ખાસ આમંત્રણ
૧. મહાસંમેલનની આમંત્રણ પત્રિકાની ઝુંબેશ ક્યારથી શરૂ કરીશું?
૧ કલ્પના કરો કે, તમે કુટુંબ કે મિત્રોને જમવા બોલાવવાના છો. એ ઘણો ખર્ચો અને મહેનત માંગી લે છે. એ આમંત્રણ આપવા તમે કેટલા ઉત્સાહી હશો! એવી જ રીતે, આવનાર મહાસંમેલન અને આંતરરાષ્ટ્રીય સંમેલનમાં, યહોવા તરફથી આપણને ભરપૂર જ્ઞાન મળે એ માટે ખૂબ જ મહેનત કરવામાં આવી છે. સંમેલનના ત્રણ અઠવાડિયાં પહેલાં એનું આમંત્રણ આપવાનો આપણને લહાવો છે. ઉત્સાહથી એ આમંત્રણ આપવા આપણને શું મદદ કરશે?
૨. આ ઝુંબેશમાં પૂરા ઉત્સાહથી ભાગ લેવા આપણને શું મદદ કરશે?
૨ યહોવા આપણને સંમેલન દ્વારા ભરપૂર જ્ઞાન આપવાના છે. એનાથી મળતા લાભ વિશે વિચારીશું તો, ઝુંબેશમાં પૂરા ઉત્સાહથી ભાગ લેવા આપણને ઉત્તેજન મળશે. (યશા. ૬૫:૧૩, ૧૪) યાદ રાખીએ કે દર વર્ષે રાખવામાં આવતી ઝુંબેશથી સારાં પરિણામો આવે છે. (“સારાં પરિણામો મળે છે” બૉક્સ જુઓ.) આમંત્રણ આપ્યું છે એમાંના અમુક લોકો સંમેલનમાં આવશે. લોકો આવે કે ન આવે, તોપણ, ઝુંબેશમાં જે મહેનત કરીશું એનાથી યહોવાને મહિમા મળશે. તેમ જ, તેમની ઉદારતા દેખાઈ આવશે.—ગીત. ૧૪૫:૩, ૭; પ્રકટી. ૨૨:૧૭.
૩. આમંત્રણ પત્રિકાનું વિતરણ કઈ રીતે કરવામાં આવશે?
૩ દરેક મંડળના વડીલો નક્કી કરશે કે પત્રિકાનું વિતરણ કઈ રીતે વધારે કરી શકાય, ઘર બંધ હોય ત્યાં પત્રિકા મૂકવી કે નહિ. તેમ જ, જાહેરમાં પ્રચાર કરતી વખતે પત્રિકા આપવી કે નહિ. શનિ-રવિવારે યોગ્ય હોય તો આમંત્રણની સાથે મૅગેઝિન પણ આપી શકીએ. ઝુંબેશ પૂરી થાય ત્યારે એ જાણીને કેટલા ખુશ હોઈશું કે, આપણે પૂરા ઉત્સાહથી એમાં ભાગ લીધો હતો. તેમ જ, યહોવા તરફથી મળતું જ્ઞાન લેવા બને એટલા લોકોને આમંત્રણ આપ્યું છે!