સાચો માર્ગ પત્રિકા દરેક પ્રસંગે વાપરો
૧. સાચો માર્ગ પત્રિકા શા માટે તૈયાર કરવામાં આવી છે?
૧ આ પત્રિકા બાઇબલ સ્ટડી શરૂ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. સત્યના બી વાવવા માટે પણ આ પત્રિકા વાપરી શકાય. (સભા. ૧૧:૬) આ પત્રિકાનો સૌથી સારો ઉપયોગ કરવા અહીં કેટલાંક સૂચનો આપવામાં આવ્યાં છે.
૨. વાતચીત શરૂ કરવા પત્રિકા કેવી રીતે વાપરશો?
૨ વાતચીત શરૂ કરવા: આ પત્રિકા તમે રસ બતાવતા ઘરમાલિકને હાથમાં આપી શકો. પહેલા પાને આપેલા છ સવાલો બતાવી તેમને પૂછી શકો: “આમાંથી કયા સવાલનો જવાબ તમને જાણવો ગમશે?” તે જે સવાલ પસંદ કરે, એનો જવાબ પત્રિકામાંથી જ બતાવો. એમાં ટાંકેલી એક કલમ બાઇબલમાંથી વાંચી આપો. છેલ્લાં પાને આપેલી માહિતી વાંચો અથવા એનો મુખ્ય વિચાર જણાવો. પછી બાઇબલ શીખવે છે પુસ્તક ઑફર કરો. તે પુસ્તક ન સ્વીકારે તો વાંધો નહિ, તેમણે પત્રિકા તો સ્વીકારી જ છે. કદાચ એનાથી તેમના દિલમાં સત્યના અંકુર ફૂટી શકે.—માથ. ૧૩:૨૩.
૩. જો ઘરમાલિક વ્યસ્ત હોય તો શું કરી શકીએ?
૩ જ્યારે ઘરમાલિક વ્યસ્ત હોય: તમે કહી શકો: “હું જોઈ શકું છું કે તમારી પાસે સમય નથી, એટલે આ પત્રિકા રાખી જઉં? આમાં છ સવાલો આપ્યા છે, જેના જવાબો લોકો જાણવા આતુર છે. આ જવાબો શાસ્ત્રમાંથી આપવામાં આવ્યાં છે. હું ફરી વાર આવીશ ત્યારે આના વિષે વધારે વાત કરી શકીએ.”
૪. સ્ટ્રીટમાં લોકોને પત્રિકા આપતી વખતે શું કહી શકો?
૪ સ્ટ્રીટમાં પ્રચાર કરતી વખતે: તમે કહી શકો: “કેમ છો? તમને કદી આવા સવાલો થયા છે? [જવાબ આપવા દો. જો વ્યક્તિ વધારે સાંભળવા તૈયાર હોય, તો વાતચીત ચાલુ રાખો.] આમાં શાસ્ત્રમાંથી જવાબો આપ્યા છે, જે તમને જાણવા ગમશે.” જો વ્યક્તિ ઉતાવળમાં ન હોય, તો કદાચ તેમના સવાલના જવાબ પર ચર્ચા કરી શકો. કદાચ બાઇબલ શીખવે છે પુસ્તક ઑફર કરી શકો.
૫. જ્યારે કોઈ ઘરે ન હોય ત્યારે શું કરી શકાય?
૫ જ્યારે કોઈ ઘરે ન મળે: ઘણી વાર લોકો ઘરે નથી મળતા. એવા ઘરોમાં ભાઈ-બહેનો પત્રિકા કે મૅગેઝિન લેટર બૉક્સમાં કે દરવાજા નીચેથી સરકાવી દેતા હોય છે. જો તમારા વિસ્તારમાં એવું થતું હોય તો સાચો માર્ગ પત્રિકા પણ મૂકી શકો. એ ઘરે પાછા જાવ ત્યારે કહી શકો: “તમે ઘરે નહોતા એટલે અમે આ પત્રિકા અહીં મૂકી ગયેલા. તમને આમાંથી કયા સવાલનો જવાબ જાણવો ગમશે?”
૬. સાચો માર્ગ પત્રિકા શા માટે પ્રચારમાં સહેલાઈથી વાપરી શકાય છે?
૬ સાચો માર્ગ પત્રિકા એકદમ સરળ ભાષામાં છે. બધા સમાજ અને ધર્મોના લોકોમાં આ પત્રિકા રસ જગાડે છે. આ પત્રિકા સહેલાઈથી ઑફર કરી શકાય છે. એટલે સુધી કે યુવાનો અને નવા પ્રકાશકો પણ એને ઑફર કરી શકે છે. શું તમે એને દરેક પ્રસંગે વાપરો છો?