યુવાનો—યહોવાની સેવામાં તમે કેવા ધ્યેયો બાંધ્યાં છે?
૧ યહોવા જાણે છે કે સુખ મેળવવા સંતોષકારક કામ અને પહોંચી શકાય એવા ધ્યેયો બાંધવા ખૂબ મહત્ત્વના છે. (ઉત્પત્તિ ૧:૨૮; ૨:૧૫, ૧૯ જુઓ.) આજે યહોવા ઈશ્વરે પોતાના ભક્તોને પ્રચાર કરવાનું અને શીખવવાનું કામ સોંપ્યું છે. તેમ જ, આપણો મુખ્ય ધ્યેય છે કે નવી દુનિયામાં કાયમ માટેનું જીવન પામીએ. એ દરમિયાન આપણે પોતાની શક્તિ અને સાધન સંપત્તિનો ખોટો ઉપયોગ ન કરી બેસીએ, માટે યહોવાની ભક્તિમાં યોગ્ય ધ્યેયો બાંધવા જોઈએ.—૧ કોરીં. ૯:૨૬.
૨ યુવાનો માટે વાજબી ધ્યેયો: યુવાનોએ ઈશ્વરભક્તિમાં પોતાના ગજા પ્રમાણે ધ્યેયો બાંધવા જોઈએ. (૧ તીમો. ૪:૧૫) અમુક બાળકો વાંચતા શીખ્યા એ પહેલાં બાઇબલ પુસ્તકોનાં નામ યાદ રાખવાનો ધ્યેય સિદ્ધ કરી શક્યા છે. કૌટુંબિક અભ્યાસ દરમિયાન બાળકો સભાની તૈયારી કરતા શીખ્યા છે જેથી તેઓ સારી રીતે સભામાં જવાબ આપી શકે. તેમ જ દેવશાહી સેવા શાળામાં નામ નોંધાવી શકે. બાળકો પોતાનાં માબાપ સાથે પ્રચારમાં જાય છે તેમ, તેઓ બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક બનવાના ધ્યેય તરફ પ્રગતિ કરે છે. માબાપે પોતાના બાળકોને સમર્પણ અને બાપ્તિસ્મા લેવાનો ધ્યેય રાખવા ઉત્તેજન આપવું જોઈએ.
૩ તમે નાની વયે પણ ઈસુનું અનુકરણ કરવાનું શીખી શકો. ઈસુ ૧૨ વર્ષના હતા, તોપણ અચકાયા વગર યહોવા વિશે વાત કરી શક્યા. (લુક ૨:૪૨-૪૯, ૫૨) તમે પોતાની માટે યોગ્ય ધ્યેયો બાંધી શકો. જેમ કે, વ્યક્તિગત અભ્યાસ, દરરોજ બાઇબલ વાંચન. તેમ જ, સભાઓમાં નિયમિત રીતે અનુભવી ભાઈ-બહેનોની સંગત કરવી અને તેઓ સાથે પ્રચારમાં કામ કરવું. આમ કરવાથી, તમે પણ ઈસુની જેમ લોકોને ઈશ્વરના રાજ્ય વિશે શીખવવાની કળા કેળવી શકશો.