વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w17 જુલાઈ પાન ૨૨-૨૬
  • “તારા સઘળા ઇરાદા પૂરા કરો”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “તારા સઘળા ઇરાદા પૂરા કરો”
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • એવી યોજના બનાવો, જે ખુશી આપે
  • શિષ્યો બનાવવાનું કામ શા માટે સૌથી ઉત્તમ છે?
  • જેવો માર્ગ, એવો મુકામ
  • તમે કેવું ભાવિ પસંદ કરશો?
  • પૂરા સમયના સેવકોની કદર કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • શું હું પાયોનિયરીંગ કરી શકું?
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
  • “તમે સારા પાયોનિયર બની શકો છો!”
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • યુવાનો, તમે સારી પસંદગી કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
w17 જુલાઈ પાન ૨૨-૨૬
યુવાન ભાઈના એક હાથમાં પૂરા સમયની સેવાનું ફોર્મ અને બીજા હાથમાં યુનિવર્સિટીનું ચોપાનિયું છે

‘યહોવા તારા સઘળા ઇરાદા પૂરા કરે’

“તું યહોવામાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઇચ્છાઓ પૂરી પાડશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૪.

ગીતો: ૧૧, ૧૪૦

જવાબમાં તમે શું કહેશો?

  • કેવી યોજના બનાવવાથી આપણને ભાવિમાં ખુશી મળી શકે?

  • યુવાનીમાં પૂરા સમયની સેવા કરવાથી આપણને શું શીખવા મળે છે?

  • પાયોનિયર સેવાથી બીજાં કયાં દ્વાર ખુલી જાય છે?

૧. યુવાનોએ પોતાના ભાવિ વિશે કયો નિર્ણય લેવો પડે છે? વધુ પડતી ચિંતા ન કરવા તેઓને શું મદદ કરશે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

યુવાનો, તમે સહમત થશો કે મુસાફરી શરૂ કરતા પહેલાં મુકામ નક્કી કરવો અને સારી યોજના ઘડવી જરૂરી છે. જીવન એક મુસાફરી જેવું છે. જીવનમાં કયા મુકામે પહોંચવું છે, એ વિશે નાની ઉંમરે જ નક્કી કરી લેવું સારું કહેવાશે. જોકે, એવા નિર્ણયો લેવા સહેલું નથી. હેધર બહેન કહે છે: ‘મને તો એ વિચારીને જ ડર લાગે છે કે, જીવનમાં હું શું કરીશ એ નિર્ણય મારે જાતે લેવાનો છે.’ જો તમને પણ એવું લાગતું હોય, તો યહોવાની આ વાત યાદ રાખો: “તું બીશ મા, કેમ કે હું તારી સાથે છું; આમતેમ જોઈશ મા, કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે.”—યશા. ૪૧:૧૦.

૨. યહોવા ચાહે છે કે તમે ભાવિ માટે સારી યોજના બનાવો, એવું તમે શાના પરથી કહી શકો?

૨ યહોવા ઉત્તેજન આપે છે કે, તમે સમજી-વિચારીને ભાવિ માટે યોજના બનાવો. (સભા. ૧૨:૧; માથ. ૬:૨૦) તે તમને ખુશ જોવા માંગે છે. આપણે એ શાના પરથી કહી શકીએ? ઈશ્વરે રચેલી સૃષ્ટિ પર નજર નાંખો. એમાં એવું ઘણું છે, જેને નિહાળીને, સાંભળીને અને એનો સ્વાદ માણીને આપણે ખરેખરી ખુશી અનુભવી શકીએ છીએ. યહોવા બીજી રીતોએ પણ આપણી સંભાળ રાખે છે. તે આપણને સલાહ આપે છે અને જીવન જીવવાની ઉત્તમ રીત શીખવે છે. પણ જ્યારે લોકો તેમની ડહાપણભરી સલાહ નકારે છે, ત્યારે તે નાખુશ થાય છે. જેઓ ઈશ્વરનાં માર્ગદર્શન પ્રમાણે ચાલતા નથી, તેઓને તે કહે છે: ‘જે હું ચાહતો ન હતો એ તમે પસંદ કર્યું. જુઓ, મારા સેવકો આનંદ કરશે, પણ તમે તો લજ્જિત થશો; જુઓ, મારા સેવકો હૃદયના ઉમળકાથી હર્ષનાદ કરશે.’ (યશા. ૬૫:૧૨-૧૪) જ્યારે આપણે જીવનમાં ડહાપણભરી પસંદગી કરીએ છીએ, ત્યારે યહોવાના નામને મહિમા મળે છે.—નીતિ. ૨૭:૧૧.

એવી યોજના બનાવો, જે ખુશી આપે

૩. યહોવા તમને કેવી યોજના બનાવવા ઉત્તેજન આપે છે?

૩ યહોવા તમને કેવી યોજના બનાવવા ઉત્તેજન આપે છે? એવી યોજના જેનાથી તમને ખુશી મળે. પણ, એ માટે તમારે યહોવાને ઓળખવાની અને તેમની ભક્તિ કરવાની જરૂર છે. યહોવાએ આપણને બનાવ્યા ત્યારથી જ આપણામાં ભક્તિ કરવાની ઇચ્છા મૂકી છે. (ગીત. ૧૨૮:૧; માથ. ૫:૩) જરા પ્રાણીઓનો વિચાર કરો, તેઓ ખાય છે, પીવે છે અને બચ્ચાં પેદાં કરે છે. પણ, યહોવા ચાહે છે કે, તમે જીવનમાં એવી યોજના બનાવો, જેનાથી તમને ખુશી અને સંતોષ મળે. પ્રેમાળ ઈશ્વર યહોવા ‘આનંદી ઈશ્વર’ છે અને તેમણે આપણને “પોતાના સ્વરૂપ” પ્રમાણે બનાવ્યા છે. (૨ કોરીં. ૧૩:૧૧; ૧ તિમો. ૧:૧૧; ઉત. ૧:૨૭) આપણા પ્રેમાળ ઈશ્વરને અનુસરવાથી તમને ખુશી મળશે. બાઇબલ કહે છે: “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.” (પ્રે.કા. ૨૦:૩૫) શું તમે પોતે એ અનુભવ્યું નથી? જીવનનું એ મહત્ત્વનું સત્ય છે. યહોવા ચાહે છે કે તેમના અને લોકો માટેના પ્રેમથી પ્રેરાઈને આપણે ભાવિ વિશે પસંદગી કરીએ.—માથ્થી ૨૨:૩૬-૩૯ વાંચો.

૪, ૫. ઈસુ શાનાથી ખુશ થતા હતા?

૪ યુવાનો, ઈસુએ તમારા માટે સૌથી સારો દાખલો બેસાડ્યો છે. તે નાના હતા ત્યારે તેમણે ચોક્કસ રમત-ગમતનો આનંદ માણ્યો હશે. બાઇબલ પણ કહે છે, “રડવાનો વખત અને હસવાનો વખત” હોય છે. (સભા. ૩:૪) શાસ્ત્રનો સારો અભ્યાસ કરવાને લીધે ઈસુ યહોવા સાથે ગાઢ મિત્રતા બાંધી શક્યા. તે બાર વર્ષના હતા ત્યારે, ‘તેમની સમજણ અને તેમના જવાબોને લીધે’ મંદિરના ધર્મગુરુઓ અચંબો પામ્યા હતા.—લુક ૨:૪૨, ૪૬, ૪૭.

૫ ઈસુ પુખ્ત ઉંમરના થયા ત્યારે, યહોવાની ઇચ્છા પૂરી કરવાથી તેમને ખુશી મળતી. દાખલા તરીકે, ઈશ્વર ચાહતા હતા કે ઈસુ ‘ખુશખબર જાહેર કરે અને આંધળાઓને દૃષ્ટિ આપે.’ (લુક ૪:૧૮) ઈસુની લાગણી વિશે ગીતશાસ્ત્ર ૪૦:૮માં અગાઉથી જણાવ્યું હતું: “હે મારા ઈશ્વર, તારી ઇચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું.” પિતા યહોવા વિશે લોકોને શીખવવું ઈસુને ખૂબ ગમતું. (લુક ૧૦:૨૧ વાંચો.) એક સ્ત્રીને સાચી ભક્તિ વિશે જણાવ્યા પછી, ઈસુએ શિષ્યોને કહ્યું: “મને મોકલનારની ઇચ્છા પ્રમાણે કરવું અને તેમનું કામ પૂરું કરવું, એ જ મારો ખોરાક છે.” (યોહા. ૪:૩૧-૩૪) ઈશ્વર અને બીજાઓ માટે પ્રેમ બતાવવાને લીધે ઈસુ ખુશ હતા. જો તમે એવું કરશો, તો તમને પણ ખુશી મળશે.

૬. તમારી યોજનાઓ વિશે બીજાઓ સાથે વાત કરવાથી કેવો ફાયદો થશે?

૬ ઘણાં ભાઈ-બહેનો યુવાન વયે પાયોનિયર બને છે. એનાથી તેઓને ખુશી મળી છે. એવાં ભાઈ-બહેનોને શું તમે તમારી યોજના વિશે જણાવી શકો? “સલાહ લીધા વગરના ઇરાદા રદ જાય છે; પણ પુષ્કળ સલાહકારીઓ હોય તો તેઓ પાર પડે છે.” (નીતિ. ૧૫:૨૨) એ ભાઈ-બહેનો તમને જણાવશે કે, પાયોનિયર બનવાથી તમે એવી બાબતો શીખી શકશો, જે તમને આખી જિંદગી કામ આવશે. ઈસુ સ્વર્ગમાં હતા ત્યારે, પિતા યહોવા પાસેથી ઘણી બાબતો શીખ્યા હતા. પછી, પૃથ્વી પર આવ્યા ત્યારે પણ નવું નવું શીખતા રહ્યા. બીજાઓને ખુશખબર જણાવીને અને કસોટી દરમિયાન વફાદારી જાળવીને તેમને ખુશી મળતી હતી. (યશાયા ૫૦:૪ વાંચો; હિબ્રૂ. ૫:૮; ૧૨:૨) ચાલો, પૂરા સમયની સેવાથી મળતી ખુશીઓ વિશે જોઈએ.

શિષ્યો બનાવવાનું કામ શા માટે સૌથી ઉત્તમ છે?

૭. શા માટે ઘણા યુવાનો શિષ્યો બનાવવાના કામનો આનંદ માણે છે?

૭ ઈસુએ આપણને જણાવ્યું હતું કે, “સર્વ દેશના લોકોને શિષ્યો બનાવો” અને તેઓને શીખવો. (માથ. ૨૮:૧૯, ૨૦) જો તમે ઈશ્વરની સેવામાં તમારી કૅરિયર બનાવશો, તો તમે સંતોષકારક જીવનનો આનંદ માણી શકશો. એવા જીવનથી ઈશ્વરને મહિમા મળે છે. સમય જતાં, તમે ઈશ્વરની સેવામાં કુશળ બનતા જશો. તિમોથી નામના ભાઈ તરુણ વયે પાયોનિયર બન્યા હતા. તે કહે છે: ‘મને પૂરા-સમયની સેવા ગમે છે. એમ કરીને હું યહોવા માટેનો પ્રેમ બતાવી શકું છું. શરૂઆતમાં, મને એકેય બાઇબલ અભ્યાસ મળ્યો નહિ. પછીથી, હું બીજા વિસ્તારમાં રહેવા ગયો. ત્યાંના પ્રચારવિસ્તારમાં એક જ મહિનામાં મેં કેટલાક બાઇબલ અભ્યાસ શરૂ કર્યાં. એક વિદ્યાર્થી તો સભામાં પણ આવવા લાગ્યો. કુંવારા ભાઈઓ માટે બાઇબલ શાળામાં બે મહિના શીખ્યા પછી, મને નવી સોંપણી મળી.a ત્યાં મેં ચાર નવા અભ્યાસ શરૂ કર્યાં. લોકોને શીખવવું મને ગમે છે, કારણ કે પવિત્ર શક્તિ લોકોના જીવનમાં કેવા ફેરફાર કરે છે, એ જોવાની તક મળે છે.’—૧ થેસ્સા. ૨:૧૯.

૮. વધારે લોકોને પ્રચાર કરવા અમુક યુવાનોએ શું કર્યું છે?

૮ કેટલાક યુવાનો બીજી ભાષા શીખ્યા છે. દાખલા તરીકે, ઉત્તર અમેરિકામાં રહેતા ભાઈ જેકબ લખે છે: ‘હું સાત વર્ષનો હતો ત્યારે, મારી સાથે ભણતા ઘણા વિદ્યાર્થીઓ વિયેતનામથી હતા. હું તેઓને યહોવા વિશે જણાવવા માંગતો હતો. એટલે, થોડા સમય પછી મેં તેઓની ભાષા શીખવાનું નક્કી કર્યું. હું મોટાભાગે, અંગ્રેજી અને વિયેતનામીઝ ચોકીબુરજ સરખાવીને ભાષા શીખતો. ઉપરાંત, અમારી નજીકમાં એક વિયેતનામીઝ મંડળ હતું, ત્યાંનાં ભાઈ-બહેનો સાથે મેં દોસ્તી કરી. ૧૮ વર્ષની વયે હું પાયોનિયર બન્યો. પછીથી, કુંવારા ભાઈઓ માટે બાઇબલ શાળામાં જવાનો મને મોકો મળ્યો. એનાથી હાલ મને પાયોનિયરીંગ કરવામાં મદદ મળે છે. હું વિયેટનામીઝ ભાષાના ગ્રૂપમાં છું, જ્યાં મારા સિવાય બીજા કોઈ વડીલ નથી. ઘણા વિયેટનામીઝ લોકોને એ જાણીને નવાઈ લાગે છે કે, હું તેઓની ભાષા શીખ્યો છું. તેઓ મને ઘરમાં બોલાવે છે અને મોટાભાગે હું તેઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કરું છું. કેટલાકે તો બાપ્તિસ્મા પણ લીધું છે.’—પ્રે.કા. ૨:૭, ૮.

૯. શિષ્યો બનાવવાનું કામ આપણને શું શીખવે છે?

૯ શિષ્યો બનાવવાનું કામ એક શાળા જેવું છે, જે તમને ઘણું શીખવે છે. જેમ કે, તમે સારી ટેવો વિકસાવવાનું, વાતચીત કરવાનું, આત્મવિશ્વાસ કેળવવાનું અને કુનેહ બતાવવાનું શીખો છો. (નીતિ. ૨૧:૫; ૨ તિમો. ૨:૨૪) આ કામથી ખુશી મળવાનું બીજું એક કારણ છે. તમે તમારી માન્યતા વિશે બાઇબલમાંથી સાબિત કરવાનું શીખો છો. તેમ જ, યહોવા સાથે કામ કરવાનું પણ શીખો છો.—૧ કોરીં. ૩:૯.

૧૦. લોકો બાઇબલમાં બહુ રસ ન બતાવે તોપણ, તમે કઈ રીતે પ્રચારકામનો આનંદ માણી શકો?

૧૦ તમારા વિસ્તારમાં લોકો બાઇબલમાં બહુ રસ ન બતાવે તોપણ, તમે પ્રચારકામનો આનંદ માણી શકો છો. એ કામ આખા મંડળે સાથે મળીને કરવાનું છે. ભલે કોઈ એકને જ એવી વ્યક્તિ મળે જે સત્ય સ્વીકારે, છતાં આપણને બધાને આનંદ થાય છે. કારણ, આપણે શિષ્ય બનાવવાનું કામ સાથે મળીને કરીએ છીએ. દાખલા તરીકે, બ્રેન્ડન નામના પાયોનિયર છેલ્લા નવ વર્ષથી એવા વિસ્તારમાં છે, જ્યાં બહુ થોડા લોકો બાઇબલમાંથી અભ્યાસ કરે છે. તે જણાવે છે: ‘મને પ્રચારકાર્ય ગમે છે, કેમ કે એ તો યહોવાએ સોંપેલું કામ છે. સ્કૂલના ભણતર પછી, તરત હું પાયોનિયર બન્યો. મંડળના યુવાનોને ઉત્તેજન આપવાનું અને તેઓને સત્યમાં પ્રગતિ કરતા જોવાનું મને ગમે છે. ભાઈઓ માટેની બાઇબલ શાળામાં ગયા પછી, મને નવી જગ્યાએ જવાની સોંપણી મળી. ખરું કે, મારા કોઈ વિદ્યાર્થીએ બાપ્તિસ્મા નથી લીધું, પણ મંડળનાં બીજાં ભાઈ-બહેનોના વિદ્યાર્થીએ લીધું છે. મને ખુશી છે કે શિષ્યો બનાવવાના કામમાં વધુ કરવાનો મેં નિર્ણય લીધો હતો.—સભા. ૧૧:૬.

જેવો માર્ગ, એવો મુકામ

૧૧. ઘણા યુવાનો બીજી કઈ સેવાનો આનંદ માણે છે?

૧૧ યહોવાની સેવા કરવાની તમારી પાસે અનેક તકો છે. દાખલા તરીકે, ઘણા યુવાનો બાંધકામમાં મદદ કરે છે. આજે, સેંકડો નવાં રાજ્યગૃહની જરૂર છે. રાજ્યગૃહનાં બાંધકામમાં મદદ આપવાથી ખુશી મળે છે, કારણ કે ત્યાં સાચી ભક્તિ થાય છે અને યહોવાને મહિમા મળે છે. ઉપરાંત, તમે ભાઈ-બહેનો સાથે કામ કરવાની પણ મજા માણી શકો છો. અને તમે ઘણું શીખી શકો છો, જેમ કે સલામતીનું ધ્યાન રાખીને કામ કરવું અને દેખરેખ રાખનાર ભાઈઓને સહકાર આપવો.

પૂરા સમયની સેવામાં કામ કરવાના યુવાનના અનુભવો

પૂરા સમયની સેવા કરનારાઓને ભરપૂર આશીર્વાદો મળે છે (ફકરા ૧૧-૧૩ જુઓ)

૧૨. પાયોનિયર બનવાથી બીજી કઈ સેવાઓનાં દ્વાર ખુલી જાય છે?

૧૨ ભાઈ કેવિન કહે છે: ‘હું નાનો હતો ત્યારથી જ પૂરા સમયની સેવા કરવા માંગતો હતો. છેવટે, ૧૯ વર્ષની વયે હું પાયોનિયર બન્યો. આપણા એક ભાઈનો બાંધકામનો ધંધો હતો. ગુજરાન ચલાવવા મેં ત્યાં પાર્ટ-ટાઇમ કામ શરૂ કર્યું. હું છત અને બારી-બારણાં લગાડવાનું શીખ્યો. પછીથી, મેં રાહત ટીમમાં બે વર્ષ કામ કર્યું. એ ટીમ વાવાઝોડા પછી અસરગ્રસ્ત વિસ્તારોમાં સહાય પૂરી પાડતી. અમે રાજ્ય ગૃહ અને ભાઈઓનાં ઘરો ફરીથી બાંધવામાં મદદ કરતા. મને જાણવા મળ્યું કે દક્ષિણ આફ્રિકામાં બાંધકામમાં મદદની જરૂર છે. એ માટે મેં અરજી કરી અને મને આમંત્રણ મળ્યું. અહીં, આફ્રિકામાં એક રાજ્યગૃહ માટે થોડાં અઠવાડિયાં કામ કર્યા પછી, હું બીજા રાજ્યગૃહના બાંધકામમાં મદદ કરવા જાઉં છું. અમારું બાંધકામ જૂથ એક કુટુંબ જેવું છે. અમે સાથે રહીએ છીએ, ભેગા મળીને બાઇબલમાંથી શીખીએ છીએ અને કામ કરીએ છીએ. દર અઠવાડિયે, સ્થાનિક ભાઈ-બહેનો સાથે પ્રચાર કરવાની પણ મજા આવે છે. મને સપનેય ખ્યાલ ન હતો કે, બાળપણમાં બનાવેલી યોજનાઓ મને ભાવિમાં આટલી ખુશીઓ આપશે.’

૧૩. બેથેલમાં સેવા આપતા ઘણા યુવાનો શા માટે ખુશ છે?

૧૩ અમુક પાયોનિયરને પછીથી બેથેલમાં સેવા આપવાની તક મળી છે. બેથેલ સેવાથી જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. કારણ કે, ત્યાં તમે જે કંઈ કરો છો એ બધું યહોવા માટે છે. બેથેલ કુટુંબ બાઇબલ અને સાહિત્ય પૂરું પાડવાનું કામ કરે છે, જેનાથી લોકોને સત્ય શીખવા મદદ મળે છે. બેથેલમાં સેવા આપતા ભાઈ ડસ્ટીન કહે છે: ‘નવ વર્ષનો હતો ત્યારે મેં પૂરા સમયની સેવા કરવાનો ધ્યેય રાખ્યો. શાળાનું ભણતર પૂરું કર્યા પછી હું પાયોનિયર બન્યો. દોઢ વર્ષ પછી મને બેથેલ સેવા માટે આમંત્રણ મળ્યું. ત્યાં હું છાપકામ શીખ્યો અને પછીથી મેં કોમ્પ્યુટર પ્રૉગ્રામિંગ કર્યું. દુનિયા ફરતે થતાં કામની પ્રગતિ વિશે બેથેલમાં સૌથી પહેલા જણાવવામાં આવે છે. એ અહેવાલો સાંભળવા ખૂબ રોમાંચક હોય છે! બેથેલમાં થતાં કામને લીધે લોકોને યહોવા સાથે સારો સંબંધ બાંધવા મદદ મળે છે. એટલે મને બેથેલમાં સેવા આપવી ખૂબ ગમે છે.’

તમે કેવું ભાવિ પસંદ કરશો?

૧૪. પૂરા સમયની સેવા માટે તૈયાર થવા હમણાં તમે શું કરી શકો?

૧૪ પૂરા સમયની સેવા માટે તૈયાર થવા તમે શું કરી શકો? યહોવાની સેવામાં શ્રેષ્ઠ આપવા તેમના જેવા ગુણો કેળવો. બાઇબલનો નિયમિત અભ્યાસ કરો, મનન કરો અને સભાઓ માટે સારી તૈયારી કરો. શાળામાં હો ત્યારથી જ પ્રચાર કરવાની આવડતમાં સુધારો કરો. બીજાઓમાં રસ છે એ બતાવવા સમજી-વિચારીને સવાલો પૂછવાનું અને ધ્યાનથી સાંભળવાનું શીખો. વધુમાં, રાજ્યગૃહમાં જે કંઈ કામ હાથ લાગે એમાં મદદ કરો, જેમ કે સાફ-સફાઈ અને સમારકામ. યાદ રાખો કે, નમ્ર અને મદદ કરવા તૈયાર હોય એવા લોકો યહોવાને ગમે છે. (ગીતશાસ્ત્ર ૧૧૦:૩ વાંચો; પ્રે.કા. ૬:૧-૩) પ્રેરિત પાઊલે તિમોથીને મિશનરી તરીકે સેવા આપવા આમંત્રણ આપ્યું હતું કારણ કે, ‘ભાઈઓમાં તેની શાખ સારી હતી.’—પ્રે.કા. ૧૬:૧-૫.

૧૫. નોકરી મેળવવા તમે કેવી તૈયારી કરી શકો?

૧૫ મોટાભાગના પૂરા સમયના સેવકોને નોકરી કરવી પડે છે. (પ્રે.કા. ૧૮:૨, ૩) કદાચ તમે શાળામાં એવો કોર્સ પસંદ કરી શકો, જેનાથી તમારા વિસ્તારમાં તમને પાર્ટ-ટાઈમ નોકરી મળી રહે. સરકીટ નિરીક્ષક અને બીજા પાયોનિયરો સાથે તમારી યોજનાઓ વિશે વાત કરો અને તેઓની સલાહ લો. પછી, બાઇબલ કહે છે એ પ્રમાણે ‘તમારાં કામો યહોવાને સ્વાધીન કરો, એટલે તમારા મનોરથ પૂરા કરવામાં આવશે.’—નીતિ. ૧૬:૩; ૨૦:૧૮.

૧૬. પૂરા સમયની સેવા તમને આવનાર જવાબદારીઓ માટે કઈ રીતે તૈયાર કરે છે?

૧૬ યહોવા ખરેખર ચાહે છે કે તમે સુંદર ભાવિ પર ‘મજબૂત પકડ મેળવો.’ (૧ તિમોથી ૬:૧૮, ૧૯ વાંચો.) પૂરા સમયની સેવામાં તમને અનેક પૂરા સમયના સેવકો સાથે કામ કરવાની તક મળે છે. એનાથી તમે વધુ પરિપક્વ બનો છો. ઉપરાંત, ઘણાએ અનુભવ્યું છે કે યુવાનીમાં પૂરા સમયની સેવા કરવાથી સમય જતાં, લગ્‍નજીવનમાં મદદ મળે છે. મોટા ભાગે, લગ્‍ન પહેલાં પાયોનિયરીંગ કરનારાં ભાઈ-બહેનો લગ્‍ન પછી પણ જીવનસાથી જોડે પાયોનિયરીંગ ચાલુ રાખે છે.—રોમ. ૧૬:૩, ૪.

૧૭, ૧૮. કઈ રીતે આપણી યોજનાઓ અને હૃદયની ઇચ્છાઓ જોડાયેલી છે?

૧૭ ગીતશાસ્ત્ર ૨૦:૪માં લેખકે જણાવ્યું કે, યહોવા “તારા હૃદયની ઇચ્છા પ્રમાણે તને આપો, અને તારા સઘળા ઇરાદા પૂરા કરો.” ભાવિ માટે યોજના બનાવો ત્યારે, વિચારજો કે તમારા હૃદયની ઇચ્છા શું છે, એટલે કે તમે જીવનમાં શું કરવા માંગો છો. એ પણ વિચારજો કે આપણા સમયમાં યહોવા કેવાં કામ કરી રહ્યા છે અને એમાં સહભાગી થવા તમે શું કરી શકો. પછી, યહોવાને ખુશી મળે એવી યોજના બનાવો.

૧૮ યહોવાની સેવામાં તમારું જીવન અર્પી દો. એવા જીવનથી તમે યહોવાને મહિમા આપો છો, એટલે તમને ખુશી મળશે. હા, તમે ‘યહોવામાં આનંદ કરશો અને તે તમારા હૃદયની ઇચ્છાઓ પૂરી કરશે.’—ગીત. ૩૭:૪.

a આ શાળાને બદલે હવે રાજ્ય પ્રચારકો માટેની શાળા શરૂ કરવામાં આવી છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો