વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૭/૧૫ પાન ૧૨-૧૬
  • યહોવાના લોકો ‘ખોટાં કામ ત્યજી દે છે’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાના લોકો ‘ખોટાં કામ ત્યજી દે છે’
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • ખોટાં કામોથી “દૂર જતા રહો”
  • “મૂર્ખતાથી ભરેલા તથા અજ્ઞાન વાદવિવાદો”ને નકારો
  • ખરાબ સંગતથી દૂર રહો!
  • વફાદાર રહીશું તો યહોવા આશીર્વાદ આપશે
  • ‘જે પોતાનાં છે તેઓને યહોવા ઓળખે છે’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • પ્રેમ સાચા ખ્રિસ્તીઓની ઓળખ છે—સત્યમાં હરખાઓ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • અમુક લોકો યહોવાની સામે થયા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • “પ્રેમ અન્યાયમાં ખુશ થતો નથી”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૭/૧૫ પાન ૧૨-૧૬
ભૂમિ ફાટે છે અને દાથાન, અબીરામ અને તેઓનાં કુટુંબોને ગળી જાય છે

યહોવાના લોકો ‘ખોટાં કામ ત્યજી દે છે’

‘જે કોઈ યહોવાનું નામ લે છે તેણે ખોટાં કામ ત્યજી દેવાં.’—૨ તીમો. ૨:૧૯, NW.

જવાબમાં તમે શું કહેશો?

  • “મૂર્ખતાથી ભરેલા તથા અજ્ઞાન વાદવિવાદો” શાના લીધે થઈ શકે છે અને એને કઈ રીતે ટાળી શકાય?

  • ખરાબ સંગતની બાબતે આપણે કઈ રીતે ‘ખોટાં કામોને ત્યજી’ શકીએ છીએ?

  • ‘ખોટાં કામોને ત્યજવાં’ આપણે કેવાં પગલાં ભરવાં જોઈએ?

૧. આપણી ભક્તિમાં કઈ બાબત મહત્ત્વનું સ્થાન ધરાવે છે?

દુનિયા ફરતે ઘણી ઇમારતો પર અને મ્યુઝિયમમાં રાખેલી વસ્તુઓ પર યહોવાનું નામ કોતરેલું જોવા મળે છે. જો એવું કંઈક તમારા જોવામાં આવે તો ચોક્કસ તમને નવાઈ લાગશે અને આનંદ થશે. યહોવાના સાક્ષીઓ તરીકે તેમનું નામ આપણી ભક્તિમાં એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આપણે એ નામ સાથે એક ખાસ રીતે જોડાયેલા છીએ, એવું દુનિયાના બીજા લોકોમાં જોવા મળતું નથી. ખરું કે, યહોવાના સાક્ષી બનવાનો આપણી પાસે લહાવો છે. પરંતુ એની સાથે સાથે તેમને માન મળે એ રીતે વર્તવાની આપણી જવાબદારી પણ છે.

૨. યહોવાના નામથી ઓળખાવવાનો લહાવો કઈ રીતે એક જવાબદારી પણ છે?

૨ ઈશ્વરના નામનો ઉપયોગ કરીશું તો તે આપણો સ્વીકાર કરી જ લેશે, એમ નથી. તેમનાં ધોરણો પ્રમાણે જીવવું પણ ખૂબ જરૂરી છે. એ માટે બાઇબલ યાદ અપાવે છે કે યહોવાના લોકોએ ‘ભૂંડાઈથી દૂર થવું’ જોઈએ. (ગીત. ૩૪:૧૪) પ્રેરિત પાઊલે એ સિદ્ધાંત જણાવતા લખ્યું કે ‘જે કોઈ યહોવાનું નામ લે છે તેણે ખોટાં કામ ત્યજી દેવાં.’ (૨ તીમોથી ૨:૧૯ વાંચો.)a સાક્ષીઓ તરીકે આપણે યહોવાના નામનો ઉપયોગ કરવા માટે જાણીતા છીએ. તો સવાલ થાય કે આપણે ખોટાં કામને કઈ રીતે ત્યજવાં જોઈએ?

ખોટાં કામોથી “દૂર જતા રહો”

૩, ૪. પાઊલના કયા શબ્દો સમજવા બાઇબલના અમુક નિષ્ણાતોને અઘરા લાગે છે અને શા માટે?

૩ બીજો તીમોથી ૨:૧૯માંના પાઊલના શબ્દો પર ચાલો વિચાર કરીએ. કલમમાં જોઈ શકાય કે, ‘ઈશ્વરે નાખેલા દૃઢ પાયા’ પરની મુદ્રાછાપના લખાણમાં બે ઘોષણાઓ જોવા મળે છે. એમાંની પહેલી ઘોષણા ‘જે પોતાનાં છે તેઓને યહોવા ઓળખે છે,’ એ ગણના ૧૬:૫માંથી લીધેલી છે. (અગાઉનો લેખ જુઓ.) અને બીજી ઘોષણા જણાવે છે કે, ‘જે કોઈ યહોવાનું નામ લે છે તેણે ખોટાં કામ ત્યજી દેવાં.’ એ શબ્દોને સમજવા બાઇબલના અમુક નિષ્ણાતોને અઘરા લાગે છે. શા માટે?

૪ પાઊલના શબ્દો પરથી એમ લાગે કે, તે હિબ્રૂ શાસ્ત્રવચનોના કોઈ બીજા અહેવાલમાંથી એ શબ્દો ટાંકી રહ્યા હતા. જોકે, પાઊલના એ શબ્દો સાથે મેળ ખાતી હિબ્રૂ શાસ્ત્રવચનોમાં કોઈ કલમ જોવા મળતી નથી. તો પછી સવાલ થાય કે, ‘જે કોઈ યહોવાનું નામ લે છે તેણે ખોટાં કામ ત્યજી દેવાં,’ એ શબ્દો દ્વારા પાઊલ શું કહેવા માંગતા હતા? પાયા પરનું પહેલું લખાણ પાઊલે ગણના ૧૬માંથી ટાંક્યું હતું, જેમાં કોરાહના બંડનો અહેવાલ છે. તો શું એનો અર્થ એવો થઈ શકે કે, બીજું લખાણ પણ એ બંડના બનાવોને રજૂ કરે છે?

૫-૭. બીજો તીમોથી ૨:૧૯ દ્વારા મુસાના દિવસોમાંના કયા બનાવની પાઊલ વાત કરી રહ્યા હતા? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૫ બાઇબલ જણાવે છે કે અલીઆબના દીકરા દાથાન અને અબીરામે પણ મુસા અને હારૂનની વિરુદ્ધ બળવો કરવામાં કોરાહ સાથે આગેવાની લીધી. (ગણ. ૧૬:૧-૫) તેઓએ મુસાનું અપમાન કર્યું અને ઈશ્વર દ્વારા મુસાને મળેલા અધિકારનો નકાર કર્યો. એ બળવાખોર લોકો વફાદાર ઈસ્રાએલીઓ માટે ખતરો હતા. તેથી, સમય આવ્યો ત્યારે યહોવાએ એક આજ્ઞા આપીને પોતાના વફાદાર ભક્તો અને બળવાખોર લોકોને જુદા પાડ્યા.

૬ અહેવાલ જણાવે છે કે, “યહોવાએ મુસાને કહ્યું, જમાતને કહે, કોરાહ, દાથાન તથા અબીરામના તંબુની આસપાસથી ઊઠી જાઓ. અને મુસા ઊઠીને દાથાન તથા અબીરામની પાસે ગયો; અને ઈસ્રાએલના વડીલો તેની પાછળ ગયા. અને તેણે જમાતને કહ્યું, કે કૃપા કરીને આ દુષ્ટ માણસોના તંબુઓ પાસેથી દૂર જતા રહો, ને તેઓની કંઈ ચીજનો સ્પર્શ ન કરો, રખેને તેઓનાં સર્વ પાપોમાં તમારો સંહાર થાય. અને [તરત, NW ] તેઓ ચારેગમથી કોરાહ, દાથાન તથા અબીરામના તંબુઓ પાસેથી ઊઠી ગયા.” (ગણ. ૧૬:૨૩-૨૭) પછી, યહોવાએ એ બળવાખોર લોકોનો નાશ કર્યો. વફાદાર ભક્તો બચી ગયા. શા માટે? કારણ કે, તેઓએ બળવાખોરોની સંગત ‘ત્યજી દીધી’ અને તેઓથી દૂર જતા રહ્યા.

૭ બીજો તીમોથી ૨:૧૯માં જ્યારે પાઊલે લખ્યું કે ‘જે પોતાના છે તેઓને યહોવા ઓળખે છે,’ ત્યારે તે ગણના ૧૬:૫માંથી ટાંકી રહ્યા હતા. એ પછી, જ્યારે તેમણે કહ્યું કે ‘જે કોઈ યહોવાનું નામ લે છે તેણે ખોટાં કામ ત્યજી દેવાં,’ ત્યારે તે કદાચ ગણના ૧૬:૫, ૨૩-૨૭ના બનાવના આધારે કહી રહ્યા હતા. આમ, એ તારણ કાઢવું યોગ્ય છે કે પાઊલના એ બંને વાક્યો એક જ અહેવાલના આધારે છે. એ બે વાક્યોમાંથી આપણે શું શીખી શકીએ? એ જ કે યહોવા દિલ પારખે છે. તે પોતાના વફાદાર ભક્તોને જાણે છે અને ઇચ્છે છે કે તેઓ દુષ્ટ લોકોથી પોતાને દૂર રાખે.—૨ તીમો. ૨:૧૯.

“મૂર્ખતાથી ભરેલા તથા અજ્ઞાન વાદવિવાદો”ને નકારો

૮. શા માટે યહોવાના નામનો ફક્ત ઉપયોગ કરવો અથવા ફક્ત મંડળમાં સભ્ય હોવું પૂરતું નથી?

૮ મુસાના સમયનો બનાવ ટાંકીને પાઊલ તીમોથીને યાદ કરાવવા માંગતા હતા કે, યહોવા સાથે તેમના કીમતી સંબંધનું રક્ષણ કરવું જરૂરી છે. મુસાના સમયમાં યહોવાના નામનો ફક્ત ઉપયોગ કરવો પૂરતો ન હતો. એ જ રીતે, આજે ફક્ત મંડળમાં સભ્ય હોવું પૂરતું નથી. વફાદાર ભક્તોએ ખોટી બાબતોને નકારવી જ જોઈએ. એ શબ્દોનો અર્થ તીમોથી માટે શો હતો? આજે આપણે પાઊલની એ સલાહમાંથી શું શીખી શકીએ?

૯. તીમોથીના સમયમાં “મૂર્ખતાથી ભરેલા તથા અજ્ઞાન વાદવિવાદો”ને લીધે મંડળ પર કેવી અસર થઈ?

૯ બાઇબલ સલાહ આપે છે કે ઈશ્વરભક્તોએ કઈ ખોટી બાબતોને નકારવી જોઈએ. દાખલા તરીકે, પાઊલ તીમોથીને કહે છે કે, ‘શબ્દો પર વાદવિવાદ કરવાથી અથવા ખાલી બકબકાટથી દૂર રહે.’ (૨ તીમોથી ૨:૧૪, ૧૬, ૨૩ વાંચો.) તેમના મંડળના અમુક સભ્યો સત્યમાં ભેળસેળ કરી રહ્યા હતા. બીજા અમુક એવા વિચારો ફેલાવતા હતા, જેનાથી એકબીજામાં વાદવિવાદ ઊભો થતો. ખરું કે, એ વિચારો બાઇબલ શિક્ષણના સીધેસીધા વિરુદ્ધમાં ન હતા. છતાં, એનાથી નિંદા અને મતભેદો ઊભાં થતાં, જેના લીધે મંડળની શાંતિ ખોરવાઈ જતી. તેથી, પાઊલે તીમોથીને ઉત્તેજન આપ્યું કે “મૂર્ખતાથી ભરેલા તથા અજ્ઞાન વાદવિવાદોથી” દૂર રહે.

૧૦. બાઇબલ વિરુદ્ધના શિક્ષણનો સામનો થાય તો શું કરવું જોઈએ?

૧૦ આજે, સત્યમાં ભેળસેળ કરનારા લોકો કદાચ મંડળમાં જોવા ન મળે. છતાં, આપણે બાઇબલ વિરુદ્ધના શિક્ષણના સંપર્કમાં ગમે ત્યાંથી આવી શકીએ છીએ. એવા સમયે એનો તરત નકાર કરવો જોઈએ. એવા લોકો સાથે વાદવિવાદ કરવો કે પછી ઇન્ટરનેટ પર તેમના બ્લોગ્સ કે લેખો વાંચવા મૂર્ખામી કહેવાશે. તેમ જ, તેઓની સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક ન રાખવો જોઈએ. અરે, એવી વ્યક્તિઓને મદદ કરવાના ઇરાદાથી પણ વાતચીત ન કરવી જોઈએ. કારણ કે, એમ કરીને આપણે ઈશ્વરની વિરુદ્ધ જઈએ છીએ. ઈશ્વરભક્તો તરીકે આપણે સત્યમાં ભેળસેળ કરતું શિક્ષણ પૂરેપૂરું ધિક્કારવું જોઈએ.

ધર્મભ્રષ્ટ લોકો યહોવાના સાક્ષીઓને વાદવિવાદમાં ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે

સત્યમાં ભેળસેળ કરતા લોકો સાથે વાદવિવાદ ટાળીએ (ફકરો ૧૦ જુઓ)

૧૧. “મૂર્ખતાથી ભરેલા” વાદવિવાદો ઊભા થાય ત્યારે વડીલો કેવો સારો દાખલો બેસાડશે?

૧૧ મંડળની શાંતિને ખોરવે એવી બીજી અમુક બાબતો પણ છે. જેમ કે, મનોરંજન. એના વિશે લોકોના અલગ અલગ વિચારો હોય શકે. પરંતુ, બીજાઓ ઉપર આપણા વિચારો થોપી બેસાડવાથી “મૂર્ખતાથી ભરેલા તથા અજ્ઞાન વાદવિવાદો” ઊભા થઈ શકે છે. બની શકે કે કોઈ વ્યક્તિ યહોવાના સિદ્ધાંતોને તોડતું મનોરંજન માણવા બીજાઓને ઉશ્કેરે. એવા સંજોગોમાં વિવાદ ઊભા થશે એવું વિચારીને વડીલોએ એ ચલાવી લેવું ન જોઈએ. (ગીત. ૧૧:૫; એફે. ૫:૩-૫) છતાં, વડીલોએ એવો આગ્રહ ન રાખવો જોઈએ કે પોતાના વ્યક્તિગત વિચાર પ્રમાણે જ બધું થાય. વડીલો બાઇબલમાં આપેલી આ સલાહ પ્રમાણે કરશે: “ઈશ્વરનું જે ટોળું તમારામાં છે તેનું પ્રતિપાલન કરો.” તેઓ ‘ધણી તરીકે નહિ, પણ આદર્શરૂપ બને’ એ રીતે ટોળાની સંભાળ રાખશે.—૧ પીત. ૫:૨, ૩; ૨ કોરીંથી ૧:૨૪ વાંચો.

૧૨, ૧૩. (ક) યહોવાના સાક્ષીઓ શાને આધારે મનોરંજનની પસંદગી કરે છે અને એ બાબતે કયો બાઇબલ સિદ્ધાંત લાગુ પાડી શકાય? (ખ) ફકરા ૧૨માં જણાવેલા સિદ્ધાંતો કઈ રીતે વ્યક્તિગત પસંદગીઓને પણ લાગુ પાડી શકાય?

૧૨ સંગઠન આપણને જણાવતું નથી કે કઈ વિડીયો ગેમ્સ રમવી, કયાં પુસ્તકો વાંચવાં અને કયાં ગીતો સાંભળવાં કે પછી કઈ ફિલ્મો જોવી. શા માટે? કારણ કે બાઇબલ દરેક વ્યક્તિને ઉત્તેજન આપે છે કે પોતાની સમજશક્તિને “ખરુંખોટું પારખવામાં કેળવે.” (હિબ્રૂ ૫:૧૪) બાઇબલમાં સિદ્ધાંતો આપેલા છે, જેના આધારે યોગ્ય મનોરંજનની પસંદગી કરી શકાય. જીવનના દરેક પાસામાં આપણો ધ્યેય હોવો જોઈએ કે “પ્રભુને પસંદ પડતું શું છે, તે પારખી” લઈએ. (એફે. ૫:૧૦) બાઇબલ પ્રમાણે કુટુંબના શિરને પસંદગી કરવાનો અધિકાર છે. તે નક્કી કરી શકે છે કે તેનું કુટુંબ કયું મનોરંજન માણશે.—૧ કોરીં. ૧૧:૩; એફે. ૬:૧-૪.

૧૩ ઉપર જણાવેલો બાઇબલ સિદ્ધાંત આપણાં કપડાં અને દેખાવ, સ્વાસ્થ્ય અને તંદુરસ્તી જેવી બાબતોમાં પણ લાગુ પાડી શકાય. એ બધા વિશે પણ લોકોના મત જુદા જુદા હોય શકે છે. પરંતુ, બાઇબલનો સિદ્ધાંત તૂટતો ન હોય તો ઈશ્વરભક્તોએ વાદવિવાદ ન કરવો જોઈએ. કારણ કે, સમજદારી એમાં જ છે કે ‘પ્રભુનો દાસ વિખવાદ કરે નહિ, પણ તે સર્વ માણસો પ્રત્યે માયાળુ’ બને.—૨ તીમો. ૨:૨૪, ૨૫.

ખરાબ સંગતથી દૂર રહો!

૧૪. ખોટાં કામ કરનાર લોકોની સંગતથી દૂર રહેવા વિશે પાઊલે કયું ઉદાહરણ આપ્યું?

૧૪ ‘યહોવાનું નામ લેનાર’ વ્યક્તિ બીજી કઈ રીતે ‘ખોટાં કામ ત્યજી શકે?’ ખોટાં કામ કરનાર લોકોની સંગતથી દૂર રહીને. નોંધવા જેવું છે કે ‘ઈશ્વરે નાખેલા દૃઢ પાયાʼનું ઉદાહરણ આપ્યા પછી પાઊલે બીજું એક ઉદાહરણ આપ્યું. તેમણે લખ્યું કે, “મોટા ઘરમાં કેવળ સોનારૂપાનાં જ નહિ, પણ લાકડાનાં તથા માટીનાં પાત્રો પણ હોય છે; તેઓમાંનાં કેટલાંક ઉત્તમ કાર્યોને માટે ને કેટલાંક હલકાં કાર્યોને માટે હોય છે.” (૨ તીમો. ૨:૨૦, ૨૧) તેમણે એ પછી લખ્યું કે “હલકાં કાર્યોને માટે હોય” એવા વાસણથી ઈશ્વરભક્ત ‘પોતાને દૂર રાખે.’

૧૫, ૧૬. “મોટા ઘર”ના ઉદાહરણમાંથી શું શીખવા મળે છે?

૧૫ એ ઉદાહરણનો અર્થ શો થાય છે? પાઊલે મંડળને “મોટા ઘર” સાથે સરખાવ્યું છે અને મંડળના સભ્યોને “પાત્રો” કે વાસણો સાથે સરખાવ્યા છે. ઘરમાં અમુક વાસણો કોઈક રીતે ખરાબ કે ગંદાં થઈ જાય ત્યારે ઘરમાલિક રસોઈમાં વપરાતાં શુદ્ધ વાસણોથી એને દૂર રાખે છે.

૧૬ એવી જ રીતે, આજે ઈશ્વરભક્તો શુદ્ધ જીવન જીવે છે. તેઓ પોતાને એવા લોકોથી દૂર રાખે છે, જેઓ યહોવાના સિદ્ધાંતોનું વારંવાર અપમાન કર્યાં કરે છે. (૧ કોરીંથી ૧૫:૩૩ વાંચો.) મંડળની અંદર કદાચ એવા લોકો હોય તો તેઓથી ‘દૂર રહીએ છીએ.’ તો, કેટલું જરૂરી છે કે મંડળની બહારના એવા લોકોથી પણ આપણે ‘દૂર રહીએ!’ કારણ કે, તેઓમાંના ઘણા ‘પૈસાના લોભી, માબાપનું સન્માન નહિ કરનારા, વિશ્વાસઘાતી, આરોપ મૂકનારા, ક્રૂર, સારી બાબતોનો દ્વેષ કરનારા, ઉપકાર ન માનનારા, ઈશ્વર પર નહિ પણ વિલાસ પર પ્રીતિ રાખનારા’ લોકો છે.—૨ તીમો. ૩:૧-૫.

વફાદાર રહીશું તો યહોવા આશીર્વાદ આપશે

૧૭. વફાદાર ઈસ્રાએલીઓએ ખોટી બાબતોનો વિરોધ કેટલી હદે કર્યો?

૧૭ ઈસ્રાએલીઓને કહેવામાં આવ્યું કે ‘તેઓ ચારેય બાજુથી કોરાહ, દાથાન તથા અબીરામના તંબુઓ પાસેથી ઊઠી જાય’ ત્યારે તેઓએ શું કર્યું? અહેવાલ બતાવે છે કે ‘તરત તેઓ ઊઠીને દૂર જતા રહ્યા.’ (ગણ. ૧૬:૨૪, ૨૭) જોઈ શકાય કે તેઓએ જરાય વાર કરી નહિ કે અચકાયા નહિ. ઉપરાંત, એ પણ જોઈ શકાય કે તેઓ એ આજ્ઞાને આધીન રહ્યા. તેઓ ‘ચારેય બાજુથી ઊઠીને દૂર જતા રહ્યા.’ એ વફાદાર ભક્તોએ કોઈ પણ જોખમ લીધું નહિ. તેઓએ અધૂરા મને નહિ, પરંતુ પૂરેપૂરી રીતે આજ્ઞા પાળી હતી. તેઓ યહોવાના પક્ષમાં રહ્યા અને ખોટી બાબતોનો વિરોધ કર્યો. એ દાખલામાંથી આપણને શું શીખવા મળે છે?

૧૮. પાઊલે તીમોથીને ‘જુવાનીના વિષયોથી નાસી જવાની’ સલાહ આપી ત્યારે તે શું કહેવા માંગતા હતા?

૧૮ યહોવા સાથેની મિત્રતાનું રક્ષણ કરવા આપણે અચકાયા વગર તરત પગલાં ભરવાં જોઈએ. પાઊલે તીમોથીને ‘જુવાનીના વિષયોથી નાસી જવાની’ સલાહ આપી ત્યારે તે એ જ કહેવા માંગતા હતા. (૨ તીમો. ૨:૨૨) એ સમયે તીમોથી કદાચ ૩૦થી વધુ ઉંમરના હતા. જોકે, મોટી ઉંમરની વ્યક્તિને પણ મૂર્ખામીભર્યા “જુવાનીના વિષયો”ની અસર થઈ શકે છે. લાલચો આવે ત્યારે તીમોથીએ એવી ઇચ્છાઓથી ‘નાસી જવાનું’ હતું, એટલે કે ‘ખોટાં કામને ત્યજી દેવાનાં હતાં.’ ઈસુએ પણ સરખો વિચાર જણાવતા કહ્યું: “જો તારી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે.” (માથ. ૧૮:૯) આજે પણ ઈશ્વરભક્તો એ સલાહને પાળે છે. તેમ જ, ઈશ્વર સાથેની મિત્રતાનું રક્ષણ કરવા તરત પગલાં ભરે છે.

૧૯. યહોવા સાથેની મિત્રતાનું રક્ષણ કરવા અમુકે કેવાં પગલાં ભર્યાં છે?

૧૯ અમુક ઈશ્વરભક્તોએ યહોવા સાથેના સંબંધોનું રક્ષણ કરવાં કેવાં પગલાં ભર્યાં? કેટલાકને દારૂની લત હતી માટે તેઓએ હવે બિલકુલ દારૂ ન પીવાનું નક્કી કર્યું છે. બીજા અમુકને કેટલીક નબળાઈઓ હતી. તેથી તેઓએ ખોટી ઇચ્છા જગાવે એવાં કોઈ પણ મનોરંજનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. (ગીત. ૧૦૧:૩) દાખલા તરીકે, સાક્ષી બનતા પહેલાં એક ભાઈને એવી પાર્ટીઓમાં જવાની આદત હતી, જેમાં લોકો અશ્લીલ રીતે નાચતાં અને વર્તતાં. સત્ય શીખ્યા પછી તેમણે ભાઈ-બહેનોની પાર્ટીમાં પણ જરાય ન નાચવાનું નક્કી કર્યું છે. કેમ કે, તે ચાહતા નથી કે ખોટા વિચારો અથવા ઇચ્છાઓ પાછી જાગે. જોકે, એનો અર્થ એવો નથી કે દરેક ઈશ્વરભક્તે દારૂ, નાચ-ગાન અથવા ખોટી ન હોય એવી બાબતથી દૂર રહેવું જોઈએ. પરંતુ, દરેકે કાળજી લેવાની છે અને યહોવા સાથેના પોતાના સંબંધનું રક્ષણ કરવા બનતું બધું કરવાનું છે.

૨૦. ‘ખોટાં કામોને ત્યજવાં’ સહેલાં હોતાં નથી, છતાં શું જાણીને આપણને હિંમત અને દિલાસો મળે છે?

૨૦ ઈશ્વરના નામથી ઓળખાવવું એ એક લહાવો હોવાની સાથે સાથે એક જવાબદારી પણ છે. આપણે ‘ખોટાં કામોને ત્યજવાનાં’ છે અને ‘ભૂંડાઈથી દૂર થવાનું’ છે. (ગીત. ૩૪:૧૪) ખરું કે, એમ કરવું કાયમ સહેલું હોતું નથી. પરંતુ, એ જાણીને કેટલો દિલાસો મળે છે કે ‘જે પોતાના છે’ અને ન્યાયી માર્ગો પર ચાલે છે તેઓને યહોવા પ્રેમ કરે છે.—૨ તીમો. ૨:૧૯; ૨ કાળવૃત્તાંત ૧૬:૯ક વાંચો.

a ‘ઈશ્વરે નાખેલો દૃઢ પાયો હંમેશાં ટકી રહે છે અને એના પર આ વચન મુદ્રાછાપ તરીકે લખાયું છે: “જે પોતાના છે તેઓને યહોવા ઓળખે છે અને જે કોઈ યહોવાનું નામ લે છે તેણે ખોટાં કામ ત્યજી દેવાં.”’—૨ તીમો. ૨:૧૯, NW.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો