વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w24 માર્ચ પાન ૨-૭
  • શું તમે યહોવાને પોતાનું જીવન સમર્પિત કરવા તૈયાર છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે યહોવાને પોતાનું જીવન સમર્પિત કરવા તૈયાર છો?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • સમર્પણ એટલે શું?
  • સમર્પણ કેમ કરવું જોઈએ?
  • શું તમે સમર્પણ કરવા અને બાપ્તિસ્મા લેવા તૈયાર છો?
  • અમુક લોકો એ પગલું ભરતા કેમ અચકાય છે?
  • યહોવાની વધુ ને વધુ નજીક જાઓ
  • બાપ્તિસ્મા પછી પણ ઈસુની ‘પાછળ ચાલતા રહો’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • સમર્પણ અને બાપ્તિસ્મા કેમ જરૂરી?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • શું તમે બાપ્તિસ્મા માટે તૈયાર છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • નમ્રતાથી સ્વીકારીએ કે આપણે ઘણી વાતો જાણતા નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
w24 માર્ચ પાન ૨-૭

અભ્યાસ લેખ ૯

ગીત ૧૦ હું હાજર છું તારા માટે

શું તમે યહોવાને પોતાનું જીવન સમર્પિત કરવા તૈયાર છો?

“મારા પર કરેલા ઉપકારના બદલામાં હું યહોવાને શું આપું?”—ગીત. ૧૧૬:૧૨.

આપણે શું શીખીશું?

આ લેખથી તમને યહોવા સાથેનો તમારો સંબંધ મજબૂત કરવા મદદ મળશે. એનાથી તમને સમર્પણ કરવાનું અને બાપ્તિસ્મા લેવાનું મન થશે.

૧-૨. બાપ્તિસ્મા લેતા પહેલાં તમારે શું કરવાની જરૂર છે?

છેલ્લાં પાંચ વર્ષોમાં દસ લાખથી વધારે લોકો બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષીઓ બન્યા છે. એમાંના ઘણા લોકો પહેલી સદીના તિમોથીની જેમ “બાળપણથી” સત્ય શીખ્યા હતા. (૨ તિમો. ૩:૧૪, ૧૫) તો બીજાઓ યુવાનીમાં અથવા મોટી ઉંમરે યહોવા વિશે શીખ્યા હતા. થોડાં વર્ષો પહેલાં એક દાદીમાએ યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કર્યો અને ૯૭ વર્ષની ઉંમરે બાપ્તિસ્મા લીધું.

૨ કદાચ કોઈ તમને બાઇબલમાંથી શીખવી રહ્યું છે અથવા તમારાં મમ્મી-પપ્પા યહોવાનાં સાક્ષી છે અને તેઓ તમને યહોવા વિશે શીખવે છે. તો શું તમે બાપ્તિસ્મા લેવાનું વિચારી રહ્યા છો? એ બહુ સારી વાત કહેવાય. પણ બાપ્તિસ્મા લેતા પહેલાં તમારે પોતાનું જીવન યહોવાને સમર્પિત કરવાની જરૂર છે. આ લેખમાં શીખીશું કે સમર્પણ કરવાનો અર્થ શું થાય. એ પણ શીખીશું કે જો તમે સમર્પણ અને બાપ્તિસ્મા માટે તૈયાર હો, તો એમ કરતા કેમ અચકાવું ન જોઈએ.

સમર્પણ એટલે શું?

૩. યહોવાને સમર્પિત હતા એવા અમુક લોકોના દાખલા આપો.

૩ બાઇબલમાં જણાવ્યું છે કે યહોવાને સમર્પિત વ્યક્તિને એક ખાસ હેતુ માટે અલગ કરવામાં આવતી હતી. ઇઝરાયેલી પ્રજા યહોવાને સમર્પિત હતી. પણ એ પ્રજામાંથી અમુક લોકો ખાસ રીતે યહોવાને સમર્પિત હતા. દાખલા તરીકે, હારુન. તે જે પાઘડી પહેરતા એના પર સોનાની ચળકતી પટ્ટી, એટલે કે “સમર્પણની પવિત્ર નિશાની” હતી. સોનાની એ પટ્ટીથી ખબર પડતી હતી કે તેમને યહોવાની ખાસ રીતે સેવા કરવા માટે, એટલે કે ઇઝરાયેલના પ્રમુખ યાજક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. (લેવી. ૮:૯) નાઝીરીઓ પણ એક ખાસ રીતે યહોવાને સમર્પિત હતા. “નાઝીરી” શબ્દ હિબ્રૂ શબ્દ નાઝીર પરથી આવ્યો છે. એ હિબ્રૂ શબ્દનો અર્થ થાય “અલગ કરાયેલ” અથવા “સમર્પિત કરાયેલ.” મૂસાના નિયમશાસ્ત્રમાં નાઝીરીઓ માટે જે ખાસ આજ્ઞાઓ આપી હતી, એ તેઓએ પાળવાની હતી.—ગણ. ૬:૨-૮.

૪. (ક) સમર્પણ કરો છો ત્યારે તમારા માટે સૌથી મહત્ત્વનું શું બની જાય છે? (ખ) “પોતાની ઇચ્છાઓનો ત્યાગ” કરવાનો અર્થ શું થાય? (ચિત્ર પણ જુઓ.)

૪ સમર્પણ કરો છો ત્યારે તમે ઈસુ ખ્રિસ્તના શિષ્ય બનો છો અને યહોવાની ઇચ્છાને જીવનમાં પહેલી રાખશો એવો નિર્ણય લો છો. સમર્પણ કરવામાં શું સમાયેલું છે? ઈસુએ કહ્યું હતું: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે.” (માથ. ૧૬:૨૪) એનો અર્થ થાય કે સમર્પણ કર્યા પછી તમે એવી દરેક બાબતથી દૂર રહેશો, જે યહોવાની ઇચ્છા વિરુદ્ધ હોય. (૨ કોરીં. ૫:૧૪, ૧૫) એમાં ‘શરીરનાં કામોથી’ દૂર રહેવાનો સમાવેશ થાય છે, જેમ કે વ્યભિચાર જેવાં ગંદાં કામો. (ગલા. ૫:૧૯-૨૧; ૧ કોરીં. ૬:૧૮) શું એવી આજ્ઞાઓ પાળવાથી તમારું જીવન અઘરું થઈ જશે? જો તમે યહોવાને પ્રેમ કરો છો અને તમને ભરોસો છે કે તેમના કાયદા-કાનૂન તમારા ભલા માટે છે, તો તમને એવું નહિ લાગે. (ગીત. ૧૧૯:૯૭; યશા. ૪૮:૧૭, ૧૮) નિકોલસભાઈ જણાવે છે: “યહોવાનાં ધોરણોને કઈ નજરે જોવા એ તમારા પર છે. શું તમે પોતાને જેલની અંદર જુઓ છો, જ્યાંથી તમે ચાહો એ કરી શકતા નથી? કે પછી તમે પોતાને સિંહના પાંજરાની બહાર જુઓ છો, જ્યાંથી તમે જોખમથી બચી શકો છો?”

એક ભાઈ પાંજરામાંનાં સિંહોને જુએ છે.

યહોવાનાં ધોરણોને કઈ નજરે જોવા એ તમારા પર છે. શું તમે પોતાને જેલની અંદર જુઓ છો, જ્યાંથી તમે ચાહો એ કરી શકતા નથી? કે પછી તમે પોતાને સિંહના પાંજરાની બહાર જુઓ છો, જ્યાંથી તમે જોખમથી બચી શકો છો? (ફકરો ૪ જુઓ)


૫. (ક) સમર્પણ કઈ રીતે કરવું જોઈએ? (ખ) સમર્પણ અને બાપ્તિસ્મા વચ્ચે શું ફરક છે? (ચિત્ર પણ જુઓ.)

૫ સમર્પણ કઈ રીતે કરવું જોઈએ? યહોવાને પ્રાર્થનામાં વચન આપવું જોઈએ કે તમે ફક્ત તેમની ભક્તિ કરશો અને તેમની ઇચ્છાને જીવનમાં પહેલી રાખશો. એમ કરીને જાણે તમે યહોવાને વચન આપો છો કે તમે “પૂરા દિલથી અને પૂરા જીવથી અને પૂરા મનથી અને પૂરા બળથી” તેમને પ્રેમ કરતા રહેશો. (માર્ક ૧૨:૩૦) સમર્પણ તમારી અને યહોવા વચ્ચેની વાત છે. પણ બાપ્તિસ્મા જાહેરમાં થાય છે. એનાથી લોકોને ખબર પડે છે કે તમે યહોવાને પોતાનું જીવન સમર્પિત કર્યું છે. સમર્પણનું વચન બહુ ખાસ છે. એ વચન નિભાવવા બનતું બધું કરજો અને યહોવા પણ તમારી પાસેથી એવું જ ચાહે છે.—સભા. ૫:૪, ૫.

અમુક સ્ત્રી-પુરુષો એકલામાં યહોવાને પ્રાર્થના કરે છે.

સમર્પણ કરવાનો અર્થ થાય કે તમે એકલામાં યહોવાને પ્રાર્થના કરો છો અને વચન આપો છો કે ફક્ત તેમની જ ભક્તિ કરશો અને તેમની ઇચ્છાને જીવનમાં પહેલી રાખશો (ફકરો ૫ જુઓ)


સમર્પણ કેમ કરવું જોઈએ?

૬. યહોવાને જીવન સમર્પિત કરવાનું મોટામાં મોટું કારણ કયું છે?

૬ યહોવાને જીવન સમર્પિત કરવાનું મોટામાં મોટું કારણ છે, તમે તેમને પ્રેમ કરો છો. એવું નથી કે તમે લાગણીઓમાં વહી જઈને પ્રેમ કરો છો. પણ તમે તેમના વિશે અને તેમના હેતુ વિશે “પૂરું જ્ઞાન” મેળવ્યું છે. (કોલો. ૧:૯) એના લીધે તમે તેમને વધારે પ્રેમ કરવા લાગ્યા છો. બાઇબલનો અભ્યાસ કરવાથી તમને ભરોસો થયો છે કે (૧) યહોવા ખરેખર છે, (૨) બાઇબલ યહોવાએ લખાવ્યું છે અને (૩) તે પોતાના સંગઠન દ્વારા પોતાની ઇચ્છા પૂરી કરી રહ્યા છે.

૭. ઈશ્વરને પોતાનું જીવન સમર્પિત કરતા પહેલાં શું કરવું જોઈએ?

૭ જેઓ યહોવાને પોતાનું જીવન સમર્પિત કરે છે, તેઓએ બાઇબલનું મૂળ શિક્ષણ જાણવું જોઈએ અને ઈશ્વરનાં ધોરણો પ્રમાણે જીવવું જોઈએ. એટલું જ નહિ, શીખેલી વાતો બીજાઓને જણાવવા બનતું બધું જ કરવું જોઈએ. (માથ. ૨૮:૧૯, ૨૦) યહોવા માટેનો તેઓનો પ્રેમ વધ્યો છે અને હવે તેઓ ફક્ત તેમની જ ભક્તિ કરવા ચાહે છે. શું તમારા કિસ્સામાં પણ એવું જ છે? તમે કેમ સમર્પણ કરવા અને બાપ્તિસ્મા લેવા માંગો છો? શું મમ્મી-પપ્પા અથવા બાઇબલ શીખવનાર ભાઈ કે બહેનને ખુશ કરવા, કે પછી તમારા મિત્રોની દેખાદેખીમાં? જો તમે પૂરા દિલથી યહોવાને પ્રેમ કરતા હશો, તો એ કારણોને લીધે એમ નહિ કરો.

૮. યહોવાએ તમારા માટે જે કર્યું છે, એનો આભાર માનવાથી સમર્પણ કરવા કઈ રીતે મદદ મળશે? (ગીતશાસ્ત્ર ૧૧૬:૧૨-૧૪)

૮ વિચાર કરો કે યહોવાએ તમારા માટે કેટલું બધું કર્યું છે. એનાથી તમને યહોવાનો આભાર માનવાનું અને તેમને પોતાનું જીવન સમર્પિત કરવાનું મન થશે. (ગીતશાસ્ત્ર ૧૧૬:૧૨-૧૪ વાંચો.) બાઇબલમાં લખ્યું છે કે “દરેક સારું દાન અને દરેક સંપૂર્ણ ભેટ” યહોવા આપે છે. (યાકૂ. ૧:૧૭) યહોવાએ આપેલી સૌથી મોટી ભેટ છે, તેમના દીકરા ઈસુનું બલિદાન. શું એના કરતાં મોટી ભેટ બીજી કોઈ હોય શકે? જરા વિચારો, એના લીધે તમારા માટે કેટલું બધું શક્ય બન્યું છે! તમે યહોવા સાથે ગાઢ સંબંધ બાંધી શકો છો. તમને હંમેશ માટે જીવવાની આશા પણ મળી છે. (૧ યોહા. ૪:૯, ૧૦, ૧૯) યહોવાને પોતાનું જીવન સમર્પિત કરીને તમે બતાવી આપો છો કે ઈસુના બલિદાનની અને યહોવાએ આપેલા બીજા આશીર્વાદોની કેટલી કદર કરો છો. (પુન. ૧૬:૧૭; ૨ કોરીં. ૫:૧૫) એ વિશે દુઃખ જશે, સુખ આવશે પુસ્તકના પાઠ ૪૬ મુદ્દા ૪માં વધારે જણાવ્યું છે. એમાં ત્રણ મિનિટનો એક વીડિયો છે, જેનો વિષય છે: આપણે યહોવાને કઈ ભેટ આપી શકીએ?

શું તમે સમર્પણ કરવા અને બાપ્તિસ્મા લેવા તૈયાર છો?

૯. શા માટે એક વ્યક્તિએ કોઈ દબાણમાં આવીને સમર્પણ ન કરવું જોઈએ?

૯ કદાચ તમને લાગે કે સમર્પણ કરવા અને બાપ્તિસ્મા લેવા તમે તૈયાર નથી. બની શકે કે યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવા તમારે હજી ફેરફારો કરવાની જરૂર છે. કદાચ શ્રદ્ધા મજબૂત કરવા તમને વધારે સમયની જરૂર છે. (કોલો. ૨:૬, ૭) યાદ રાખો, બધા વિદ્યાર્થીઓ એકસરખા નથી હોતા. યહોવા માટેનો પ્રેમ કેળવતા અમુકને થોડો સમય લાગે, તો અમુકને વધારે. એવું પણ નથી કે બધાં બાળકો એકસરખી ઉંમરે સમર્પણ કરવા અને બાપ્તિસ્મા લેવા તૈયાર હોય છે. એટલે પોતાની સરખામણી બીજાઓ સાથે ન કરો. એના બદલે, એ સમજવાની કોશિશ કરો કે તમારે કયા ફેરફાર કરવાની જરૂર છે અને પછી એ પ્રમાણે કરો.—ગલા. ૬:૪, ૫.

૧૦. જો તમને લાગતું હોય કે સમર્પણ કરવા અને બાપ્તિસ્મા લેવા હમણાં તૈયાર નથી, તો શું કરી શકો? (“મમ્મી-પપ્પા યહોવાનાં સાક્ષી હોય એવાં બાળકો માટે” બૉક્સ પણ જુઓ.)

૧૦ જો પોતાની તપાસ કર્યા પછી તમને લાગે કે સમર્પણ કરવા હમણાં તૈયાર નથી, તો નિરાશ ન થાઓ. એ ધ્યેય સુધી પહોંચવા મહેનત કરતા રહો. યહોવાને પ્રાર્થના કરો કે તે તમને જરૂરી ફેરફાર કરવા મદદ કરે અને તમારા પ્રયત્નોને સફળ બનાવે. (ફિલિ. ૨:૧૩; ૩:૧૬) તમે ભરોસો રાખી શકો કે તે તમારી પ્રાર્થના સાંભળશે અને તમને મદદ કરશે.—૧ યોહા. ૫:૧૪.

મમ્મી-પપ્પા યહોવાનાં સાક્ષી હોય એવાં બાળકો માટે

જે બાળકો મમ્મી-પપ્પા પાસેથી બાઇબલનું સત્ય શીખે છે, તેઓને jw.org/gu પર આપેલા આ લેખથી ઘણી મદદ મળશે: “શું મારે બાપ્તિસ્મા લેવું જોઈએ?”

વધુમાં, તમને માર્ચ ૨૦૧૬ ચોકીબુરજના આ બે લેખોમાંથી વધારે માહિતી મળી શકે છે: “તરુણો—શું તમે બાપ્તિસ્મા માટે તૈયાર છો?” અને “તરુણો—તમે બાપ્તિસ્મા માટે કઈ રીતે તૈયારી કરી શકો?”

સમય કાઢીને એ લેખોનો અભ્યાસ કરો અને એના પર મનન કરો. એનાથી તમને ઘણી મદદ મળશે.

અમુક લોકો એ પગલું ભરતા કેમ અચકાય છે?

૧૧. વફાદાર રહેવા યહોવા કઈ રીતે આપણને મદદ કરશે?

૧૧ અમુક લોકો સમર્પણ કરવા અને બાપ્તિસ્મા લેવા તૈયાર તો છે, પણ એ પગલું ભરતા અચકાય છે. તેઓ કદાચ વિચારે, ‘જો બાપ્તિસ્મા પછી મારાથી કોઈ મોટી ભૂલ થઈ જાય અને મને બહિષ્કૃત કરવામાં આવે તો?’ જો તમને પણ એવું લાગતું હોય તો ચિંતા ન કરો. ભરોસો રાખો કે યહોવા તમને મદદ કરશે, જેથી તેમના “નામને શોભે એ રીતે જીવીને તેમને પૂરેપૂરા ખુશ” કરી શકો. (કોલો. ૧:૧૦) તે તમને જે ખરું છે એ કરવા હિંમત પણ આપશે. તેમણે અગાઉ પણ પોતાના સેવકોને એમ કરવા મદદ કરી છે. (૧ કોરીં. ૧૦:૧૩) એ કારણે બહુ ઓછા લોકો મંડળમાંથી બહિષ્કૃત થાય છે. ખરેખર, યહોવા દરેક રીતે પોતાના લોકોને તૈયાર કરે છે, જેથી તેઓ વફાદાર રહી શકે.

૧૨. મોટી ભૂલ કરવાનું કઈ રીતે ટાળી શકીએ?

૧૨ કોઈ પણ માણસ ખરાબ કામ કરવા લલચાઈ શકે છે. (યાકૂ. ૧:૧૪) પણ લાલચ આવે ત્યારે તમે શું કરશો એ તમારા હાથમાં છે. તમે નક્કી શકો છો કે કેવું જીવન જીવશો અને કયા માર્ગે ચાલશો. અમુક લોકો કહે છે કે આપણે પોતાની લાગણીઓ અને કામોને કાબૂમાં રાખી શકતા નથી. પણ એવું જરાય નથી. તમે ખોટી ઇચ્છાઓને કાબૂમાં રાખવાનું શીખી શકો છો. એટલે લાલચ આવે તોપણ એમાં ન ફસાવાનું તમે પસંદ કરી શકો છો. મોટી ભૂલ કરી ન બેસવા આ પગલાં ભરવાથી પણ મદદ મળશે: રોજ યહોવાને પ્રાર્થના કરો, નિયમિત રીતે બાઇબલનો અભ્યાસ કરો, સભાઓમાં જાઓ, તમે જે માનો છો એ વિશે બીજાઓને જણાવો. એ પગલાં ભરવાથી તમને યહોવાને વફાદાર રહેવા હિંમત મળશે. એ પણ ન ભૂલતા કે યહોવા હંમેશાં તમારી સાથે છે, તે તમને મદદ કરશે.—ગલા. ૫:૧૬.

૧૩. યૂસફે કઈ રીતે સારો દાખલો બેસાડ્યો?

૧૩ સમર્પણના વચન પ્રમાણે જીવવા બીજા શાનાથી મદદ મળશે? પહેલેથી વિચારી રાખો કે લાલચ આવશે ત્યારે તમે શું કરશો. બાઇબલમાં એવા ઘણા લોકોના દાખલા છે, જેઓએ એવું જ કર્યું હતું. આપણી જેમ તેઓમાં પણ પાપની અસર હતી, છતાં તેઓ યહોવાને વફાદાર રહી શક્યા. યૂસફનો દાખલો લો. પોટીફારની પત્ની તેમને વારંવાર ફોસલાવતી હતી. પણ યૂસફ પહેલેથી જાણતા હતા કે તે શું કરશે. બાઇબલમાં લખ્યું છે: “યૂસફે સાફ ના પાડી દીધી.” તેમણે કહ્યું: “આવું ઘોર પાપ કરીને હું કેમ ઈશ્વરનો ગુનેગાર થાઉં?” (ઉત. ૩૯:૮-૧૦) પોટીફારની પત્નીએ યૂસફને લલચાવવાની કોશિશ કરી એ પહેલેથી યૂસફ જાણતા હતા કે તે શું કરશે. એટલે લાલચ આવી ત્યારે એનો સામનો કરવો તેમના માટે સહેલું બની ગયું.

૧૪. લાલચમાં ફસાઈ ન જઈએ એ માટે શું કરી શકીએ?

૧૪ તમે કઈ રીતે યૂસફને અનુસરી શકો? તમે હમણાંથી નક્કી કરી શકો કે લાલચ આવે ત્યારે શું કરશો. યહોવા ધિક્કારે છે એવાં કામોને તરત “ના” કહેવાનું શીખો. એ કામો વિશે વિચારશો પણ નહિ. (ગીત. ૯૭:૧૦; ૧૧૯:૧૬૫) આમ, લાલચ આવશે ત્યારે તમે લપસી નહિ પડો, કેમ કે તમને પહેલેથી ખબર હશે કે તમે શું કરશો.

૧૫. એક વ્યક્તિ કઈ રીતે બતાવી શકે કે તે યહોવાને ‘દિલથી શોધે’ છે? (હિબ્રૂઓ ૧૧:૬)

૧૫ કદાચ તમે જાણો છો કે તમે જે શીખો છો એ જ સત્ય છે. કદાચ તમે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરવા માંગો છો. પણ કોઈ કારણસર સમર્પણ કરતા અને બાપ્તિસ્મા લેતા અચકાઓ છો. જો એવું હોય તો તમે દાઉદ રાજાની જેમ યહોવાને વિનંતિ કરી શકો: “હે ભગવાન, મારી પરખ કરો અને મારા દિલને જાણો. મને તપાસી જુઓ અને મારા મનની ચિંતાઓ જાણો. જુઓ કે મારામાં અવળે રસ્તે લઈ જતી કોઈ ખરાબી તો નથી ને! મને સનાતન માર્ગે દોરી જાઓ.” (ગીત. ૧૩૯:૨૩, ૨૪) એવી વિનંતી કરીને બતાવી આપો છો કે તમે યહોવાની મદદ શોધો છો તેમજ સમર્પણ અને બાપ્તિસ્માના ધ્યેય તરફ આગળ વધી રહ્યા છો. ખાતરી રાખજો કે જેઓ યહોવાને ‘દિલથી શોધે’ છે, તેઓને તે આશીર્વાદ આપે છે.—હિબ્રૂઓ ૧૧:૬ વાંચો.

યહોવાની વધુ ને વધુ નજીક જાઓ

૧૬-૧૭. યહોવા કઈ રીતે એવાં બાળકોને પોતાની પાસે દોરી લાવે છે, જેઓનાં મમ્મી-પપ્પા યહોવાનાં સાક્ષી છે? (યોહાન ૬:૪૪)

૧૬ ઈસુએ કહ્યું હતું કે તેમના શિષ્યોને યહોવા જ પોતાની પાસે દોરી લાવે છે. (યોહાન ૬:૪૪ વાંચો.) એ કેટલી જોરદાર વાત છે! યહોવા દરેકમાં કંઈક સારું જુએ છે અને પોતાની પાસે દોરી લાવે છે. તે દરેક વ્યક્તિને પોતાની “ખાસ સંપત્તિ” ગણે છે, તમને પણ.—પુન. ૭:૬.

૧૭ કદાચ તમારાં મમ્મી-પપ્પા યહોવાનાં સાક્ષી છે. એટલે તમને લાગી શકે: ‘મારાં મમ્મી-પપ્પા યહોવાની ભક્તિ કરે છે, એટલે હું યહોવાની નજીક આવ્યો છું. યહોવા મને તેમની પાસે દોરી નથી લાવ્યા.’ એવું નથી કે યહોવા તમારાં મમ્મી-પપ્પાને પોતાની પાસે દોરી લાવ્યા છે અને તમે બસ તેમની સાથે આવી ગયા છો. તે દરેકને પોતાની પાસે દોરી લાવે છે, એવાં બાળકોને પણ જેઓને મમ્મી-પપ્પા સત્ય શીખવતાં હોય. એ ઉપરાંત બાઇબલમાં લખ્યું છે: “તમે ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.” (યાકૂ. ૪:૮; ૧ કાળ. ૨૮:૯) એટલે તમે ઈશ્વરની પાસે આવવા પહેલ કરો છો ત્યારે, યાકૂબ ૪:૮માં લખ્યું છે તેમ તે પણ તમારી પાસે આવે છે.—૨ થેસ્સાલોનિકીઓ ૨:૧૩ સરખાવો.

૧૮. હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું? (ગીતશાસ્ત્ર ૪૦:૮)

૧૮ જ્યારે તમે યહોવાને જીવન સમર્પિત કરો છો અને બાપ્તિસ્મા લો છો, ત્યારે ઈસુ જેવું વલણ બતાવો છો. ઈસુએ રાજીખુશીથી પોતાનું જીવન પિતા યહોવાને સમર્પિત કર્યું, જેથી તેમની ઇચ્છા પૂરી કરી શકે. (ગીતશાસ્ત્ર ૪૦:૮ વાંચો; હિબ્રૂ. ૧૦:૭) હવે પછીના લેખમાં આપણે ચર્ચા કરીશું કે બાપ્તિસ્મા પછી પણ તમે કઈ રીતે વફાદારીથી યહોવાની ભક્તિ કરતા રહી શકો.

તમે શું કહેશો?

  • સમર્પણ કરવાનો અર્થ શું થાય?

  • યહોવાએ તમારા માટે જે કર્યું છે, એનો આભાર માનવાથી સમર્પણ કરવા કઈ રીતે મદદ મળશે?

  • મોટી ભૂલ કરવાનું કઈ રીતે ટાળી શકીએ?

ગીત ૬૦ યહોવા આપશે તને સાથ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો