સાચું માર્ગદર્શન આપતું પુસ્તક
જીવનમાં નિર્ણયો લેતી વખતે મોટા ભાગે લોકો પોતાને અથવા બીજાઓને સાચું લાગે એ પ્રમાણે નિર્ણય લે છે. પણ એ જરૂરી નથી કે એવી રીતે લીધેલા નિર્ણયો હંમેશાં સાચા જ હશે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એનું કારણ જણાવ્યું છે. એટલું જ નહિ એમાં એવી સલાહ આપી છે, જેનાથી આપણે પારખી શકીએ છીએ કે સાચું શું અને ખોટું શું. એ સલાહ પાળીને આપણે સારું અને ખુશહાલ જીવન જીવી શકીએ છીએ.
માણસોને સલાહની જરૂર છે
બાઇબલમાં યહોવાએa જણાવ્યું છે કે માણસોને એ રીતે નથી બનાવ્યા કે તેઓ હંમેશા સારા નિર્ણયો લઈ શકે. (યર્મિયા ૧૦:૨૩) એટલે તે ચાહે છે કે આપણે માર્ગદર્શન માટે તેમની મદદ લઈએ. તેમણે સૌથી સારી સલાહ આપી છે. તે આપણને પ્રેમ કરે છે. તે નથી ચાહતા કે આપણે ખોટા નિર્ણયો લઈએ અને એના ખરાબ પરિણામો ભોગવીએ. (પુનર્નિયમ ૫:૨૯; ૧ યોહાન ૪:૮) યહોવા સૌથી બુદ્ધિશાળી છે અને તેમણે આપણને બનાવ્યા છે. એટલે તેમને ખબર છે કે આપણા માટે સૌથી સારું શું છે. (ગીતશાસ્ત્ર ૧૦૦:૩; ૧૦૪:૨૪) તોપણ તે તેમની સલાહ પાળવા આપણને ક્યારેય જબરજસ્તી નથી કરતા.
ભગવાન યહોવાએ પહેલાં સ્ત્રી-પુરુષને બનાવ્યા, તેઓનાં નામ આદમ-હવા હતાં. તેઓ ખુશ રહી શકે એ માટે યહોવાએ તેઓને બધું જ આપ્યું હતું. (ઉત્પત્તિ ૧:૨૮, ૨૯; ૨:૮, ૧૫) યહોવાએ તેઓને સહેલી આજ્ઞાઓ આપી અને તે ચાહતા હતા કે તેઓ એ પાળે. તેઓએ એ પાળવી કે નહિ, એ પસંદગી કરવાની છૂટ પણ આપી. (ઉત્પત્તિ ૨:૯, ૧૬, ૧૭) પણ કેટલા દુઃખની વાત કહેવાય કે આદમ-હવાએ ઈશ્વરની વાત માનવાને બદલે પોતાને જે સાચું લાગ્યું એ કર્યું. (ઉત્પત્તિ ૩:૬) ત્યારથી માણસો પોતે જ નક્કી કરતા આવ્યા છે કે તેઓ માટે સાચું શું અને ખોટું શું. પણ એનું શું પરિણામ આવ્યું? ઈતિહાસ સાબિતી આપે છે કે ઈશ્વરની વાત ન માનીને તેઓએ પોતાના જ પગ પર કુહાડી મારી.—સભાશિક્ષક ૮:૯.
બાઇબલમાં એવી સલાહ આપવામાં આવી છે, જેનાથી આપણે સારા નિર્ણય લઈ શકીએ. એ સલાહ હંમેશાં કામ લાગશે, પછી ભલે આપણે કોઈ પણ જગ્યાએ રહેતા હોય કે કોઈ પણ સમાજમાં ઉછેર થયો હોય. (૨ તિમોથી ૩:૧૬, ૧૭; “બધાને મદદ કરે એવું પુસ્તક” બૉક્સ જુઓ.) કઈ રીતે? ચાલો જોઈએ.
બાઇબલને “ઈશ્વરનો સંદેશો” કેમ કહેવામાં આવે છે? (૧ થેસ્સાલોનિકીઓ ૨:૧૩) એ વિશે વધારે જાણવા jw.org પર બાઇબલના લેખક કોણ છે? વીડિયો જુઓ.
આ પુસ્તકમાં છે ઈશ્વરનું માર્ગદર્શન
બાઇબલમાં જણાવેલા અહેવાલો હકીકતમાં બની ગયા છે. એ અહેવાલોમાંથી ખબર પડે છે કે ઈશ્વર યહોવા માણસો સાથે કઈ રીતે વર્ત્યા હતા. એનાથી આપણે સમજી શકીએ છીએ કે ઈશ્વરની નજરે સાચું શું અને ખોટું શું, શેનાથી ફાયદો થશે અને શેનાથી નુકસાન. (ગીતશાસ્ત્ર ૧૯:૭, ૧૧) બાઇબલમાં આપેલી સલાહ જૂના જમાનામાં પણ કામ લાગતી હતી અને આજે પણ સારા નિર્ણયો લેવા કામ લાગે છે.
એવી જ એક સલાહ પર ધ્યાન આપો. નીતિવચનો ૧૩:૨૦માં લખ્યું છે, “બુદ્ધિમાન સાથે ચાલનાર બુદ્ધિમાન થશે, પણ મૂર્ખનો સાથી બરબાદ થશે.” એ સલાહ જૂના જમાનામાં પણ કામની હતી અને આજે પણ એટલી જ કામની છે. બાઇબલમાં એવી ઘણી સલાહ આપવામાં આવી છે, જે રોજબરોજના જીવનમાં કામ લાગે.—“બાઇબલની સલાહ આજે પણ કામની” બૉક્સ જુઓ.
પણ તમને કદાચ થાય, ‘હું કઈ રીતે માની લઉં કે બાઇબલની સલાહ પાળવાથી આજે મને મદદ મળશે?’ હવે પછીના લેખમાં અમુક લોકોના અનુભવો જોઈશું, જેનાથી ખબર પડશે કે બાઇબલમાં આપેલી સલાહથી કેટલો ફાયદો થાય છે.
a શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.