યહોવા એવાં કામ કરતા રહેશે જેનાથી હંમેશ માટે તેમના નામનો મહિમા થતો રહે
વાચકો તરફથી પ્રશ્નો
ચોકીબુરજ જૂન ૨૦૨૦માં આપેલા લેખ, “તમારું નામ પવિત્ર મનાઓ”માં યહોવાના નામ અને તેમના રાજ કરવાના હક વિશેની આપણી સમજણમાં કયો સુધારો કરવામાં આવ્યો હતો?
એ લેખમાં આપણે શીખ્યા હતા કે માણસો અને દૂતો માટે એક જ મુદ્દો સૌથી મહત્ત્વનો છે. એ છે, યહોવાના નામને પવિત્ર મનાવવું. એ સાચું છે કે બે સવાલો ઊભા કરવામાં આવ્યા છે: (૧) શું યહોવાની રાજ કરવાની રીત સૌથી સારી છે? (૨) શું માણસો યહોવાને વફાદાર રહેશે? એ સવાલોના જવાબ મેળવવા જરૂરી છે. જોકે, એ સવાલો પણ મહત્ત્વના મુદ્દા સાથે જ જોડાયેલા છે.
પણ આપણે હવે કેમ એ વાત પર ધ્યાન આપીએ છીએ કે યહોવાનું નામ પવિત્ર મનાય એ જ સૌથી મહત્ત્વનો મુદ્દો છે? ચાલો, ત્રણ કારણો પર ધ્યાન આપીએ.
એદન બાગમાં બળવો થયો ત્યારથી લઈને આજ સુધી શેતાન યહોવાના નામની નિંદા કરતો આવ્યો છે
પહેલું કારણ, એદન બાગમાં શેતાને યહોવાના નામની નિંદા કરી. શેતાને હવાને જે સવાલ કર્યો હતો, એનાથી તે કહેવા માંગતો હતો કે યહોવા ઉદાર નથી અને આદમ-હવાને આપેલી આજ્ઞાઓ વધારે પડતી કડક છે. પછી તેણે જે કહ્યું એ યહોવાની વાતથી એકદમ વિરુદ્ધ હતું. આમ, શેતાને યહોવાને જૂઠા કહ્યા અને તેમના નામની નિંદા કરી. એટલે જ ‘શેતાનને’ “નિંદા કરનાર” પણ કહેવામાં આવે છે. (યોહા. ૮:૪૪; પ્રકટી. ૧૨:૯) હવાએ શેતાનના જૂઠાણા પર ભરોસો કર્યો, એટલે તેણે યહોવાની આજ્ઞા તોડી અને તેમને પોતાના રાજા માનવાની ના પાડી દીધી. (ઉત. ૩:૧-૬) આજે પણ શેતાન યહોવાના નામની નિંદા કરે છે. તે યહોવા વિશે જૂઠાણાં ફેલાવે છે. જેઓ એ જૂઠાણાં પર વિશ્વાસ કરે છે, તેઓ કદાચ યહોવાની વાત ન માને. આમ, યહોવાના નામની નિંદા થાય એ બહુ મોટો અન્યાય છે. એ જોઈને યહોવાના સાચા ભક્તોને ખૂબ દુઃખ થાય છે. જો યહોવાના નામની નિંદા ન થઈ હોત, તો આજે દુનિયાની હાલત આવી ન હોત. આજની બધી દુઃખ-તકલીફો અને બૂરાઈનું મૂળ એ જ છે.
બીજું કારણ, યહોવાએ નક્કી કરી લીધું છે કે તે પોતાના નામ પર લાગેલું કલંક દૂર કરશે. એવું તે માણસો અને દૂતોના ભલા માટે કરશે. પોતાના નામ પર લાગેલું કલંક દૂર થાય એ યહોવા માટે ખૂબ મહત્ત્વનું છે. એટલે તે કહે છે: “હું મારું મહાન નામ ચોક્કસ પવિત્ર કરીશ.” (હઝકિ. ૩૬:૨૩) ઈસુએ પ્રાર્થનામાં કહ્યું હતું: “તમારું નામ પવિત્ર મનાઓ.” (માથ. ૬:૯) આમ તેમણે યહોવાના બધા વફાદાર ભક્તોને બતાવી આપ્યું કે પ્રાર્થના કરતી વખતે તેઓ માટે કઈ વાત સૌથી મહત્ત્વની હોવી જોઈએ. બાઇબલમાં વારંવાર એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે યહોવાના નામનો મહિમા થાય. દાખલા તરીકે, “યહોવાના નામને શોભે એવો મહિમા તેમને આપો.” (૧ કાળ. ૧૬:૨૯; ગીત. ૯૬:૮) “તેમના ગૌરવશાળી નામનો જયજયકાર કરો.” (ગીત. ૬૬:૨) “હું સદા તમારા નામનો મહિમા ગાઈશ.” (ગીત. ૮૬:૧૨) યહોવાએ પણ કહ્યું હતું કે તે પોતાના નામનો મહિમા પ્રગટ કરશે. એક વાર જ્યારે ઈસુ યરૂશાલેમના મંદિરમાં હતા, ત્યારે તેમણે યહોવાને કહ્યું: “હે પિતા, તમારા નામનો મહિમા પ્રગટ કરો.” જવાબમાં યહોવાએ કહ્યું: “મેં એનો મહિમા પ્રગટ કર્યો છે અને ફરીથી કરીશ.”—યોહા. ૧૨:૨૮.a
ત્રીજું કારણ, યહોવાનો હેતુ છે કે હંમેશ માટે તેમના પવિત્ર નામનો જયજયકાર થતો રહે. આનો વિચાર કરો: ઈસુના ૧,૦૦૦ વર્ષના રાજ પછી થનાર છેલ્લી કસોટીને અંતે શું થશે? એ સમયે બધા દૂતો અને માણસોને યહોવાના નામ વિશે કેવું લાગતું હશે? એનો જવાબ જાણવા ચાલો એ બે સવાલો પર ફરી વિચાર કરીએ, જે સૌથી મહત્ત્વના મુદ્દા સાથે જોડાયેલા છે. પહેલો સવાલ, શું માણસો યહોવાને વફાદાર રહેશે? હજાર વર્ષના અંત સુધીમાં એ સાબિત થઈ ગયું હશે. એ સમયે માણસોએ પોતાની વફાદારી સાબિત કરવાની જરૂર નહિ રહે. તેઓમાંથી પાપ અને પાપની અસર દૂર થઈ ગઈ હશે. દરેક રીતે તેઓની કસોટી થઈ ચૂકી હશે અને તેઓને હંમેશ માટેનું જીવન મળી ગયું હશે. બીજો સવાલ, શું યહોવાની રાજ કરવાની રીત સૌથી સારી છે? એ સાબિત કરવાની જરૂર જ નહિ રહે, કેમ કે એ સમયે સ્વર્ગમાં અને પૃથ્વી પર બધા લોકો એક કુટુંબ તરીકે એકતામાં હશે અને યહોવાને પોતાના રાજા માનતા હશે. પણ યહોવાના નામ વિશે શું?
એ સમય સુધીમાં યહોવાના નામ પરથી કલંક દૂર થઈ ગયું હશે અને તેમનું નામ પૂરેપૂરી રીતે પવિત્ર મનાવવામાં આવ્યું હશે. જોકે, એ સમયે પણ સ્વર્ગ અને પૃથ્વી પરના બધા જ વફાદાર સેવકો માટે યહોવાનું નામ સૌથી મહત્ત્વનું હશે. શા માટે? કેમ કે યહોવા તેઓ માટે અજાયબ કામો કરતા રહેશે. આનો વિચાર કરો: ઈસુ નમ્રતાથી પોતાનું રાજ યહોવાના હાથમાં પાછું સોંપી દેશે. પછી “ઈશ્વર જ બધા પર રાજ” કરશે. (૧ કોરીં. ૧૫:૨૮) ત્યાર બાદ, માણસો ખુશ હશે અને “ઈશ્વરનાં બાળકોની ભવ્ય આઝાદી મેળવશે.” (રોમ. ૮:૨૧) આમ, યહોવા સ્વર્ગ અને પૃથ્વી પરનાં પોતાનાં બધાં બાળકોને, એટલે કે દૂતો અને માણસોને એક કુટુંબ બનાવવાની પોતાની ઇચ્છા પૂરી કરશે.—એફે. ૧:૧૦.
એ બધું બન્યા પછી સ્વર્ગ અને પૃથ્વી પરના યહોવાના કુટુંબને કેવું લાગશે? એમાં કોઈ શંકા નથી કે ત્યારે પણ આપણા દિલમાં યહોવાનો જયજયકાર કરવાની જબરજસ્ત ઇચ્છા હશે. આપણને ગીતશાસ્ત્રના લેખક દાઉદ જેવું લાગશે. તેમણે ઈશ્વરની પ્રેરણાથી કહ્યું હતું: “યહોવા ઈશ્વરની સ્તુતિ થાઓ . . . તેમના ગૌરવશાળી નામનો હંમેશ માટે જયજયકાર થાઓ.” (ગીત. ૭૨:૧૮, ૧૯) આપણને સદાને માટે યહોવાનો જયજયકાર કરતા રહેવાનાં નવાં નવાં કારણો મળતા રહેશે.
યહોવાના નામથી તેમના વિશે ઘણું બધું જાણવા મળે છે. તેમનું નામ આપણને તેમણે બતાવેલા પ્રેમની યાદ અપાવે છે. (૧ યોહા. ૪:૮) આપણે હંમેશાં યાદ રાખીશું કે પ્રેમને લીધે યહોવાએ આપણને બનાવ્યા અને પ્રેમને લીધે જ તેમણે ઈસુના બલિદાનની ગોઠવણ કરી. આપણે એ પણ યાદ રાખીશું કે યહોવા પ્રેમથી અને ન્યાયથી રાજ કરે છે. જોકે, આપણે યુગોના યુગો સુધી યહોવાના પ્રેમનો અનુભવ કરતા રહીશું. આપણે હંમેશ માટે આપણા પિતાની નજીક જઈશું અને તેમના મહાન નામનો જયજયકાર કરતા રહીશું.—ગીત. ૭૩:૨૮.