નવેમ્બર
શનિવાર, નવેમ્બર ૧
“તમે બાળકો અને ધાવણાઓનાં મોઢે સ્તુતિ કરાવી છે.”—માથ. ૨૧:૧૬.
મમ્મી-પપ્પા, તમારાં નાનાં બાળકોને મદદ કરો અને તેઓની ઉંમર પ્રમાણે જવાબ તૈયાર કરાવો. અમુક વખતે કોઈ ભાગમાં ગંભીર વિષય પર ચર્ચા થાય છે. જેમ કે, લગ્નજીવનમાં આવતી તકલીફો અથવા ચારિત્ર શુદ્ધ રાખવા જેવા વિષયો. એ વખતે કદાચ એક કે બે એવા ફકરા હશે, જેમાં બાળકો જવાબ આપી શકે. તમારા બાળકને એ પણ સમજાવો કે તે હાથ ઊંચો કરશે ત્યારે, કેમ દર વખતે તેને જવાબ પૂછવામાં નહિ આવે. જો તમે તેને એ વાત સમજાવશો, તો જ્યારે તેના બદલે બીજાઓને પૂછવામાં આવશે ત્યારે તેને ખોટું નહિ લાગે. (૧ તિમો. ૬:૧૮) આપણે બધા જ એવા જવાબો તૈયાર કરી શકીએ છીએ, જેનાથી યહોવાને મહિમા મળે અને ભાઈ-બહેનોને ઉત્તેજન મળે. (નીતિ. ૨૫:૧૧) અમુક વાર આપણે પોતાનો અનુભવ ટૂંકમાં જણાવી શકીએ, પણ પોતાના વિશે વધારે વાત કરવાનું ટાળીએ. (નીતિ. ૨૭:૨; ૨ કોરીં. ૧૦:૧૮) એના બદલે આપણું પૂરું ધ્યાન યહોવા પર, તેમના શબ્દ બાઇબલ પર અને તેમના લોકો પર આપીએ.—પ્રકટી. ૪:૧૧. w૨૩.૦૪ ૨૪-૨૫ ¶૧૭-૧૮
રવિવાર, નવેમ્બર ૨
“આપણે બાકીના લોકોની જેમ ઊંઘતા ન રહીએ, પણ જાગતા રહીએ અને સમજી-વિચારીને વર્તીએ.”—૧ થેસ્સા. ૫:૬.
જાગતા રહેવા અને સમજી-વિચારીને વર્તવા પ્રેમનો ગુણ મદદ કરે છે. (માથ. ૨૨:૩૭-૩૯) પ્રચાર કરીએ છીએ ત્યારે, આપણા પર ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. પણ ઈશ્વર માટેનો પ્રેમ આપણને મુશ્કેલીઓ છતાં પ્રચારમાં લાગુ રહેવા મદદ કરે છે. (૨ તિમો. ૧:૭, ૮) આપણે એવા લોકોને પણ પ્રેમ કરી છીએ, જેઓ યહોવાની ભક્તિ કરતા નથી. એટલે આપણે લોકોને ખુશખબર જણાવતા રહીએ છીએ. અરે, ટેલિફોન દ્વારા અને પત્ર દ્વારા પણ પ્રચાર કરીએ છીએ. આપણે આશા રાખીએ છીએ કે એક દિવસ આપણા પડોશીઓ ફેરફાર કરશે અને જે ખરું છે એ કરવાનું શરૂ કરશે. (હઝકિ. ૧૮:૨૭, ૨૮) આપણાં ભાઈ-બહેનો પણ આપણા પડોશીઓ છે. આપણે તેઓને પણ પ્રેમ કરીએ છીએ. ‘એકબીજાને ઉત્તેજન આપીને અને એકબીજાને મક્કમ કરીને’ આપણે એવો પ્રેમ બતાવીએ છીએ. (૧ થેસ્સા. ૫:૧૧) જેમ યુદ્ધમાં સૈનિકો એકબીજાની પડખે રહીને લડે છે, તેમ આપણે એકબીજાને ઉત્તેજન આપવું જોઈએ. આપણે જાણીજોઈને આપણાં ભાઈ-બહેનોને દુઃખ નહિ પહોંચાડીએ અથવા બૂરાઈનો બદલો બૂરાઈથી નહિ વાળીએ. (૧ થેસ્સા. ૫:૧૩, ૧૫) પ્રેમ બતાવવાની બીજી એક રીત છે કે, મંડળમાં આગેવાની લેતા ભાઈઓને માન આપીએ.—૧ થેસ્સા. ૫:૧૨. w૨૩.૦૬ ૯ ¶૬; ૧૦-૧૧ ¶૧૦-૧૧
સોમવાર, નવેમ્બર ૩
“જો [યહોવા] કંઈ કહે, તો શું એને પૂરું નહિ કરે?”—ગણ. ૨૩:૧૯.
શ્રદ્ધા મજબૂત કરવાની એક રીત છે, ઈસુના બલિદાન પર મનન કરીએ. ઈસુનું બલિદાન પાકી ખાતરી આપે છે કે ઈશ્વરનાં વચનો જરૂર સાચાં પડશે. વિચાર કરીએ કે યહોવાએ કેમ ઈસુને આપણા માટે મરવા દીધા અને એ માટે તેમણે કેટલું બધું જતું કર્યું. એનો વિચાર કરવાથી ઈશ્વરના વચન પર આપણી શ્રદ્ધા મજબૂત થશે. ઈશ્વરે વચન આપ્યું છે કે તે નવી દુનિયામાં આપણને હંમેશ માટેનું જીવન આપશે. એમ માનવાના આપણે પાસે કયા કારણો છે? ઈસુનું બલિદાન આપીને યહોવાએ કેટલું બધું જતું કર્યું! આનો વિચાર કરો: ઈસુ યહોવાના એકના એક દીકરા છે. તે તેમને ખૂબ વહાલા છે. ઈસુએ યુગોના યુગો સુધી યહોવા સાથે કામ કર્યું છે. હવે યહોવાએ પોતાના એ કાળજાના ટુકડાને આ પૃથ્વી પર માણસ તરીકે મોકલ્યા. ઈસુના તન-મનમાં આપણા જેવી કોઈ ખામી ન હતી. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે દરેક પ્રકારની મુશ્કેલીઓ સહી. પછી તેમને રિબાવી રિબાવીને મારી નાખવામાં આવ્યા. ખરેખર, યહોવાએ કેટલી મોટી કિંમત ચૂકવી! તેમણે તો પોતાના વહાલા દીકરાની કુરબાની આપી. શું એ કુરબાની આપણને ઘડી બે ઘડીનું જીવન મળે એ માટે હતી? ના, એવું કદી બની ન શકે. (યોહા. ૩:૧૬; ૧ પિત. ૧:૧૮, ૧૯) યહોવાએ આટલી મોટી કિંમત ચૂકવી છે, એટલે તે ચોક્કસ ધ્યાન રાખશે કે આપણને નવી દુનિયામાં હંમેશ માટેનું જીવન મળે. w૨૩.૦૪ ૨૭ ¶૮-૯
મંગળવાર, નવેમ્બર ૪
“ઓ મરણ, તારો ડંખ ક્યાં?”—હોશિ. ૧૩:૧૪.
શું યહોવા ગુજરી ગયેલાઓને જીવતા કરવાની ઇચ્છા રાખે છે? હા, એમાં કોઈ જ શંકા નથી. તેમણે ઘણા ઈશ્વરભક્તો પાસે બાઇબલમાં લખાવ્યું છે કે તે ભાવિમાં ગુજરી ગયેલાઓને જીવતા કરશે. (યશા. ૨૬:૧૯; પ્રકટી. ૨૦:૧૧-૧૩) જ્યારે યહોવા કોઈ વચન આપે છે, ત્યારે તે એને ચોક્કસ પૂરું કરે છે. (યહો. ૨૩:૧૪) એટલું જ નહિ, યહોવા ગુજરી ગયેલાઓને જીવતા કરવા આતુર છે. ધ્યાન આપો કે ઈશ્વરભક્ત અયૂબે શું કહ્યું હતું. તેમને પૂરી ખાતરી હતી કે તેમનું મરણ થશે તોપણ યહોવા તેમને ફરી જોવાની ઝંખના રાખશે. (અયૂ. ૧૪:૧૪, ૧૫, ફૂટનોટ) યહોવા એ બધા જ ઈશ્વરભક્તોને જોવાની ઝંખના રાખે છે, જેઓ મરણની ઊંઘમાં સરી ગયા છે. તે તેઓને જીવન આપવા આતુર છે, જેથી તેઓ તંદુરસ્ત અને ખુશહાલ જીવન જીવી શકે. પણ એવા કરોડો લોકો વિશે શું, જેઓને ઈશ્વર વિશે શીખવાનો મોકો નથી મળ્યો અને ગુજરી ગયા છે? આપણા પ્રેમાળ ઈશ્વર તેઓને પણ ઉઠાડવા માંગે છે. (પ્રે.કા. ૨૪:૧૫) તે ચાહે છે કે તેઓને ઈશ્વરના દોસ્ત બનવાનો અને પૃથ્વી પર કાયમ જીવવાનો મોકો મળે.—યોહા. ૩:૧૬. w૨૩.૦૪ ૯ ¶૫-૬
બુધવાર, નવેમ્બર ૫
“ઈશ્વર અમને શક્તિ આપશે.”—ગીત. ૧૦૮:૧૩.
તમે કઈ રીતે તમારી આશા દૃઢ કરી શકો? દાખલા તરીકે, જો તમને પૃથ્વી પર હંમેશાં જીવવાની આશા હોય, તો બાઇબલની એવી કલમો વાંચો જેમાં નવી દુનિયા વિશે જણાવ્યું છે અને પછી એ કલમો પર મનન કરો. (યશા. ૨૫:૮; ૩૨:૧૬-૧૮) વિચારો કે નવી દુનિયામાં તમારું જીવન કેવું હશે. કલ્પના કરો કે તમે નવી દુનિયામાં છો. જો નવી દુનિયાની આશાને દૃઢ પકડી રાખીશું, તો આપણને મુશ્કેલીઓ “પળભરની” લાગશે અને એ ‘બહુ ભારે નહિ લાગે.’ (૨ કોરીં. ૪:૧૭) એ આશા દ્વારા યહોવા આપણને બળવાન કરશે અને કપરા સંજોગો સહેવા હિંમત આપશે. યહોવા પાસેથી બળ મેળવવા આપણને જેની જરૂર છે, એની ગોઠવણ તેમણે પહેલેથી કરી દીધી છે. એટલે જ્યારે તમને પોતાની સોંપણી પૂરી કરવા, કોઈ મુશ્કેલીનો સામનો કરવા અથવા પોતાનો આનંદ જાળવી રાખવા મદદની જરૂર હોય, ત્યારે કરગરીને યહોવાને પ્રાર્થના કરો. તેમનું માર્ગદર્શન મેળવવા બાઇબલનો ઊંડો અભ્યાસ કરો. ભાઈ-બહેનોની મદદ સ્વીકારો. નિયમિત રીતે સમય કાઢીને ભાવિની આશા પર મનન કરો. પછી ‘ઈશ્વરના મહાન બળથી તમે દૃઢ થશો, જેથી ધીરજ અને આનંદથી બધું સહન કરી શકો.’—કોલો. ૧:૧૧. w૨૩.૧૦ ૧૭ ¶૧૯-૨૦
ગુરુવાર, નવેમ્બર ૬
“બધી બાબતો માટે આભાર માનો.”—૧ થેસ્સા. ૫:૧૮.
તેમનો આભાર માનવાનાં આપણી પાસે ઘણાં કારણો છે. આપણે વિચારી શકીએ કે આપણી પાસે કઈ કઈ સારી વસ્તુઓ છે અને એ માટે તેમનો આભાર માનીએ. (યાકૂ. ૧:૧૭) આખરે, દરેક સારી ભેટ યહોવાએ જ તો આપી છે. દાખલા તરીકે, આ સુંદર પૃથ્વી માટે અને એમાંની બધી અજાયબ ચીજવસ્તુઓ માટે તેમનો આભાર માની શકીએ. યહોવાએ આપણને એક સરસ મજાનું જીવન આપ્યું છે, કુટુંબ આપ્યું છે, દોસ્તો આપ્યા છે તેમજ ભાવિની એક જોરદાર આશા આપી છે. એ માટે પણ તેમનો આભાર માની શકીએ. એટલું જ નહિ, યહોવાએ આપણને તેમના દોસ્ત બનવાનો એક કીમતી લહાવો આપ્યો છે. એ માટે પણ તેમનો આભાર માની શકીએ. પોતાને પૂછો: ‘યહોવાનો આભાર માનવાના મારી પાસે કયાં કારણો છે?’ એનો જવાબ મેળવવા કદાચ આપણે મહેનત કરવી પડે. આજે દુનિયામાં મોટા ભાગના લોકો એકબીજાનો આભાર માનતા નથી. લોકોનું ધ્યાન પોતાની ઇચ્છાઓ પૂરી કરવામાં જ હોય છે, આભાર માનવો તો દૂરની વાત. ધ્યાન નહિ રાખીએ તો, આપણે પણ તેઓ જેવા બની જઈશું. કદાચ પ્રાર્થનામાં યહોવાનો આભાર માનવાને બદલે દર વખતે કંઈકને કંઈક માંગતા જ રહીશું. એવું ન થાય માટે આપણે યહોવાનો આભાર માનવાનું શીખીએ અને તેમણે આપણા માટે જે કર્યું છે, એની કદર બતાવીએ.—લૂક ૬:૪૫. w૨૩.૦૫ ૪ ¶૮-૯
શુક્રવાર, નવેમ્બર ૭
“પૂરી શ્રદ્ધાથી માંગતા રહેવું અને જરાય શંકા કરવી નહિ.”—યાકૂ. ૧:૬.
યહોવા આપણા પ્રેમાળ પિતા છે. આપણે દુઃખ-તકલીફો વેઠીએ છીએ, એ તેમને જરાય ગમતું નથી. પણ તે આપણા પર મુશ્કેલીઓ આવતી રોકતા નથી. (યશા. ૬૩:૯) બની શકે કે આપણી મુશ્કેલીઓ નદીઓ જેવી કે આગની જ્વાળાઓ જેવી હોય. (યશા. ૪૩:૨) પણ યહોવાએ વચન આપ્યું છે કે એમાંથી પસાર થવા તે આપણને મદદ કરશે. તે એવું કંઈ થવા નહિ દે, જેથી એ મુશ્કેલીઓને લીધે આપણો તેમની સાથેનો સંબંધ જોખમમાં આવી પડે. એ મુશ્કેલીઓ સહેવા યહોવા પોતાની પવિત્ર શક્તિ પણ આપે છે. (લૂક ૧૧:૧૩; ફિલિ. ૪:૧૩) એટલે ખાતરી રાખીએ કે તે આપણો સાથ કદી નહિ છોડે. મુશ્કેલીઓ સહેવા અને તેમને વફાદાર રહેવા આપણને જેની જરૂર છે, એ યહોવા ચોક્કસ આપશે. યહોવા ચાહે છે કે આપણે તેમના પર ભરોસો રાખીએ. (હિબ્રૂ. ૧૧:૬) અમુક વાર લાગે કે મુશ્કેલીઓ દીવાલ જેવી અડીખમ છે, જેને પાર નહિ કરી શકીએ. કદાચ શંકા થાય કે યહોવા મદદ કરશે કે નહિ. પણ બાઇબલમાંથી ખાતરી મળે છે કે ઈશ્વરની શક્તિથી આપણે મુશ્કેલીઓની “દીવાલ ઓળંગી” શકીએ છીએ. (ગીત. ૧૮:૨૯) એટલે શંકા ન કરીએ. પણ પૂરી શ્રદ્ધાથી યહોવાને પ્રાર્થના કરીએ અને ભરોસો રાખીએ કે તે આપણી પ્રાર્થનાઓનો જવાબ આપશે.—યાકૂ. ૧:૬, ૭. w૨૩.૧૧ ૨૨ ¶૮-૯
શનિવાર, નવેમ્બર ૮
“[પ્રેમની] જ્વાળા ધગધગતી આગ છે, એ યાહની જ્વાળા છે. ધસમસતું પાણી પ્રેમની આગને હોલવી નહિ શકે, નદીનું પૂર એને તાણી નહિ જઈ શકે.”—ગી.ગી. ૮:૬, ૭.
સાચા પ્રેમ વિશે સુલેમાન રાજાએ કેટલા સુંદર શબ્દો લખ્યા! પતિ-પત્નીઓ, તમે પણ ખાતરી રાખી શકો કે તમે એકબીજાને સાચો પ્રેમ કરી શકો છો, એવો પ્રેમ જે કાયમ ટકે છે. પતિ-પત્નીનો પ્રેમ કાયમ ટકશે કે નહિ, એનો આધાર તેઓ પર જ છે. ચાલો એક દાખલો લઈએ. ઠંડીથી બચવા તમે તાપણું કરો છો. જો તમે એમાં લાકડાં નાખતા રહેશો, તો એ હંમેશાં સળગતું રહેશે. પણ જો તમે લાકડાં નહિ નાખો, તો એ હોલવાઈ જશે. એવી જ રીતે, એક પતિ-પત્ની વચ્ચે પણ પ્રેમની જ્વાળા હંમેશાં સળગતી રહી શકે છે, પણ તેઓ વચ્ચેનો સંબંધ મજબૂત હશે તો જ. જોકે, અમુક વાર પતિ-પત્નીને લાગી શકે કે તેઓનો પ્રેમ ઠંડો પડી રહ્યો છે. એનાં ઘણાં કારણો હોય શકે. જેમ કે, પૈસાની તંગી હોય, કોઈની તબિયત સારી ન રહેતી હોય અથવા બાળકોના ઉછેરને લઈને દબાણ હોય. એટલે પતિ-પત્નીઓ, જો તમે ચાહતા હો કે તમારા લગ્નજીવનમાં “યાહની જ્વાળા” સળગતી રહે, તો તમારે યહોવા સાથેનો સંબંધ મજબૂત કરતા રહેવું પડશે. w૨૩.૦૫ ૨૦ ¶૧-૩
રવિવાર, નવેમ્બર ૯
“તું ગભરાઈશ નહિ.”—દાનિ. ૧૦:૧૯.
આપણે કઈ રીતે હિંમતવાન બની શકીએ? મમ્મી-પપ્પા કદાચ આપણને હિંમત બતાવવાનું ઉત્તેજન આપે, પણ તેઓ વારસામાં હિંમત આપી શકતા નથી. આપણે પોતે હિંમતવાન બનવું પડશે. હિંમતવાન બનવું એ એક નવી આવડત શીખવા જેવું છે. કોઈ આવડત શીખવાની એક રીત છે, શીખવનારનાં કામ ધ્યાનથી જોવાં અને પછી તે કરે એવું જ કરવાનો પ્રયત્ન કરવો. એવી જ રીતે, હિંમતવાન બનવા જરૂરી છે કે બીજાઓને ધ્યાનથી જોઈએ કે તેઓ કઈ રીતે હિંમત બતાવે છે અને પછી તેઓનો દાખલો અનુસરીએ. દાનિયેલની જેમ આપણે શાસ્ત્રની વાતો સારી રીતે સમજવાની જરૂર છે. યહોવા સાથે ગાઢ સંબંધ બાંધીએ અને એ માટે વારંવાર અને દિલ ખોલીને તેમને પ્રાર્થના કરીએ. યહોવા પર ભરોસો રાખીએ કે તે હંમેશાં આપણી પડખે રહેશે. પછી જ્યારે પણ આપણી શ્રદ્ધાની કસોટી થશે, ત્યારે આપણે હિંમત બતાવી શકીશું. મોટા ભાગે લોકો હિંમત બતાવનારને આદર આપે છે. હિંમતવાન લોકો બીજાઓને પણ યહોવા વિશે શીખવા મદદ કરી શકે છે. તો ચાલો આપણે દરેક જણ હિંમતવાન બનવા પૂરો પ્રયત્ન કરીએ. w૨૩.૦૮ ૨ ¶૨; ૪ ¶૮-૯
સોમવાર, નવેમ્બર ૧૦
“બધી વસ્તુઓની પરખ કરો.”—૧ થેસ્સા. ૫:૨૧.
જે ગ્રીક શબ્દનું ભાષાંતર “પરખ કરો” કરવામાં આવ્યું છે, એ શબ્દ સોના-ચાંદી જેવી ધાતુઓની પરખ કરવામાં આવે ત્યારે વપરાતો હતો. આમ, આપણે જે સાંભળીએ છીએ અથવા વાંચીએ છીએ, એ ખરું છે કે નહિ એની પરખ કરવી જોઈએ. જેમ જેમ મોટી વિપત્તિ નજીક આવી રહી છે, તેમ તેમ આપણા માટે એવું કરવું વધારે મહત્ત્વનું છે. આપણે બીજાઓએ કહેલી વાતોને આંખ બંધ કરીને માની લેતા નથી. એના બદલે, આપણે આપણી વિચાર કરવાની શક્તિનો ઉપયોગ કરીએ છીએ અને જે વાંચીએ છીએ અથવા સાંભળીએ એ વિશે બાઇબલ અને યહોવાનું સંગઠન શું કહે છે એની સાથે સરખાવીએ છીએ. એમ કરીએ છીએ ત્યારે આપણે દુષ્ટ દૂતોએ ફેલાવેલી વાતોથી છેતરાતા નથી. (નીતિ. ૧૪:૧૫; ૧ તિમો. ૪:૧) એક સમૂહ તરીકે યહોવાના લોકો મોટી વિપત્તિમાંથી બચી જશે. પણ આપણે એ નથી જાણતા કે કાલે આપણી સાથે શું થશે. (યાકૂ. ૪:૧૪) કદાચ આપણે જીવતેજીવ મોટી વિપત્તિ પાર કરીએ અથવા એ પહેલાં જ આપણું મરણ થાય. પણ એક વાત ચોક્કસ છે, જો વફાદાર રહીશું તો યહોવા આપણને હંમેશ માટેનું જીવન ઇનામમાં આપશે. તો ચાલો, આપણી અદ્ભુત આશા પર મન લગાડીએ અને યહોવાના દિવસ માટે તૈયાર રહીએ. w૨૩.૦૬ ૧૩ ¶૧૫-૧૬
મંગળવાર, નવેમ્બર ૧૧
‘પોતાના સેવકોને રહસ્ય જણાવ્યા વગર તે કંઈ કરશે નહિ.’—આમો. ૩:૭.
આપણે જાણતા નથી કે બાઇબલની અમુક ભવિષ્યવાણીઓ કેવી રીતે પૂરી થશે. (દાનિ. ૧૨:૮, ૯) જો આપણે પૂરી રીતે સમજતા ન હોઈએ કે કોઈ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થશે, તો એનો અર્થ એ નથી કે એ ભવિષ્યવાણી પૂરી નહિ થાય. પૂરો ભરોસો રાખી શકીએ કે આપણે જે જાણવાની જરૂર છે, એ સમજવા યહોવા યોગ્ય સમયે મદદ કરશે, જેમ તેમણે અગાઉના સમયમાં કર્યું હતું. ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત કરવામાં આવશે. (૧ થેસ્સા. ૫:૩) ત્યાર બાદ સરકારો જૂઠા ધર્મો પર હુમલો કરશે અને તેઓનું નામનિશાન મિટાવી દેશે. (પ્રકટી. ૧૭:૧૬, ૧૭) પછી સરકારો ઈશ્વરના લોકો પર હુમલો કરશે. (હઝકિ. ૩૮:૧૮, ૧૯) એ બનાવોથી આર્માગેદનનું યુદ્ધ શરૂ થઈ જશે. (પ્રકટી. ૧૬:૧૪, ૧૬) આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે એ બનાવો ખૂબ જલદી બનશે. પણ એમ થાય ત્યાં સુધી ચાલો બાઇબલની ભવિષ્યવાણી પર ધ્યાન આપીએ અને બીજાઓને પણ એમ કરવા મદદ કરીએ. આ રીતે આપણા સ્વર્ગમાંના પિતા યહોવાનો આભાર માનતા રહીએ. w૨૩.૦૮ ૧૩ ¶૧૯-૨૦
બુધવાર, નવેમ્બર ૧૨
“આપણે એકબીજાને પ્રેમ કરતા રહીએ, કેમ કે પ્રેમ ઈશ્વર પાસેથી છે.”—૧ યોહા. ૪:૭.
એકવાર પ્રેરિત પાઉલ શ્રદ્ધા, આશા અને પ્રેમ વિશે વાત કરી રહ્યા હતા. છેલ્લે તેમણે કહ્યું: “એ બધામાં પ્રેમ સૌથી મહત્ત્વનો [ગુણ] છે.” (૧ કોરીં. ૧૩:૧૩) તેમણે કેમ એવું કહ્યું? કેમ કે બહુ જલદી નવી દુનિયા વિશેનાં વચનો પૂરાં થઈ ગયાં હશે. એટલે એ વચનોમાં શ્રદ્ધા મૂકવાની કે એ પૂરાં થશે એવી આશા રાખવાની જરૂર નહિ હોય. પણ હંમેશાં યહોવાને અને લોકોને પ્રેમ બતાવતા રહેવું પડશે. હકીકતમાં તો, તેઓ માટેનો આપણો પ્રેમ દિવસે ને દિવસે વધતો જશે. પ્રેમ ઈસુના ખરા શિષ્યોની ઓળખ પણ છે. ઈસુએ પોતાના પ્રેરિતોને કહ્યું હતું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહા. ૧૩:૩૫) વધુમાં, પ્રેમ આપણને એકતામાં રાખે છે. પ્રેરિત પાઉલે કહ્યું હતું: “પ્રેમ એકતાનું સંપૂર્ણ બંધન છે.” (કોલો. ૩:૧૪) પ્રેરિત યોહાને ભાઈ-બહેનોને કહ્યું હતું: “જે કોઈ ઈશ્વરને પ્રેમ કરે છે, તેણે પોતાના ભાઈને પણ પ્રેમ કરવો જોઈએ.” (૧ યોહા. ૪:૨૧) એકબીજાને પ્રેમ કરીને બતાવીએ છીએ કે આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ. w૨૩.૧૧ ૮ ¶૧, ૩
ગુરુવાર, નવેમ્બર ૧૩
‘દરેક પ્રકારના બોજાને નાખી દઈએ.’—હિબ્રૂ. ૧૨:૧.
બાઇબલમાં ખ્રિસ્તીઓનાં જીવનની સરખામણી એક દોડ સાથે કરવામાં આવી છે. એ દોડ પૂરી કરનારને ઇનામમાં હંમેશ માટેનું જીવન મળશે. (૨ તિમો. ૪:૭, ૮) આપણે એ દોડમાં દોડતા રહેવા સખત મહેનત કરવાની જરૂર છે. ખાસ કરીને હમણાં એમ કરવું ખૂબ જ જરૂરી છે. કેમ કે એ દોડ પૂરી થવાની છે અને આપણે અંતિમ રેખાની ખૂબ જ નજીક છીએ. પ્રેરિત પાઉલે જણાવ્યું કે એ દોડમાં જીતવા આપણને શાનાથી મદદ મળશે. તેમણે કહ્યું હતું: ‘દરેક પ્રકારના બોજાને નાખી દઈએ અને ઈશ્વરે આપણી આગળ રાખેલી દોડમાં ધીરજથી દોડીએ.’ શું પાઉલ એવું કહેવા માંગતા હતા કે ખ્રિસ્તીઓએ કોઈ બોજો ઊંચકવો ન જોઈએ? ના, તેમના કહેવાનો અર્થ એવો ન હતો. તે તો કહેવા માંગતા હતા કે આપણે દરેક પ્રકારના નકામા બોજાને નાખી દેવો જોઈએ. એવો નકામો બોજો આપણને ધીમા પાડી શકે છે અને થકવી નાખી શકે છે. એટલે ધ્યાન આપવાની જરૂર છે કે ક્યાંક આપણે એવો બોજો ઊંચકીને દોડતા ન હોઈએ! જો એમ હોય, તો એ નકામો બોજો નાખી દેવા આપણે તરત પગલાં ભરવાની જરૂર છે. જોકે, અમુક એવો બોજો છે જે આપણે દરેકે ઊંચકવાની જરૂર છે, નહિતર આપણે દોડમાંથી બહાર ફેંકાઈ શકીએ છીએ.—૨ તિમો. ૨:૫. w૨૩.૦૮ ૨૬ ¶૧-૨
શુક્રવાર, નવેમ્બર ૧૪
“તમારો શણગાર બહારનો ન હોય.”—૧ પિત. ૩:૩.
જો વાજબી હોઈશું, તો બીજાઓના વિચારો અને નિર્ણયોને માન આપી શકીશું. દાખલા તરીકે, આપણી અમુક બહેનોને મેકઅપ કરવું ગમે છે, તો અમુકને નથી ગમતું. અમુક ભાઈ-બહેનો પોતાની હદમાં રહીને દારૂ પીએ છે, તો બીજાઓ એને હાથ પણ લગાડતા નથી. આપણે બધા જ ચાહીએ છીએ કે આપણી તબિયત સારી રહે. પણ સારવારની વાત આવે ત્યારે બધાના વિચારો અલગ હોય શકે છે. જો એવું માનીશું કે આપણે જ સાચા છીએ અને પોતાના વિચારો બીજાઓ પર થોપવાની કોશિશ કરીશું, તો કોઈને ઠોકર લાગી શકે છે અને મંડળમાં ભાગલા પડી શકે છે. (૧ કોરીં. ૮:૯; ૧૦:૨૩, ૨૪) દાખલા તરીકે, આપણે કેવાં કપડાં પહેરવાં જોઈએ એ વિશે યહોવાએ કડક નિયમો આપ્યા નથી. એના બદલે તેમણે સિદ્ધાંતો આપ્યા છે, જેની મદદથી આપણે સારા નિર્ણયો લઈ શકીએ છીએ. એ વિશે નિર્ણય લેતી વખતે આપણે “સમજદારી” રાખવી જોઈએ અને બીજાઓનો વિચાર કરવો જોઈએ. આપણે ‘મર્યાદામાં’ રહીને ઈશ્વરભક્તોને ‘શોભે’ એવાં કપડાં પહેરવાં જોઈએ. (૧ તિમો. ૨:૯, ૧૦) એટલે આપણે એવાં કપડાં નહિ પહેરીએ, જેનાથી લોકોનું ધ્યાન આપણા તરફ ખેંચાય. બાઇબલ સિદ્ધાંતો વડીલોને પણ મદદ કરશે કે તેઓ કપડાં કે હેર-સ્ટાઇલ વિશે પોતાના નિયમો ન બનાવે. w૨૩.૦૭ ૨૩ ¶૧૩-૧૪
શનિવાર, નવેમ્બર ૧૫
“મારું ધ્યાનથી સાંભળો, જે સારું છે એ ખાઓ અને તમે ઉત્તમ ભોજનની મજા માણશો.”—યશા. ૫૫:૨.
યહોવા આપણને સમજાવે છે કે જો ખુશહાલ ભાવિ જોઈતું હોય, તો શું કરવું જોઈએ. જેઓ બોલકણી અને ‘મૂર્ખ સ્ત્રીનું’ આમંત્રણ સ્વીકારે છે, તેઓ સંતાઈને વ્યભિચારની ‘મીઠી’ મજા લેવા માંગે છે. તેઓને એ વાતનો અહેસાસ નથી કે તેઓનું ભાવિ “કબરના ઊંડાણમાં” છે. (નીતિ. ૯:૧૩, ૧૭, ૧૮) પણ જેઓ ‘સાચી બુદ્ધિને’ રજૂ કરતી સ્ત્રીનું આમંત્રણ સ્વીકારે છે, તેઓનું ભાવિ ખૂબ જ સારું હશે. (નીતિ. ૯:૧) આપણે શીખીએ છીએ કે યહોવા જેને પ્રેમ કરે છે એને પ્રેમ કરીએ અને તે જેને ધિક્કારે છે એને ધિક્કારીએ. (ગીત. ૯૭:૧૦) આપણને એ વાતની ખુશી છે કે આપણે બીજાઓને ‘સાચી બુદ્ધિનો’ પોકાર સાંભળવાનું આમંત્રણ આપી શકીએ છીએ. આપણે જાણે એ સેવકો જેવા છીએ, જેઓ ‘શહેરની ઊંચી જગ્યાઓ પરથી જાહેર કરે છે: “ઓ અણસમજુ લોકો, અહીં અંદર આવો.”’ એવું નથી કે આપણને અને એ આમંત્રણ સ્વીકારનાર લોકોને ફક્ત આજે જ ફાયદો થાય છે. એ ફાયદાઓ કાયમ માટેના છે. જો “સમજણના માર્ગે આગળ વધતા” રહીશું, તો હંમેશ માટે “જીવતા” રહી શકીશું.—નીતિ. ૯:૩, ૪, ૬. w૨૩.૦૬ ૨૪ ¶૧૭-૧૮
રવિવાર, નવેમ્બર ૧૬
“શૂરવીર યોદ્ધા કરતાં શાંત મિજાજનો માણસ વધારે સારો અને શહેર જીતનાર કરતાં ગુસ્સો કાબૂમાં રાખનાર વધારે સારો.”—નીતિ. ૧૬:૩૨.
જો તમારી સાથે ભણનાર કે કામ કરનાર વ્યક્તિ તમારી માન્યતા વિશે સવાલ પૂછે, તો તમને કેવું લાગે છે? શું તમારી જીભે લોચા વળે છે? ઘણાને એવું થાય છે. પણ એવા સવાલથી કદાચ એ સમજવા મદદ મળે કે સામેવાળી વ્યક્તિ શું વિચારે છે અને શું માને છે. આમ, આપણને સાક્ષી આપવાનો મોકો મળે. પણ ઘણી વાર એવું બને છે કે વ્યક્તિ આપણી માન્યતાઓ સાથે સહમત ન હોય અથવા જીભાજોડી કરવા માંગતી હોય, એટલે સવાલ પૂછે. એમ કરવાનું કારણ એ છે કે તેણે મોટા ભાગે આપણી માન્યતાઓ વિશે ખોટી માહિતી સાંભળી હોય છે. (પ્રે.કા. ૨૮:૨૨) એ ઉપરાંત આપણે “છેલ્લા દિવસોમાં” જીવી રહ્યા છીએ, જેમાં ઘણા લોકો “જિદ્દી” અને “ક્રૂર” છે. (૨ તિમો. ૩:૧, ૩) તમને કદાચ થાય, ‘કોઈ વ્યક્તિ મારી માન્યતા વિશે દલીલ કરવા માંગતી હોય ત્યારે, હું કઈ રીતે શાંત રહી શકું અને સમજી-વિચારીને જવાબ આપી શકું?’ તમને શાનાથી મદદ મળશે? કોમળતાના ગુણથી. કોમળ સ્વભાવની વ્યક્તિ જલદી ખોટું લગાડતી નથી. જ્યારે તેને કોઈ ગુસ્સો અપાવે અથવા શું જવાબ આપવો એની ખબર ન પડે, ત્યારે તે પોતાના પર કાબૂ રાખે છે. w૨૩.૦૯ ૧૪ ¶૧-૨
સોમવાર, નવેમ્બર ૧૭
“તું તેઓને આખી પૃથ્વી પર આગેવાનો ઠરાવશે.”—ગીત. ૪૫:૧૬.
અમુક વાર યહોવાના સંગઠન તરફથી એવી સલાહ આપવામાં આવે છે, જેથી આપણું રક્ષણ થાય. જેમ કે, આપણને પૈસાના પ્રેમથી અને યહોવાનો નિયમ તૂટતો હોય એવાં કામથી સાવધ રહેવાનું કહેવામાં આવે છે. આ બાબતોમાં પણ યહોવાનું માર્ગદર્શન પાળવાથી આપણું ભલું થાય છે. (યશા. ૪૮:૧૭, ૧૮; ૧ તિમો. ૬:૯, ૧૦) એમાં કોઈ શંકા નથી કે યહોવા મોટી વિપત્તિ દરમિયાન અને હજાર વર્ષના રાજ દરમિયાન પણ મનુષ્યો દ્વારા પોતાના લોકોને માર્ગદર્શન આપતા રહેશે. શું આપણે એ માર્ગદર્શન પાળીશું? જો અત્યારે યહોવાનું માર્ગદર્શન પાળતા હોઈશું, તો એ સમયે એમ કરવું સહેલું બની જશે. તો ચાલો હંમેશાં યહોવાનું માર્ગદર્શન પાળીએ. એ માણસોનું પણ માર્ગદર્શન પાળીએ, જેઓને આપણી સંભાળ રાખવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. (યશા. ૩૨:૧, ૨; હિબ્રૂ. ૧૩:૧૭) એમ કરીને બતાવી આપીએ કે માર્ગ બતાવનાર યહોવા પર આપણને પૂરો ભરોસો છે. કેમ કે તે આપણને એવા દરેક જોખમથી બચાવે છે, જેનાથી તેમની સાથેનો આપણો સંબંધ તૂટી શકે છે. એટલું જ નહિ, તે આપણને આપણી મંજિલ એટલે કે નવી દુનિયા તરફ લઈ જતા માર્ગ પર ચલાવે છે, જ્યાં યુગોના યુગો સુધી આપણે જીવીશું. w૨૪.૦૨ ૨૫ ¶૧૭-૧૮
મંગળવાર, નવેમ્બર ૧૮
“અપાર કૃપાથી તમારો ઉદ્ધાર થયો છે.”—એફે. ૨:૫.
પ્રેરિત પાઉલને યહોવાની સેવામાં ઘણી ખુશી મળતી હતી. પણ તેમણે ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કર્યો. તેમણે ઘણી વાર લાંબી લાંબી મુસાફરીઓ કરી. એ દિવસોમાં મુસાફરી કરવી એટલું સહેલું ન હતું. મુસાફરી દરમિયાન તેમણે ઘણી વાર “નદીઓનાં જોખમો” અને ‘લુટારાઓનાં જોખમોનો’ સામનો કર્યો. કેટલીક વાર તો એવું પણ બન્યું કે વિરોધીઓએ તેમને માર માર્યો. (૨ કોરીં. ૧૧:૨૩-૨૭) એટલું જ નહિ, પાઉલે ખ્રિસ્તીઓને મદદ કરવા જે મહેનત કરી, એની પણ તેઓએ કદર કરી નહિ. (૨ કોરીં. ૧૦:૧૦; ફિલિ. ૪:૧૫) તોપણ યહોવાની સેવામાં લાગુ રહેવા પાઉલને શાનાથી મદદ મળી? શાસ્ત્રના ઊંડા અભ્યાસથી અને પોતાના અનુભવથી પાઉલ શીખ્યા કે યહોવા કેવા ઈશ્વર છે. તેમને ખાતરી થઈ ગઈ કે યહોવા ઈશ્વર તેમને ખૂબ પ્રેમ કરે છે. (રોમ. ૮:૩૮, ૩૯; એફે. ૨:૪, ૫) પછી તે પણ યહોવાને ખૂબ પ્રેમ કરવા લાગ્યા. તેમણે ‘પવિત્ર જનોની સેવા કરતા રહીને’ બતાવી આપ્યું કે તે યહોવાને ખૂબ પ્રેમ કરે છે.—હિબ્રૂ. ૬:૧૦. w૨૩.૦૭ ૯ ¶૫-૬
બુધવાર, નવેમ્બર ૧૯
“આપણે ઉચ્ચ અધિકારીઓને આધીન રહેવું જોઈએ.”—રોમ. ૧૩:૧.
બાઇબલમાં સરકારોને ‘ઉચ્ચ અધિકારીઓ’ તરીકે રજૂ કરવામાં આવી છે. મોટા ભાગના લોકોનું માનવું છે કે ઉચ્ચ અધિકારીઓ હોવા જોઈએ અને તેઓએ બનાવેલા અમુક નિયમો તો પાળવા જ જોઈએ. પણ જો એ જ લોકોને સરકારે બનાવેલો કોઈ નિયમ ન ગમે અથવા યોગ્ય ન લાગે, તો તેઓ કદાચ એ નિયમ નહિ પાળે. બાઇબલમાં કહ્યું છે કે સરકારોને લીધે માણસજાતે બહુ વેઠવું પડ્યું છે, સરકારો શેતાનની મુઠ્ઠીમાં છે અને બહુ જલદી તેઓનો નાશ કરી દેવામાં આવશે. (ગીત. ૧૧૦:૫, ૬; સભા. ૮:૯; લૂક ૪:૫, ૬) બાઇબલમાં એ પણ લખ્યું છે કે “જો આપણે તેઓની સત્તાનો વિરોધ કરીએ, તો ઈશ્વરની ગોઠવણ સામે થઈએ છીએ.” યહોવાએ થોડા સમય માટે એ સરકારોને રહેવા દીધી છે, જેથી બધું વ્યવસ્થામાં રહે. યહોવા ચાહે છે કે આપણે સરકારની આજ્ઞાઓ પાળીએ. એટલે ‘એ સર્વને તેઓનો હક આપીએ,’ જેમાં કરવેરો ભરવાનો, સરકારી અધિકારીઓને માન આપવાનો અને તેઓની આજ્ઞા પાળવાનો સમાવેશ થાય છે. (રોમ. ૧૩:૧-૭) બની શકે કે સરકારનો કોઈ નિયમ આપણને યોગ્ય ન લાગે, એ પાળવામાં તકલીફો પડે અથવા એ પાળવો આપણને બહુ મોંઘો પડે. તોપણ આપણે અધિકારીઓની વાત માનીએ છીએ, કેમ કે યહોવા આપણને એવું જ કરવાનું કહે છે. પણ જો સરકાર કંઈક એવું કરવાનું કહે, જેનાથી યહોવાનો નિયમ તૂટતો હોય, તો આપણે સરકારની આજ્ઞા નહિ પાળીએ.—પ્રે.કા. ૫:૨૯. w૨૩.૧૦ ૮ ¶૯-૧૦
ગુરુવાર, નવેમ્બર ૨૦
“યહોવાની શક્તિથી સામસૂન બળવાન થયો.”—ન્યા. ૧૫:૧૪.
સામસૂનનો જન્મ થયો ત્યારે પલિસ્તીઓ ઇઝરાયેલીઓ પર રાજ કરતા હતા અને તેઓ પર જુલમ ગુજારતા હતા. (ન્યા. ૧૩:૧) પલિસ્તીઓ બહુ ક્રૂર હતા, એટલે ઇઝરાયેલીઓએ ઘણી મુશ્કેલીઓ સહેવી પડી. ‘ઇઝરાયેલીઓને પલિસ્તીઓના હાથમાંથી બચાવવા’ યહોવાએ સામસૂનને પસંદ કર્યા. (ન્યા. ૧૩:૫) એ કામમાં ઘણા પડકારો હતા. એટલે એ પાર પાડવા તેમણે યહોવા પર પૂરો આધાર રાખવાનો હતો. એકવાર પલિસ્તીઓની સેના સામસૂનને પકડવા લેહીમાં આવી. એ કદાચ યહૂદામાં આવેલું હતું. યહૂદાના માણસો ગભરાઈ ગયા. તેઓએ સામસૂનને પકડીને પલિસ્તીઓને હવાલે કરી દેવાનું નક્કી કર્યું. સામસૂનના પોતાના જ લોકોએ બે નવાં દોરડાંથી તેમને કસીને બાંધી દીધા અને પલિસ્તીઓ પાસે લઈ ગયા. (ન્યા. ૧૫:૯-૧૩) પણ ‘યહોવાની શક્તિથી સામસૂન બળવાન થયા.’ તેમણે પોતાને દોરડાંના બંધનમાંથી આઝાદ કર્યા. પછી તેમને “ગધેડાના જડબાનું તાજું હાડકું મળ્યું,” જે લઈને તેમણે ૧,૦૦૦ પલિસ્તીઓને મારી નાખ્યા.—ન્યા. ૧૫:૧૪-૧૬. w૨૩.૦૯ ૨-૩ ¶૩-૪
શુક્રવાર, નવેમ્બર ૨૧
‘એ બધું યુગોના યુગોથી ઈશ્વરે નક્કી કરેલા હેતુ પ્રમાણે થયું. એ હેતુ આપણા માલિક ખ્રિસ્ત ઈસુ વિશે છે.’—એફે. ૩:૧૧.
યહોવા પોતાનો હેતુ પૂરો કરવા ગમે એ રસ્તો લઈ શકે છે. હવે તે આ રસ્તો લે, કે પેલો રસ્તો, તેમનો હેતુ હંમેશાં સફળ થાય છે, કેમ કે તે “પોતાનો હેતુ પૂરો કરવા પોતે રચેલી બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે.” (નીતિ. ૧૬:૪) બાઇબલમાં એમ પણ જણાવ્યું છે કે યહોવાનો હેતુ ‘યુગોના યુગો’ માટે છે. કેમ કે એ હેતુ જાહેર થાય એ પહેલાં યહોવાએ ‘યુગોના યુગો’ વીતવા દીધા છે. તેમ જ, પોતાનો હેતુ પૂરો કરવા યહોવા જે કરે છે, એના ફાયદા પણ ‘યુગોના યુગો’ સુધી રહેશે. તો પછી યહોવાનો હેતુ કયો છે અને એ પૂરો કરવા તેમણે કયા ફેરફારો કર્યા છે? ઈશ્વરે પ્રથમ સ્ત્રી-પુરુષ આદમ અને હવાને કહ્યું હતું કે તેઓ માટે તેમનો હેતુ કયો છે. ઈશ્વરે કહ્યું હતું: ‘તમને ઘણાં બાળકો થાઓ, તમે પુષ્કળ વધો, પૃથ્વીને ભરી દો અને એના પર અધિકાર ચલાવો અને પૃથ્વીનાં પ્રાણીઓ પર અધિકાર ચલાવો.’ (ઉત. ૧:૨૮) આદમ અને હવાએ બળવો કરીને પાપ કર્યું પછી, એ પાપ આખી માણસજાતમાં આવ્યું. જોકે એનાથી યહોવાનો હેતુ અટકી ન ગયો. યહોવાએ અમુક ફેરફારો કર્યા જેથી પોતાનો હેતુ પૂરો કરી શકે. તરત જ તેમણે નક્કી કર્યું કે તે સ્વર્ગમાં એક રાજ્ય સ્થાપશે, જે માણસજાત અને પૃથ્વી માટે તેમનો હેતુ પૂરો કરશે.—માથ. ૨૫:૩૪. w૨૩.૧૦ ૨૦ ¶૬-૭
શનિવાર, નવેમ્બર ૨૨
“જો યહોવાએ મને મદદ કરી ન હોત, તો હું ક્યારનોય ધૂળભેગો થઈ ગયો હોત.”—ગીત. ૯૪:૧૭.
યહોવાની સેવામાં લાગુ રહી શકીએ એ માટે તે આપણને મદદ કરી શકે છે. જોકે હંમેશાં એમ કરવું કદાચ સહેલું ન હોય. ખાસ કરીને, જો લાંબા સમયથી એકની એક નબળાઈ સામે લડતા હોઈએ, તો એમ કરવું અઘરું લાગી શકે. અમુક વાર કદાચ લાગે કે આપણી નબળાઈઓ પ્રેરિત પિતરની નબળાઈઓ કરતાં ઘણી અઘરી છે. પણ યહોવા આપણને તાકાત આપી શકે છે, જેથી આપણે હિંમત ન હારીએ. (ગીત. ૯૪:૧૮, ૧૯) એક ભાઈનો દાખલો લો. યહોવાના સેવક બન્યા એ પહેલાં તે ઘણાં વર્ષો સુધી સજાતીય સંબંધો રાખતા હતા. પણ પછી તેમણે પોતાને પૂરેપૂરા બદલી નાખ્યા અને બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે જીવવા લાગ્યા. છતાં ઘણી વાર એ ખોટી ઇચ્છા તેમના પર હાવી થઈ જતી હતી. યહોવાને વફાદાર રહેવા અને હિંમત ન હારવા તેમને ક્યાંથી મદદ મળી? તે કહે છે: ‘યહોવા આપણને તાકાત આપે છે. હું શીખ્યો કે યહોવાની પવિત્ર શક્તિની મદદથી આપણે સત્યના માર્ગે ચાલતા રહી શકીએ છીએ. યહોવાએ મને તેમની સેવા કરવાની તક આપી છે અને મારી નબળાઈઓ છતાં તે સતત મને તાકાત આપે છે.’ w૨૩.૦૯ ૨૩ ¶૧૨
રવિવાર, નવેમ્બર ૨૩
“નમ્ર બનવાથી અને યહોવાનો ડર રાખવાથી ધન, આદર અને જીવન મળે છે.”—નીતિ. ૨૨:૪.
યુવાન ભાઈઓ, પરિપક્વ ઈશ્વરભક્ત બનવા તમારે મહેનત કરવી પડશે. એ માટે એવા ઈશ્વરભક્તોનો વિચાર કરો, જેઓનો દાખલો તમે અનુસરવા માંગો છો. સમજશક્તિ કેળવો. ભરોસાપાત્ર બનો. જીવનમાં કામ લાગે એવી આવડતો કેળવો. તેમ જ, ભાવિની જવાબદારીઓ ઉપાડવા હમણાંથી જ તૈયારીઓ કરો. અમુક વાર તમને થાય, ‘મારે કેટલું બધું કરવાનું છે!’ અને એ વિચારથી જ કદાચ તમને કંપારી છૂટી જાય. પણ હિંમત હારશો નહિ. તમે એમ કરી શકો છો! યાદ રાખો, યહોવા તમને મદદ કરવા આતુર છે. (યશા. ૪૧:૧૦, ૧૩) મંડળનાં ભાઈ-બહેનો પણ તમને મદદ કરશે. જ્યારે તમે પરિપક્વ ખ્રિસ્તી બની જશો, ત્યારે તમારા જીવનમાં ખુશીઓ અને સંતોષ હશે. યુવાન ભાઈઓ, અમે તમને બહુ પ્રેમ કરીએ છીએ. અમારી શુભેચ્છા છે કે પરિપક્વ ખ્રિસ્તી બનવા તમે જે મહેનત કરો છો, એના પર યહોવા આશીર્વાદ વરસાવે. w૨૩.૧૨ ૨૯ ¶૧૯-૨૦
સોમવાર, નવેમ્બર ૨૪
‘અપરાધ નજરઅંદાજ કરીએ.’—નીતિ. ૧૯:૧૧.
કલ્પના કરો કે, અમુક ભાઈ-બહેનો ભેગાં મળ્યાં છે. તમે પણ તેઓ સાથે છો. બધા એકબીજા સાથે મજા કરી રહ્યાં છે અને તમે બધા સાથે ફોટા લો છો. તમે એક નહિ, પણ બે-ત્રણ ફોટા લો છો, જેથી કોઈ ફોટો ખરાબ આવે તો તમારી પાસે બીજા સારા ફોટા હોય. પછી નવરાશના સમયે તમે એ ફોટા જુઓ છો. તમારું ધ્યાન જાય છે કે એક ભાઈનો ફોટો બરાબર નથી આવ્યો. પણ સારી વાત એ છે કે તમે ત્રણ ફોટા લીધા છે. એટલે તમે એ ખરાબ ફોટો કાઢી નાખો છો, કેમ કે તમારી પાસે બીજા બે સારા ફોટા છે, જેમાં એ ભાઈ અને બીજા બધાના ફોટા સારા આવ્યા છે. ભાઈ-બહેનો સાથે વિતાવેલો સમય મોટા ભાગે ખુશનુમા હોય છે અને એ મીઠી યાદો આપણે દિલમાં સંઘરી રાખીએ છીએ. માની લો કે એવા જ એક પ્રસંગે કોઈ ભાઈ કે બહેન એવું કંઈક કહે છે અથવા કરે છે, જેનાથી આપણને ખોટું લાગે છે. એવા સમયે આપણે શું કરવું જોઈએ? એ ખરાબ ફોટાની જેમ એ કડવી યાદને મનમાંથી કાઢી નાખવી જોઈએ. (એફે. ૪:૩૨) આપણે એમ કરી શકીએ છીએ, કેમ કે આપણી પાસે તેમની સાથે વિતાવેલા સમયની ઘણી મીઠી યાદો છે. એવી જ મીઠી યાદોને આપણે દિલના આલ્બમમાં સંઘરી રાખવા માંગીએ છીએ. w૨૩.૧૧ ૧૨ ¶૧૬-૧૭
મંગળવાર, નવેમ્બર ૨૫
‘સ્ત્રીઓ પોતાને શોભતાં કપડાંથી શણગારે. ઈશ્વરની ભક્તિ કરનારી સ્ત્રીઓને શોભે એ રીતે પોતાને શણગારે.’—૧ તિમો. ૨:૯, ૧૦.
અહીં જે ગ્રીક શબ્દો વપરાયા છે, એનાથી ખબર પડે છે કે બહેનોએ મર્યાદા અને સમજદારી રાખીને શોભતાં કપડાં પહેરવાં જોઈએ. તેઓએ બીજાઓનાં વિચારો અને લાગણીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. એ સલાહ પાળતી બહેનો પર આપણને ખૂબ ગર્વ છે! પરિપક્વ બનવા બધી બહેનોએ સમજદારીનો ગુણ કેળવવાની જરૂર છે. પણ સમજદારી એટલે શું? એ ખરા-ખોટા વચ્ચેનો ભેદ પારખવાની અને પછી યોગ્ય કામ કરવાની આવડત છે. અબીગાઈલનો દાખલો લો. તેના પતિએ એક ખોટો નિર્ણય લીધો હતો અને એના લીધે આખા કુટુંબકબીલા પર ભારે આફત આવી પડવાની હતી. પણ અબીગાઈલે તરત પગલાં ભર્યાં. તેની સમજદારીને લીધે બધા લોકોનો જીવ બચી ગયો. (૧ શમુ. ૨૫:૧૪-૨૩, ૩૨-૩૫) સમજદારીનો ગુણ આપણને ક્યારે બોલવું અને ક્યારે ચૂપ રહેવું એ પારખવા મદદ કરે છે. જો આપણામાં એ ગુણ હશે, તો બીજાઓ સાથે વાત કરતી વખતે તેઓના અંગત જીવનમાં માથું નહિ મારીએ અથવા તેઓ શરમમાં મુકાઈ જાય એવું કંઈ નહિ કહીએ.—૧ થેસ્સા. ૪:૧૧. w૨૩.૧૨ ૨૦ ¶૮-૯
બુધવાર, નવેમ્બર ૨૬
“આપણને ઈશ્વર પાસેથી મહિમા મેળવવાની આશા છે, એટલે આપણે આનંદ કરી શકીએ છીએ.”—રોમ. ૫:૨.
પ્રેરિત પાઉલે એ શબ્દો રોમના મંડળને લખ્યા હતા. ત્યાંનાં ભાઈ-બહેનો યહોવા અને ઈસુ વિશે શીખ્યાં હતાં, તેઓમાં શ્રદ્ધા મૂકી હતી અને ખ્રિસ્તી બન્યાં હતાં. આમ ઈશ્વરે તેઓની ‘શ્રદ્ધાને લીધે તેઓને નેક ઠરાવ્યા’ અને પવિત્ર શક્તિથી તેઓનો અભિષેક કર્યો. (રોમ. ૫:૧) હવે તેઓને એક જોરદાર ઇનામની આશા હતી અને એ ઇનામ જરૂર મળશે એવો ભરોસો હતો. પછીથી પાઉલે એફેસસના અભિષિક્ત ખ્રિસ્તીઓને પત્ર લખ્યો ત્યારે એ આશા વિશે જણાવ્યું. એ આશા ઈશ્વરે તેઓને આપી હતી. તેઓને એક ‘વારસો’ મળવાનો હતો, જે ‘પવિત્ર જનો’ માટે રાખવામાં આવ્યો હતો. (એફે. ૧:૧૮) પછી પાઉલે કોલોસીઓને પત્ર લખ્યો ત્યારે પણ જણાવ્યું કે તેઓને પોતાની આશાનું ઇનામ ક્યાં મળવાનું હતું. એ ‘ઇનામ સ્વર્ગમાં મળવાનું હતું.’ (કોલો. ૧:૪, ૫) તો અભિષિક્ત ખ્રિસ્તીઓને આશા છે કે તેઓને સ્વર્ગમાં અમર જીવન મળશે અને ત્યાં તેઓ ખ્રિસ્ત સાથે રાજ કરશે.—૧ થેસ્સા. ૪:૧૩-૧૭; પ્રકટી. ૨૦:૬. w૨૩.૧૨ ૯ ¶૪-૫
ગુરુવાર, નવેમ્બર ૨૭
‘જો એમ કરશો, તો ઈશ્વરની શાંતિ, જે આપણી સમજશક્તિની બહાર છે, તમારાં હૃદયનું અને મનનું રક્ષણ કરશે.’—ફિલિ. ૪:૭.
“રક્ષણ” માટે મૂળ ભાષામાં જે શબ્દ વપરાયો હતો, એ સૈનિકોને રજૂ કરતો હતો. એવા સૈનિકો, જેઓ શહેરનો ચોકીપહેરો રાખતા અને દુશ્મનોના હુમલાથી એનું રક્ષણ કરતા. એ શહેરના લોકો નિરાંતે સૂઈ શકતા. કેમ કે તેઓ જાણતા હતા કે તેઓનું રક્ષણ કરવા સૈનિકો ખડેપગે ઊભા છે. એવી જ રીતે, જ્યારે ઈશ્વરની શાંતિ આપણાં હૃદયનું અને મનનું રક્ષણ કરે છે, ત્યારે મન શાંત રહે છે. કેમ કે આપણે જાણીએ છીએ કે આપણે સલામત છીએ. (ગીત. ૪:૮) હાન્નાની જેમ જો આપણા સંજોગો તરત ન બદલાય, તોપણ આપણે શાંતિ અનુભવી શકીએ છીએ. (૧ શમુ. ૧:૧૬-૧૮) મન શાંત હોય ત્યારે સારી રીતે વિચારવું અને યોગ્ય નિર્ણયો લેવા સહેલું બની જાય છે. આપણે શું કરી શકીએ? જેમ શહેરના લોકો રક્ષણ માટે સૈનિકને બોલાવે, તેમ તમે મન શાંત કરવા યહોવાને બોલાવો. કેવી રીતે? ઈશ્વરની શાંતિ ન અનુભવો ત્યાં સુધી પ્રાર્થના કરો. (લૂક ૧૧:૯; ૧ થેસ્સા. ૫:૧૭) જો તમે પણ કોઈ કસોટીનો સામનો કરતા હો, તો યહોવાને સતત પ્રાર્થના કરો. (રોમ. ૧૨:૧૨) પછી તમે યહોવાની શાંતિ અનુભવશો, જે તમારાં હૃદયનું અને મનનું રક્ષણ કરે છે. w૨૪.૦૧ ૨૧ ¶૫-૬
શુક્રવાર, નવેમ્બર ૨૮
“હે સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.”—માથ. ૬:૯.
પોતાના પિતાનું નામ પવિત્ર મનાવવા ઈસુએ દરેક જાતનાં જુલમ, બદનામી અને જૂઠા આરોપોનો સામનો કર્યો. પણ એના લીધે તેમણે શરમ ન અનુભવી. કેમ કે તે જાણતા હતા કે તેમણે દરેક વાતમાં પોતાના પિતાનું કહ્યું કર્યું છે. (હિબ્રૂ. ૧૨:૨) તે એ પણ જાણતા હતા કે આ આકરી ઘડીઓમાં શેતાન તેમના પર સીધેસીધો હુમલો કરી રહ્યો છે. (લૂક ૨૨:૨-૪; ૨૩:૩૩, ૩૪) ઈસુની વફાદારી તોડવા શેતાને લાખ પ્રયત્નો કર્યાં. પણ તેના બધા પ્રયત્નો પર પાણી ફરી વળ્યું. ઈસુએ સાબિત કર્યું કે શેતાન સાવ જૂઠો છે અને યહોવાના ભક્તો અઘરામાં અઘરા સંજોગોમાં પણ તેમને વફાદાર રહી શકે છે. શું તમે તમારા રાજાનું દિલ ખુશ કરવા માંગો છો? તો યહોવાના નામની સ્તુતિ કરતા રહો અને બીજાઓને તેમના સુંદર ગુણો વિશે શીખવતા રહો. એમ કરીને તમે ઈસુના પગલે ચાલો છો. (૧ પિત. ૨:૨૧) ઈસુની જેમ તમે યહોવાનું દિલ ખુશ કરો છો અને સાબિત કરો છો કે યહોવાનો દુશ્મન શેતાન બેશરમ અને એકદમ જૂઠો છે. w૨૪.૦૨ ૧૧ ¶૧૧-૧૩
શનિવાર, નવેમ્બર ૨૯
“મારા પર કરેલા ઉપકારના બદલામાં હું યહોવાને શું આપું?”—ગીત. ૧૧૬:૧૨.
છેલ્લાં પાંચ વર્ષોમાં દસ લાખથી વધારે લોકો બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષીઓ બન્યા છે. સમર્પણ કરો છો ત્યારે તમે ઈસુ ખ્રિસ્તના શિષ્ય બનો છો અને યહોવાની ઇચ્છાને જીવનમાં પહેલી રાખશો એવો નિર્ણય લો છો. સમર્પણ કરવામાં શું સમાયેલું છે? ઈસુએ કહ્યું હતું: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે.” (માથ. ૧૬:૨૪) એનો અર્થ થાય કે સમર્પણ કર્યા પછી તમે એવી દરેક બાબતથી દૂર રહેશો, જે યહોવાની ઇચ્છા વિરુદ્ધ હોય. (૨ કોરીં. ૫:૧૪, ૧૫) એમાં ‘શરીરનાં કામોથી’ દૂર રહેવાનો સમાવેશ થાય છે, જેમ કે વ્યભિચાર જેવાં ગંદાં કામો. (ગલા. ૫:૧૯-૨૧; ૧ કોરીં. ૬:૧૮) શું એવી આજ્ઞાઓ પાળવાથી તમારું જીવન અઘરું થઈ જશે? જો તમે યહોવાને પ્રેમ કરો છો અને તમને ભરોસો છે કે તેમના કાયદા-કાનૂન તમારા ભલા માટે છે, તો તમને એવું નહિ લાગે.—ગીત. ૧૧૯:૯૭; યશા. ૪૮:૧૭, ૧૮. w૨૪.૦૩ ૨ ¶૧; ૩ ¶૪
રવિવાર, નવેમ્બર ૩૦
“મેં તને પસંદ કર્યો છે.”—લૂક ૩:૨૨.
યહોવા જેઓથી ખુશ છે, તેઓને તે પવિત્ર શક્તિ આપે છે. (માથ. ૧૨:૧૮) પોતાને પૂછો: ‘શું મારાં વાણી-વર્તનથી દેખાઈ આવે છે કે મેં પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણ કેળવ્યા છે?’ જેમ કે, શું તમે જોઈ શકો છો કે બાઇબલમાંથી શીખ્યા પછી તમે લોકો સાથે વધારે ધીરજથી વર્તો છો? સાચે જ, તમે જેમ જેમ પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણ કેળવતા જશો, તેમ તેમ તમને ખાતરી થતી જશે કે યહોવા તમારાથી ખુશ છે. યહોવા જેઓથી ખુશ છે, તેઓનાં પાપ ઈસુના બલિદાનના આધારે માફ કરે છે. (૧ તિમો. ૨:૫, ૬) બની શકે કે ઈસુના બલિદાનમાં શ્રદ્ધા મૂક્યા પછી અને બાપ્તિસ્મા લીધા પછી પણ આપણને લાગે કે યહોવા આપણાથી ખુશ નથી. એવા સમયે યાદ રાખીએ કે આપણે પોતાની લાગણીઓ પર ભરોસો નથી કરી શકતા, પણ યહોવા પર હંમેશાં ભરોસો કરી શકીએ છીએ. જેઓ ઈસુના બલિદાનમાં શ્રદ્ધા મૂકે છે, તેઓને યહોવા નેક ગણે છે અને આશીર્વાદો આપવાનું વચન આપે છે.—ગીત. ૫:૧૨; રોમ. ૩:૨૬. w૨૪.૦૩ ૩૦ ¶૧૫, ૧૭