“ઈશ્વરનું જ્ઞાન સાચું છે, તે પરિણામથી પરખાય છે”
૧. અમુક લોકો આપણા વિષે કેવું કેવું વિચારે છે?
૧ અમુક વખત પ્રચારમાં લોકો આપણું સાંભળતા નથી, કેમ કે તેઓમાં આપણા વિષે ખોટી માન્યતા ઘર કરી ગઈ હોય. અથવા કોઈએ તેઓને સાક્ષીઓ વિરુદ્ધ ભરમાવ્યા હોય. કદાચ તેઓએ મીડિયા દ્વારા ફેલાતી ખોટી માહિતી માની લીધી હોય. કેટલીક જગ્યાઓમાં લોકોએ આરોપ મૂક્યો છે કે આપણે બળજબરીથી લોકોનો ધર્મ બદલાવીએ છીએ. લોકો જ્યારે આવું કહે ત્યારે આપણે કેવી રીતે એનો સામનો કરી શકીએ?
૨. વિરોધને લીધે પ્રચારમાં ધીમા ન પડીએ એ માટે આપણને શું મદદ કરશે?
૨ નિરાશ ન થઈ જાવ: પહેલી સદીમાં, ઘણા લોકો ઈસુ અને બીજા ઈશ્વરભક્તો વિરુદ્ધ બોલતાં. (પ્રે.કૃ. ૨૮:૨૨) છતાં, તેઓએ ક્યારેય પ્રચાર કરવામાં શરમ અનુભવી નહિ. ઈસુએ કહ્યું: “ઈશ્વરનું જ્ઞાન સાચું છે તે પરિણામથી પરખાય છે.” (માથ. ૧૧:૧૮, ૧૯ પ્રેમસંદેશ) ઈસુએ પૂરા ઉત્સાહથી પોતાના પિતાની ઇચ્છા પૂરી કરવાનું ચાલુ રાખ્યું. તેમને ખાતરી હતી કે જેઓને સાચે જ સત્યની તરસ છે, તેઓ તેમના સંદેશાની કદર બતાવશે. આપણે યાદ રાખીએ કે ઈશ્વરના દીકરાએ પણ વિરોધનો સામનો કરેલો. તેથી ચાલો આપણે પ્રચાર કરવામાં ક્યારેય પાછા ન પડીએ.
૩. શા માટે ખોટી માહિતી અને વિરોધથી આપણે ચોંકી ન જવું જોઈએ?
૩ ઈસુએ કહ્યું હતું કે જેમ લોકોએ તેમનો ધિક્કાર કર્યો, તેમ તેમના શિષ્યોને પણ ધિક્કારશે. (યોહા. ૧૫:૧૮-૨૦) તેથી, ખોટી માહિતી અને વિરોધથી આપણે ચોંકી ન જવું જોઈએ. આ બધું સામાન્ય બનતું જશે. એના કારણો: આ દુનિયાનો અંત નજીક આવતો જાય છે. શેતાન વધારે કોપાયમાન થયો છે. (પ્રકટી. ૧૨:૧૨) જોકે આપણે હરખાવું જોઈએ, કેમ કે શેતાનની આ દુનિયા થોડા જ સમયમાં નાશ પામશે.
૪. વિરોધનો સામનો કરીએ ત્યારે શું કરવું જોઈએ?
૪ નમ્રતાથી જવાબ આપો: જ્યારે પણ આપણે વિરોધનો સામનો કરીએ, ત્યારે હંમેશા નમ્રતાથી અને શાંતિથી જવાબ આપવો જોઈએ. (નીતિ. ૧૫:૧; કોલો. ૪:૫, ૬) જો સંજોગો સારા હોય અને ઘરમાલિક ખરેખર જાણવા માંગતા હોય, તો આપણે યહોવાહના સાક્ષીઓ પ્રત્યેની ગેરસમજણ દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. અથવા પૂછી શકીએ, તે શા માટે એવું માને છે. નમ્રતાથી જવાબ આપવાથી કદાચ તેમને સાક્ષીઓ વિષેની ગેરસમજ દૂર થાય. એનાથી તે કદાચ બીજી વખત સાક્ષીઓ સાથે વાત કરવા વધારે તૈયાર થાય. પણ જો ઘરમાલિક ગુસ્સે ભરાય હોય, તો વધારે સારું કે ત્યાંથી નીકળી જઈએ. આપણે પૂરી ખાતરી રાખવી જોઈએ કે ભલે લોકો આપણી નિંદા કરે, પણ યહોવાહ ચોક્કસ આપણાં કાર્યોની કદર કરે છે.—યશા. ૫૨:૭.