આ પુસ્તિકા કઈ રીતે વાપરીશું:
યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે? બાઇબલ વિદ્યાર્થીઓને યહોવાના સંગઠન તરફ દોરવા આ પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે
૧. કયા ત્રણ હેતુથી યહોવાની ઇચ્છા પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે?
૧ શું તમે આ પુસ્તિકા વાપરવા લાગ્યા છો: યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે? એનો હેતુ છે: (૧) બાઇબલ વિદ્યાર્થીઓ યહોવાના સાક્ષીઓથી પરિચિત થાય. (૨) તેઓ આપણી પ્રવૃત્તિઓથી જાણકાર થાય. (૩) તેઓ જાણી શકે કે આપણું સંગઠન કઈ રીતે કામ કરે છે. યહોવાની ઇચ્છા પુસ્તિકાના દરેક પાનમાં એક પાઠ છે, જે અભ્યાસ પછી સહેલાઈથી પાંચ કે દસ મિનિટમાં આવરી શકાય.
૨. આ પુસ્તિકા કઈ રીતે તૈયાર કરવામાં આવી છે?
૨ કઈ રીતે તૈયાર કરી છે: આ પુસ્તિકા ત્રણ ભાગમાં છે. ઉપર જણાવ્યું તેમ દરેક ભાગ યહોવાના સંગઠન વિશેના જુદાં જુદાં પાસાંની વાત કરે છે. અઠ્ઠાવીસ પાઠના દરેક વિષય સવાલથી શરૂ થાય છે અને ગૌણ મથાળાઓ નીચેની માહિતી એનો જવાબ આપે છે. આપણું કાર્ય આખી દુનિયામાં ચાલે છે એ બતાવવા ૫૦ દેશોના ફોટા છે. ફોટા નીચે જણાવ્યું છે કે કયા દેશના છે. અમુક પાઠમાં “વધારે જાણવા આમ કરો” બૉક્સ છે. એમાં જણાવેલી માહિતી પ્રમાણે કરવા બાઇબલ વિદ્યાર્થીને તમે ઉત્તેજન આપી શકો.
૩. આપણે યહોવાની ઇચ્છા પુસ્તિકા કઈ રીતે વાપરીશું?
૩ કઈ રીતે વાપરશો: પાઠનો સવાલ બતાવી ચર્ચા શરૂ કરી શકો. પછી તમે આખો પાઠ વાંચો તેમ ગૌણ મથાળા પર ભાર મૂકો. છેલ્લે, પાઠના અંતે આપેલા સવાલની ચર્ચા કરો. તમે આખો પાઠ વાંચી જઈ શકો અથવા દરેક ગૌણ મથાળાની માહિતી વાંચીને ચર્ચા કરી શકો. ટાંકેલી કઈ કલમ વાંચશો એ સમજી વિચારીને નક્કી કરો. “વધુ જાણવા આમ કરો” બૉક્સ અને ફોટા વિશે ચર્ચા કરવાનું ભૂલશો નહિ. મોટા ભાગે દરેક પાઠની ક્રમ પ્રમાણે ચર્ચા કરવી જોઈએ. પણ વ્યક્તિને કંઈ ખાસ જણાવવાની જરૂર લાગે તો, સીધા યોગ્ય પાઠમાં જઈ શકો. જેમ કે, કોઈ સંમેલન આવતું હોય તો તમે સીધા ૧૧માં પાઠમાં જઈ શકો.
૪. નવી પુસ્તિકા મેળવીને તમે કેમ ખુશ છો?
૪ આપણે કોઈને બાઇબલમાંથી શીખવીએ છીએ ત્યારે, તેને યહોવાને ઓળખવા મદદ કરીએ છીએ. જોકે, યહોવાના સંગઠન વિશે પણ તેને શીખવવાની જરૂર છે. (નીતિ. ૬:૨૦) એમ કરવા આ નવી પુસ્તિકા આપણને મદદ કરે છે, એનાથી આપણે કેટલા ખુશ છીએ!