હઝકિયેલ
૩૫ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, તારું મોં સેઈરના પહાડી વિસ્તાર+ તરફ ફેરવ અને એની વિરુદ્ધ ભવિષ્યવાણી કર.+ ૩ એને જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઓ સેઈરના પહાડી વિસ્તાર, હું તારી વિરુદ્ધ છું. હું મારો હાથ તારી વિરુદ્ધ લંબાવીશ, તને વેરાન અને ઉજ્જડ બનાવી દઈશ.+ ૪ હું તારાં શહેરોને ખંડેર બનાવી દઈશ ને તું વેરાન અને ઉજ્જડ બની જઈશ.+ પછી તારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું. ૫ તું કટ્ટર દુશ્મન બન્યો છે.+ તેં ઇઝરાયેલીઓને તેઓની આફતમાં, આખરી સજાના સમયે તલવારને હવાલે કર્યા છે.”’+
૬ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું મારા સમ* ખાઈને કહું છું કે હું તને મોતને હવાલે કરી દઈશ. તું એમાંથી બચી નહિ શકે.+ તું જેઓને નફરત કરતો હતો તેઓનું લોહી તેં વહાવ્યું છે. હવે તારું લોહી વહાવવામાં આવશે.+ ૭ હું સેઈરના પહાડી વિસ્તારને વેરાન અને ઉજ્જડ બનાવી દઈશ.+ એમાંથી આવજા કરનાર દરેકનો હું સંહાર કરીશ. ૮ હું એના પર્વતોને કતલ થયેલા લોકોથી ભરી દઈશ. તલવારથી માર્યા ગયેલા લોકો તારા ડુંગરો પર, તારી ખીણોમાં અને તારાં ઝરણાઓમાં પડશે. ૯ હું તને સદાને માટે ઉજ્જડ કરી નાખીશ અને તારાં શહેરોમાં ફરી વસ્તી નહિ થાય.+ તારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’
૧૦ “હું યહોવા પોતે એ બંને દેશોમાં હતો, તોપણ તેં કહ્યું: ‘આ બે પ્રજાઓ અને આ બે દેશો મારા થશે. આપણે એ બંને પર કબજો જમાવી લઈશું.’+ ૧૧ વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તું મારા લોકોને ધિક્કારતો હતો અને તેઓ પર તેં ગુસ્સો ઉતાર્યો, તેઓની ઈર્ષા કરી. એટલે હું મારા સમ* ખાઈને કહું છું કે હું પણ એમ જ કરીશ.+ હું તારો ન્યાય કરીશ ત્યારે તેઓને બતાવી આપીશ કે હું કોણ છું. ૧૨ તું બોલ્યો કે “એ દેશો ઉજ્જડ પડ્યા છે અને એનો વિનાશ કરવા આપણા હાથમાં સોંપી દેવાયા છે.” એમ કહીને તું ઇઝરાયેલના પર્વતોનું અપમાન થાય એવી વાતો બોલ્યો. મેં યહોવાએ એ બધું સાંભળ્યું છે, એ તારે સ્વીકારવું પડશે. ૧૩ તું ઘમંડી થઈને મારી વિરુદ્ધ મન ફાવે એમ બોલ્યો. તું વારંવાર મારી વિરુદ્ધ બોલ્યો.+ મેં એ બધું સાંભળ્યું છે.’
૧૪ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું તને વેરાન અને ઉજ્જડ બનાવી દઈશ ત્યારે આખી ધરતી ખુશીથી ઝૂમી ઊઠશે. ૧૫ ઇઝરાયેલના લોકોનો વારસો ઉજ્જડ થઈ ગયો હતો ત્યારે તને ઘણી ખુશી થઈ હતી. હું પણ તારી સાથે એ જ રીતે વર્તીશ.+ ઓ સેઈરના પહાડી વિસ્તાર, હા, આખું અદોમ, તું ઉજ્જડ અને ખંડેર થઈ જઈશ.+ પછી તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’”