની આવડત વધારવા માટે બૅનિફિટ ફ્રોમ થીઓક્રેટિક મિનિસ્ટ્રી સ્કૂલ એજ્યુકેશન પાન ૬૨-૬૪ પર સરસ સૂચનો આપવામાં આવ્યાં છે.

^ [૩] (ફકરો ૧૫) બૅનિફિટ ફ્રોમ થીઓક્રેટિક મિનિસ્ટ્રી સ્કૂલ એજ્યુકેશન પાન ૫૨-૬૧ જણાવે છે કે, ભાઈઓ સારા વક્તા બનવાની આવડત કઈ રીતે કેળવી શકે.

તેમણે હાર માની નહિ

નવા પ્રકાશકો રાજ્યનો સંદેશો જણાવે તેમ, તેઓએ ધીરજ બતાવવાની જરૂર છે. ઘાનામાં રહેતા એક ભાઈનો વિચાર કરો. તેમણે એક માણસને અમુક સાહિત્ય આપ્યું હતું. તે માણસને ફરી મળવા ભાઈએ ઘણા પ્રયત્નો કર્યાં. પણ, દર વખતે તે આપણા ભાઈને જોઈને સંતાઈ જતો. ઘણાં અઠવાડિયાં પછી ભાઈ એ માણસને મળી શક્યા, પણ તે વાત કરવા તૈયાર ન હતો. ભાઈએ હાર માની નહિ અને એ માણસને બતાવ્યું કે બાઇબલ અભ્યાસ કઈ રીતે કરી શકાય. એ માણસે અભ્યાસ સ્વીકાર્યો અને અમુક મહિનાઓ પછી એક સંમેલનમાં તેણે બાપ્તિસ્મા લીધું.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો