ભગવાનનું સાંભળવા લોકોને મદદ કરો
૧. ‘ઈશ્વરનું રાજ્ય આવો!’ ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં આપણને કઈ પુસ્તિકાઓ મળી? બંનેમાં એવું શું છે, જે એને ઉપયોગી બનાવે છે?
૧ ‘ઈશ્વરનું રાજ્ય આવો!’ ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં આપણને બે પુસ્તિકા મળી હતી. એક હતી, ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! અને બીજી એના જેવી જ પણ સાદી રજૂઆતમાં, ભગવાનનું સાંભળો પુસ્તિકા. આ બંનેમાં ઓછું લખાણ હોવાને લીધે, એનું જલદીથી અને સહેલાઈથી ભાષાંતર થઈ શકે છે. ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! આ પુસ્તિકા, અંગ્રેજીમાં બહાર પાડવામાં આવી ત્યારે, બીજી ૪૩૧ ભાષાઓમાં એનું ભાષાંતર કરવાની પરવાનગી મળી ગઈ હતી.
૨. કયા લોકોને આ પુસ્તિકાથી લાભ થશે?
૨ ખાસ કરીને કેવા લોકોને આ પુસ્તિકાથી લાભ થશે? દુનિયા ફરતે વારંવાર ઊભા થતા, અહીં જણાવેલા સંજોગોનો વિચાર કરો:
• એક પ્રકાશક કોઈ ઘરમાલિકને પહેલી વાર મળ્યા છે અથવા તેમની સાથે ફરી મુલાકાત વખતે ચર્ચા કરી રહ્યા છે. પણ પ્રકાશકને ખબર પડે છે કે ઘરમાલિક ભણેલા નથી અથવા બરાબર વાંચતા આવડતું નથી.
• એક પ્રકાશક એવા લોકોને પ્રચાર કરે છે, જેઓની ભાષામાં આપણું સાહિત્ય બહું ઓછું કે નહિવત્ ભાષાંતર થયું છે. અથવા તે એવા લોકોને મળે છે, જેઓ કોઈ એક ભાષા સારી રીતે બોલી શકે છે, પણ એમાં તેઓને વાંચતા નથી આવડતું.
• એક પ્રકાશક સાઇન લૅંગ્વેજ વાપરીને બહેરા-મૂંગા લોકોને પ્રચાર કરે છે.
• એક માબાપની ઇચ્છા છે કે પોતાના નાના બાળકને, જેને હજી વાંચતા નથી આવડતું, તેને સત્ય શીખવે.
૩. ભગવાનનું સાંભળો પુસ્તિકા કેવી રીતે તૈયાર કરવામાં આવી છે?
૩ એ કેવી રીતે તૈયાર કરી છે: ભગવાનનું સાંભળો પુસ્તિકામાં સાવ ઓછું લખાણ છે અને એમાં સાદા વાક્યો છે. મુખ્ય મુદ્દો દર્શાવતી બાઇબલની કલમ દરેક પાનની નીચે આપેલી છે. શા માટે? વિચારો કે તમને કોઈ એવી ભાષાની પુસ્તિકા આપે જે તમને વાંચતા નથી આવડતી. કદાચ એના અક્ષરો તમારા માટે અજાણ્યા છે. ભલે એમાં સારી માહિતી કેમ ન હોય, શું તમને એમાં રસ પડશે? જરાય નહિ. એવી જ રીતે, જેઓ વાંચી શકતા નથી, તેઓ સાહિત્યનું લખાણ જોઈને જલદી નિરાશ થઈ જાય છે. તેથી, આ પુસ્તિકાના દરેક પાને જોવા મળતા ચિત્રો બહુ વિચારીને તૈયાર કરવામાં આવ્યા છે. એમાં એકથી બીજા ચિત્ર તરફ લઈ જતા ચિહ્નો છે.
૪. ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! કેવી રીતે તૈયારી કરવામાં આવી છે?
૪ ભગવાનનું સાંભળો અને ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! એ બંને પુસ્તિકામાં એક સરખા ચિત્રો છે. ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકા એવા લોકો સાથે ચર્ચા કરવા તૈયાર કરવામાં આવી છે, જેઓ ઓછું ભણેલા હોય અથવા હજી વાંચવાનું શીખે છે. આ પુસ્તિકા શીખવનાર વાપરી શકે, જ્યારે તે ભગવાનનું સાંભળો પુસ્તિકામાંથી બીજા સાથે અભ્યાસ કરતા હોય. આ પુસ્તિકામાં આપેલા દરેક બે પાનાના પાઠમાં ઉપર ડાબી બાજુ એક પ્રશ્ન આપેલો છે, જેનો જવાબ એ જ પાનાઓ પર છે. ચિત્રો સાથે કલમો અને એની સમજણ આપેલી છે. ઘણા પાનાઓ ઉપર એક બૉક્સ આપેલું છે, જેમાં વધારે મુદ્દાઓ અને કલમો આપી છે. અભ્યાસ કરતી વ્યક્તિ કેટલું સમજી શકે છે એ ધ્યાનમાં રાખીને તેની સાથે ચર્ચા કરો.
૫. ક્યારે અને કેવી રીતે આ પુસ્તિકા વાપરી શકાય?
૫ એ કેવી રીતે વાપરીશું: મહિનાની ઑફર ન હોય તોપણ, આ પુસ્તિકામાંથી કોઈ પણ પ્રચારમાં આપી શકાય. (“પુસ્તિકા કેવી રીતે આપીશું” બૉક્સ જુઓ.) ફરી મુલાકાત કરતી વખતે રસ ધરાવનારને કહી શકો કે તેમને પસંદ પડે એવી પુસ્તિકાઓ તમારી પાસે છે. પછી તેમને પુસ્તિકા આપો.
૬. આ પુસ્તિકાઓ વાપરીને કેવી રીતે અભ્યાસ ચલાવી શકાય?
૬ બાઇબલ શીખવે છે પુસ્તકમાં ચર્ચા માટે સવાલો આપેલા છે, જ્યારે કે ભગવાનનું સાંભળો પુસ્તિકામાં સવાલો નથી. તેથી, ફકરો વાંચીને સવાલ પૂછતા હોઈએ એ રીતે આ પુસ્તિકાનો અભ્યાસ નહિ કરી શકીએ. દરેક સમાજમાં લોકોને વાર્તા સાંભળવી ગમે છે. તેથી ચિત્રો વાપરીને બાઇબલનો અહેવાલ જણાવો. એ ચિત્ર શું બતાવે છે એ પૂરા ઉત્સાહથી સમજાવો. અભ્યાસ કરનારને પૂછો કે ચિત્રમાંથી તે શું શીખ્યા. પછી પાનને અંતે આપેલી કલમો વાંચો અને એ શું જણાવે છે એ સમજવા તેઓને મદદ કરો. તેમને ચર્ચામાં સામેલ કરવા પ્રશ્નો પૂછો અને ખાતરી કરો કે તે સમજ્યા છે કે નહિ. જો ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકા વિદ્યાર્થી વાપરતા હોય, તો દરેક ચિત્રની ચર્ચા કરવા માટે આપેલું લખાણ અને ટાંકેલી કલમો સાથે વાંચો.
૭. વિદ્યાર્થીને પ્રગતિ કરવા આપણે કેવી રીતે મદદ કરી શકીએ?
૭ વિદ્યાર્થીને પ્રગતિ કરવા મદદ કરો: બની શકે કે વિદ્યાર્થી સાથે તમે જે ચર્ચા કરો છો, એનાથી તેમના દિલમાં વાંચવા-લખવાની હોંશ જાગે. પછી કદાચ તે જાતે વાંચીને યહોવાનું જ્ઞાન લઈ શકે. (માથ. ૫:૬; યોહા. ૧૭:૩) વિદ્યાર્થી સાથે ભગવાનનું સાંભળો પુસ્તિકામાંથી અભ્યાસ કરતા, જો તમને લાગે કે તેમને વાંચતા-લખતા શીખવામાં રસ છે તો શું કરશો? તેમને એ શીખવું છે કે કેમ એ પૂછો. પછી, તમે ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકામાંથી અભ્યાસ કરવાનું વિચારી શકો. તમે આમાંની કોઈ પણ પુસ્તિકા વાપરતા હો તોપણ, યાદ રાખો કે આ પુસ્તિકા પૂરી કરવાથી વ્યક્તિ બાપ્તિસ્મા માટે તૈયાર થતી નથી. તેમને તૈયાર કરવા માટે બાઇબલ શું શીખવે છે પુસ્તક કે બીજા કોઈ પણ યોગ્ય પુસ્તકમાંથી અભ્યાસ કરવો જોઈએ, જેથી તેમને બાઇબલનું પૂરું જ્ઞાન અને સમજણ મળી શકે.
૮. આ પુસ્તિકાઓ માટે તમે કેમ આભારી છો?
૮ લોકોને જો અમર જીવન જોઈતું હોય તો, તેઓને વિશ્વના માલિકનું સાંભળવું જ જોઈએ. (યશા. ૫૫:૩) યહોવાની ઇચ્છા છે કે “સઘળાં માણસો” એટલે કે જેઓ વાંચી નથી શકતા, તેઓ પણ તેમનું સાંભળવાનું શીખે. (૧ તીમો. ૨:૩, ૪) આ પુસ્તિકાઓ મેળવવા બદલ આપણે કેટલા આભારી છીએ! એનો ઉપયોગ કરીને આપણે લોકોને યહોવાનું સાંભળવા માટે તૈયાર કરી શકીશું!
[પાન ૩ પર બોક્સ]
પુસ્તિકા કેવી રીતે આપીશું
ઘરમાલિકને પાન ૨-૩ બતાવીને પૂછો: “આવી દુનિયામાં તમને રહેવાનું ગમશે? [જવાબ આપવા દો.] પવિત્ર શાસ્ત્રમાં ઈશ્વરે વચન આપ્યું છે કે બહુ જલદી, તે આ દુનિયાને ખૂબ જ સુંદર બનાવશે. જ્યાં સુખ-શાંતિ હશે, ગરીબી અને બીમારી નહિ હોય. આવી દુનિયામાં રહેવા આપણે શું કરવું જોઈએ? [પાન ૩ ઉપર આપેલી યશાયા ૫૫:૩ વાંચો.] આ કલમ કહે છે કે ઈશ્વર ‘પાસે આવો’ અને તેમનું ‘સાંભળો.’ પરંતુ, ભગવાનનું સાંભળવા આપણે શું કરવું જોઈએ?” પછી પાન ૪-૫ બતાવો અને એમાં આપેલા જવાબની ચર્ચા કરો. તેમની પાસે સમય ન હોય તો, પુસ્તિકા આપી દો અને ફરી મળીને એની ચર્ચા કરવાની ગોઠવણ કરો.