જોખમ કઈ રીતે ઘટાડી શકાય?
ચક્રીય ધમનીનો રોગ (CAD) આનુવંશિક, પર્યાવરણીય, અને જીવન-ઢબના કેટલાક ઘટકો સાથે સંબંધિત છે. CAD અને હાર્ટ ઍટેક એ ઘટકોમાંના એક કે ઘણા સાથે, દાયકાઓ નહિ તો વર્ષોથી સંકળાયેલા જોખમોથી પરિણમી શકે છે.
ઉંમર, જાતિ, અને વારસો
ઉંમર વધે છે તેમ હાર્ટ ઍટેકનું જોખમ પણ વધે છે. લગભગ ૫૫ ટકા હાર્ટ ઍટેક ૬૫થી વધારે ઉંમરના લોકોને આવે છે. હાર્ટ ઍટેકથી મરણ પામનારાઓના કંઈક ૮૦ ટકા લોકો ૬૫ કે એથી મોટી વયના હોય છે.
પચાસથી ઓછી વયના પુરુષો એ જ વયની સ્ત્રીઓ કરતાં વધારે જોખમમાં હોય છે. રજોનિવૃત્તિ (menopause) પછી, રક્ષણાત્મક હોર્મોન એસ્ટ્રોજનના તીવ્ર ઘટાડાને કારણે સ્ત્રીઓ માટે જોખમ વધે છે. કેટલાક અંદાજો અનુસાર, કેટલાક કૅન્સરોનું જોખમ વધારે હોવા છતાં, એસ્ટ્રોજન રીપ્લેસમેન્ટ થેરપી સ્ત્રીઓમાં હૃદય રોગનું જોખમ ૪૦ કે એથી વધારે ટકા ઘટાડી શકે છે.
વારસો એક ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે. જેઓના માબાપને ૫૦ની ઉંમર પહેલા ઍટેક આવ્યો હોય, તેઓને ઍટેક આવવાનું જોખમ વધારે છે. માબાપને ૫૦ની વય પછી પણ ઍટેક આવ્યો હોય તો, વ્યક્તિને વધારે જોખમ રહેલું છે. કુટુંબમાં હૃદય રોગનો ઇતિહાસ હોય તો, બાળકોને એવી જ સમસ્યા થવાની વધારે શક્યતા રહેલી છે.
કોલેસ્ટ્રોલ ઘટક
કોલેસ્ટ્રોલ, જે એક પ્રકારનું પ્રવાહી છે, જીવન માટે અનિવાર્ય છે. એને યકૃત પેદા કરે છે, અને લોહી પરમાણુમાં એને કોશ સુધી લઈ જાય છે, જેને લિપોપ્રોટીન્સ કહેવામાં આવે છે. એના બે પ્રકાર છે, ઓછી ઘનતાવાળું (લો-ડેન્સિટી) લિપોપ્રોટીન્સ (LDL કોલેસ્ટ્રોલ) અને ઉચ્ચ ઘનતાવાળું (હાઈ-ડેન્સિટી) લિપોપ્રોટીન્સ (HDL કોલેસ્ટ્રોલ). પુષ્કળ LDL કોલેસ્ટ્રોલ લોહીમાં જમા થાય છે ત્યારે, CAD માટે કોલેસ્ટ્રોલ જોખમી ઘટક બની જાય છે.
માનવામાં આવે છે કે HDL કોશમાંથી કોલેસ્ટ્રોલ દૂર કરી એને યકૃતમાં પાછું વહન કરીને રક્ષણાત્મક ભૂમિકા ભજવે છે, જ્યાં એનું રૂપાંતર કરવામાં આવે છે અને શરીરમાંથી કાઢી નાખવામાં આવે છે. LDLનું પ્રમાણ ઊંચું અને HDLનું પ્રમાણ નીચું હોય તો, હૃદય રોગનું જોખમ વધે છે. LDLનું પ્રમાણ નીચું કરવાથી જોખમ ખાસ્સું ઘટી શકે. આહાર નિયમનો સારવારમાં ચાવીરૂપ છે, અને કસરત મદદરૂપ થઈ શકે. જુદી જુદી દવાઓ સારાં પરિણામો લાવી શકે, પરંતુ કેટલીકની અણગમતી આડઅસરો થાય છે.a
ઓછું કોલેસ્ટ્રોલ અને ઓછા ચરબીયુક્ત આહારની ભલામણ કરવામાં આવે છે. માખણ જેવા વધુ ચરબીયુક્ત ખોરાકને ઠેકાણે કેનોલા તેલ કે ઓલિવ તેલ જેવા ઓછા ચરબીયુક્ત ખોરાક વાપરવાથી LDL ઓછું કરી શકાય અને HDL સાચવી શકાય. બીજી તર્ફે, અમેરિકન જર્નલ ઑફ પબ્લિક હેલ્થ નોંધે છે કે હાઇડ્રોજનવાળું કે ઓછા હાઇડ્રોજનવાળું વનસ્પતિ તેલ મોટા ભાગના માર્જરિનમાં મળે છે અને વનસ્પતિ-ઘટાડનાર પેદાશો LDL વધારી શકે અને HDL ઘટાડી શકે છે. વધારે ચરબીવાળું માંસ ઓછું ખાવું અને મરઘી કે ટર્કીનું ઓછું ચરબીવાળું માંસ અવેજી તરીકે વાપરવાની પણ ભલામણ કરવામાં આવે છે.
અભ્યાસોએ બતાવ્યું છે કે વિટામીન E, બીટા-કેરોટીન, અને વિટામીન C પશુઓમાં એથિરોસ્ક્લેરોસિસ ધીમું કરે છે. એક અભ્યાસે નિષ્કર્ષ કાઢ્યો કે એ માનવીઓમાં હાર્ટ ઍટેકના બનાવોમાં પણ ઘટાડો કરી શકે. રોજ ટામેટાં, ગાઢા લીલા પાંદડાવાળું શાકભાજી, પેપર્સ [મરચું], ગાજર, શક્કરિયાં, અને તરબૂચ જેવાં શાકભાજી અને ફળફળાદી ખાવા જે બીટા-કેરોટીન અને બીજા કેરોટીનોઈડ્સ તથા વિટામીન Cમાં સમૃદ્ધ હોય છે જે CADથી કેટલુંક રક્ષણ આપી શકે.
વિટામીન B6 અને મેગ્નેશિયમ પણ ઉપયોગી હોવાનું કહેવામાં આવે છે. જવ અને ઓટ્સ જેવું અનાજ તેમ જ કઠોળ, મસુર, અને કેટલાક બિયાં તથા નટ્સ ઉપયોગી થઈ શકે. વધુમાં, માનવામાં આવે છે કે સેમન, મેકરલ, હેરિંગ, કે ટ્યુના જેવી માછલી ઓછામાં ઓછું અઠવાડિયામાં બે વખત ખાવાથી CADનું જોખમ ઘટાડી શકાય છે, કેમ કે એ ઓમેગા-૩ પોલીઅનસેચ્યુરેટેડ ફેટવાળા એસિડમાં સમૃદ્ધ હોય છે.
બેઠાડુ જીવન ઢબ
બેઠાડુ લોકોને હાર્ટ ઍટેક થવાનું વધારે જોખમ હોય છે. તેઓ મોટા ભાગનો દિવસ શારીરિક રીતે નિષ્ક્રિય બનીને ગાળે છે અને નિયમિતપણે કસરત કરતા હોતા નથી. એવા લોકોમાં હાર્ટ ઍટેક ઘણી વાર સખત મહેનત કર્યા પછી આવે છે, જેમ કે બગીચાનું ભારે કામ, હળવું દોડવું, ભારે વજન ઊચકવું, કે હિમ ઉલેચવો, પરંતુ નિયમિત કસરત કરનારાઓમાં જોખમ ઘટે છે.
અઠવાડિયામાં ત્રણ કે ચાર વખત ૨૦થી ૩૦ મિનિટ ચાલવાથી ઍટેકનું જોખમ ઘટી શકે. નિયમિત કસરત હૃદયની લોહી મોકલવાની ક્ષમતા સુધારે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે, અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરી શકે છે અને લોહીના દબાણને ઘટાડી શકે છે.
અતિતણાવ, અતિશય વજન, અને મધુપ્રમેહ
લોહીનું ઊંચુ દબાણ (હાયપરટેન્શન) ધમનીની દીવાલોને નુકસાન કરી શકે અને LDL કોલેસ્ટ્રોલને ધમનીના અસ્તરમાં દાખલ થવા દઈ ચકતાં જમા થવા પ્રોત્સાહન આપી શકે. પ્લાકનો જમાવ વધે છે તેમ, લોહીના વહેણમાં વધારે અવરોધ થાય છે અને એમ લોહીનું દબાણ ઊંચું જાય છે.
લોહીના દબાણની નિયમિત તપાસ કરાવવી જોઈએ કેમ કે આ સમસ્યાની કોઈ બાહ્ય નિશાની ન પણ હોય. ડાયાસ્ટોલિક દબાણ (નીચેનો આંક)માં દર એક પોઈન્ટ ઘટાડો, હાર્ટ ઍટેકનું જોખમ ૨થી ૩ ટકા ઘટાડી શકે. લોહીના ઓછા દબાણ માટેની સારવાર અસરકારક થઈ શકે. મિતાહાર, અને કેટલાક કિસ્સાઓમાં ઓછું નિમક ખાવું, સાથે સાથે વજન ઘટાડવા નિયમિત કસરત, લોહીના ઊંચા દબાણ પર કાબૂ રાખવા મદદ કરી શકે.
વધુ પડતું વજન લોહીના ઊંચા દબાણને તથા લિપિડ અસાધારણતાને પ્રોત્સાહન આપે છે. સ્થૂળતા ટાળવી કે એની સારવાર કરવી એ મધુપ્રમેહને રોકવાની મુખ્ય રીત છે. મધુપ્રમેહ CADનો પ્રવેગ વધારે છે અને હાર્ટ ઍટેકનું જોખમ વધારે છે.
ધૂમ્રપાન
સિગારેટનું ધૂમ્રપાન CADના વિકાસનો એક મજબૂત ઘટક છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં, એ હૃદય રોગથી થતા બધા મરણોના કંઈક ૨૦ ટકા માટે અને ૫૫થી ઓછી વયની સ્ત્રીઓમાં હાર્ટ ઍટેકના લગભગ ૫૦ ટકા માટે સીધેસીધું જવાબદાર છે. સિગારેટ પીવાથી લોહીનું દબાણ વધે છે અને નિકોટીન અને કાર્બન મોનોક્ષાઈડ જેવા ઝેરી રસાયણો લોહીના વહેણમાં ભળે છે. પછીથી, એ રસાયણો ધમનીઓને નુકસાન પહોંચાડે છે.
ધૂમ્રપાન કરનારાઓ પોતાના ધુમાડાના સંપર્કમાં આવનારા બીજાઓને પણ જોખમમાં મૂકે છે. અભ્યાસ પ્રગટ કરે છે કે ધૂમ્રપાન કરનારા સાથે રહેનારા ધૂમ્રપાન ન કરનારાઓને હાર્ટ ઍટેક આવવાનું મોટું જોખમ છે. આમ, ધૂમ્રપાન છોડીને એક વ્યક્તિ ખુદ પોતાનું જોખમ ઘટાડી શકે છે અને ધૂમ્રપાન ન કરનારા સ્નેહીજનોને પણ બચાવી શકે છે.
દબાણ
તીવ્ર લાગણીમય કે માનસિક તણાવ હોય ત્યારે, જેઓની ધમની તંદુરસ્ત હોય છે તેઓના કરતાં જેઓને CAD હોય છે તેઓ હાર્ટ ઍટેકનું અને અચાનક મરણનું ઘણું જ મોટું જોખમ વહોરી લે છે. એક અભ્યાસ અનુસાર, તણાવ ધમનીને ચકતાથી સંકોચી શકે, અને એ ૨૭ ટકા જેટલા લોહીનો પ્રવાહ ઓછો કરે છે. સાધારણ રોગવાળી ધમનીઓમાં પણ ઘણું સંકોચન જોવા મળે છે. બીજા અભ્યાસે સૂચવ્યું કે તીવ્ર તણાવ ધમનીની દિવાલોમાં ચીરો પાડવા ચકતા માટે એવી પરિસ્થિતિ ખડી કરી શકે જેનાથી હાર્ટ ઍટેક આવે.
કન્ઝ્યુમર રીપોટ્ર્સ ઓન હેલ્થ જણાવે છે: “કેટલાક લોકો ખરાબ વલણ સાથે જીવન જીવતા હોય એમ લાગે છે. તેઓ ચીડિયા, ગુસ્સાવાળા, અને સહેલાયથી ઉશ્કેરાય જાય છે. મોટા ભાગના લોકો થોડીક ચીડને અવગણતા હોય છે ત્યારે, વેર વૃત્તિવાળા લોકો લાગણીમય રીતે પ્રત્યાઘાત પાડે છે.” કાયમી ગુસ્સો અને વેર વૃત્તિ લોહીનું દબાણ વધારે છે, હૃદયના ધબકારા વધારે છે, અને યકૃતને લોહીના વહેણમાં કોલેસ્ટ્રોલ ઠાલવવા ઉશ્કેરે છે. એ ચક્રીય ધમનીને નુકસાન પહોંચાડે છે અને CADમાં ફાળો આપે છે. માનવામાં આવે છે કે ગુસ્સો હાર્ટ ઍટેકનું જોખમ બમણું કરે છે, અને એનાથી ઓછામાં ઓછા બે કલાક સુધીનો ભારે ખતરો રહે છે. શું મદદ કરી શકે?
ધ ન્યૂયૉર્ક ટાઈમ્સ અનુસાર, ડૉ. મરે મિટલમને કહ્યું કે લાગણીમય સંઘર્ષોમાં સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરતા લોકો હાર્ટ ઍટેકનું જોખમ ઘટાડી શકે. એ સૈકાઓ અગાઉ બાઇબલમાં નોંધવામાં આવેલા શબ્દો જેવું જ લાગે છે: “હૃદયની શાંતિ શરીરનું જીવન છે.”—નીતિવચન ૧૪:૩૦.
પ્રેષિત પાઊલ જાણતો હતો કે તણાવ હેઠળ હોવું શાના જેવું છે. તે ચિંતા વિષે બોલ્યો જે તેના પર રોજ ત્રાટકતી. (૨ કોરીંથી ૧૧:૨૪-૨૮) પરંતુ તેણે દેવની મદદનો અનુભવ કર્યો અને લખ્યું: “કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિસહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.”—ફિલિપી ૪:૬, ૭.
હૃદયની સમસ્યાને લગતા બીજા ઘટકો હોય છે ત્યારે, અહીં ચર્ચવામાં આવેલા ઘટકો જોખમને ઓળખી શકવામાં મદદ કરી શકે જેથી વ્યક્તિ યોગ્ય પગલું ભરી શકે. જો કે, કેટલાકને આશ્ચર્ય લાગે છે કે જેઓને હાર્ટ ઍટેક પછીના પરિણામો સાથે જીવવું જ પડે છે એ લોકોને કેવું લાગે છે. ફરીથી સાજા થવું કેટલું શક્ય છે?
[Footnotes]
a સજાગ બનો! તબીબી, કસરત, કે આહારને લગતી સારવારનું સમર્થન કરતું નથી પરંતુ સારી રીતે સંશોધન કરેલી માહિતી રજૂ કરે છે. દરેક વ્યક્તિ પોતે શું કરશે એ તેણે પોતે જ નક્કી કરવું જોઈએ.
[Caption on page ૯]
ધૂમ્રપાન કરવાથી, સહેલાયથી ગુસ્સે થઈ જવાથી, ચરબીયુક્ત ખોરાકો ખાવાથી, અને બેઠાડુ જીવન જીવવાથી હાર્ટ ઍટેકનું જોખમ વધે છે