અભ્યાસ લેખ ૪૯
શું યહોવા મારી પ્રાર્થનાઓનો જવાબ આપશે?
“તમે મને પોકાર કરશો, મારી પાસે આવીને મને પ્રાર્થના કરશો અને હું તમારું સાંભળીશ.”—યર્મિ. ૨૯:૧૨.
ગીત ૬ અમારી પ્રાર્થના
ઝલકa
૧-૨. કેમ એવું લાગી શકે કે યહોવા આપણી પ્રાર્થનાઓનો જવાબ નથી આપી રહ્યા?
“યહોવાને લીધે પુષ્કળ આનંદ કર અને તે તારા દિલની તમન્ના પૂરી કરશે.” (ગીત. ૩૭:૪) યહોવાનું એ વચન કેટલું જોરદાર છે! પણ શું એવું વિચારવું જોઈએ કે યહોવા પાસે જે કંઈ માંગીશું એ તરત આપી દેશે? આપણે કેમ એ સવાલ પર વિચાર કરવો જોઈએ? આ સંજોગોનો વિચાર કરો: એક કુંવારાં બહેન રાજ્ય પ્રચારકો માટે શાળામાં જવા માંગે છે. એના માટે તે પ્રાર્થના કરે છે. થોડાંક વર્ષો વીતી ગયાં છે. પણ હજી તેમને બોલાવવામાં નથી આવ્યાં. એક યુવાન ભાઈને મોટી બીમારી છે. સાજા થવા તે પ્રાર્થના કરે છે. કેમ કે તે મંડળમાં વધારે કરવા માંગે છે. પણ તેમની તબિયત સુધરતી નથી. એક માતા-પિતા પ્રાર્થના કરે છે કે તેમનું બાળક હંમેશાં યહોવાની ભક્તિ કરતું રહે. પણ તે યહોવાની ભક્તિ છોડી દે છે.
૨ બની શકે કે તમે પણ કશાક માટે યહોવાને પ્રાર્થના કરી હોય, પણ હજી સુધી જવાબ મળ્યો ન હોય. એટલે તમે માની લો કે યહોવા બીજાઓની પ્રાર્થનાઓનો જવાબ આપે છે, પણ તમારી પ્રાર્થનાનો જવાબ નથી આપતા. એવું પણ લાગે કે તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે. જેનીસબહેનનેb પણ એવું જ લાગ્યું હતું. તે અને તેમના પતિ બેથેલમાં જઈને સેવા કરવા માંગતાં હતાં. એ માટે તેઓએ યહોવાને પ્રાર્થના કરી હતી. બહેન કહે છે: “મને ગળા સુધી ખાતરી હતી કે અમે થોડા જ સમયમાં બેથેલમાં હોઈશું.” મહિનાઓ વીતી ગયા, અમુક વર્ષો વીતી ગયાં, પણ તેઓને બેથેલમાં બોલાવવામાં ન આવ્યાં. બહેન કહે છે: “હું દુઃખી દુઃખી થઈ ગઈ. મને સમજાતું ન હતું કે શું કરું. હું વિચારતી, ‘શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? શું એના લીધે યહોવા નારાજ થઈ ગયા છે?’ બેથેલ જવા માટે મેં યહોવાને કેટલી બધી પ્રાર્થના કરી હતી, તો પછી તેમણે મારી પ્રાર્થનાઓનો જવાબ કેમ ન આપ્યો?”
૩. આ લેખમાં શાની ચર્ચા કરીશું?
૩ અમુક વાર થાય કે યહોવા આપણી પ્રાર્થનાઓ સાંભળે છે કે નહિ. જૂના જમાનાના અમુક ઈશ્વરભક્તોને એવું જ લાગ્યું હતું. (અયૂ. ૩૦:૨૦; ગીત. ૨૨:૨; હબા. ૧:૨) તમને શાનાથી ખાતરી થઈ શકે કે યહોવા તમારી પ્રાર્થનાઓ સાંભળે છે? (ગીત. ૬૫:૨) એ સવાલનો જવાબ મેળવવા સૌથી પહેલા આ ત્રણ મુદ્દાની ચર્ચા કરીશું: (૧) યહોવા આપણા માટે શું કરે છે? (૨) યહોવા આપણી પાસેથી શું ચાહે છે? (૩) આપણી વિનંતીઓમાં કેમ થોડો-ઘણો ફેરફાર કરવો પડી શકે?
યહોવા આપણા માટે શું કરે છે?
૪. યર્મિયા ૨૯:૧૨ પ્રમાણે યહોવા કયું વચન આપે છે?
૪ યહોવા વચન આપે છે કે તે આપણી પ્રાર્થનાઓ સાંભળશે. (યર્મિયા ૨૯:૧૨ વાંચો.) યહોવા પોતાના વફાદાર ભક્તોને ખૂબ પ્રેમ કરે છે. એટલે તે હંમેશાં તેઓની પ્રાર્થનાઓને કાન ધરશે. (ગીત. ૧૦:૧૭; ૩૭:૨૮) પણ એનો અર્થ એ નથી કે તે આપણી એકેએક વિનંતી પૂરી કરશે. કદાચ અમુક બાબતો માટે આપણે નવી દુનિયાની રાહ જોવી પડે.
૫. આપણી પ્રાર્થનાઓ સાંભળતી વખતે યહોવા શું ધ્યાનમાં રાખે છે? સમજાવો.
૫ યહોવા આપણી પ્રાર્થનાઓ સાંભળતી વખતે પોતાના હેતુને ધ્યાનમાં રાખે છે. (યશા. ૫૫:૮, ૯) યહોવાના હેતુનું એક પાસું આ છે: વફાદાર સ્ત્રી-પુરુષોથી આખી પૃથ્વી ભરાઈ જાય, તેઓ એકતામાં રહે અને ખુશીથી યહોવાના રાજને આધીન રહે. પણ શેતાન દાવો કરે છે કે જો માણસો પોતે રાજ કરશે, તો વધારે ખુશ રહેશે. (ઉત. ૩:૧-૫) શેતાનના એ દાવાને જૂઠો સાબિત કરવા યહોવાએ માણસોને રાજ કરવા દીધું છે. પણ માણસોના રાજના લીધે આજે આપણે ઘણું વેઠવું પડે છે. (સભા. ૮:૯) આપણે જાણીએ છીએ કે યહોવા બધી મુશ્કેલીઓ અત્યારે જ દૂર નહિ કરી દે. જો તે હમણાં મુશ્કેલીઓ દૂર કરે, તો અમુક લોકોને લાગશે કે માણસો પાસે બધી મુશ્કેલીઓનો હલ છે અને તેઓ સારી રીતે રાજ કરી શકે છે.
૬. કેમ કહી શકીએ કે યહોવા જે રીતે જવાબ આપે છે, એમાં તેમનો પ્રેમ અને ન્યાય જોવા મળે છે?
૬ યહોવા કદાચ એકસરખી પ્રાર્થનાઓનો અલગ અલગ રીતે જવાબ આપે. દાખલા તરીકે, રાજા હિઝકિયા એક વાર સખત બીમાર પડ્યા. સાજા થવા તેમણે યહોવાને કાલાવાલા કર્યા અને યહોવાએ તેમને સાજા કરી દીધા. (૨ રાજા. ૨૦:૧-૬) પણ જ્યારે પ્રેરિત પાઉલે પોતાના ‘શરીરનો કાંટો’ દૂર કરવા યહોવાને આજીજી કરી, ત્યારે યહોવાએ એ મુશ્કેલી દૂર ન કરી. એ કાંટો કોઈ બીમારી હોય શકે. (૨ કોરીં. ૧૨:૭-૯) હવે ઈસુના બે પ્રેરિતો યાકૂબ અને પિતરનો દાખલો લો. હેરોદ રાજા એ બંનેને મારી નાખવા માંગતો હતો. મંડળનાં ભાઈ-બહેનોએ પિતર માટે પ્રાર્થના કરી. તેઓએ યાકૂબ માટે પણ પ્રાર્થના કરી હશે. જોકે, યાકૂબને મારી નાખવામાં આવ્યા, પણ પિતરને ચમત્કારથી બચાવી લેવામાં આવ્યા. (પ્રે.કા. ૧૨:૧-૧૧) કદાચ આપણને થાય, ‘યહોવાએ કેમ પિતરને બચાવ્યા, પણ યાકૂબને નહિ?’ એ વિશે બાઇબલ કંઈ જણાવતું નથી.c પણ એટલી તો ખાતરી રાખી શકીએ કે યહોવાના “સર્વ માર્ગો ન્યાયી છે” અને તે “ક્યારેય અન્યાય કરતા નથી.” (પુન. ૩૨:૪) આપણે જાણીએ છીએ કે યહોવા પિતર અને યાકૂબને ખૂબ પ્રેમ કરતા હતા. (પ્રકટી. ૨૧:૧૪) કદાચ અમુક વાર પ્રાર્થનાઓનો જવાબ ધાર્યા કરતાં અલગ રીતે મળે. પણ આપણને પૂરો ભરોસો છે કે યહોવા જે રીતે પ્રાર્થનાઓનો જવાબ આપે છે, એમાં તેમનો પ્રેમ અને ન્યાય જોવા મળે છે. એટલે તે જે રીતે જવાબ આપે છે, એ વિશે આપણે ફરિયાદ કરતા નથી.—અયૂ. ૩૩:૧૩.
૭. આપણે શું ન કરવું જોઈએ અને શા માટે?
૭ પોતાના સંજોગોની સરખામણી બીજાઓ સાથે ન કરવી જોઈએ. ધારો કે, આપણે કોઈ ખાસ વાત માટે યહોવાને પ્રાર્થના કરી છે, પણ જવાબ મળ્યો નથી. પછીથી આપણને જાણવા મળે છે કે બીજા કોઈએ પણ એ જ વિશે યહોવાને પ્રાર્થના કરી હતી અને એવું લાગે કે તેમને એનો જવાબ મળ્યો છે. એનાબહેન સાથે એવું જ બન્યું હતું. તેમના પતિ મેથ્યુને કેન્સર થયું હતું. મેથ્યુભાઈ સાજા થઈ જાય એ માટે એનાબહેને યહોવાને ઘણી પ્રાર્થના કરી હતી. એ જ સમયે બીજાં બે વૃદ્ધ બહેનોને પણ કેન્સર થયું હતું. એનાબહેને પોતાના પતિ અને એ બંને બહેનો માટે યહોવાને ઘણા કાલાવાલા કર્યા. એ બંને બહેનો બીમારીમાંથી સાજા થઈ ગયાં, પણ મેથ્યુભાઈ ગુજરી ગયા. શરૂઆતમાં એનાબહેનને લાગતું: ‘જો યહોવાએ એ બંને બહેનોને સાજા થવા મદદ કરી હોય, તો મારા પતિને સાજા કરવાની મારી પ્રાર્થનાઓ કેમ ન સાંભળી?’ ખરું કે, આપણે જાણતા નથી કે એ બંને બહેનો કઈ રીતે સાજાં થયાં. પણ એ જાણીએ છીએ કે યહોવા બહુ જલદી બધી મુશ્કેલીઓને કાયમ માટે દૂર કરી દેશે. યહોવા પોતાના ગુજરી ગયેલા મિત્રોને જીવતા કરવા આતુર છે, એ વાતથી પણ આપણે અજાણ નથી.—અયૂ. ૧૪:૧૫.
૮. (ક) યશાયા ૪૩:૨ પ્રમાણે યહોવા કઈ રીતે આપણને સાથ આપે છે? (ખ) મુશ્કેલીઓ દરમિયાન પ્રાર્થના કરવાથી કઈ રીતે મદદ મળે છે? (મુશ્કેલીઓનો સામનો કરવા પ્રાર્થના મદદ કરે છે વીડિયો જુઓ.)
૮ યહોવા હંમેશાં આપણને સાથ આપશે. યહોવા આપણા પ્રેમાળ પિતા છે. આપણે દુઃખ-તકલીફો વેઠીએ છીએ, એ તેમને જરાય ગમતું નથી. પણ તે આપણા પર મુશ્કેલીઓ આવતી રોકતા નથી. (યશા. ૬૩:૯) બની શકે કે આપણી મુશ્કેલીઓ નદીઓ જેવી કે આગની જ્વાળાઓ જેવી હોય. (યશાયા ૪૩:૨ વાંચો.) પણ યહોવાએ વચન આપ્યું છે કે એમાંથી પસાર થવા તે આપણને મદદ કરશે. તે એવું કંઈ થવા નહિ દે, જેથી એ મુશ્કેલીઓને લીધે આપણો તેમની સાથેનો સંબંધ જોખમમાં આવી પડે. એ મુશ્કેલીઓ સહેવા યહોવા પોતાની પવિત્ર શક્તિ પણ આપે છે. (લૂક ૧૧:૧૩; ફિલિ. ૪:૧૩) એટલે ખાતરી રાખીએ કે તે આપણો સાથ કદી નહિ છોડે. મુશ્કેલીઓ સહેવા અને તેમને વફાદાર રહેવા આપણને જેની જરૂર છે, એ યહોવા ચોક્કસ આપશે.d
યહોવા આપણી પાસેથી શું ચાહે છે?
૯. યહોવા પર કેમ ભરોસો રાખવો જોઈએ એ વિશે યાકૂબ ૧:૬, ૭ના શબ્દોથી શું શીખવા મળે છે?
૯ યહોવા ચાહે છે કે આપણે તેમના પર ભરોસો રાખીએ. (હિબ્રૂ. ૧૧:૬) અમુક વાર લાગે કે મુશ્કેલીઓ દીવાલ જેવી અડીખમ છે, જેને પાર નહિ કરી શકીએ. કદાચ શંકા થાય કે યહોવા મદદ કરશે કે નહિ. પણ બાઇબલમાંથી ખાતરી મળે છે કે ઈશ્વરની શક્તિથી આપણે મુશ્કેલીઓની “દીવાલ ઓળંગી” શકીએ છીએ. (ગીત. ૧૮:૨૯) એટલે શંકા ન કરીએ. પણ પૂરી શ્રદ્ધાથી યહોવાને પ્રાર્થના કરીએ અને ભરોસો રાખીએ કે તે આપણી પ્રાર્થનાઓનો જવાબ આપશે.—યાકૂબ ૧:૬, ૭ વાંચો.
૧૦. દાખલો આપીને સમજાવો કે કઈ રીતે પોતાની પ્રાર્થના પ્રમાણે કામ કરી શકીએ.
૧૦ યહોવા ચાહે છે કે આપણે પોતાની પ્રાર્થનાઓ પ્રમાણે કામ કરીએ. દાખલા તરીકે, એક ભાઈને મહાસંમેલનમાં જવા નોકરી પરથી રજા જોઈએ છે. એ માટે તે યહોવાને પ્રાર્થના કરે છે. યહોવા કદાચ કઈ રીતે તેમની પ્રાર્થનાનો જવાબ આપે? તે એ ભાઈને માલિક સાથે વાત કરવા હિંમત આપશે. પણ માલિક સાથે વાત કરવા તો ભાઈએ પોતે જવું પડશે. કદાચ અનેક વાર જવું પડે. જરૂર પડ્યે ભાઈ આવું કંઈક કહી શકે: ‘હું બીજા કોઈ દિવસે કામ કરી આપીશ. અથવા મારો પગાર કાપી લેજો.’
૧૧. આપણે મન જે વાતો મહત્ત્વની છે, એ વિશે કેમ વારંવાર પ્રાર્થના કરવી જોઈએ?
૧૧ યહોવા ચાહે છે કે આપણે મન જે વાતો મહત્ત્વની છે, એ વિશે વારંવાર પ્રાર્થના કરીએ. (૧ થેસ્સા. ૫:૧૭) ઈસુના શબ્દોથી જાણવા મળે છે કે અમુક વાર આપણી પ્રાર્થનાઓનો જવાબ તરત નહિ મળે. (લૂક ૧૧:૯) એટલે હિંમત ન હારીએ. પણ પૂરા દિલથી અને વારંવાર પ્રાર્થના કરીએ. (લૂક ૧૮:૧-૭) એમ કરીને યહોવાને બતાવીએ છીએ કે જે વાત વિશે વિનંતી કરી છે, એ આપણે મન સાચે જ મહત્ત્વની છે. તેમ જ, યહોવા મદદ કરી શકે છે એવો આપણને પાકો ભરોસો છે.
આપણી વિનંતીઓમાં કેમ થોડો-ઘણો ફેરફાર કરવો પડી શકે?
૧૨. (ક) આપણી પ્રાર્થનાઓ વિશે પોતાને કયો સવાલ પૂછવો જોઈએ અને કેમ? (ખ) કેવી પ્રાર્થનાઓ કરીને બતાવી શકીએ કે યહોવાને માન આપીએ છીએ? (“શું મારી પ્રાર્થનાઓમાં યહોવા માટેનો આદર દેખાઈ આવે છે?” બૉક્સ જુઓ.)
૧૨ જો પ્રાર્થનાનો જવાબ ન મળતો હોય, તો પોતાને ત્રણ સવાલો પૂછી શકીએ. પહેલો સવાલ, ‘શું હું પ્રાર્થનામાં જે માંગું છું એ યોગ્ય છે?’ ઘણી વાર આપણને લાગતું હોય છે કે પોતાનું ભલું શામાં છે એ જાણીએ છીએ. પણ પ્રાર્થનામાં જે માંગતા હોઈએ, એ આપણા ભલા માટે ના પણ હોય. મુશ્કેલીમાંથી પસાર થતા હોઈએ ત્યારે શું બની શકે? આપણને કોઈ એક જ ઉકેલ દેખાતો હોય અને પ્રાર્થના કરતા હોઈએ કે યહોવા એ જ રીતે મુશ્કેલી દૂર કરે. પણ બની શકે કે એના કરતાં પણ સારો ઉકેલ હોય, જે આપણને દેખાતો ન હોય. અમુક વાર એવું પણ બને કે આપણી અમુક વિનંતીઓ યહોવાની ઇચ્છા પ્રમાણે ન હોય. (૧ યોહા. ૫:૧૪) દાખલા તરીકે, અગાઉ આપણે એક માતા-પિતા વિશે વાત કરી. તેઓએ પ્રાર્થના કરી હતી કે તેઓનું બાળક હંમેશાં યહોવાની ભક્તિ કરતું રહે. એવી વિનંતી કરવામાં કંઈ ખોટું નથી. પણ યાદ રાખીએ કે યહોવાની ભક્તિ કરીશું કે નહિ, એ નિર્ણય તેમણે આપણા પર છોડ્યો છે. એ વાત બાળકને પણ લાગુ પડે છે. ભૂલીએ નહિ, યહોવા તેમની ભક્તિ કરવા કોઈને બળજબરી કરતા નથી. (પુન. ૧૦:૧૨, ૧૩; ૩૦:૧૯, ૨૦) એટલે બાળક યહોવાની ભક્તિ કરતું રહે, એવી પ્રાર્થના કરવાને બદલે માતા-પિતા કદાચ આવી પ્રાર્થના કરી શકે: “હે યહોવા, અમને મદદ કરો. અમે અમારા બાળકને એ રીતે શીખવવા માંગીએ છીએ, જેથી તે પોતે તમને પ્રેમ કરે અને તમારો દોસ્ત બને.”—નીતિ. ૨૨:૬; એફે. ૬:૪.
૧૩. પહેલો પિતર ૫:૬, ૭ પ્રમાણે યહોવા ક્યારે આપણને મદદ કરશે? સમજાવો.
૧૩ બીજો સવાલ, ‘યહોવાની નજરે જોઈએ તો શું મારી વિનંતી પૂરી કરવાનો આ યોગ્ય સમય છે?’ આપણને લાગે કે પ્રાર્થનાનો જવાબ તરત મળી જવો જોઈએ. પણ યહોવાને ખબર છે કે મદદ કરવાનો યોગ્ય સમય કયો છે. (૧ પિતર ૫:૬, ૭ વાંચો.) પ્રાર્થનાનો જવાબ તરત ન મળે ત્યારે લાગે કે યહોવાનો જવાબ ‘ના’ છે. પણ હકીકતમાં તો યહોવા કહી રહ્યા હોય, ‘હમણાં નહિ, થોડી રાહ જુઓ.’ દાખલા તરીકે, આપણે એક યુવાન ભાઈ વિશે વાત કરી, જેમણે બીમારીમાંથી સાજા થવા પ્રાર્થના કરી હતી. જો યહોવાએ ચમત્કાર કરીને તેમને સાજા કર્યા હોત, તો શેતાન કહી શક્યો હોત કે યહોવાએ એ ભાઈને સાજા કરી દીધા, એટલે તે તેમની ભક્તિ કરે છે. (અયૂ. ૧:૯-૧૧; ૨:૪) વધુમાં, યહોવાએ બધી બીમારીઓને દૂર કરવાનો સમય પહેલેથી નક્કી કરી લીધો છે. (યશા. ૩૩:૨૪; પ્રકટી. ૨૧:૩, ૪) એ સમય આવે ત્યાં સુધી આપણે કોઈ ચમત્કારની આશા રાખતા નથી. એટલે એ યુવાન ભાઈ યહોવાને કદાચ આવી વિનંતી કરી શકે: “હે યહોવા, મને તાકાત અને મનની શાંતિ આપો, જેથી આ બીમારી સામે લડી શકું અને વફાદારીથી તમારી ભક્તિ કરતો રહી શકું.”—ગીત. ૨૯:૧૧.
૧૪. જેનીસબહેનના દાખલામાંથી તમે શું શીખ્યા?
૧૪ ફરીથી જેનીસબહેનનો વિચાર કરો, જેમણે બેથેલમાં સેવા આપવા પ્રાર્થના કરી હતી. પાંચ વર્ષ પછી તેમને અહેસાસ થયો કે યહોવાએ તેમની પ્રાર્થનાનો જવાબ તો આપ્યો હતો, પણ તેમણે વિચાર્યું હતું એ રીતે નહિ. બહેન જણાવે છે: “એ સમય દરમિયાન યહોવાએ મને ઘણું શીખવ્યું અને અમુક ગુણો કેળવવા મદદ કરી. મારે યહોવા પર ભરોસો વધારવાની અને બાઇબલનો ઊંડો અભ્યાસ કરવાની જરૂર હતી. મારે એ પણ શીખવાની જરૂર હતી કે ભલે હું ગમે ત્યાં રહીને સેવા કરું, હું ખુશ રહી શકું છું.” પછીથી જેનીસબહેનને અને તેમના પતિને સરકીટ કામ કરવાનો લહાવો મળ્યો. પાછલાં વર્ષોને યાદ કરતા જેનીસબહેન કહે છે: “યહોવાએ મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો હતો. પણ હું ચાહતી હતી એ રીતે નહિ. મને એ સમજવામાં થોડો સમય લાગ્યો કે યહોવાએ કેટલી જોરદાર રીતે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો. યહોવાનો આભાર કે તેમણે મને પ્રેમ બતાવ્યો અને મારા પર કૃપા કરી.”
જો તમને લાગતું હોય કે કોઈ પ્રાર્થનાનો જવાબ નથી મળ્યો, તો વિચારો કે પ્રાર્થનામાં કેવા ફેરફાર કરી શકો (ફકરો ૧૫ જુઓ)f
૧૫. દાખલો આપીને સમજાવો કે અમુક કિસ્સાઓમાં કેમ પોતાની પ્રાર્થનાઓમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે. (ચિત્રો પણ જુઓ.)
૧૫ ત્રીજો સવાલ, ‘શું હું એ વિશે જ પ્રાર્થના કરું છું જે મારે જોઈએ છે?’ ખરું કે, આપણને જે જોઈએ છે એ વિશે પ્રાર્થનામાં સાફ સાફ જણાવવું સારું છે. પણ અમુક કિસ્સાઓમાં પ્રાર્થનાઓમાં ફેરફાર કરવો સારું રહેશે. એનાથી જાણી શકીશું કે યહોવા આપણા માટે શું ચાહે છે. ફરીથી એ કુંવારાં બહેનનો વિચાર કરો, જે રાજ્ય પ્રચારકો માટે શાળામાં જવા પ્રાર્થના કરે છે. તે જ્યાં વધારે જરૂર છે ત્યાં જઈને સેવા કરવા માંગે છે, એટલે તેમણે એ શાળામાં જવું છે. એ વિશે પ્રાર્થના કરવાની સાથે સાથે તે બીજું શું કરી શકે? યહોવાની સેવામાં બીજી કઈ તકો રહેલી છે એ જોવા પણ પ્રાર્થના કરી શકે. (પ્રે.કા. ૧૬:૯, ૧૦) પછી પ્રાર્થના પ્રમાણે કામ કરી શકે. જેમ કે, તે સરકીટ નિરીક્ષકને પૂછી શકે કે શું આસપાસના કોઈ મંડળમાં વધારે પાયોનિયરોની જરૂર છે. અથવા શાખા કચેરીને લખીને પૂછી શકે કે એવી કઈ જગ્યા છે જ્યાં પ્રચારકોની વધારે જરૂર છે.e
૧૬. આપણે શાની ખાતરી રાખી શકીએ?
૧૬ આ લેખમાં આપણે શું શીખ્યા? આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે યહોવા જે રીતે આપણી પ્રાર્થનાઓનો જવાબ આપે છે, એમાં તેમનો પ્રેમ અને ન્યાય જોવા મળે છે. (ગીત. ૪:૩; યશા. ૩૦:૧૮) કદાચ અમુક વાર આપણે ધાર્યું હોય એ રીતે પ્રાર્થનાનો જવાબ ન મળે. પણ યહોવા આપણી પ્રાર્થના પર ધ્યાન ન આપે, એવું કદી નહિ બને. (ગીત. ૯:૧૦) તે આપણને ખૂબ પ્રેમ કરે છે, તે આપણને કદી તરછોડશે નહિ. એટલે ચાલો, ‘તેમના પર હંમેશાં ભરોસો રાખીએ અને તેમની આગળ આપણું હૈયું ઠાલવીએ.’—ગીત. ૬૨:૮.
ગીત ૧૩ મારી આરાધના સાંભળી લે
a આપણે ખાતરી રાખી શકીએ કે યહોવા જે રીતે આપણી પ્રાર્થનાઓનો જવાબ આપે છે, એમાં તેમનો પ્રેમ અને ન્યાય જોવા મળે છે. આ લેખમાં જોઈશું કે એવી ખાતરી કેમ રાખી શકીએ.
b અમુક નામ બદલ્યાં છે.
d કપરા સંજોગો ધીરજથી સહેવા યહોવા કઈ રીતે મદદ કરે છે? એ વિશે વધારે જાણવા jw.org/gu પર આ વીડિયો જુઓ: મુશ્કેલીઓનો સામનો કરવા પ્રાર્થના મદદ કરે છે.
e જો તમે બીજી શાખાના વિસ્તારમાં જઈને સેવા આપવા માંગતા હો, તો એ વિશે વધારે જાણવા યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન પુસ્તકનું પ્રક. ૧૦, ફકરા ૬-૯ જુઓ.
f ચિત્રની સમજ: બે બહેનો રાજ્ય પ્રચારકો માટે શાળાનું ફૉર્મ ભરતા પહેલાં પ્રાર્થના કરે છે. પછીથી એક બહેનને શાળાનું આમંત્રણ મળે છે, જ્યારે કે બીજાં બહેનને નથી મળતું. જે બહેનને આમંત્રણ નથી મળ્યું, તે વધારે પડતાં દુઃખી થઈ જતાં નથી. એના બદલે તે યહોવાને પ્રાર્થના કરે છે કે તેમની સેવામાં બીજી કઈ તકો રહેલી છે, એ પારખવા મદદ કરે. પછી એ બહેન શાખા કચેરીને પત્ર લખીને જણાવે છે કે તે વધારે જરૂર હોય ત્યાં સેવા કરવા ચાહે છે.