વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w17 ઑક્ટોબર પાન ૨૧-૨૫
  • ઝખાર્યાને થયેલાં સંદર્શનો—તમને કઈ રીતે અસર કરે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઝખાર્યાને થયેલાં સંદર્શનો—તમને કઈ રીતે અસર કરે છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • ચોરી કરનાર વિરુદ્ધ યહોવાનો ન્યાયચુકાદો
  • આપેલું વચન “દરરોજ” નિભાવો
  • યહોવા દુષ્ટોને ચલાવી નહિ લે
  • શુદ્ધ લોકો યહોવાને માન આપે છે
  • રથો અને મુગટ તમારું રક્ષણ કરશે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • ઝખાર્યાએ જે જોયું એ શું તમે જુઓ છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • હિંમત રાખીને તમારા હાથ બળવાન કરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • હાગ્ગાય અને ઝખાર્યાહના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
w17 ઑક્ટોબર પાન ૨૧-૨૫
એક ઊડતું ઓળિયું, ટોપલામાં બંધ એક સ્ત્રી અને ઊંચે ઊડતી બે સ્ત્રીઓ

ઝખાર્યાને થયેલાં સંદર્શનો—તમને કઈ રીતે અસર કરે છે?

‘મારી પાસે પાછા આવો ને હું તમારી પાસે પાછો આવીશ.’—ઝખા. ૧:૩.

ગીતો: ૬, ૨૦

તમે કેવો જવાબ આપશો?

  • ચોરી કરવી યહોવાની નજરે કેવું કામ છે?

  • આપણે કઈ રીતે સમર્પણનું વચન “દરરોજ” નિભાવી શકીએ?

  • યહોવાના સંગઠનમાંથી દુષ્ટતાને દૂર કરવા આપણે કઈ રીતે મદદ કરી શકીએ?

૧-૩. (ક) ઝખાર્યાએ પ્રબોધ કરવાનું શરૂ કર્યું ત્યારે, યહોવાના લોકો કેવી સ્થિતિમાં હતા? (ખ) યહોવાએ શા માટે પોતાના લોકોને તેમની પાસે પાછા ફરવા જણાવ્યું?

એક ઊડતું ઓળિયું, ટોપલામાં બંધ એક સ્ત્રી અને ઊંચે ઊડતી બે સ્ત્રીઓ. ઝખાર્યાએ એવાં રોમાંચક સંદર્શનો જોયાં હતાં. (ઝખા. ૫:૧, ૭-૯) યહોવાએ શા માટે એ પ્રબોધકને એવાં અદ્‍ભુત સંદર્શનો બતાવ્યાં? એ સમયે ઇઝરાયેલીઓ કેવી સ્થિતિમાં હતા? એ સંદર્શનો આજે આપણને કઈ રીતે અસર કરે છે?

૨ ઈસવીસન પૂર્વે ૫૩૭ની વાત છે. યહોવાના લોકો ઘણા આનંદી હતા. કારણ કે, ૭૦ વર્ષની બાબેલોનની ગુલામી પછી, હવે તેઓ આઝાદ થયા હતા! તેઓનો ઉત્સાહ સાતમાં આસમાને હતો! તેઓ યરૂશાલેમમાં ફરીથી મંદિર બનાવીને યહોવાની ભક્તિ કરવા ચાહતા હતા. એક વર્ષ પછી, ઇઝરાયેલીઓએ મંદિરનો પાયો નાખ્યો. તેઓ ઘણા ખુશ હતા અને તેઓની ખુશીનો પોકાર “ઘણે દૂર સુધી સંભળાતો હતો.” (એઝ. ૩:૧૦-૧૩) બીજી તર્ફે, દુશ્મનો મંદિરનું કામ રોકવા ચાહતા હતા, તેઓનો વિરોધ વધી રહ્યો હતો. સમય જતાં, ઇઝરાયેલીઓ એટલા નિરાશ થઈ ગયા કે તેઓએ મંદિરનું કામ પડતું મૂક્યું. તેઓ ઘરો બાંધવામાં અને ખેતીકામમાં વ્યસ્ત થઈ ગયા. ૧૬ વર્ષ વીતી ગયાં, પણ મંદિરનું કામ ઠેરનું ઠેર રહ્યું. યહોવાના લોકોને એક ટકોરની જરૂર હતી! રોજિંદા કામોમાં ડૂબી જવાને બદલે તેઓએ યહોવા પાસે પાછા ફરવાની જરૂર હતી. યહોવા ચાહતા હતા કે તેઓ પૂરા ઉમંગ અને ઉત્સાહથી તેમની ભક્તિ કરે.

૩ એટલે, ઈસવીસન પૂર્વે ૫૨૦માં યહોવાએ પ્રબોધક ઝખાર્યાને મોકલ્યા. પ્રબોધક દ્વારા યહોવા યાદ અપાવવા ચાહતા હતા કે તેઓને શા માટે બાબેલોનમાંથી છોડાવવામાં આવ્યા હતા. રસપ્રદ છે કે, ઝખાર્યા નામનો અર્થ થાય “યહોવાએ યાદ કર્યા છે.” ઇઝરાયેલીઓ યહોવાના અહેસાનો ભૂલી ગયા હતા, પરંતુ યહોવા તેઓને ભૂલ્યા ન હતા. (ઝખાર્યા ૧:૩, ૪ વાંચો.) યહોવાએ તેઓને સાચી ભક્તિ ફરી શરૂ કરવાનું વચન આપ્યું હતું. જોકે, તેઓને ચેતવ્યા પણ હતા કે તેઓ ભક્તિમાં પોતાનું ઉત્તમ આપશે તો જ એ માન્ય થશે. ચાલો, ઝખાર્યાએ જોયેલાં છઠ્ઠા અને સાતમા સંદર્શનની ચર્ચા કરીએ. આપણે જોઈશું કે યહોવાએ કઈ રીતે ઇઝરાયેલીઓને ઉત્તેજન આપ્યું અને આજે એ સંદર્શનો આપણને કઈ રીતે મદદ કરી શકે.

ચોરી કરનાર વિરુદ્ધ યહોવાનો ન્યાયચુકાદો

૪. છઠ્ઠા સંદર્શનમાં ઝખાર્યાએ શું જોયું? શા માટે ઓળિયાની બંને બાજુએ લખવામાં આવ્યું હતું? (શરૂઆતનું ચિત્ર ૧ જુઓ.)

૪ અધ્યાય ૫ એક અજુગતા સંદર્શનથી શરૂ થાય છે. (ઝખાર્યા ૫:૧, ૨ વાંચો.) ઝખાર્યા એક ઊડતું ઓળિયું જુએ છે. એ ૩૦ ફૂટ લાંબું અને ૧૫ ફૂટ પહોળું હતું. એ ખુલ્લું હતું અને એના પર સંદેશો લખેલો હતો. (ઝખા. ૫:૩) એ ન્યાયચુકાદાનો સંદેશો ઘણો ગંભીર હતો. પ્રાચીન સમયમાં, લોકો મોટાભાગે ઓળિયાની એક જ બાજુએ લખતા. પણ, આ સંદેશો એટલો મહત્ત્વનો હતો કે એની બંને બાજુએ લખવામાં આવ્યું હતું.

એક સ્ત્રી દુકાનમાંથી ચશ્મા ચોરે છે

યહોવાના લોકો મધ્યે કોઈ પણ પ્રકારની ચોરી ચલાવી લેવામાં આવતી નથી (ફકરા ૫-૭ જુઓ)

૫, ૬. ચોરી કરવી યહોવાની નજરે કેવું કામ છે?

૫ ઝખાર્યા ૫:૩, ૪ વાંચો. માણસો જે કંઈ કરે, એનો હિસાબ તેઓએ યહોવાને આપવાનો છે. ખાસ કરીને યહોવાના લોકોએ, કારણ કે તેઓ તેમના નામથી ઓળખાય છે. તેઓ યહોવાને પ્રેમ કરે છે અને જાણે છે કે ચોરી કરવાથી યહોવાનું નામ બદનામ થાય છે. (નીતિ. ૩૦:૮, ૯) અમુક લોકોને લાગે કે જો કોઈના ભલા માટે ચોરી કરીએ, તો એમાં કંઈ ખોટું નથી. કારણ ગમે એ હોય, ચોરી તો ચોરી જ કહેવાય. હકીકતમાં, ચોરી કરનાર વ્યક્તિ બતાવે છે કે યહોવા, તેમના નામ અને તેમના નિયમો કરતાં તેની માટે પોતાની લાલચ સંતોષવી વધારે મહત્ત્વનું છે.

૬ તમે ધ્યાન આપ્યું ઝખાર્યા ૫:૩, ૪ શું જણાવે છે? ‘ચોરી કરનાર દરેક માણસના ઘરમાં શાપ પ્રવેશ કરશે; અને એ તેના ઘરમાં ટકી રહેશે અને એને ભસ્મ કરશે.’ એટલે, યહોવા પોતાના લોકોનાં ખોટાં કામો ખુલ્લાં પાડી શકે છે અને સજા કરી શકે છે. ચોર પોતાની ચોરી પોલીસ, બોસ, વડીલો કે માતા-પિતાથી છુપાવી દે, પણ યહોવાથી છુપાવી શકશે નહિ. યહોવા ખાતરી કરશે કે કોઈ પણ પ્રકારની ચોરી પરથી પડદો ઉઠાવવામાં આવે. (હિબ્રૂ. ૪:૧૩) કેટલી ખુશીની વાત છે કે, આપણે એવા લોકો સાથે ભક્તિ કરીએ છીએ, જેઓ “બધી રીતે પ્રમાણિક રહેવા” બનતો પ્રયત્ન કરે છે.—હિબ્રૂ. ૧૩:૧૮.

૭. શાપ એટલે કે યહોવાના ન્યાયદંડથી બચવા આપણે શું કરવું જોઈએ?

૭ યહોવા દરેક પ્રકારની ચોરીને ધિક્કારે છે. યહોવાના સિદ્ધાંતો પર ચાલવું આપણી માટે સન્માનની વાત છે. યહોવાના માર્ગે ચાલીશું તો, તેમના નામ પર ક્યારેય કલંક નહિ લાગે. ઉપરાંત, દુષ્ટ લોકોને યહોવા ન્યાયદંડ આપશે ત્યારે, તે આપણો બચાવ કરશે.

આપેલું વચન “દરરોજ” નિભાવો

૮-૧૦. (ક) સોગન એટલે શું? (ખ) રાજા સિદકીયાહે કઈ સોગન તોડી?

૮ પછી, ઊડતું ઓળિયું એવા લોકોને ચેતવણી આપે છે, જેઓ યહોવાના નામે “જૂઠા સોગન” ખાતા હતા. (ઝખા. ૫:૪) સોગન ખાવાનો અર્થ થાય કે કહેલી વાત સોએ સો ટકા સાચી છે. અથવા સોગન લઈને વ્યક્તિ કોઈ કામ કરવાનું કે એનાથી દૂર રહેવાનું વચન આપે છે.

૯ યહોવાના નામે સોગન ખાવા ઘણી ગંભીર બાબત છે. રાજા સિદકીયાહના કિસ્સા પરથી એ જોઈ શકાય છે, જે યરૂશાલેમ પર રાજ કરનાર છેલ્લો રાજા હતો. તેણે યહોવાના નામે સોગન ખાધા હતા કે, તે બાબેલોનના રાજાની શરણે થશે. પણ, તેણે પોતાના સોગન તોડ્યા. એટલે, યહોવાએ સિદકીયાહ વિશે કહ્યું: ‘જેણે તેને રાજા બનાવ્યો, તથા જેના સોગનને તેણે તુચ્છ ગણ્યા, તથા જેનો કરાર તેણે તોડ્યો, તે રાજા જ્યાં રહે છે તે જગાએ, એટલે બાબેલમાં તે મરણ પામશે.’—હઝકી. ૧૭:૧૬.

૧૦ સિદકીયાહે યહોવાના નામે સોગન ખાધા હતા, એટલે યહોવા ચાહતા હતા કે તે એને નિભાવે. (૨ કાળ. ૩૬:૧૩) પણ, બાબેલોનથી બચવા સિદકીયાહે સોગન તોડ્યા ને ઇજિપ્ત આગળ હાથ ફેલાવ્યા. જોકે, ઇજિપ્ત તેને કોઈ મદદ આપી શક્યું નહિ!—હઝકી. ૧૭:૧૧-૧૫, ૧૭, ૧૮.

૧૧, ૧૨. (ક) કયું વચન સૌથી મહત્ત્વનું છે? (ખ) સમર્પણની આપણા જીવન પર કેવી અસર થવી જોઈએ?

૧૧ સિદકીયાહના કિસ્સા પરથી સ્પષ્ટ જોઈ શકાય કે, આપણે જે વચન આપીએ છીએ, યહોવા એ સાંભળે છે. તેમની કૃપા મેળવવા જરૂરી છે કે, આપણે વચન નિભાવીએ. (ગીત. ૭૬:૧૧) સમર્પણનું વચન સૌથી મહત્ત્વનું છે. સમર્પણ વખતે આપણે શપથ લઈએ છીએ કે આજીવન યહોવાની જ સેવા કરીશું, પછી ભલે જીવનમાં ગમે એવા ઉતાર-ચઢાવ આવે.

૧૨ યહોવાને આપેલું વચન આપણે કઈ રીતે નિભાવી શકીએ? “દરરોજ” આપણે નાની-મોટી કસોટીઓનો સામનો કરીએ છીએ. જે રીતે એને હાથ ધરીએ છીએ, એ પરથી દેખાઈ આવશે કે યહોવાને આપેલું વચન આપણે કેટલું મહત્ત્વનું ગણીએ છીએ. (ગીત. ૬૧:૮) દાખલા તરીકે, જો તમારા કામના સ્થળે કે શાળામાં કોઈ વ્યક્તિ ખોટા ઇરાદા સાથે મીઠી-મીઠી વાતો કરે, તો તમે શું કરશો? યહોવાને ખુશ કરવા શું તમે એ વ્યક્તિનો નકાર કરશો? (નીતિ. ૨૩:૨૬) અથવા જો કુટુંબમાંથી તમે એકલા જ સત્યમાં હોવ, તો યહોવાના સિદ્ધાંતો પ્રમાણે ચાલવા શું તમે યહોવા પાસે મદદ માંગશો? ગમે એવા સંજોગો આવે, યહોવાનાં પ્રેમ અને માર્ગદર્શન માટે શું તમે તેમનો આભાર માનો છો? શું તમે સમય કાઢીને બાઇબલ વાંચો છો? હકીકતમાં, સમર્પણ કરીને આપણે એ બધું કરવાનું વચન આપીએ છીએ. યહોવાને માર્ગે ચાલીને અને તેમને પોતાનું ઉત્તમ આપીને બતાવીએ છીએ કે, આપણે તેમને પ્રેમ કરીએ છીએ અને તેમને આપણા માલિક ગણીએ છીએ. આપણે યહોવાની ભક્તિ ફક્ત કરવા ખાતર નથી કરતા, પણ એ આપણા જીવનનો ભાગ છે. અને આપણે તેમને વફાદાર રહીએ છીએ, એટલે તે આપણને સુંદર ભાવિની આશા આપે છે.—પુન. ૧૦:૧૨, ૧૩.

૧૩. ઝખાર્યાના છઠ્ઠા સંદર્શનમાંથી આપણે શું શીખી શકીએ?

૧૩ ઝખાર્યાના છઠ્ઠા સંદર્શનથી એ સમજવા મદદ મળી કે, આપણે યહોવાને પ્રેમ કરતા હોઈશું તો, ચોરી નહિ કરીએ અને વચનો નહિ તોડીએ. ઇઝરાયેલીઓએ ઘણી ભૂલો કરી હતી, છતાં યહોવાએ પોતાનું વચન નિભાવ્યું અને તેઓને છોડી દીધા નહિ. યહોવાને ખબર હતી કે તેઓ અઘરા સંજોગોમાં હતા અને દુશ્મનોથી ઘેરાયેલા હતા. યહોવાનો સુંદર દાખલો બતાવે છે કે, આપણે પણ પોતાનાં વચનો નિભાવવાં જોઈએ. આપણે ખાતરી રાખી શકીએ કે એ વચનો નિભાવવામાં તે આપણી મદદ કરશે. જેમ કે, તેમણે આપણને ભાવિની અદ્‍ભુત આશા આપી છે. જલદી જ તે પૃથ્વી પરથી બધી દુષ્ટતા મિટાવી દેશે. ઝખાર્યાના સાતમાં સંદર્શનમાં એ વિશે જણાવ્યું છે, ચાલો જોઈએ.

યહોવા દુષ્ટોને ચલાવી નહિ લે

૧૪, ૧૫. (ક) સાતમાં સંદર્શનમાં ઝખાર્યાએ શું જોયું? (શરૂઆતનું ચિત્ર ૨ જુઓ.) (ખ) ટોપલામાં બેઠેલી સ્ત્રી કોણ છે? દૂતે શા માટે ટોપલો ઢાંકી દીધો?

૧૪ ઝખાર્યાએ ઊડતું ઓળિયું જોયું, એ પછી દૂતે તેમને કહ્યું “જો.” ઝખાર્યાએ નજર કરી તો એક “એફાહ” એટલે કે, ટોપલો દેખાયો. (ઝખાર્યા ૫:૫-૮ જુઓ.) એ ટોપલા પર ‘સીસાનું ઢાંકણ’ હતું. ઢાંકણ ખોલવામાં આવ્યું ત્યારે, ઝખાર્યાએ એમાં ‘એક સ્ત્રી બેઠેલી જોઈ.’ દૂત સમજાવે છે કે ટોપલામાં બેઠેલી સ્ત્રી “દુષ્ટતા” છે. એ સ્ત્રી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. ઝખાર્યા માટે એ નજારો કેટલો ડરામણો હશે! પરંતુ, દૂત એ સ્ત્રીને પાછી ટોપલામાં નાખી દે છે અને એનું ભારે ઢાંકણું બંધ કરી દે છે. એનો શો અર્થ થાય?

૧૫ એ સંદર્શન ખાતરી આપે છે કે યહોવા પોતાના લોકો મધ્યે કોઈ પણ પ્રકારની દુષ્ટતા ચલાવી નહિ લે. જો તે કંઈ પણ ખરાબ જોશે, તો એને કાઢવા તરત પગલાં ભરશે. (૧ કોરીં. ૫:૧૩) આપણે શા માટે એમ કહી શકીએ? કારણ કે, દૂત તરત જ ભારે ઢાંકણાથી એ ટોપલાને બંધ કરી દે છે.

બગલાના જેવી પાંખોવાળી બે સ્ત્રીઓ “દુષ્ટતા”નો ટોપલો ઉઠાવે છે અને શિનઆર લઈ જાય છે

યહોવાએ સાચી ભક્તિને શુદ્ધ રાખવાનું વચન આપ્યું છે (ફકરા ૧૬-૧૮ જુઓ)

૧૬. (ક) ટોપલાનું શું થાય છે? (શરૂઆતનું ચિત્ર ૩ જુઓ.) (ખ) પાંખોવાળી સ્ત્રીઓ ટોપલાને કયા લઈ જાય છે?

૧૬ પછી, ઝખાર્યા બે સ્ત્રીઓને ઊંચે ઊડતી જુએ છે. તેઓને બગલાના જેવી પાંખો હતી. (ઝખાર્યા ૫:૯-૧૧ વાંચો.) ટોપલામાં બંધ પેલી સ્ત્રી કરતાં આ બે સ્ત્રીઓ તદ્દન અલગ હતી. પોતાની બળવાન પાંખોથી તેઓ “દુષ્ટતા”નો ટોપલો ઉઠાવે છે અને ઊડી જાય છે. તેઓ એ ટોપલાને કયા લઈ જાય છે? “શિનઆર દેશમાં” એટલે કે બાબેલોનમાં. પણ, બાબેલોન શા માટે?

૧૭, ૧૮. (ક) “દુષ્ટતા”નો ટોપલો નાખવા માટે બાબેલોન કેમ ‘યોગ્ય જગ્યા’ હતું? (ખ) તમે શું કરવાનો દૃઢ નિર્ણય લીધો છે?

૧૭ ઝખાર્યાના સમયના ઇઝરાયેલીઓ સમજી ગયા હશે કે, શા માટે એ ટોપલાને બાબેલોન લઈ જવામાં આવ્યો. તેઓ જાણતા હતા કે એ શહેર અનૈતિક કામોથી અને જૂઠી ઉપાસનાથી ખદબદતું હતું. ઝખાર્યા અને બીજા યહુદીઓ બાબેલોનમાં હતા ત્યારે, એની ખરાબ અસરથી બચવા તેઓએ દરરોજ સંઘર્ષ કર્યો હતો. એટલે, આ સંદર્શનથી સાબિતી મળી કે, યહોવા સાચી ભક્તિને હંમેશાં શુદ્ધ રાખશે.

૧૮ ઉપરાંત, સંદર્શન યહુદીઓને યાદ અપાવતું કે તેઓએ ભક્તિને શુદ્ધ રાખવાની છે. યહોવા દુષ્ટતા ચલાવી જ ન શકે, અને ચલાવશે પણ નહિ. આજે, યહોવા આપણને તેમના શુદ્ધ સંગઠનમાં લાવ્યા છે, જ્યાં આપણે પ્રેમ અને સલામતી અનુભવીએ છીએ. તેથી, એને શુદ્ધ રાખવાની જવાબદારી આપણા દરેકની છે. યહોવાના લોકો મધ્યે દુષ્ટતા માટે કોઈ સ્થાન નથી.

શુદ્ધ લોકો યહોવાને માન આપે છે

૧૯. ઝખાર્યાના સંદર્શનોનો આપણા સમયમાં શો અર્થ રહેલો છે?

૧૯ ઝખાર્યાનું છઠ્ઠું અને સાતમું સંદર્શન દુષ્ટ લોકો માટે ગંભીર ચેતવણી છે. યહોવા દુષ્ટતાને ચલાવી લેશે નહિ. તેમના સેવકો હોવાને લીધે આપણે દુષ્ટતાને ધિક્કારવું જોઈએ. પ્રેમાળ પિતા યહોવાને ખુશ કરવા આપણે મહેનત કરીએ. આ સંદર્શનો ખાતરી આપે છે કે, એમ કરીશું તો યહોવા રક્ષણ અને આશીર્વાદ આપશે, શાપ આવવા દેશે નહિ. ખરું કે, આ દુષ્ટ દુનિયામાં શુદ્ધ રહેવું અઘરું છે. જોકે, યહોવાની મદદથી બધું શક્ય છે! પણ, આપણે શા માટે ખાતરી રાખી શકીએ કે શુદ્ધ ભક્તિ કાયમ ટકી રહેશે? અને મહાન વિપત્તિ નજીક આવે છે તેમ, કઈ રીતે જાણી શકીએ કે, યહોવા પોતાના સંગઠનનું રક્ષણ કરશે? આવતા લેખમાં આ સવાલોની ચર્ચા કરીશું.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો