સેવાકાર્યમાં jw.org સાઇટનો ઉપયોગ કરીએ
“પૃથ્વીના છેડા સુધી” ખુશખબર ફેલાવવામાં આપણી વેબ સાઇટ ખૂબ જ ઉપયોગી છે. (પ્રે.કૃ. ૧:૮) મોટા ભાગના લોકો પોતાની જાતે jw.org સાઇટ શોધી શકતા નથી. પ્રકાશક એ વિશે બતાવે ત્યારે જ તેઓને ખબર પડે છે.
એક પ્રવાસી નિરીક્ષકે પોતાના મોબાઇલમાં આ વિડીયો ડાઉનલોડ કર્યો હતો: બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? તેમને તક મળે ત્યારે લોકોને એ બતાવતા. દાખલા તરીકે, ઘરઘરના પ્રચારમાં તે ઘરમાલિકને કહે છે: “હું બધાને આ નાનો વિડીયો બતાવું છું. એ ત્રણ મહત્ત્વના સવાલોનો જવાબ આપે છે. જેમ કે, દુનિયાની હાલત કેમ આટલી બધી ખરાબ છે? ઈશ્વર કઈ રીતે એ બધું સરખું કરશે? અને, એમ થાય ત્યાં સુધી આપણે શું કરી શકીએ?” પછી, ભાઈ વિડીયો ચાલુ કરીને ઘરમાલિકને વિડીયો વિશે કેવું લાગે છે એ જુએ છે. આ વિડીયો એટલો અસરકારક છે કે ઘણાને એના પરથી નજર હટાવવાનું મન થતું નથી. એ પછી પ્રવાસી નિરીક્ષક આમ જણાવતાં: “આ વિડીયોમાં સાંભળ્યું કે બાઇબલમાંથી શીખવા તમે ઓનલાઇન વિનંતી કરી શકો. હું આવ્યો છું તો, તમને બતાવવા ચાહું છું કે અમે કઈ રીતે શીખવીએ છીએ.” ઘરમાલિક હા પાડે તો, ખુશખબર પુસ્તિકામાંથી તેમની સાથે અભ્યાસ ચલાવે છે. પણ જો ઘરમાલિક પાસે સમય ન હોય, તો ભાઈ ફરી મળવાની ગોઠવણ કરે છે. તેમ જ, ભાઈ હોટલમાં કૉફી પીવા જાય ત્યારે, બાજુમાં બેઠેલા વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરીને એવી જ રીતે વિડીયો બતાવે છે. શું તમે પણ પ્રચારમાં jw.org સાઇટનો ઉપયોગ કરો છો?