પાઠ ૫૮
યરૂશાલેમનો નાશ
યહૂદાના લોકો વારંવાર યહોવાને છોડીને જૂઠા દેવોની ભક્તિ કરતા હતા. વર્ષો સુધી યહોવાએ તેઓને મદદ કરવાની કોશિશ કરી કે તેઓ તેમની પાસે પાછા ફરે. તેમણે તેઓને ચેતવણી આપવા ઘણા પ્રબોધકો પણ મોકલ્યા. પ્રબોધકોની વાત સાંભળવાને બદલે લોકોએ તેઓની મજાક ઉડાવી. યહોવાએ મૂર્તિપૂજા બંધ કરાવવા શું કર્યું?
બાબેલોનના રાજા નબૂખાદનેસ્સાર એક પછી એક ઘણા દેશો જીતી રહ્યા હતા. જ્યારે તેમણે પહેલી વાર યરૂશાલેમ પર કબજો કર્યો, ત્યારે તે રાજા યહોયાખીન, તેના અધિકારીઓ, શૂરવીર લડવૈયાઓ અને કારીગરોને ગુલામ બનાવીને બાબેલોન લઈ ગયા. તે યહોવાના મંદિરનો બધો ખજાનો પણ લઈ ગયા. એ પછી તેમણે સિદકિયાને યહૂદાનો રાજા બનાવ્યો.
શરૂ શરૂમાં તો સિદકિયાએ નબૂખાદનેસ્સારની વાત માની. પણ પછી આસપાસના દેશો અને જૂઠા પ્રબોધકોએ તેને કહ્યું કે તે બાબેલોન સામે બળવો કરે. યર્મિયાએ તેને કહ્યું: ‘જો તું બળવો કરશે, તો યહૂદામાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવશે, અનાજ ખૂટી પડશે, અને બીમારી ફેલાશે.’
આઠ વર્ષ રાજ કર્યા પછી, સિદકિયાએ બાબેલોન સામે બળવો કરવાનું નક્કી કર્યું. બાબેલોન સામે લડવા તેણે ઇજિપ્તની સેના પાસે મદદ માંગી. એટલે નબૂખાદનેસ્સારે યરૂશાલેમ પર હુમલો કરવા પોતાની સેના મોકલી. સેનાએ આખું શહેર ઘેરી લીધું. યર્મિયાએ સિદકિયાને કહ્યું: ‘યહોવાએ કહ્યું છે કે તું બાબેલોન સામે હાર માની લે. જો તું એમ કરશે, તો તું અને આ શહેર બચી જશે. પણ જો તું એમ નહિ કરે, તો બાબેલોનના લોકો યરૂશાલેમને બાળી નાખશે અને તને ગુલામ બનાવીને લઈ જશે.’ સિદકિયાએ કહ્યું: ‘હું હાર નહિ માનું.’
દોઢ વર્ષ પછી બાબેલોનની સેના યરૂશાલેમની દીવાલો તોડીને શહેરમાં ઘૂસી ગઈ. સેનાએ આખા શહેરને આગ લગાવી દીધી. અરે, મંદિરને પણ બાળીને ખાખ કરી નાખ્યું. ઘણા બધા લોકોને મારી નાખ્યા અને હજારો લોકોને ગુલામ બનાવીને લઈ ગયા.
સિદકિયા યરૂશાલેમથી ભાગી ગયો. પણ બાબેલોનના સૈનિકોએ તેનો પીછો કર્યો. તેઓએ યરીખો પાસે તેને પકડી પાડ્યો અને બાબેલોનના રાજા નબૂખાદનેસ્સાર પાસે લઈ ગયા. નબૂખાદનેસ્સારે સિદકિયાની સામે તેના દીકરાઓને મારી નાખ્યા. તેમણે સિદકિયાને આંધળો કરી નાખ્યો અને જેલમાં નાખી દીધો. પછી તે ત્યાં જ મરી ગયો. યહોવાએ યરૂશાલેમના લોકોને વચન આપ્યું: ‘હું ૭૦ વર્ષ પછી તમને યરૂશાલેમ પાછા લઈ આવીશ.’
ગુલામ બનાવીને બાબેલોન લઈ ગયેલા લોકોમાં યુવાનો પણ હતા. તેઓનું શું થયું? શું તેઓ યહોવાને વફાદાર રહ્યા?
“હે સર્વશક્તિમાન ઈશ્વર યહોવા, તમારા ન્યાયચુકાદા ભરોસાપાત્ર અને ખરા છે.”—પ્રકટીકરણ ૧૬:૭