બાઇબલ શીખવે છે પુસ્તક માટે હજુ તૈયાર ન હોય તેઓને મદદ કરવી
૧. શું બધા જ શરૂઆતથી બાઇબલ શીખવે છે પુસ્તક સ્વીકારે છે? સમજાવો.
૧ યહોવાના ભક્ત બનવા ચાહનાર દરેકે શીખવાની જરૂર છે કે બાઇબલ શું શીખવે છે. જોકે, અમુક લોકો ખ્રિસ્તી નથી અને બાઇબલ ઈશ્વરનો સંદેશો છે એવું માનતા નથી. બીજા લોકો તો ઈશ્વરમાં જ માનતા નથી, એટલે બાઇબલને માન આપતા નથી. બાઇબલ શીખવે છે પુસ્તક શરૂઆતમાં સ્વીકારવા તૈયાર ન હોય, તેઓ માટે કયું સાહિત્ય મદદરૂપ સાબિત થયું છે? લગભગ ૨૦ દેશોના પ્રકાશકોએ જે કહ્યું, એના આધારે નીચે અમુક સૂચનો આપવામાં આવ્યાં છે.
૨. કોઈ કહે કે તે ઈશ્વરમાં માનતા નથી તો આપણે શું જાણવાની કોશિશ કરવી જોઈએ અને શા માટે એમ કરવું જોઈએ?
૨ ઈશ્વરમાં ન માનનારા લોકો: જો કોઈ કહે કે તે ઈશ્વરમાં માનતા નથી, તો પહેલા એ જાણવું સારું થશે કે કેમ માનતા નથી. શું તે ઉત્ક્રાંતિમાં માને છે? શું દુનિયામાં અન્યાય જોઈને કે ધર્મમાં ઢોંગ જોઈને તેને ઈશ્વરમાં શ્રદ્ધા રહી નથી? શું તે એવા દેશમાં રહે છે જ્યાં ઈશ્વરમાં માન્યતા દબાવી દેવામાં આવે છે? કદાચ તે સીધેસીધું એવું કહેતા ન હોય કે ઈશ્વર નથી, પણ તેને ઈશ્વરમાં માનવાની ક્યારેય જરૂર લાગી ન હોય. “શું તમને પહેલેથી આવું લાગે છે?” એવો સવાલ વ્યક્તિને પોતાના વિચારો જણાવવા પ્રેરે છે, એવું ઘણા પ્રકાશકોને જાણવા મળ્યું છે. સવાલ પૂછીને જવાબ સાંભળો, વચમાં બોલશો નહિ. વ્યક્તિ કેમ ઈશ્વરમાં માનતી નથી એ જાણ્યા પછી, આપણે ખબર પડશે કે કઈ રીતે જવાબ આપવો અને કયું સાહિત્ય આપવું.—નીતિ. ૧૮:૧૩.
૩. વ્યક્તિ અને તેની માન્યતા માટે માન બતાવવા શું કરી શકાય?
૩ વાતચીત કરતી વખતે, ધ્યાન રાખો કે તેને એમ ન લાગે કે તમે તેના વિચારો તોડી પાડો છો. આ સૂચન એક દેશમાંથી આવ્યું છે: “દરેકને જે માનવું હોય એ પસંદ કરવાની તેને છૂટ છે, એ સ્વીકારવું બહુ મહત્ત્વનું છે. આપણે દલીલ જીતી જઈએ એવો પ્રયત્ન કરવાને બદલે, લોકોને વિચાર કરતા સવાલો પૂછવા અને તેઓને પોતાના નિર્ણય પર આવવા દેવા સૌથી સારું છે.” ઘરમાલિકના વિચારો સાંભળી લીધા પછી, એક પ્રવાસી નિરીક્ષક ઘણી વાર આમ પૂછીને જવાબ આપે છે: “શું તમે કદીયે આ શક્યતા પણ વિચારી છે?”
૪. બુદ્ધ ધર્મ પાળતા લોકોને કઈ રીતે મદદ કરી શકાય?
૪ બુદ્ધ ધર્મ પાળનારા ઘણા લોકો ઈશ્વરમાં માનતા નથી. એવા લોકોને સાક્ષી આપતી વખતે, બ્રિટનના અમુક પ્રકાશકોને પુસ્તિકાઓ વાપરવાનું ગમે છે. ત્યાર બાદ, તેઓ બાઇબલ શીખવે છે પુસ્તક બતાવી શકે છે અને ઘરમાલિકને આમ જણાવે છે: “ભલે તમે ઈશ્વરમાં માનતા નથી, પણ બાઇબલનો અભ્યાસ કરવાનો ફાયદો છે, કેમ કે એમાં રોજબરોજના જીવન વિશે ઘણું માર્ગદર્શન આપેલું છે.” અમેરિકામાં એક પાયોનિયર ચીની વિસ્તારમાં સાક્ષી આપે છે. તે કહે છે: “અમારા વિસ્તારમાં ઘણાને વાંચવું ગમે છે. એટલે, મોટા ભાગે તેઓને ફરી મળીએ એ પહેલાં, તેઓએ આખું પુસ્તક વાંચી લીધું હોય છે. પરંતુ, બાઇબલનો અભ્યાસ શાને કહેવાય એ તેઓ કદાચ સમજતા ન હોય. એટલે, હું પહેલી વાર મળું ત્યારે ખુશખબર પુસ્તિકા આપું છું, કેમ કે એ એવી રીતે લખાઈ છે કે સારી વાતચીત થઈ શકે.” અમેરિકામાં ચીની ભાષામાં સેવા આપતા સરકીટ નિરીક્ષક જણાવે છે કે પહેલી વાર મળીએ ત્યારે, બાઇબલ શીખવે છે પુસ્તક રજૂ કરવું શક્ય છે. જોકે, પહેલું પ્રકરણ ઈશ્વર વિશે ચર્ચા કરે છે, એટલે એમાં જવાને બદલે બાઇબલ વિશે જણાવતા બીજા પ્રકરણથી અભ્યાસ શરૂ કરો તો સારું રહેશે.
૫. ધીરજ રાખવી કેમ મહત્ત્વનું છે?
૫ ઈશ્વરમાં શ્રદ્ધા કેળવતા સમય લાગે છે, એટલે ધીરજ રાખવી જરૂરી છે. શરૂઆતની મુલાકાતોથી કદાચ વ્યક્તિ સ્વીકારી નહિ લે કે ઈશ્વર છે. પરંતુ, સમય જતાં તે સ્વીકારે પણ ખરા કે ઈશ્વર હોય શકે. અથવા તો કદાચ તે કહેશે કે હું સમજુ છું કે કેમ કોઈ વ્યક્તિ માને કે ઈશ્વર છે.
૬. અમુક લોકોને બાઇબલમાં કેમ રસ હોતો નથી?
૬ બાઇબલમાં રસ ન હોય અથવા એમાં ભરોસો ન હોય એવા લોકો: મોટા ભાગે એવું બને છે કે કોઈ સ્વીકારે કે ઈશ્વર હોય શકે, પણ તેને બાઇબલના શિક્ષણમાં રસ નથી હોતો. એનું કારણ કે તે માનતા નથી કે બાઇબલ ઈશ્વરનો સંદેશો છે. કદાચ તે ખ્રિસ્તી ધર્મ પાળતા નથી એવા દેશમાં રહેતા હોય અને એવું માનતા હોય કે બાઇબલ તો ચર્ચના ખ્રિસ્તીઓ માટે છે. અથવા તે ખ્રિસ્તી કહેવાતા દેશોમાં રહેતા હોય, જેઓ દુનિયાના લોકો જેવા જ હોય છે. વળી, કદાચ તેને લાગતું નથી કે બાઇબલ તેના માટે ઉપયોગી થશે. એવા લોકો બાઇબલમાં રસ બતાવે અને આખરે બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી અભ્યાસ કરે, એ માટે આપણે શું કરી શકીએ?
૭. મોટા ભાગે બાઇબલમાં લોકોનો રસ જગાડવાની સૌથી સારી રીત કઈ છે?
૭ ગ્રીસની શાખા કચેરીએ લખ્યું: “બાઇબલમાં રસ નથી એવા લોકોને મદદ કરવા બાઇબલ ખોલો અને એમાં જે લખેલું છે એ બતાવો. ઘણા પ્રકાશકોએ જોયું છે કે પોતે કંઈ કહે એના કરતાં, બાઇબલના સંદેશાની વ્યક્તિના દિલ પર વધારે અસર થાય છે. (હિબ્રૂ ૪:૧૨) બાઇબલમાં ઈશ્વરનું નામ જોઈને ઘણાને એમાં વધારે ઊંડા ઊતરવાની તમન્ના જાગી છે.” ભારતની શાખા કચેરીએ લખ્યું: “જીવન-મરણ વિશેનું સત્ય ઘણા હિંદુ લોકોને અસર કરે છે. તેમ જ, ઊંચ-નીચના ભેદભાવ વગરની દુનિયા વિશેનું બાઇબલનું વચન પણ ઘણાને ગમે છે.” પોતાના વિસ્તારમાં લોકોને જેની ચિંતા સતાવતી હોય એના વિશે વાત કરવાથી, પ્રકાશકોને મોટે ભાગે એ બતાવવાની તક મળે છે કે ઈશ્વરનું રાજ્ય એ તકલીફો વિશે જે કરવાનું છે, એના વિશે બાઇબલ શું જણાવે છે.
૮. ચર્ચોને લીધે બાઇબલમાં રસ ન હોય એવા લોકોને શું કહી શકાય?
૮ ચર્ચના ખ્રિસ્તીઓને લીધે જો કોઈને બાઇબલમાં રસ ન હોય તો તેને જણાવો કે ચર્ચે બાઇબલ અને એના શિક્ષણને બદનામ કર્યું છે. ભારતની શાખા કચેરીએ લખ્યું: “અમુક વખત, લોકોને એ જોવા મદદ કરવી પડે કે બાઇબલ કંઈ ચર્ચોની માલિકીનું નથી.” તેઓ જણાવે છે કે હિંદુ લોકો પર જીવનનો હેતુ શું છે?—તમે એ કઈ રીતે મેળવી શકો? પુસ્તિકાના ચોથા ભાગની મોટે ભાગે અસર પડે છે. એમાં બતાવ્યું છે કે ચર્ચોએ કઈ રીતે બાઇબલમાં ભેળસેળ કરવાનો ને એનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે. બ્રાઝિલમાં રહેતા એક પાયોનિયર લોકોને કહે છે: “કેમ નહિ કે બાઇબલમાં જે લખ્યું છે એના વિશે વધારે જાણો. ઘણા લોકો રાજી-ખુશીથી અને ધર્મમાં જોડાવાના કોઈ દબાણ વિના એમ કરે છે. તમે જે શીખશો, એનાથી તમને નવાઈ લાગશે.”
૯. જો શરૂઆતમાં કોઈને બાઇબલના શિક્ષણમાં રસ ન હોય તો કેમ હિંમત ન હારવી જોઈએ?
૯ યહોવા દરેકનું દિલ જુએ છે. (૧ શમૂ. ૧૬:૭; નીતિ. ૨૧:૨) દિલથી સાચી ભક્તિ કરવા ચાહતા લોકોને તે પોતાના તરફ દોરે છે. (યોહા. ૬:૪૪) એવા ઘણાને ઈશ્વર વિશે શીખવવામાં આવ્યું ન હતું અથવા તેઓ બાઇબલથી બહુ જાણકાર ન હતા. આપણા સેવાકાર્યથી તેઓને ‘તારણ પામવા ને સત્યનું સંપૂર્ણ જ્ઞાન’ મેળવવાની તક મળે છે. (૧ તીમો. ૨:૪) તેથી, જો શરૂઆતમાં કોઈને બાઇબલના શિક્ષણમાં રસ ન હોય, તો હિંમત ન હારશો! તેઓનો રસ જગાડવા તમારી ભાષામાં હોય એવું કોઈ સાહિત્ય વાપરો. ધીમે ધીમે તમે કદાચ તમારી ચર્ચા આપણું મુખ્ય પુસ્તક પવિત્ર બાઇબલ શું શીખવે છે? તરફ દોરી શકશો અને એમાંથી અભ્યાસ ચલાવી શકશો.
[પાન ૪ પર બોક્સ]
જો કોઈ કહે કે તે ઈશ્વરમાં માનતા નથી, તો આ અજમાવી જુઓ:
• એનું કારણ જાણવા પૂછો: “શું તમને પહેલેથી આવું લાગે છે?”
• તે ઉત્ક્રાંતિમાં માનતા હોય તો, આ લેખો મદદ કરી શકે:
સજાગ બનો!માં આવતા “આનો રચનાર કોણ?” લેખો.
• અન્યાય અને દુઃખ-તકલીફોના લીધે જો ઈશ્વર પરથી તેની શ્રદ્ધા ઊઠી ગઈ હોય, તો આ લેખો મદદ કરી શકે:
શું દેવ ખરેખર આપણી કાળજી રાખે છે? પુસ્તિકાનો પાઠ ૬ અને જીવનનો હેતુ શું છે?—તમે એ કઈ રીતે મેળવી શકો? પુસ્તિકાનો ભાગ ૬.
• ઈશ્વર હોય શકે એવું વ્યક્તિ માનવા લાગે ત્યારે, બાઇબલ શીખવે છે પુસ્તકમાં જાઓ. કદાચ તમે બીજા પ્રકરણથી અથવા તેના માટે યોગ્ય હોય એ વિષયથી શરૂઆત કરી શકો.
[પાન ૫ પર બોક્સ]
બાઇબલમાં માનતા ન હોય, એવા લોકો સાથે આ અજમાવી જુઓ:
• બાઇબલના સિદ્ધાંતો પાળવાથી થતા ફાયદાઓ જણાવો. બાઇબલ કેટલું કીમતી છે, એ કોઈને બતાવવા આ સાહિત્ય વાપરી શકો:
સજાગ બનો!માંથી “કુટુંબ માટે મદદ” લેખો.
ઈશ્વર પાસેથી ખુશખબર! પાઠ ૯ અને સર્વ લોકો માટેનું પુસ્તક પાન ૨૨-૨૬.
બાઇબલ વિશે ખોટી માન્યતા ધરાવતા લોકોને પ્રચાર કરતી વખતે શું કરશો? આ સારી સલાહ ક્યાંથી આવે છે એ શરૂઆતમાં જણાવવાને બદલે, અમુક મુલાકાતો કર્યા પછી જણાવો તો સારું રહેશે.
• બાઇબલની ભવિષ્યવાણીઓ કઈ રીતે પૂરી થઈ છે, એ સમજાવો. આ સાહિત્ય તમે વાપરી શકો:
સર્વ લોકો માટેનું પુસ્તક, પાન ૨૭-૨૯
• જ્યારે જુદા જુદા વિષયો વિશે બાઇબલ શું શીખવે છે, એવું વ્યક્તિ પૂછે ત્યારથી બાઇબલ શીખવે છે પુસ્તક વાપરો.
[પાન ૬ પર બોક્સ]
જો ઘરમાલિક કહે કે “હું ઈશ્વરમાં માનતો નથી,” તો તમે આમ કહી શકો:
• “પણ જો ઈશ્વર હોય, તો તમારા મને એ કેવા હોવા જોઈએ?” મોટા ભાગે લોકો જવાબ આપે છે કે તેઓને એવા ઈશ્વર ગમે જે પ્રેમાળ, ન્યાયી, દયાળુ હોય અને કોઈ ભેદભાવ ન રાખતા હોય. પછી, બાઇબલમાંથી બતાવો કે ઈશ્વરમાં એવા જ ગુણો છે. (અરે, કદાચ તમે બાઇબલ શીખવે છે પુસ્તકના પ્રકરણ એક અને ફકરા છથી શરૂઆત કરીને એ પુસ્તક પણ વાપરી શકો.)
જો ઘરમાલિક કહે કે “હું બાઇબલમાં માનતો નથી,” તો તમે આમ કહી શકો:
• “ઘણા લોકો એવું માને છે. અમુકને લાગે છે કે બાઇબલ વિજ્ઞાનની સુમેળમાં નથી અથવા બાઇબલનાં ધોરણો પ્રમાણે જીવવું શક્ય નથી. શું તમે કદી બાઇબલ વાંચ્યું છે? [જવાબ આપવા દો. પછી, સર્વ લોકો માટેનું પુસ્તક પાન ત્રણ બતાવો અને પુસ્તિકાની ઑફર કરો.] ઘણા લોકો બાઇબલમાં માનતા નથી, કેમ કે એમાં માનનારા ધર્મના લોકો એના શિક્ષણ પ્રમાણે જીવતા નથી. બીજી વખતે, હું પાન ૪ અને પાંચ પરથી એક દાખલાની ચર્ચા કરીશ.”
• “ઘણા લોકો તમારા જેવું માને છે. શું હું બાઇબલમાંથી એવું કંઈક બતાવી શકું, જેની મારા પર ઊંડી છાપ પડી? [અયૂબ ૨૬:૭ અથવા યશાયા ૪૦:૨૨ વાંચો, જે બતાવે છે કે વિજ્ઞાનની નજરે બાઇબલ ખરું છે.] કુટુંબને મદદ કરતું શિક્ષણ પણ બાઇબલમાં મળે છે. બીજી વખતે હું તમને એવો એક દાખલો બતાવીશ.”
• “તમે મને એ જણાવ્યું એટલે આભાર. જો ઈશ્વરે મનુષ્યો માટે પુસ્તક લખ્યું હોય તો તમારે મને એમાં કેવી બાબતો હોવી જોઈએ?” પછી, તેના જવાબ સાથે સહમત થતું હોય, એવું કંઈક બાઇબલમાંથી બતાવો.