પ્રચારમાં વધારે ભાગ લેવાની હમણાં જ તૈયારી કરીએ
૧. માર્ચથી મે મહિનામાં આપણી પાસે શું કરવાનો મોકો રહેલો છે?
૧ દર વર્ષે માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં ‘યહોવાનો આભાર માનવાનો’ આપણી પાસે સારો મોકો રહેલો છે. (ગીત. ૧૦૯:૩૦) યહોવાએ પોતાના દીકરાની કુરબાની આપી છે. એની કદર બતાવવા માર્ચ મહિનામાં શું તમે પ્રચારમાં વધારે ભાગ લેશો? કેમ નહિ કે એમાં ભાગ લેવા અત્યારથી જ એની ગોઠવણ કરીએ!—નીતિ. ૨૧:૫.
૨. ગયા વર્ષે એપ્રિલમાં સહાયક પાયોનિયરીંગ કરવા કલાક ઘટાડવામાં આવ્યા હતા. એમાં ભાગ લેવા તમે અને બીજાઓએ શું કર્યું હતું?
૨ સહાયક પાયોનિયરીંગ: ગયા વર્ષે જણાવવામાં આવ્યું કે ફક્ત એપ્રિલ મહિના માટે સહાયક પાયોનિયરીંગ કરવા કલાકો ઘટાડવામાં આવ્યા છે. એ સાંભળીને બધા જ મંડળમાં આનંદ છવાઈ ગયો અને એમાં ભાગ લેવાનો જોશ વધ્યો હતો. એક યુવાન ભાઈએ લખ્યું: “હું હજી હાઇસ્કૂલમાં ભણું છું. એટલે નિયમિત પાયોનિયરીંગ કરવું શક્ય નથી. પણ એપ્રિલમાં હું ફૉર્મમાં ૩૦ કલાક લખીશ અને ૫૦ કલાક કરવાનો પ્રયત્ન કરીશ.” ફૂલ ટાઈમ નોકરી કરતા એક બહેને લખ્યું: “હું ૩૦ કલાક સહેલાઈથી કરી શકીશ!” એક બહેન અગાઉ પાયોનિયરીંગ કરતા હતા. હવે તે એંશીએક વર્ષના છે. તેમણે આ ગોઠવણ વિષે સાંભળ્યું, ત્યારે કહ્યું: “હું આ મોકાની કાગને ડોળે રાહ જોતી હતી. યહોવા જાણે છે કે મારા જીવનમાં પાયોનિયરીંગ જ બધું છે!” જેઓ સહાયક પાયોનિયરીંગ ન કરી શક્યા તેઓએ પ્રચારમાં વધારે ભાગ લેવાની ગોઠવણ કરી હતી.
૩. માર્ચથી મે મહિનામાં સહાયક પાયોનિયરીંગ કેમ કરવું જોઈએ?
૩ માર્ચ મહિનામાં સહાયક પાયોનિયરીંગ કરવાનો ફરીથી સૌથી સારો મોકો છે. કેમ કે, તમે ૩૦ અથવા ૫૦ કલાક પસંદ કરી શકો છો. એ ઉપરાંત માર્ચ ૧૭, શનિવારથી આપણે સ્મરણપ્રસંગની ઝુંબેશ શરૂ કરીશું, જેથી બની શકે એટલા લોકોને એપ્રિલ પાંચના સ્મરણપ્રસંગમાં આવવા આમંત્રણ આપી શકીએ. આ ગોઠવણને લીધે ઘણા ભાઈ-બહેનો પ્રચારમાં વધારે ભાગ લેવાનો આનંદ માણશે. એનાથી કદાચ તેઓને એપ્રિલ અને મેમાં ૫૦ કલાક કરવાનો જોશ વધશે.
૪. પ્રચારમાં વધારે ભાગ લેવા તમે શું કરી શકો? એનું શું પરિણામ આવશે?
૪ આવતા અઠવાડિયે કુટુંબ તરીકે ભક્તિ કરો ત્યારે, ચર્ચા કરો કે માર્ચથી મે મહિનામાં દરેક જણ કઈ રીતે પ્રચારમાં વધારે ભાગ લઈ શકે. (નીતિ. ૧૫:૨૨) પ્રાર્થનામાં યહોવાની મદદ માંગો. (૧ યોહા. ૩:૨૨) પ્રચારમાં વધુ ભાગ લેશો તેમ યહોવાના વધારે ગુણ ગાઈ શકશો. એની સાથે સાથે તમારા આનંદમાં વધારો થશે.—૨ કોરીં. ૯:૬.