સ્મરણપ્રસંગના સમયગાળામાં, શું તમે યહોવા અને ઈસુ જેવો ઉત્સાહ બતાવશો?
૧. સ્મરણપ્રસંગના સમયગાળામાં, યહોવાના સાક્ષીઓ કયું કામ કરવા ઘણી મહેનત કરે છે?
૧ યહોવા પોતાનો હેતુ ઉત્સાહથી પૂરો કરે છે. ઈશ્વરના રાજમાં મળનાર અમુક આશીર્વાદો વિશે જણાવતા યશાયા ૯:૭ આમ કહે છે: ‘સૈન્યોના ઈશ્વર યહોવાના ઉત્સાહથી આ થશે.’ એવી જ રીતે, ઈશ્વરના દીકરાએ પણ પૃથ્વી પર સાચી ભક્તિ માટે ઘણો ઉત્સાહ બતાવ્યો હતો. (યોહા. ૨:૧૩-૧૭; ૪:૩૪) દર વર્ષે સ્મરણપ્રસંગના સમયગાળામાં, લાખો ભાઈ-બહેનો પ્રચારમાં વધારે ભાગ લઈને યહોવા અને ઈસુ જેવો ઉત્સાહ બતાવવા ઘણી મહેનત કરે છે. શું તમે પણ એવું કરવા માંગશો?
૨. આપણે ઉત્સાહી હોઈશું તો, માર્ચ ૭થી શું શરૂ કરીશું?
૨ સ્મરણપ્રસંગ ઝુંબેશ: આ વર્ષે સ્મરણપ્રસંગની ઝુંબેશ શનિવાર, માર્ચ ૭થી શરૂ થશે. પ્રચારમાં ઉત્સાહથી ભાગ લેવા હમણાંથી યોજના બનાવીએ. બની શકે એટલો વધારે પ્રચાર વિસ્તારને પૂરો કરવા મંડળો આતુર છે. પત્રિકા કે jw.org વેબ સાઇટનો ઉપયોગ કરીને બાઇબલ વિદ્યાર્થીઓ, રસ ધરાવનારા, સાથે કામ કરનાર કે ભણતા વિદ્યાર્થીઓ અને સગાંઓને આમંત્રણ આપવા ખાસ મહેનત કરીએ.
૩. માર્ચ અને એપ્રિલ દરમિયાન કઈ રીતે સેવાકાર્યમાં વધુ કરી શકીએ?
૩ સહાયક પાયોનિયર: આપણે ઉત્સાહી હોઈશુ તો, આપણું સેવાકાર્ય વધારીશું. ૩૦ કલાક કરવાની પસંદગી હોવાથી, ઘણાં ભાઈ-બહેનો માર્ચ અને એપ્રિલ દરમિયાન સહાયક પાયોનિયરીંગ કરી શકશે. કુટુંબ તરીકેની ભક્તિ અથવા વ્યક્તિગત અભ્યાસ દરમિયાન વિચારો કે તમે એ કઈ રીતે કરશો અને એના વિશે પ્રાર્થના કરો. (નીતિ. ૧૫:૨૨) એ ઝુંબેશ વિશે આપણો ઉત્સાહ જોઈને ભાઈ-બહેનો પણ વધુ કરવા પ્રેરાશે. આપણે સેવાકાર્યમાં વધારે કરવા ફેરગોઠવણ કરીશું તો, ઈસુ જેવો ઉત્સાહ બતાવીશું.—માર્ક ૬:૩૧-૩૪.
૪. યહોવા અને ઈસુ જેવો ઉત્સાહ બતાવવાથી કેવા આશીર્વાદ મળશે?
૪ સ્મરણપ્રસંગના સમયગાળામાં, યહોવા અને ઈસુ જેવો ઉત્સાહ બતાવવાથી ઘણા આશીર્વાદ મળશે. આપણા વિસ્તારમાં ઘણા લોકોને ખુશખબર જાણવા મળશે. યહોવાની ભક્તિ કરવામાં અને બીજાઓને શીખવવામાં આપણે આનંદ અને સંતોષનો અનુભવ કરીશું. (પ્રે.કૃ. ૨૦:૩૫) સૌથી મહત્ત્વનું તો, આપણે ઈશ્વર અને તેમના દીકરાને ખુશ કરીશું.