બાઇબલ અભ્યાસ શરૂ કરવા માટે નવો લેખ
૧ બાઇબલ અભ્યાસ શરૂ કરવા જુલાઈ મહિનાથી ચોકીબુરજના અમુક અંકમાં નવો લેખ આવશે. એનો વિષય છે “બાઇબલમાંથી શીખો.” તમારા પ્રચાર વિસ્તારમાં કદાચ અમુક લોકોને આ લેખ વાંચવાની મજા આવશે. ખરું કહીએ તો લોકો સાથે ચર્ચા કરવા આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે.
૨ એમાં શું હશે? લેખનું મુખ્ય મથાળું અને ગૌણ મથાળું સવાલ તરીકે લખવામાં આવ્યા છે. એટલે ઘરમાલિક સાથે ચર્ચા કરતી વખતે સવાલ પૂછી શકાશે. મુખ્ય કલમો ટાંકવાને બદલે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેથી ઘરમાલિક જાતે બાઇબલમાંથી વાંચીને એનો આનંદ માણી શકે. દરેક ફકરા નાના હોવાથી ઘરમાલિક સાથે બારણાં પર ચર્ચા થઈ શકે છે. દરેક લેખમાં બાઇબલ શું શીખવે છે પુસ્તકનો ઉલ્લેખ થશે, જેથી યોગ્ય હોય ત્યારે એમાંથી અભ્યાસ શરૂ કરી શકાય.
૩ કેવી રીતે વાપરશો? મૅગેઝિન આપીએ ત્યારે એમાં આપેલા, આ નવા લેખને આધારે વ્યક્તિને રસ પડે એવો પ્રશ્ન પૂછી શકો. દાખલા તરીકે, બાઇબલ કેટલું મહત્ત્વનું છે એ વિષે જુલાઈના ચોકીબુરજના આ નવા લેખમાં ચર્ચા કરવામાં આવી છે. તમે આમ પૂછી શકો: “શું બાઇબલ ઈશ્વરનું વચન છે કે પછી ફક્ત સારું પુસ્તક છે? [જવાબ આપવા દો.] આ વિષયમાં તમને રસ પડે એવું મારી પાસે કંઈક છે.” પછી મૅગેઝિનમાંથી પહેલો સવાલ બતાવો. પહેલો ફકરો અને ઉલ્લેખવામાં આવેલી કલમ વાંચો. ફરીથી સવાલ વાંચો અને ઘરમાલિકને પોતાનો વિચાર જણાવવાનું કહો. સંજોગો ધ્યાનમાં રાખીને થઈ શકે એટલી માહિતી આવરી શકો. ક્રમ પ્રમાણે આપેલો સવાલ પૂછીને ચર્ચા કરો. ઘરમાલિક સાથે બીજી વાર જે સવાલની ચર્ચા કરવાના હો એના પર તેમનું ધ્યાન દોરો અને ફરી મળવાની ગોઠવણ કરો. આ રીતે દર અઠવાડિયે એક એક મુદ્દાની ચર્ચા કરો. આ લેખ પૂરો થઈ જાય પછી, તમને લાગે તો બીજા અંકના આ નવા લેખમાંથી ચર્ચા કરી શકો. જ્યાં સુધી તમે બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી નિયમિત બાઇબલ અભ્યાસ શરૂ ન કરો, ત્યાં સુધી આવી રીતે ચર્ચા કરતા રહો. અથવા તો રસ ધરાવતી વ્યક્તિને સાદી રજૂઆતથી બાઇબલ અભ્યાસની ઑફર કરો. પછી અભ્યાસ કેવી રીતે કરવામાં આવે છે એ મૅગેઝિનમાંથી બતાવો.
૪ નિયમિત રીતે મૅગેઝિન આપતાં હો તેને અથવા ફરી મુલાકાત કરતી વખતે આ લેખ બતાવી શકો. તમે આમ કહી શકો: “ચોકીબુરજમાં હવે એક નવો લેખ આવે છે. તમને બતાવું એ કેવી રીતે વાપરી શકાય.” અમારી પ્રાર્થના છે કે આ નવા લેખથી વધારે ને વધારે લોકોને “સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત” કરવા મદદ મળશે.—૧ તીમો. ૨:૪.
[અભ્યાસ પ્રશ્નો]
૧. ચોકીબુરજમાં કયો નવો લેખ આવશે અને એ કેમ તૈયાર કરવામાં આવ્યો છે?
૨. આ લેખમાં શું હશે?
૩. ઘર-ઘરના પ્રચાર કામમાં દરવાજે ઊભા રહીને બાઇબલ અભ્યાસ શરૂ કરવા આ નવો લેખ કેવી રીતે વાપરી શકીએ?
૪. ફરી મુલાકાત કરતી વખતે આ લેખ કેવી રીતે વાપરી શકીએ?