એસ્તેર
૬ એ રાતે રાજા ઊંઘી ન શક્યો.* તેણે એ સમયના ઇતિહાસનું પુસ્તક મંગાવ્યું.+ રાજા આગળ એમાંથી વાંચવામાં આવ્યું. ૨ એમાં લખ્યું હતું કે, રાજાના દરબારીઓમાંથી બે દરવાનો બિગ્થાન અને તેરેશે, રાજા અહાશ્વેરોશને મારી નાખવાનું* કાવતરું ઘડ્યું હતું અને મોર્દખાયે એની ખબર આપી હતી.+ ૩ રાજાએ પૂછ્યું: “શું એ માટે મોર્દખાયને કોઈ સન્માન કે ઇનામ આપવામાં આવ્યું છે?” રાજાના ખાસ સેવકોએ કહ્યું: “મોર્દખાય માટે કશું જ કરવામાં આવ્યું નથી.”
૪ પછી રાજાએ પૂછ્યું: “આંગણામાં કોણ છે?” હવે રાજાના મહેલના* બહારના આંગણામાં+ હામાન આવ્યો હતો. તેણે જે થાંભલો ઊભો કરાવ્યો હતો એના પર મોર્દખાયને લટકાવવા તે રાજા સાથે વાત કરવા માંગતો હતો.+ ૫ રાજાના સેવકોએ કહ્યું: “આંગણામાં હામાન+ છે.” રાજાએ કહ્યું: “તેને અંદર આવવા દો.”
૬ હામાન અંદર આવ્યો ત્યારે રાજાએ તેને પૂછ્યું: “રાજા જેનું સન્માન કરવા ચાહતો હોય એ માણસ માટે શું કરવું જોઈએ?” હામાને મનમાં વિચાર્યું: “મારા સિવાય બીજું કોણ હોય શકે, જેનું રાજા સન્માન કરવા ચાહે છે?”+ ૭ તેણે રાજાને કહ્યું: “રાજા જે માણસનું સન્માન કરવા ચાહતા હોય, ૮ તેના માટે રાજાનો શાહી પોશાક+ અને રાજા સવારી કરે છે એ ઘોડો લાવવામાં આવે. ઘોડાનું માથું શાહી મુગટથી શણગારવામાં આવે. ૯ રાજાના એક ઉચ્ચ અધિકારીને એ પોશાક અને ઘોડો સોંપવામાં આવે. રાજા જેનું સન્માન કરવા ચાહે છે, એ માણસને સેવકો શાહી પોશાક પહેરાવે અને તેને ઘોડા પર બેસાડીને શહેરના ચોકમાં ફેરવે. તેની આગળ તેઓ પોકાર કરે: ‘રાજા જેનું સન્માન કરવા ચાહે છે, તેને આવું જ માન આપવામાં આવે છે.’”+ ૧૦ રાજાએ હામાનને કહ્યું: “જલદી જા! પોશાક અને ઘોડો લે. તેં જે કહ્યું છે એ પ્રમાણે જ યહૂદી મોર્દખાયને કર, જે મહેલના પ્રવેશદ્વારે બેસે છે. તેં જે કહ્યું છે, એમાંથી કશું જ બાકી રાખતો નહિ.”
૧૧ તેથી હામાને ઘોડો અને શાહી પોશાક લીધા. તેણે એ પોશાક મોર્દખાયને+ પહેરાવ્યો અને તેને ઘોડા પર બેસાડીને શહેરના ચોકમાં ફેરવ્યો. તેણે મોર્દખાય આગળ પોકાર કર્યો: “રાજા જેનું સન્માન કરવા ચાહે છે, તેને આવું જ માન આપવામાં આવે છે.” ૧૨ પછી મોર્દખાય મહેલના પ્રવેશદ્વારે પાછો ગયો, પણ હામાન પોતાનું માથું ઢાંકીને નિસાસા નાખતો નાખતો ઉતાવળે પોતાના ઘરે ચાલ્યો ગયો. ૧૩ હામાને પોતાની સાથે જે બન્યું હતું, એ બધું જ પોતાની પત્ની ઝેરેશ+ અને મિત્રોને કહી સંભળાવ્યું. તેના સલાહકારોએ* અને તેની પત્ની ઝેરેશે કહ્યું: “જે મોર્દખાય આગળ તમારી પડતી થવા લાગી છે, તે જો યહૂદી વંશનો હોય, તો તમે તેની સામે જીતી નહિ શકો. તમારી હાર નક્કી છે.”
૧૪ તેઓ તેની સાથે વાત કરતા હતા એવામાં રાજાના પ્રધાનો આવ્યા અને એસ્તેરે તૈયાર કરેલી મિજબાનીમાં હામાનને ઉતાવળે લઈ ગયા.+