બીજો કાળવૃત્તાંત
૨૭ યોથામ+ રાજા બન્યો ત્યારે ૨૫ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૧૬ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યરૂશા હતું અને તે સાદોકની દીકરી હતી.+ ૨ યોથામ પોતાના પિતા ઉઝ્ઝિયાની જેમ, યહોવાની નજરમાં જે ખરું હતું એ જ કરતો રહ્યો.+ પણ તે પોતાના પિતાની જેમ બળજબરીથી યહોવાના મંદિરમાં ઘૂસી ગયો નહિ.+ જોકે લોકો હજુ પણ ખરાબ કામો કરતા હતા. ૩ યોથામે યહોવાના મંદિરનો ઉપરનો દરવાજો બનાવ્યો.+ ઓફેલની દીવાલ માટે તેણે ઘણું બાંધકામ કર્યું.+ ૪ તેણે યહૂદાના પહાડી વિસ્તારોમાં+ પણ શહેરો બાંધ્યાં.+ તેણે જંગલના વિસ્તારમાં કિલ્લાઓ+ અને મિનારાઓ+ બનાવ્યા. ૫ તેણે આમ્મોનીઓના રાજા સામે લડાઈ કરી+ અને આખરે તેઓ સામે જીતી ગયો. એટલે આમ્મોનીઓએ તેને એ વર્ષે ૧૦૦ તાલંત* ચાંદી, ૧૦,૦૦૦ કોર માપ* ઘઉં અને ૧૦,૦૦૦ કોર માપ જવ આપ્યા. આમ્મોનીઓએ બીજા અને ત્રીજા વર્ષે પણ તેને એ બધું આપ્યું.+ ૬ યોથામે પોતાના ઈશ્વર યહોવાના માર્ગે ચાલવાનું નક્કી કર્યું હતું. એટલે તે બળવાન થતો ગયો.
૭ યોથામનો બાકીનો ઇતિહાસ, તેની લડાઈઓ અને તેનાં કામો યહૂદાના અને ઇઝરાયેલના રાજાઓના પુસ્તકમાં લખેલાં છે.+ ૮ યોથામ રાજા બન્યો ત્યારે ૨૫ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૧૬ વર્ષ રાજ કર્યું.+ ૯ યોથામ ગુજરી ગયો અને લોકોએ તેને તેના બાપદાદાઓની જેમ દાઉદનગરમાં દફનાવ્યો.+ તેનો દીકરો આહાઝ તેની જગ્યાએ રાજા બન્યો.+