વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp19 નં. ૨ પાન ૬-૭
  • સગું-વહાલું ગુજરી જાય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સગું-વહાલું ગુજરી જાય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • બીજાઓને ક્યાંથી મદદ મળી?
  • ‘હું મારું દુઃખ લઈને કઈ રીતે જીવું?’
    ગુજરી ગયેલાનું દુઃખ સહેવું કઈ રીતે?
  • ગુજરી ગયેલાનું દુઃખ કઈ રીતે સહેવું?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • શોકમાં ડૂબેલા લોકોને દિલાસો આપવા મદદ
    સજાગ બનો!—૨૦૧૧
  • શું હું કરું છું એ રીતે શોક કરવો સામાન્ય છે?
    પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
wp19 નં. ૨ પાન ૬-૭
શોકમાં ડૂબેલું એક યુગલ દરિયા કિનારે ઊભું છે અને દૂર જોઈ રહ્યું છે

સગું-વહાલું ગુજરી જાય

‘મારા મોટા ભાઈને અચાનક મોત ભરખી ગયું. હું કંઈ જ કરી ન શકી. મહિનાઓ પછી પણ અચાનક તેમની યાદ આવી જતી. ત્યારે હું દુઃખમાં ડૂબી જતી, જાણે કોઈએ ખંજર ભોંકી દીધું હોય એવી પીડા થતી. કોઈ વાર મને ગુસ્સો પણ આવતો. તેમને ન કોઈ બીમારી હતી, ન કોઈનું કંઈ બગાડ્યું હતું. તોય આવું કેમ થયું? મોટા ભાઈ હતા ત્યારે તેમની સાથે વધારે સમય વિતાવી ન શકી એ વાતનો પણ ખૂબ અફસોસ થતો.’—વેનેસા, ઑસ્ટ્રેલિયા.

કદાચ તમે પણ કોઈ સગાં-વહાલાંને ગુમાવ્યાં હશે. એનાથી તમારું હૈયું વીંધાઈ ગયું હશે. એકલા એકલા લાગતું હશે. થતું હશે, મારા જેવું લાચાર કોઈ નથી. ગુસ્સો પણ આવતો હશે. પોતાને દોષ દેતા હશો. ચિંતા કે ડરની લાગણી ઘર કરી ગઈ હશે. તમને આવો વિચાર પણ આવતો હશે, હવે જીવીને શું કરું?

જો તમને આવું લાગતું હોય તો સમજી શકાય. એ કોઈ નબળાઈ કે કમજોરી નથી. એ તો બતાવે છે કે તમે તમારા સગાં-વહાલાંને કેટલું ચાહતા હતા. પણ તમને થતું હશે, આ દુઃખ સહેવું કઈ રીતે? એમાંથી બહાર આવવા શું કરું?

બીજાઓને ક્યાંથી મદદ મળી?

તમને થતું હશે કે મારા દુઃખનો કદી અંત નહિ આવે. પણ નીચે આપેલાં સૂચનો પાડશો તો તમને ઘણી રાહત મળશે:

લાગણીઓને દબાવી ન રાખો

બધા અલગ અલગ રીતે શોક કરે છે. એમાંથી બહાર આવવા કોઈને થોડો સમય લાગે, તો કોઈને વધારે. રડવું આવતું હોય તો, રડી લો. એનાથી દુઃખ હળવું થશે. અગાઉ ઉલ્લેખ કર્યો હતો એ વેનેસા કહે છે: “હું બસ રડ્યા જ કરતી. મારું દુઃખ ઠાલવી દીધા પછી મને બહુ સારું લાગતું.” સોફિયાનો વિચાર કરો. તેની બહેન અચાનક ગુજરી ગઈ. તે જણાવે છે: “જે બન્યું એનો વિચાર કરું ત્યારે જાણે મોટા જખમને સાફ કરતા હોય એવું અસહ્ય દર્દ થતું. ભલે મારું દિલ પીડાથી ઊભરાઈ જતું, પણ મારા દિલ પર લાગેલો ઘા ધીમે ધીમે રુઝાતો હતો.”

બીજાઓ સાથે વાત કરો

કોઈ વાર તમને બસ એકલા જ રહેવાનું મન થશે. એ સમજી શકાય. પણ એનાથી તમારું દુઃખ હળવું નહિ થાય. બીજાઓના સાથથી તમને એ સહેવા ખૂબ મદદ મળશે. ૧૭ વર્ષના જેરેડના પિતા ગુજરી ગયા હતા. જેરેડ યાદ કરતા કહે છે: ‘મેં મારા દિલનો ઊભરો બીજાઓ આગળ ઠાલવ્યો. મને તો ખબરેય નથી મેં શું કહ્યું હતું, જાણે લવારો જ કરતો હતો. પણ બીજાઓ આગળ દિલ ઠાલવ્યા પછી એવું લાગ્યું જાણે દિલ પર મૂકેલો મોટો પથ્થર હટી ગયો.’ શરૂઆતના લેખમાં ઉલ્લેખ કર્યો હતો એ જેનીસ બીજો એક ફાયદો જણાવે છે: ‘બીજાઓ સાથે વાત કરવાથી મને ખૂબ જ રાહત મળી. હું જોઈ શકી કે બીજાઓ મારું દુઃખ સમજે છે.’

મદદ સ્વીકારો

એક ડોક્ટર જણાવે છે: ‘શોકમાં ડૂબેલાઓ શરૂઆતના દિવસોમાં મિત્રો અને સગાં-વહાલાંની મદદ લે તો સારું. એનાથી તેઓને શોકમાંથી બહાર આવવા ખૂબ મદદ મળે છે.’ તમારા દોસ્તોને જણાવો કે તેઓ કઈ રીતે મદદ કરી શકે. તેઓ મદદ કરવા તો માંગે છે, પણ કદાચ જાણતા નથી કે શું કરવું.—નીતિવચનો ૧૭:૧૭.

ઈશ્વરનો હાથ પકડો

ટીના જણાવે છે: ‘મારા પતિને કૅન્સર હતું અને તે અચાનક ગુજરી ગયા. તે જીવતા હતા ત્યારે હું તેમની આગળ મારું દિલ ઠાલવતી. હવે શું કરું? હું ઈશ્વર આગળ દિલ ઠાલવવા લાગી! હું રોજ સવારે પ્રાર્થના કરતી કે મારો દિવસ સારી રીતે નીકળી જાય એ માટે મદદ કરજો. મેં ધાર્યું પણ ન હતું એ હદે ઈશ્વરે મને મદદ કરી.’ ટારશા ૨૨ વર્ષની હતી ત્યારે તેની મમ્મી ગુજરી ગઈ. તે જણાવે છે: ‘રોજ બાઇબલ વાંચવાથી મને રાહત મળતી. ઈશ્વરનાં વચનો પર મન લગાડવાથી મને હિંમત રાખવા મદદ મળી.’

તમારા વહાલાંને ઈશ્વર જીવતા કરશે, એ સમયની કલ્પના કરો

ટીના આગળ જણાવે છે: ‘મને આશા છે કે મારા પતિને ઈશ્વર જીવતા કરશે. પણ મારા પતિ ગુજરી ગયા ત્યારે એ આશાથી બહુ આશ્વાસન મળ્યું ન હતું. એ સમયે મને મારા પતિની અને મારા દીકરાઓને તેમના પપ્પાની જરૂર હતી. પણ આજે ચાર વર્ષ પછી એ જ આશા મને જીવવા બળ પૂરું પાડે છે, હિંમત આપે છે. હું મારા પતિને જલદી જ ફરી જોવાની કલ્પના કરું છું. એનાથી મારા દિલને ટાઢક વળે છે ને મારું મન હળવું થઈ જાય છે!’

તમને કદાચ દુઃખમાંથી તરત રાહત ન મળે. પણ વેનેસાના અનુભવમાંથી આશ્વાસન જરૂર મળી શકે. તે જણાવે છે: ‘તમને લાગશે કે શોકના વમળમાંથી તમે કદી બહાર નહિ આવી શકો. પણ ધીમે ધીમે તમારો ઘા રુઝાતો જશે.’

સાચું કે તમારું પોતાનું કોઈ ગુજરી જાય ત્યારે, એ ખોટ કદી પુરાતી નથી. પણ હિંમત ન હારો. ઈશ્વર તમને એમાંથી બહાર આવવા મદદ કરશે. તેમની મદદથી તમને જીવવા હિંમત મળશે, મિત્રોનો સહારો મળશે. એ દિવસો દૂર નથી જ્યારે ઈશ્વર તમારા ગુજરી ગયેલા સગાં-વહાલાંઓને જીવતા કરશે. તે ચાહે છે કે તમે તેઓને ફરીથી ગળે લગાડો. પછી તમારા દિલ પર લાગેલો ઘા કાયમ માટે રુઝાઈ જશે!

હિંમત બંધાવતાં ઈશ્વરનાં વચનો

તમારું દુઃખ, તમારાં આંસુઓ ઈશ્વરના ધ્યાન બહાર નથી.

એક ઈશ્વરભક્તે પ્રાર્થનામાં કહ્યું: ‘મારાં આંસુઓ તમારી કુપ્પીમાં રાખો; શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલા નથી?’—ગીતશાસ્ત્ર ૫૬:૮.

ઈશ્વર આગળ તમારું દિલ ઠાલવો.

‘ઈશ્વરની આગળ હું મારા હૈયાનું દુઃખ ઠાલવું છું. હે યહોવા,a હું તમને વિનંતી કરું છું.’—ગીતશાસ્ત્ર ૧૪૨:૨, ૫.

ઈશ્વરનાં વચનોમાં ભરોસો રાખો.

“લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.”—પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫.

ગુજરી ગયેલા અસંખ્ય લોકોને જીવતા કરવાનું ઈશ્વરે વચન આપ્યું છે અને એમ કરવા તે આતુર છે.b—અયૂબ ૧૪:૧૪, ૧૫.

a પવિત્ર બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.

b ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે, એ વિશે વધુ માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૭ જુઓ. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે. તમે આ વેબસાઇટ પરથી મફત ડાઉનલોડ કરી શકો: www.pr418.com/gu

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો