બીજો કાળવૃત્તાંત
૪ પછી સુલેમાને તાંબાની વેદી+ બાંધી, જે ૨૦ હાથ લાંબી, ૨૦ હાથ પહોળી અને ૧૦ હાથ ઊંચી હતી.
૨ તેણે તાંબાનો હોજ* બનાવ્યો.+ એ ગોળાકાર હતો. એની ઊંચાઈ ૫ હાથ હતી. એના મુખનો વ્યાસ ૧૦ હાથ અને ઘેરાવ ૩૦ હાથ હતો.*+ ૩ એના મુખની ધાર નીચે, ગોળ ફરતે જંગલી તડબૂચ જેવી કોતરણી કરી હતી.+ હોજ ફરતે એક એક હાથના અંતરમાં દસ દસ તડબૂચ હતાં અને એની બે હાર હતી. બંને હાર હોજ સાથે જ ઢાળવામાં આવી હતી. ૪ એ હોજ તાંબાના ૧૨ આખલાઓ ઉપર હતો.+ એમાંના ૩ આખલાનાં મુખ ઉત્તર તરફ, ૩ પશ્ચિમ તરફ, ૩ દક્ષિણ તરફ અને ૩ પૂર્વ તરફ હતા. એ બધા આખલાઓનો પાછલો ભાગ અંદરની બાજુએ હતો. એ આખલાઓ ઉપર હોજ મૂકેલો હતો. ૫ હોજની જાડાઈ ચાર આંગળ* હતી. એના મુખની ધાર પ્યાલાની ધાર જેવી, એટલે કે ખીલેલા ફૂલ જેવી દેખાતી હતી. એમાં ૩,૦૦૦ બાથ માપ* પાણી ભરી શકાતું હતું.
૬ તેણે તાંબાના દસ કુંડ બનાવ્યા. પાંચ કુંડ મંદિરની જમણી તરફ અને પાંચ કુંડ ડાબી તરફ મૂક્યા.+ યાજકો* એના પાણીથી અગ્નિ-અર્પણ માટે વપરાતી વસ્તુઓ ધોતા.+ પણ તાંબાનો હોજ તો યાજકોને નાહવા-ધોવા માટે હતો.+
૭ તેણે નમૂના પ્રમાણે+ સોનાની દસ દીવીઓ બનાવીને+ મંદિરમાં મૂકી, પાંચ જમણી તરફ અને પાંચ ડાબી તરફ.+
૮ તેણે દસ મેજ બનાવીને મંદિરમાં મૂકી, પાંચ જમણી તરફ અને પાંચ ડાબી તરફ.+ તેણે સોનાના ૧૦૦ વાટકા પણ બનાવ્યા.
૯ પછી તેણે યાજકોનું+ આંગણું*+ અને મોટું આંગણું+ બનાવ્યું. તેણે આંગણાં માટે દરવાજા બનાવ્યા અને એને તાંબાથી મઢ્યા. ૧૦ તેણે હોજને જમણી તરફ, દક્ષિણ-પૂર્વ દિશામાં મૂક્યો.+
૧૧ હીરામે ડોલ, પાવડા અને વાટકા પણ બનાવ્યા.+
સુલેમાન રાજાએ સાચા ઈશ્વરના મંદિરનું જે કામ હીરામને સોંપેલું હતું, એ તેણે પૂરું કર્યું:+ ૧૨ બે સ્તંભો+ અને એ સ્તંભોની ટોચ પર વાટકા આકારના કળશો; સ્તંભો પર મૂકેલા વાટકા આકારના કળશોને શણગારવા બે જાળી;+ ૧૩ બે જાળી માટે ૪૦૦ દાડમો,+ એટલે કે બે સ્તંભો પર મૂકેલા વાટકા આકારના કળશોને શણગારવા મૂકેલી દરેક જાળી માટે દાડમોની બે બે હાર;+ ૧૪ દસ લારીઓ* અને એના પરના દસ કુંડ;+ ૧૫ હોજ અને એની નીચેના ૧૨ આખલા;+ ૧૬ ડોલ, પાવડા, કાંટા+ અને એનાં બધાં વાસણો. રાજા સુલેમાનના કહેવા પ્રમાણે યહોવાના મંદિર માટે હીરામ-અબીવે+ એ બધું ચળકતા તાંબાથી બનાવ્યું હતું. ૧૭ રાજાએ એ બધું સુક્કોથ+ અને સરેદાહ વચ્ચે આવેલા યર્દનના વિસ્તારમાં, ચીકણી માટીના બીબામાં ઢાળીને બનાવ્યું હતું. ૧૮ સુલેમાને મોટી સંખ્યામાં વાસણો બનાવ્યાં હતાં. એમાં એટલું બધું તાંબું વપરાયું હતું કે એના વજનનો કોઈ હિસાબ ન હતો.+
૧૯ સુલેમાને સાચા ઈશ્વરના મંદિર માટે આ બધાં વાસણો બનાવ્યાં:+ સોનાની વેદી;+ અર્પણની રોટલી+ મૂકવા મેજો;+ ૨૦ સૂચના પ્રમાણે પરમ પવિત્ર સ્થાન* આગળ સળગતા રાખવા માટેની ચોખ્ખા સોનાની દીવીઓ+ અને એના દીવાઓ; ૨૧ ચોખ્ખા સોનાની પાંખડીઓ, ચોખ્ખા સોનાના દીવાઓ અને ચીપિયા;* ૨૨ ચોખ્ખા સોનાનાં કાતરો,* વાટકા, પ્યાલા અને અગ્નિપાત્રો;* મંદિરમાં જવાનો દરવાજો, પરમ પવિત્ર સ્થાનના અંદરના દરવાજા+ અને મંદિરના* દરવાજા, જે સોનાના હતા.+