અભ્યાસ લેખ ૨૭
યહોવાનો ડર કેમ રાખવો જોઈએ?
“જેઓ યહોવાનો ડર રાખે છે, તેઓ જ તેમના પાકા મિત્રો બને છે.”—ગીત. ૨૫:૧૪.
ગીત ૪૯ યહોવા છે સહારો
ઝલકa
૧-૨. જો આપણે યહોવા સાથે પાકી દોસ્તી કરવા માંગતા હોઈએ, તો ગીતશાસ્ત્ર ૨૫:૧૪ પ્રમાણે આપણે શું કરવું જોઈએ?
તમને શું લાગે છે, કોઈ સાથે દોસ્તી ટકાવી રાખવા કયા ગુણોની જરૂર છે? તમે કદાચ કહેશો કે સારા દોસ્તો એકબીજાને પ્રેમ કરતા અને સાથ આપતા હોવા જોઈએ. પણ તમે કદાચ એવું વિચાર્યું નહિ હોય કે દોસ્તી ટકાવી રાખવામાં ડરનો ગુણ પણ જરૂરી છે. જોકે, આ લેખની મુખ્ય કલમમાં જણાવ્યું છે તેમ, જેઓ યહોવા સાથે પાકી દોસ્તી બાંધવા માંગે છે, તેઓએ તેમનો ‘ડર રાખવો’ જોઈએ.—ગીતશાસ્ત્ર ૨૫:૧૪ વાંચો.
૨ આપણે બધાએ યહોવાનો ડર રાખવાની જરૂર છે, પછી ભલેને ગમે એટલા સમયથી યહોવાની ભક્તિ કરતા હોઈએ. પણ યહોવાનો ડર રાખવો એટલે શું? આપણે કઈ રીતે યહોવાનો ડર રાખવાનું શીખી શકીએ? યહોવાનો ડર રાખવા વિશે આપણે કારભારી ઓબાદ્યા, પ્રમુખ યાજક યહોયાદા અને રાજા યહોઆશ પાસેથી શું શીખી શકીએ?
ઈશ્વરનો ડર રાખવો એટલે શું?
૩. સમજાવો કે ડર કઈ રીતે આપણું રક્ષણ કરે છે.
૩ જો એવું લાગતું હોય કે કશું કામ કરવાથી નુકસાન થશે, તો આપણને કદાચ ડર લાગે. એવો ડર હોવો સારી વાત છે, કેમ કે એ આપણને સારા નિર્ણયો લેવા મદદ કરે છે. દાખલા તરીકે, પહાડ પરથી પડી જવાના ડરને લીધે આપણે પહાડની કિનારીએ ચાલતા નથી. ઈજા થવાના ડરને લીધે કદાચ જોખમ જોઈને તરત ત્યાંથી ભાગી જઈએ છીએ. પાકી દોસ્તી તૂટી ન જાય એ ડરને લીધે આપણે દોસ્તને ખરું-ખોટું સંભળાવતા નથી અથવા ખરાબ વ્યવહાર કરતા નથી.
૪. શેતાન શું ચાહે છે?
૪ શેતાન ચાહે છે કે લોકો યહોવાથી ગભરાય. તે આપણા મનમાં એ જ વાત ઠસાવવા માંગે છે, જે અલીફાઝે અયૂબને કહી હતી. એ વાત કઈ છે? એ જ કે યહોવા હંમેશાં ગુસ્સે રહે છે, આપણને સજા કરવા માંગે છે અને આપણે ક્યારેય તેમને ખુશ કરી શકતા નથી. (અયૂ. ૪:૧૮, ૧૯) શેતાન ચાહે છે કે આપણે યહોવાથી એટલા ગભરાઈએ કે તેમની ભક્તિ કરવાનું છોડી દઈએ. પણ આપણે યહોવાથી ગભરાવાની જરૂર નથી. આપણે તો તેમને માન આપવું જોઈએ. તેમ જ, આપણને એ વાતનો ડર હોવો જોઈએ કે આપણાથી કોઈક રીતે તેમને દુઃખ ન પહોંચે.
૫. ઈશ્વરનો ડર રાખવાનો અર્થ શું થાય?
૫ જે વ્યક્તિ ઈશ્વરનો ડર રાખે છે, એટલે કે પૂરા દિલથી તેમનો આદર કરે છે, તે તેમને ખૂબ જ પ્રેમ કરે છે. તે એવું કંઈ કરતી નથી, જેનાથી ઈશ્વર સાથેની તેની દોસ્તી જોખમમાં આવે. ઈસુ ઈશ્વરનો એવો જ “ડર” રાખતા હતા. (હિબ્રૂ. ૫:૭) તે યહોવાથી ગભરાતા ન હતા. (યશા. ૧૧:૨, ૩) એને બદલે, તે યહોવાને ખૂબ પ્રેમ કરતા હતા અને તેમની આજ્ઞાઓ પાળવા માંગતા હતા. (યોહા. ૧૪:૨૧, ૩૧) ઈસુની જેમ આપણા દિલમાં પણ યહોવા માટે ઊંડું માન અને આદર છે. કેમ કે યહોવા પ્રેમાળ, બુદ્ધિશાળી, ન્યાયી અને શક્તિશાળી ઈશ્વર છે. આપણે જાણીએ છીએ કે યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે, એટલે આપણાં કામોથી તેમને ફરક પડે છે. તેમની આજ્ઞાઓ પાળીએ છીએ ત્યારે તેમનું દિલ ખુશ થાય છે. પણ તેમની આજ્ઞાઓ પાળતા નથી ત્યારે તે દુઃખી થાય છે.—ગીત. ૭૮:૪૧; નીતિ. ૨૭:૧૧.
આપણે ઈશ્વરનો ડર રાખવાનું શીખી શકીએ છીએ
૬. કઈ એક રીતે યહોવાનો ડર રાખવાનું શીખી શકીએ? (ગીતશાસ્ત્ર ૩૪:૧૧)
૬ આપણામાં જન્મથી જ યહોવાનો ડર નથી હોતો. એટલે આપણે યહોવા માટે ડર રાખવાનું શીખવું પડશે. (ગીતશાસ્ત્ર ૩૪:૧૧ વાંચો.) એમ કરવાની એક રીત છે, સૃષ્ટિ નિહાળવી. યહોવાએ ‘બનાવેલી વસ્તુઓમાંથી’ આપણે યહોવાનું ડહાપણ, તેમની શક્તિ અને આપણા માટેનો તેમનો પ્રેમ જોઈ શકીએ છીએ. (રોમ. ૧:૨૦) તેમણે રચેલી સૃષ્ટિ પર જેટલો વધારે વિચાર કરીશું, એટલું વધારે તેમને માન આપીશું અને પ્રેમ કરીશું. એડ્રિયન નામનાં એક બહેને કહ્યું: “જ્યારે હું યહોવાએ રચેલી સૃષ્ટિ નિહાળું છું અને જોઉં છું કે તે કેટલા બુદ્ધિશાળી છે, ત્યારે હું દંગ રહી જાઉં છું. મને એ સમજવા મદદ મળે છે કે યહોવાને ખબર છે કે મારા માટે સારું શું છે.” એ વિશે નિયમિત વિચાર કરવાને લીધે તે આવું કહી શક્યા: “હું એવું કશું કરવા નથી માંગતી, જેનાથી મને જીવન આપનાર યહોવા સાથેનો મારો સંબંધ બગડી જાય.” શું આ અઠવાડિયે તમે થોડો સમય કાઢીને યહોવાએ રચેલી કોઈ વસ્તુ પર વિચાર કરી શકો? એમ કરશો તો, તમારા દિલમાં યહોવા માટે માન અને પ્રેમ વધશે.—ગીત. ૧૧૧:૨, ૩.
૭. પ્રાર્થના કઈ રીતે યહોવા માટેનો ડર રાખવા મદદ કરે છે?
૭ આપણે બીજી એક રીતે પણ યહોવાનો ડર રાખવાનું શીખી શકીએ છીએ. એ છે, તેમને નિયમિત રીતે પ્રાર્થના કરવી. જેટલી વધારે પ્રાર્થના કરીએ છીએ, એટલું વધારે યહોવાને ઓળખીએ છીએ. જ્યારે પણ યહોવા પાસે કસોટીનો સામનો કરવા શક્તિ માંગીએ છીએ, ત્યારે યાદ આવે છે કે તે કેટલા શક્તિશાળી છે. જ્યારે યહોવાનો આભાર માનીએ છીએ કે તેમણે પોતાનો દીકરો આપ્યો, ત્યારે પોતાને યાદ અપાવીએ છીએ કે યહોવા આપણને કેટલો પ્રેમ કરે છે. મુશ્કેલીના સમયે યહોવાને મદદ માટે કાલાવાલા કરીએ છીએ ત્યારે, દિલને યાદ અપાવીએ છીએ કે તે કેટલા બુદ્ધિશાળી છે. આવી પ્રાર્થનાઓથી આપણને યહોવાનો વધારે આદર કરવા મદદ મળે છે. તેમ જ, યહોવા સાથેની દોસ્તી તૂટે એવી દરેક બાબતથી દૂર રહેવાનો નિર્ણય વધારે પાકો થાય છે.
૮. યહોવાનો ડર રાખવાનું છોડી ન દઈએ એ માટે શું કરી શકીએ?
૮ યહોવાનો ડર રાખવાનું છોડી ન દઈએ એ માટે બાઇબલનો અભ્યાસ કરતા રહીએ. પણ અભ્યાસ કરતી વખતે આપણો ધ્યેય હોવો જોઈએ કે સારા અને ખરાબ બંને દાખલામાંથી શીખીએ. હવે ચાલો યહોવાના બે વફાદાર સેવકો પાસેથી શીખીએ. પહેલા આપણે રાજા આહાબના રાજમહેલના કારભારી ઓબાદ્યા વિશે અને પછી પ્રમુખ યાજક યહોયાદા વિશે શીખીશું. પછી આપણે યહૂદાના રાજા યહોઆશ વિશે જોઈશું, જેણે સમય જતાં યહોવાની ભક્તિ છોડી દીધી.
ઓબાદ્યાની જેમ હિંમતવાન બનીએ
૯. યહોવાનો ડર રાખવાને લીધે ઓબાદ્યાને કેવી મદદ મળી? (૧ રાજાઓ ૧૮:૩, ૧૨)
૯ બાઇબલમાં જ્યારે પહેલી વાર ઓબાદ્યાનોb ઉલ્લેખ થાય છે, ત્યારે ત્યાં લખ્યું છે, ‘ઓબાદ્યા યહોવાનો ડર રાખતા હતા.’ (૧ રાજાઓ ૧૮:૩, ૧૨ વાંચો.) યહોવાનો ડર રાખવાને લીધે ઓબાદ્યાને કેવી મદદ મળી? એક તો, તેમને પ્રમાણિક અને ભરોસાપાત્ર બનવા મદદ મળી. એટલે રાજાએ તેમને રાજમહેલના કારભારી બનાવ્યા હતા. (નહેમ્યા ૭:૨ સરખાવો.) ઈશ્વરનો ડર રાખવાને લીધે ઓબાદ્યાને ખૂબ હિંમત પણ મળી. સાચે જ, તેમને ઘણી હિંમતની જરૂર હતી, કેમ કે એ સમયે દુષ્ટ રાજા આહાબ રાજ કરતો હતો. તેના વિશે બાઇબલમાં લખ્યું છે, “આહાબ તેની અગાઉ થયેલા બધા રાજાઓ કરતાં સૌથી વધારે પાપી હતો.” (૧ રાજા. ૧૬:૩૦) એટલું જ નહિ, તેની પત્ની ઇઝેબેલ બઆલની ભક્તિ કરતી હતી. તે યહોવાને એટલી નફરત કરતી હતી કે તેણે ઇઝરાયેલના દસ કુળોમાંથી સાચી ભક્તિ મિટાવી દેવાની પૂરેપૂરી કોશિશ કરી. એટલું જ નહિ, તેણે ઇઝરાયેલના પ્રબોધકોને પણ મારી નંખાવ્યા હતા. (૧ રાજા. ૧૮:૪) એમાં કોઈ શંકા નથી કે ઓબાદ્યાએ ખૂબ જ અઘરા સમયમાં યહોવાની ભક્તિ કરી.
૧૦. ઓબાદ્યાએ કઈ રીતે જોરદાર હિંમત બતાવી?
૧૦ ઓબાદ્યાએ કઈ રીતે જોરદાર હિંમત બતાવી? જ્યારે ઇઝેબેલ રાણી યહોવાના પ્રબોધકોને મારી નાખવા શોધતી હતી, ત્યારે ઓબાદ્યાએ “યહોવાના ૧૦૦ પ્રબોધકોને ૫૦-૫૦ની ટોળી બનાવીને ગુફામાં સંતાડી રાખ્યા હતા. તેઓને રોટલી અને પાણી પૂરાં પાડ્યાં હતાં.” (૧ રાજા. ૧૮:૧૩, ૧૪) જો ઓબાદ્યાના એ કામ વિશે ઇઝેબેલને ખબર પડી હોત, તો તેણે એ હિંમતવાન માણસને મારી નાખ્યા હોત. કદાચ ઓબાદ્યાને ડર લાગતો હશે, તે મરવા માંગતા ન હતા. પણ તેમને યહોવા અને તેમના સેવકો પોતાના જીવથી પણ વધારે વહાલા હતા.
આપણાં કામ પર પ્રતિબંધ હોવા છતાં એક ભાઈ હિંમતથી બીજા સાક્ષીઓને ભક્તિને લગતું સાહિત્ય પહોંચાડે છે (ફકરો ૧૧ જુઓ)d
૧૧. આજે યહોવાના ભક્તો કઈ રીતે ઓબાદ્યાની જેમ હિંમત બતાવી રહ્યા છે? (ચિત્ર પણ જુઓ)
૧૧ આજે યહોવાના ઘણા ભક્તો એવા વિસ્તારમાં રહે છે, જ્યાં આપણાં કામ પર પ્રતિબંધ છે. તેઓ ત્યાંના અધિકારીઓને માન આપે છે, પણ ઓબાદ્યાની જેમ એ વહાલા ભક્તો યહોવાની ભક્તિ કરવાનું નથી છોડતા. (માથ. ૨૨:૨૧) તેઓ ઈશ્વરનો ડર રાખે છે, એટલે માણસોની આજ્ઞા માનવાને બદલે ઈશ્વરની આજ્ઞા માને છે. (પ્રે.કા. ૫:૨૯) એમ કરવા તેઓ ખુશખબર ફેલાવતા રહે છે અને સંતાઈને સભાઓ માટે ભેગા મળતા રહે છે. (માથ. ૧૦:૧૬, ૨૮) તેઓ એ વાતનું ધ્યાન રાખે છે કે તેઓનાં ભાઈ-બહેનોને બાઇબલ આધારિત સાહિત્ય મળતું રહે, જેથી યહોવા સાથેનો તેઓનો સંબંધ મજબૂત રહે. હેનરીભાઈનો વિચાર કરો. તે આફ્રિકાના એવા વિસ્તારમાં રહે છે, જ્યાં અમુક સમય માટે આપણાં કામ પર પ્રતિબંધ હતો. એ સમય દરમિયાન તે પોતાની ઇચ્છાથી ભાઈ-બહેનોને સાહિત્ય પહોંચાડવા આગળ આવ્યા. ભાઈએ લખ્યું: “હું સ્વભાવે શરમાળ છું. એટલે મને પૂરી ખાતરી છે કે યહોવા માટે ઊંડું માન હોવાને લીધે જ મને આટલી બધી હિંમત મળી.” શું તમે પણ હેનરીભાઈની જેમ હિંમત બતાવી શકો? જો તમે ઈશ્વરનો ડર રાખશો, તો જરૂર બતાવી શકશો.
પ્રમુખ યાજક યહોયાદાની જેમ વફાદાર રહીએ
૧૨. પ્રમુખ યાજક યહોયાદા અને તેમની પત્ની કઈ રીતે યહોવાને વફાદાર રહ્યાં?
૧૨ પ્રમુખ યાજક યહોયાદા યહોવાનો ડર રાખતા હતા. એટલે તે યહોવાને વફાદાર રહ્યા. તેમણે બીજાઓને પણ યહોવાની ભક્તિ કરવાનું ઉત્તેજન આપ્યું. એવું કઈ રીતે કહી શકીએ? આ એ સમયની વાત છે, જ્યારે ઇઝેબેલની દીકરી અથાલ્યાએ યહૂદાની રાજગાદી પચાવી પાડી હતી અને પોતે રાણી બની બેઠી હતી. બધા લોકો અથાલ્યાથી ખૂબ ડરતા હતા. તે એટલી ક્રૂર અને સત્તાની ભૂખી હતી કે તેણે આખા રાજવંશનો સંહાર કરી નાખવાની કોશિશ કરી. અરે, તેણે પોતાના પૌત્રોને પણ જીવતા ન છોડ્યા. (૨ કાળ. ૨૨:૧૦, ૧૧) પણ તેનો એક પૌત્ર યહોઆશ બચી ગયો, કેમ કે પ્રમુખ યાજક યહોયાદાની પત્ની યહોશાબઆથે તેને બચાવી લીધો હતો. તેણે અને તેના પતિએ બાળકને સંતાડી રાખ્યું અને તેની કાળજી રાખી. આમ, તેઓએ ધ્યાન રાખ્યું કે દાઉદના કુટુંબમાંથી કોઈ બચી જાય, જે રાજા બની શકે. યહોયાદા યહોવાને વફાદાર હતા અને તે અથાલ્યાથી ડર્યા નહિ, પણ જે ખરું છે એ કર્યું.—નીતિ. ૨૯:૨૫.
૧૩. યહોયાદાએ ફરી એક વાર કઈ રીતે સાબિત કર્યુ કે તે યહોવાને વફાદાર છે?
૧૩ યહોઆશ સાત વર્ષનો હતો ત્યારે યહોયાદાએ ફરી એક વાર સાબિત કર્યુ કે તે યહોવાને વફાદાર છે. તેમણે એક યોજના બનાવી. જો તેમની યોજના પાર પડતી, તો યહોઆશ રાજા બની જતા, જે દાઉદના વંશમાંથી હતા. પણ જો યોજના સફળ ના થાત, તો યહોયાદાનો જીવ જાત એ નક્કી હતું. યહોવાના આશીર્વાદથી એ યોજના પાર પડી. યહોયાદાએ મુખીઓ અને લેવીઓના સાથ-સહકારથી યહોઆશને રાજા બનાવ્યો અને અથાલ્યાને મારી નંખાવી. (૨ કાળ. ૨૩:૧-૫, ૧૧, ૧૨, ૧૫; ૨૪:૧) પછી “યહોયાદા યાજકે લોકો અને રાજા પાસે યહોવા સાથે કરાર કરાવ્યો કે તેઓ કાયમ યહોવાની પ્રજા બની રહેશે.” (૨ રાજા. ૧૧:૧૭) એટલું જ નહિ, તેમણે “યહોવાના મંદિરના દરવાજાઓએ દરવાનો પણ ગોઠવી દીધા, જેથી કોઈ પણ રીતે અશુદ્ધ માણસ અંદર આવી શકે નહિ.”—૨ કાળ. ૨૩:૧૯.
૧૪. યહોયાદાએ યહોવાને માન આપ્યું, એટલે યહોવાએ કઈ રીતે યહોયાદાને માન આપ્યું?
૧૪ અગાઉ યહોવાએ કહ્યું હતું, “જેઓ મને માન આપે છે, તેઓને હું માન આપીશ.” (૧ શમુ. ૨:૩૦) યહોવાએ ખરેખર યહોયાદાને મોટું ઇનામ આપ્યું. દાખલા તરીકે, તેમણે પ્રમુખ યાજક યહોયાદાના સારાં કામો બાઇબલમાં લખાવ્યાં, જેથી આપણે બધા એમાંથી શીખી શકીએ. (રોમ. ૧૫:૪) જ્યારે યહોયાદાનું મરણ થયું, ત્યારે યહોવાએ તેમને ખાસ સન્માન આપ્યું. લોકોએ તેમને ‘દાઉદનગરમાં દફનાવ્યા, જ્યાં રાજાઓને દફનાવવામાં આવતા. કેમ કે તેમણે ઇઝરાયેલના લોકો માટે, સાચા ઈશ્વર માટે અને ઈશ્વરના મંદિર માટે સારાં કામો કર્યાં હતાં.’—૨ કાળ. ૨૪:૧૫, ૧૬.
પ્રમુખ યાજક યહોયાદાની જેમ યહોવાનો ડર રાખીશું, તો ભાઈ-બહેનોને દિલથી સાથ આપી શકીશું (ફકરો ૧૫ જુઓ)e
૧૫. યહોયાદાના અહેવાલમાંથી આપણે શું શીખી શકીએ? (ચિત્ર પણ જુઓ.)
૧૫ યહોયાદાના અહેવાલમાંથી આપણે બધા જ લોકો ઈશ્વરનો ડર રાખવાનું શીખી શકીએ છીએ. યહોયાદાને પગલે ચાલીને વડીલો હંમેશાં મંડળનું રક્ષણ કરવાની રીતો શોધતા રહે છે. (પ્રે.કા. ૨૦:૨૮) વૃદ્ધ ભાઈ-બહેનો યહોયાદા પાસેથી શું શીખી શકે? એ જ કે જો તેઓ યહોવાનો ડર રાખશે અને વફાદાર રહેશે, તો યહોવા પોતાનો હેતુ પૂરો કરવા તેઓનો ઉપયોગ કરી શકે છે. તેઓ યાદ રાખી શકે કે યહોવા તેઓની અવગણના કરતા નથી. યુવાનો ધ્યાન આપી શકે કે યહોવાએ કઈ રીતે યહોયાદાને માન આપ્યું. તેમ જ, યહોવાની જેમ તેઓ વફાદાર વૃદ્ધ ભાઈ-બહેનોને આદર અને માન આપવાનું શીખી શકે, ખાસ કરીને ઘણાં વર્ષોથી યહોવાની સેવા કરી છે એવાં ભાઈ-બહેનોને. (નીતિ. ૧૬:૩૧) છેલ્લે, આપણે બધા જ એ મુખીઓ અને લેવીઓ પાસેથી શીખી શકીએ છીએ, જેઓએ યહોયાદાને સાથ આપ્યો હતો. ચાલો, ‘જેઓ આપણામાં આગેવાની લે છે,’ તેઓનું કહ્યું માનીને દિલથી તેઓને સાથ આપીએ.—હિબ્રૂ. ૧૩:૧૭.
રાજા યહોઆશ જેવા ન બનીએ
૧૬. શાના પરથી કહી શકાય કે યહોઆશની શ્રદ્ધા કમજોર હતી?
૧૬ યહોયાદાએ રાજા યહોઆશને એક સારી વ્યક્તિ બનવા મદદ કરી. (૨ રાજા. ૧૨:૨) એટલે યહોઆશ નાનો હતો ત્યારે, યહોવાને ખુશ કરવા માંગતો હતો. પણ યહોયાદાના મરણ પછી યહોઆશ એ આગેવાનોની વાત માનવા લાગ્યો, જેઓ જૂઠી ભક્તિ કરતા હતા. એનું શું પરિણામ આવ્યું? તે અને તેના લોકો “ભક્તિ-થાંભલાઓની અને મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા.” (૨ કાળ. ૨૪:૪, ૧૭, ૧૮) એ બધું જોઈને યહોવાને ખૂબ દુ:ખ થયું. તોપણ “તેઓ . . . પાછા ફરે એ માટે તેમણે વારંવાર પ્રબોધકો મોકલ્યા. પ્રબોધકોએ તેઓને ચેતવણી આપી, પણ તેઓએ આંખ આડા કાન કર્યા.” તેઓએ યહોયાદાના દીકરા ઝખાર્યાનુંc પણ ના સાંભળ્યું, જે ફક્ત પ્રબોધક અને યાજક જ નહિ, યહોઆશનો પિતરાઈ ભાઈ પણ હતો. જે કુટુંબે તેનો જીવ બચાવ્યો અને મદદ કરી તેઓના ઉપકારનો બદલો તેણે અપકારથી વાળ્યો. એટલે સુધી કે તેણે એ કુટુંબના દીકરા ઝખાર્યાને મારી નંખાવ્યો.—૨ કાળ. ૨૨:૧૧; ૨૪:૧૯-૨૨.
૧૭. યહોઆશનું શું થયું?
૧૭ યહોઆશે યહોવાનો ડર રાખવાનું છોડી દીધું, એટલે તેની સાથે બહુ ખરાબ થયું. યહોવાએ કહ્યું હતું: “જેઓ મને ધિક્કારે છે, તેઓને હું ધિક્કારીશ.” (૧ શમુ. ૨:૩૦) યહોઆશ સાથે એવું જ થયું. સમય જતાં, સિરિયાના નાના સૈન્યએ યહોઆશના ‘બહુ મોટા સૈન્યને’ હરાવી દીધું અને તેને સખત ઘાયલ કર્યો. જ્યારે સિરિયાનું સૈન્ય પાછું ગયું, ત્યારે યહોઆશના પોતાના જ સેવકોએ તેની વિરુદ્ધ કાવતરું ઘડ્યું અને તેને મારી નાખ્યો, કેમ કે તેણે ઝખાર્યાને મારી નંખાવ્યો હતો. તે રાજા એટલો દુષ્ટ હતો કે લોકોએ તેને રાજાઓને “દફન કરવાની જગ્યાએ” દફનાવ્યો નહિ. તેને એ માન પણ મળ્યું નહિ!—૨ કાળ. ૨૪:૨૩-૨૫.
૧૮. જો યહોઆશ જેવા બનવું ના હોય, તો યર્મિયા ૧૭:૭, ૮ પ્રમાણે શું કરવું જોઈએ?
૧૮ આપણે યહોઆશના દાખલામાંથી શું શીખી શકીએ? યહોઆશ એક એવા ઝાડ જેવો હતો, જેનાં મૂળ ઊંડાં ઊતર્યાં ન હતાં અને જેને ટેકાની જરૂર હતી. યહોયાદા યહોઆશ માટે એક ટેકા જેવા હતા. જ્યારે એ ટેકો હટી ગયો, એટલે કે યહોયાદાનું મરણ થયું અને જૂઠી ભક્તિનો જોરદાર પવન ફૂંકાયો, ત્યારે યહોઆશના મૂળિયાં હલી ગયાં. તે યહોવાને બેવફા બન્યો. આ દાખલાથી આપણને જોરદાર વાત શીખવા મળે છે. શું કુટુંબીજનો કે મંડળના લોકો યહોવાનો ડર રાખે છે, ફક્ત એ જ કારણે આપણે યહોવાનો ડર રાખવો જોઈએ? ના, યહોવાની નજીક રહેવા આપણે પોતે તેમને ખૂબ પ્રેમ કરવો જોઈએ અને તેમનો ડર રાખવો જોઈએ. એમ કરવા બાઇબલનો નિયમિત અભ્યાસ, મનન અને પ્રાર્થના ખૂબ જ જરૂરી છે.—યર્મિયા ૧૭:૭, ૮ વાંચો; કોલો. ૨:૬, ૭.
૧૯. યહોવા આપણી પાસેથી શું ચાહે છે?
૧૯ યહોવા આપણી પાસે વધારે પડતી અપેક્ષા રાખતા નથી. તેમણે સભાશિક્ષક ૧૨:૧૩માં બહુ થોડા જ શબ્દોમાં જણાવ્યું છે કે તે આપણી પાસેથી શું ચાહે છે. ત્યાં લખ્યું છે: “સાચા ઈશ્વરનો ડર રાખવો અને તેમની આજ્ઞાઓ પાળવી, એ જ માણસની ફરજ છે.” જો યહોવાનો ડર રાખીશું, તો ભલેને કોઈ પણ મુશ્કેલી આવે, આપણે ઓબાદ્યા અને યહોયાદાની જેમ યહોવાને વફાદાર રહી શકીશું. યહોવા સાથેની આપણી દોસ્તી જોખમમાં મૂકે, એવું આ દુનિયામાં કંઈ જ નથી.
ગીત ૧૫૨ તું છો બળ, તું છો જ્યોત
a બાઇબલમાં “ડર” શબ્દ ઘણી અલગ અલગ રીતે વપરાયો છે. અમુક વાર એનો અર્થ થાય કે કોઈની બીક લાગવી, તો અમુક વાર એનો અર્થ થાય કે કોઈને માન આપવું અથવા કોઈના માટે મનમાં આદર હોવો. આ લેખમાં જોઈશું કે આપણે કઈ રીતે સ્વર્ગમાંના પિતાનો ડર રાખી શકીએ, જેથી હિંમતથી અને વફાદારીથી તેમની સેવા કરી શકીએ.
b આ એ પ્રબોધક ઓબાદ્યા નથી, જેમણે બાઇબલમાં ઓબાદ્યા નામનું પુસ્તક લખ્યું. તેમનો જન્મ તો સદીઓ પછી થયો હતો.
c માથ્થી ૨૩:૩૫માં લખ્યું છે કે ઝખાર્યા બારખીઆના દીકરા હતા. કહેવામાં આવે છે કે કદાચ યહોયાદાના બે નામ હતાં, જેમ બાઇબલમાં બતાવેલા બીજા લોકોનાં હતાં. (માથ ૯:૯ને માર્ક ૨:૧૪ સાથે સરખાવો.) અથવા બની શકે કે બારખીઆ ઝખાર્યાના દાદા અથવા પૂર્વજ હતા.
[ફૂટનોટ]
d ચિત્રની સમજ: ચિત્રમાં બતાવ્યું છે તેમ એક ભાઈ પ્રતિબંધ દરમિયાન ભાઈ-બહેનોને ભક્તિને લગતું સાહિત્ય પહોંચાડે છે.
e ચિત્રની સમજ: એક યુવાન બહેન એક વૃદ્ધ બહેન પાસેથી ફોન દ્વારા ખુશખબર જણાવવાનું શીખે છે; એક વૃદ્ધ ભાઈ જાહેરમાં હિંમતથી ખુશખબર જણાવે છે; એક અનુભવી ભાઈ બીજાઓને શીખવે છે કે પ્રાર્થનાઘરની સારસંભાળ કઈ રીતે રાખવી.