એસ્તેર
૧ આ એ દિવસોની વાત છે, જ્યારે રાજા અહાશ્વેરોશ* હિન્દથી લઈને ઇથિયોપિયા* સુધી ૧૨૭ પ્રાંતો*+ પર રાજ કરતો હતો. ૨ એ સમયે રાજા અહાશ્વેરોશ શુશાન*+ કિલ્લાથી* રાજ કરતો હતો. ૩ તેણે પોતાના શાસનના ત્રીજા વર્ષે બધા રાજ્યપાલો અને અમલદારોને એક મોટી મિજબાની આપી. એ મિજબાનીમાં ઈરાનના*+ અને માદાયના+ લશ્કરી સેનાપતિઓ, અધિકારીઓ અને પ્રાંતોના રાજ્યપાલો હાજર હતા. ૪ રાજાએ તેઓ આગળ ૧૮૦ દિવસ સુધી પોતાના મહાન રાજ્યની જાહોજલાલી, એની ભવ્યતા અને એના દબદબાનું પ્રદર્શન કર્યું. ૫ એ દિવસો પૂરા થયા પછી, શુશાન કિલ્લામાં હાજર હતા એ નાના-મોટા સર્વ લોકો માટે રાજાએ એક મિજબાની રાખી. એ સાત દિવસ ચાલી. એ મિજબાની રાજાના મહેલના આંગણામાં રાખવામાં આવી હતી. ૬ આખું આંગણું કીમતી શણ, ઉત્તમ સુતરાઉ અને ભૂરા રંગના પડદાથી સજાવેલું હતું. આરસપહાણના થાંભલા પર ચાંદીની કડીઓ હતી. એ કડીઓમાં જાંબુડિયા રંગના ઊનની રસ્સી પરોવેલી હતી. એ રસ્સીથી પડદા થાંભલાએ બાંધેલા હતા. ત્યાંની ફરસ લાલ પથ્થરની, સફેદ અને કાળા આરસપહાણની હતી. એ ફરસ પર મોતી જડેલાં હતાં. એના પર સોના-ચાંદીના દીવાન હતા.
૭ એ મિજબાનીમાં સોનાના પ્યાલામાં* દ્રાક્ષદારૂ પીરસવામાં આવ્યો હતો. દરેક પ્યાલો એક એકથી ચઢિયાતો હતો. રાજાને શોભે એ રીતે ભરપૂર પ્રમાણમાં દ્રાક્ષદારૂ હતો. ૮ એ પ્રસંગે એવો નિયમ હતો કે, કોઈએ બીજાને દ્રાક્ષદારૂ પીવા બળજબરી કરવી નહિ.* રાજાએ મહેલના અધિકારીઓને ફરમાવ્યું હતું કે દરેકને પોતપોતાની મરજી પ્રમાણે પીવા દે.
૯ વાશ્તી રાણીએ+ પણ રાજા અહાશ્વેરોશના શાહી ભવનમાં* સ્ત્રીઓ માટે એક મિજબાની રાખી હતી.
૧૦ સાતમા દિવસે જ્યારે રાજાનું દિલ દ્રાક્ષદારૂ પીને ખુશ હતું, ત્યારે તેણે દરબારના સાત પ્રધાનોને બોલાવ્યા. તેઓનાં નામ આ છે: મહૂમાન, બિઝથા, હાર્બોના,+ બિગ્થા, અબાગ્થા, ઝેથાર અને કાર્કાસ. એ પ્રધાનો રાજા અહાશ્વેરોશની હજૂરમાં ઊભા રહેતા. રાજાએ તેઓને હુકમ કર્યો કે, ૧૧ વાશ્તી રાણીને મુગટ* પહેરાવીને રાજા સામે લાવવામાં આવે, જેથી લોકો અને રાજ્યપાલો તેની સુંદરતા જુએ, કેમ કે રાણી ખૂબ જ રૂપાળી હતી. ૧૨ દરબારના પ્રધાનોએ જ્યારે વાશ્તી રાણીને રાજાનો હુકમ જણાવ્યો, ત્યારે તેણે રાજા સામે આવવાની વારંવાર ના પાડી. એટલે રાજા ખૂબ ક્રોધે ભરાયો અને તેનું લોહી ઊકળી ઊઠ્યું.
૧૩ પછી રાજાએ જ્ઞાની માણસોની સલાહ લીધી. એ માણસો પાછલા સમયમાં બનેલી આવી ઘટનાઓ* વિશે જાણતા હતા.* (કેમ કે એ રીતે રાજા પોતાની મુશ્કેલી કાયદા અને વ્યવસ્થાના જાણકાર માણસો આગળ રજૂ કરતો હતો. ૧૪ તેઓમાંથી ઈરાન અને માદાયના આ સાત ઉચ્ચ અધિકારીઓ+ રાજાના નજીકના સલાહકાર હતા: કાર્શના, શેથાર, આદમાથા, તાર્શીશ, મેરેસ, માર્સના અને મમૂખાન. તેઓ રાજાની હજૂરમાં આવજા કરી શકતા હતા અને રાજ્યમાં ઊંચા હોદ્દા પર હતા.) ૧૫ રાજાએ તેઓને કહ્યું: “દરબારના પ્રધાનો વાશ્તી રાણી પાસે રાજા અહાશ્વેરોશનો હુકમ લઈને ગયા હતા, પણ તેણે એ માન્યો નહિ. તો હવે કાયદા પ્રમાણે વાશ્તી રાણી સામે કયાં પગલાં ભરવાં જોઈએ?”
૧૬ ત્યારે મમૂખાને રાજા અને ઉચ્ચ અધિકારીઓ આગળ કહ્યું: “વાશ્તી રાણીએ ફક્ત રાજાની વિરુદ્ધ જ નહિ,+ બધા રાજ્યપાલો અને રાજા અહાશ્વેરોશના સર્વ પ્રાંતોના બધા લોકો વિરુદ્ધ પણ ગુનો કર્યો છે. ૧૭ કેમ કે રાણીએ જે કર્યું છે એ વાત બધી સ્ત્રીઓમાં ફેલાઈ જશે. તેઓ પોતાના પતિઓને તુચ્છ ગણશે અને કહેશે, ‘રાજા અહાશ્વેરોશે વાશ્તી રાણીને પોતાની આગળ હાજર થવાનો હુકમ કર્યો, પણ તેણે જવાની ના પાડી દીધી.’ ૧૮ રાણીએ જે કર્યું એ વિશે ઈરાન અને માદાયના રાજ્યપાલોની પત્નીઓ સાંભળશે ત્યારે, તેઓ પણ પોતાના પતિઓ સાથે એવી જ રીતે વાત કરશે. આમ, ચારે બાજુ નફરત અને ગુસ્સો ભડકી ઊઠશે. ૧૯ જો રાજાને યોગ્ય લાગે, તો તે એક શાહી ફરમાન બહાર પાડે કે વાશ્તી રાણી ફરી કદી રાજા અહાશ્વેરોશની હજૂરમાં ન આવે. એ ફરમાન બદલી ન શકાય માટે એને ઈરાન અને માદાયના કાયદાઓમાં લખી લેવામાં આવે.+ પછી વાશ્તી રાણી કરતાં વધારે સારી સ્ત્રીને રાજા પસંદ કરે અને તેને રાણી બનાવે. ૨૦ જ્યારે રાજાનું ફરમાન તેમના આખા સામ્રાજ્યમાં જાહેર કરવામાં આવશે, ત્યારે બધી પત્નીઓ પોતાના પતિઓને માન આપશે, પછી ભલે પતિ ઊંચા પદે હોય કે સામાન્ય પદે.”
૨૧ મમૂખાનની એ સલાહ રાજાને અને રાજ્યપાલોને સારી લાગી અને રાજાએ એ પ્રમાણે જ કર્યું. ૨૨ રાજાએ રાજ્યના બધા પ્રાંતોમાં દરેક પ્રાંતની લિપિ અને દરેક લોકોની ભાષા પ્રમાણે પત્રો મોકલ્યા.+ એ પત્રમાં જણાવ્યું હતું કે દરેક ઘરમાં પતિનો જ અધિકાર ચાલવો જોઈએ અને તેના લોકોની જ ભાષામાં વાતચીત થવી જોઈએ.*
૨ એ બધું થયા પછી રાજા અહાશ્વેરોશનો+ ગુસ્સો શાંત પડ્યો. તેણે યાદ કર્યું કે વાશ્તીએ શું કર્યું હતું+ અને તેની વિરુદ્ધ કેવાં પગલાં ભરવામાં આવ્યાં હતાં.+ ૨ પછી રાજાના ખાસ સેવકોએ કહ્યું: “રાજા માટે સુંદર અને કુંવારી યુવતીઓ શોધવામાં આવે. ૩ એ કામ માટે રાજા પોતાના સામ્રાજ્યના સર્વ પ્રાંતોમાં અધિકારીઓ નીમે.+ તેઓ બધી સુંદર યુવતીઓને શુશાન કિલ્લાના જનાનખાનામાં* લઈ આવે. તેઓને રાજાના ખોજા* હેગેની+ દેખરેખ હેઠળ રાખવામાં આવે, જે સ્ત્રીઓનો રખેવાળ છે. ત્યાં તેઓનું સૌંદર્ય નિખારવા માવજત* કરવામાં આવે. ૪ એ યુવતીઓમાંથી રાજાને જે સૌથી વધારે પસંદ પડે તેને વાશ્તીની જગ્યાએ રાણી બનાવવામાં આવે.”+ રાજાને એ વાત ગમી ગઈ અને તેણે એવું જ કર્યું.
૫ હવે શુશાન+ કિલ્લામાં મોર્દખાય+ નામે એક યહૂદી માણસ હતો. તે યાઈરનો દીકરો હતો; યાઈર શિમઈનો દીકરો હતો અને શિમઈ કીશનો દીકરો હતો, જે બિન્યામીન કુળનો+ હતો. ૬ બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદાના રાજા યખોન્યા*+ સાથે અમુક લોકોને યરૂશાલેમથી ગુલામ* બનાવીને લાવ્યો હતો. તેઓમાં તે* પણ હતો. ૭ મોર્દખાયે પોતાના કાકાની દીકરી હદાસ્સાહને,* એટલે કે એસ્તેરને ઉછેરીને મોટી કરી હતી,+ કેમ કે તે અનાથ હતી. તે શરીરે સુડોળ અને દેખાવે રૂપાળી હતી. તેનાં માતા-પિતાના મરણ પછી મોર્દખાયે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી. ૮ રાજાનો નિયમ અને ફરમાન બહાર પડ્યાં પછી ઘણી યુવતીઓને શુશાન કિલ્લામાં લાવીને હેગેની દેખરેખ નીચે રાખવામાં આવી.+ એસ્તેરને પણ રાજાના મહેલમાં* લઈ જઈને સ્ત્રીઓના રખેવાળ હેગેની દેખરેખ નીચે રાખવામાં આવી.
૯ હેગે એસ્તેરથી બહુ ખુશ હતો અને તેના પર મહેરબાન* હતો. તેણે તરત જ એસ્તેરનું સૌંદર્ય નિખારવાની*+ અને તેના ખોરાકનું ધ્યાન રાખવાની ગોઠવણ કરી. તેણે રાજાના મહેલમાંથી સાત દાસીઓને એસ્તેરની સેવા માટે ઠરાવી. તેણે એસ્તેરને અને તેની દાસીઓને જનાનખાનાની સૌથી સારી જગ્યામાં રાખી. ૧૦ એસ્તેરે પોતાના લોકો કે સગાં-વહાલાં વિશે કંઈ જણાવ્યું નહિ,+ કેમ કે મોર્દખાયે+ તેને એમ કરવાની ના પાડી હતી.+ ૧૧ મોર્દખાય જનાનખાનાના આંગણા પાસે દરરોજ આવજા કરતો, જેથી એસ્તેરના હાલચાલ જાણી શકે અને તેની સાથે શું થઈ રહ્યું છે એની પણ ખબર પડે.
૧૨ દરેક યુવતી વારાફરતી રાજા અહાશ્વેરોશ પાસે જતી. તેનો વારો આવે એ પહેલાં તેને છ મહિના બોળના* તેલથી+ માલિશ કરવામાં આવતી. પછીના છ મહિના સુગંધી તેલ*+ અને બીજા સૌંદર્ય પ્રસાધનોનો* ઉપયોગ કરવામાં આવતો. આમ ૧૨ મહિના તેની માવજત કરવામાં આવતી. ૧૩ પછી રાજા પાસે જવા તે યુવતી તૈયાર ગણાતી. તે યુવતી જનાનખાનામાંથી રાજાના મહેલમાં જતી ત્યારે, તે જે કંઈ માંગે એ તેને આપવામાં આવતું. ૧૪ સાંજે તે રાજાના મહેલમાં જતી અને સવારે બીજા જનાનખાનામાં પાછી ફરતી. એની સંભાળ રાજાનો ખોજો શાઆશ્ગાઝ રાખતો હતો,+ જે રાજાની ઉપપત્નીઓનો રખેવાળ હતો. જો રાજા એ યુવતીથી ખુશ હોય અને તેને નામ લઈને ફરી બોલાવે, તો જ તે રાજા પાસે પાછી જઈ શકતી, એ સિવાય નહિ.+
૧૫ હવે એસ્તેરનો વારો આવ્યો, જે મોર્દખાયના કાકા અબીહાઈલની દીકરી હતી. મોર્દખાયે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી.+ સ્ત્રીઓનો રખેવાળ ખોજો હેગે જે કંઈ આપતો હતો, એ સિવાય એસ્તેરે બીજું કંઈ જ માંગ્યું નહિ. (તે જેની પણ નજરે પડતી, એ સૌનું દિલ જીતી લેતી.) ૧૬ રાજા અહાશ્વેરોશના શાસનના સાતમા વર્ષના+ દસમા મહિને, એટલે કે, ટેબેથ* મહિનામાં, એસ્તેરને મહેલમાં* રાજા પાસે લઈ જવામાં આવી. ૧૭ એસ્તેરે રાજાનું દિલ જીતી લીધું. રાજા બીજી સ્ત્રીઓ કરતાં એસ્તેરને વધારે પ્રેમ કરવા લાગ્યો. બીજી બધી યુવતીઓ કરતાં તે એસ્તેર પર વધારે મહેરબાન હતો.* એટલે તેણે એસ્તેરને મુગટ* પહેરાવ્યો અને વાશ્તીની જગ્યાએ તેને રાણી બનાવી.+ ૧૮ પછી એસ્તેરના માનમાં રાજાએ પોતાના બધા રાજ્યપાલો અને અમલદારો માટે મિજબાની રાખી. રાજાએ પોતાને શોભે એવી ભેટો બધાને આપી. તેણે બધા પ્રાંતોમાં જાહેર કરાવ્યું કે સર્વ કેદીઓને છોડી મૂકવામાં આવે.*
૧૯ હવે બધી યુવતીઓને*+ બીજી વાર ભેગી કરવામાં આવી ત્યારે, મોર્દખાય મહેલના પ્રવેશદ્વાર આગળ બેઠો હતો. ૨૦ એસ્તેરે પોતાનાં સગાં-વહાલાં કે લોકો વિશે કોઈને કંઈ જણાવ્યું ન હતું,+ જેમ મોર્દખાયે તેને સૂચના આપી હતી. એસ્તેર જેમ મોર્દખાયના ઘરમાં તેનું કહેવું માનતી હતી, તેમ હાલમાં પણ તેનું માનતી રહી.+
૨૧ મોર્દખાય મહેલના પ્રવેશદ્વાર આગળ પોતાની ફરજ બજાવતો હતો. એ સમયે રાજાના દરબારીઓમાંથી બે દરવાનો બિગ્થાન અને તેરેશ ગુસ્સે ભરાયા અને તેઓએ રાજા અહાશ્વેરોશને મારી નાખવાનું* કાવતરું ઘડ્યું. ૨૨ મોર્દખાયને એની જાણ થઈ ત્યારે તેણે તરત એ વિશે એસ્તેર રાણીને જણાવ્યું. એસ્તેરે મોર્દખાયનું નામ લઈને* રાજા સાથે વાત કરી. ૨૩ એની તપાસ કરવામાં આવી ત્યારે, એ વાત સાચી નીકળી. પેલા બંને માણસોને થાંભલા* પર લટકાવી દેવામાં આવ્યા. એ આખો બનાવ રાજાની હજૂરમાં એ સમયના ઇતિહાસના પુસ્તકમાં લખવામાં આવ્યો.+
૩ થોડા સમય પછી, રાજા અહાશ્વેરોશે અગાગી+ હામ્મદાથાના દીકરા હામાનને+ ઊંચી પદવી આપી. હામાનને તેની સાથેના બીજા બધા રાજ્યપાલો કરતાં સૌથી ઊંચો હોદ્દો આપ્યો.+ ૨ મહેલના પ્રવેશદ્વારે બેસતા રાજાના બધા સેવકો હામાનને નમન કરતા અને ઘૂંટણિયે પડતા, કેમ કે રાજાએ એવો હુકમ આપ્યો હતો. પણ મોર્દખાયે નમન કરવાની કે ઘૂંટણિયે પડવાની ના પાડી દીધી. ૩ મહેલના પ્રવેશદ્વારે બેસતા રાજાના સેવકોએ મોર્દખાયને પૂછ્યું: “તું રાજાનો હુકમ કેમ પાળતો નથી?” ૪ તેઓ રોજ મોર્દખાયને એ સવાલ પૂછતા, પણ તે તેઓનું સાંભળતો નહિ. પછી તેઓએ એ વિશે હામાનને ખબર આપી. મોર્દખાયે તેઓને જણાવ્યું હતું કે પોતે યહૂદી છે,+ એટલે તેઓ જોવા માંગતા હતા કે મોર્દખાયનું આવું વર્તન ચલાવી લેવામાં આવશે કે નહિ.+
૫ હામાને જોયું કે મોર્દખાય તેને નમન કરવાની અને ઘૂંટણિયે પડવાની ના પાડે છે. એટલે તે ગુસ્સાથી લાલપીળો થઈ ગયો.+ ૬ પણ એકલા મોર્દખાયને મારી નાખવો* હામાનને મામૂલી કામ લાગ્યું, કેમ કે તેઓએ તેને મોર્દખાયના લોકો વિશે પણ જણાવ્યું હતું. હામાન અહાશ્વેરોશના આખા સામ્રાજ્યમાંથી મોર્દખાયના બધા લોકોનું, એટલે કે સર્વ યહૂદીઓનું નામનિશાન મિટાવી દેવાની તક શોધવા લાગ્યો.
૭ રાજા અહાશ્વેરોશના શાસનના ૧૨મા વર્ષના પહેલા મહિનામાં,+ એટલે કે, નીસાન* મહિનામાં હામાન આગળ પૂર+ (એટલે કે, ચિઠ્ઠી*) નાખવામાં આવી. કયા દિવસે અને કયા મહિને એ યોજના પાર પાડવી એ નક્કી કરવા ચિઠ્ઠી નાખવામાં આવી. ચિઠ્ઠી ૧૨મા મહિનાની, એટલે કે, અદાર* મહિનાની નીકળી.+ ૮ હામાને રાજા અહાશ્વેરોશને કહ્યું: “તમારા સામ્રાજ્યના બધા પ્રાંતોમાં+ એક એવી પ્રજા ફેલાયેલી છે,+ જેના નિયમો બીજા બધા લોકો કરતાં અલગ છે. એ પ્રજાના લોકો રાજાના નિયમો પાળતા નથી. તેઓને ચલાવી લેવા રાજાના હિતમાં નથી. ૯ રાજાને ઠીક લાગે તો તેઓનો નાશ કરવાનું ફરમાન બહાર પાડવામાં આવે. હું અધિકારીઓને ૧૦,૦૦૦ તાલંત* ચાંદી આપીશ, જેથી તેઓ શાહી ખજાનામાં એને જમા કરી શકે.”*
૧૦ એ સાંભળીને રાજાએ પોતાના હાથમાંથી વીંટી* કાઢી+ અને અગાગી+ હામ્મદાથાના દીકરા હામાનને આપી,+ જે યહૂદીઓનો દુશ્મન હતો. ૧૧ રાજાએ હામાનને કહ્યું: “જા, એ લોકો અને તેઓની ચાંદી* હું તને આપું છું. તને જે ઠીક લાગે એ કર.” ૧૨ પછી પહેલા મહિનાના ૧૩મા દિવસે રાજાના શાસ્ત્રીઓને*+ બોલાવવામાં આવ્યા. તેઓએ રાજાના સૂબાઓ,* પ્રાંતોના રાજ્યપાલો અને લોકોના અધિકારીઓ* માટે હામાનના બધા હુકમો લખ્યા.+ એ હુકમો દરેક પ્રાંતની લિપિમાં અને બધા લોકોની ભાષામાં હતા. એ હુકમો રાજા અહાશ્વેરોશના નામે લખાયા હતા અને એના પર રાજાની વીંટીથી મહોર* કરવામાં આવી હતી.+
૧૩ એ પત્રો રાજાના બધા પ્રાંતોમાં સંદેશવાહકો દ્વારા મોકલવામાં આવ્યા. એમાં જણાવ્યું હતું કે ૧૨મા મહિનાની, એટલે કે, અદાર મહિનાની ૧૩મી તારીખે એક જ દિવસમાં બધા યહૂદી યુવાનો, વૃદ્ધો, બાળકો અને સ્ત્રીઓનો વિનાશ કરવો.+ તેઓને કતલ કરીને મારી નાખવા અને તેઓની માલ-મિલકત લૂંટી લેવી.+ ૧૪ એ પત્રોમાં લખેલો એકેએક શબ્દ દરેક પ્રાંતમાં નિયમ તરીકે અમલમાં આવવાનો હતો અને બધા લોકો આગળ એ જાહેર કરવાનો હતો, જેથી લોકો એ દિવસ માટે તૈયાર રહે. ૧૫ રાજાનો આદેશ મળતાં જ સંદેશવાહકો ફરમાન લઈને નીકળી પડ્યા.+ શુશાન+ કિલ્લામાં એ નિયમ જાહેર કરવામાં આવ્યો. રાજા અને હામાન દ્રાક્ષદારૂ પીવા બેઠા, પણ આખા શુશાન શહેરમાં હાહાકાર મચી ગયો.
૪ મોર્દખાયને+ એ બધાની જાણ થઈ ત્યારે,+ તેણે પોતાનાં કપડાં ફાડ્યાં* અને કંતાન પહેર્યું અને પોતાના પર રાખ નાખી. તે શહેરની વચ્ચોવચ ગયો અને ખૂબ દુઃખી થઈને મોટેથી રડવા લાગ્યો. ૨ તે રાજાના મહેલના પ્રવેશદ્વાર સુધી ગયો, કેમ કે કંતાન પહેરીને અંદર જવાની કોઈને પરવાનગી ન હતી. ૩ દરેક પ્રાંતમાં+ જ્યાં જ્યાં રાજાનો હુકમ અને ફરમાન જાહેર થયાં, ત્યાં ત્યાં યહૂદીઓએ શોક પાળ્યો. તેઓએ ઉપવાસ કર્યો,+ ખૂબ રડ્યા અને ભારે વિલાપ કર્યો. ઘણા લોકો કંતાન અને રાખ પાથરીને એના પર સૂઈ ગયા.+ ૪ એસ્તેરની દાસીઓએ અને તેના ખોજાઓએ આવીને તેને એ બધું જણાવ્યું. એ સાંભળીને રાણી ખૂબ દુઃખી થઈ ગઈ. તેણે મોર્દખાય માટે કપડાં મોકલ્યાં, જેથી તે કંતાન ઉતારીને કપડાં પહેરે. પણ મોર્દખાયે એ પહેરવાની ના પાડી દીધી. ૫ ત્યારે એસ્તેરે રાજાના એક ખોજા હથાકને બોલાવ્યો, જેને રાજાએ એસ્તેરની સેવા માટે ઠરાવ્યો હતો. એસ્તેરે તેને હુકમ આપ્યો કે તે મોર્દખાય પાસે જાય અને જાણી લાવે કે શું બન્યું છે.
૬ હથાક નીકળીને શહેરના ચોકમાં મોર્દખાય પાસે ગયો, જે મહેલના પ્રવેશદ્વાર આગળ હતો. ૭ મોર્દખાયે પોતાના પર જે આવી પડ્યું હતું, એ બધું જ તેને જણાવ્યું. એ પણ જણાવ્યું કે હામાને યહૂદીઓનો નાશ કરવા રાજાના ખજાનામાં રકમ+ આપવાનું વચન આપ્યું છે.+ ૮ તેણે યહૂદીઓનો નાશ કરવા શુશાનમાં જાહેર થયેલા ફરમાનની નકલ પણ હથાકને આપી.+ હથાકે એ નકલ એસ્તેરને બતાવવાની હતી અને પરિસ્થિતિ સમજાવવાની હતી.+ તેણે એસ્તેરને સલાહ આપવાની હતી કે તે રાજાની હજૂરમાં રૂબરૂ જાય અને પોતાના લોકો વતી રાજા પાસે દયાની ભીખ માંગે.
૯ હથાકે પાછા આવીને એસ્તેરને એ બધું જણાવ્યું જે મોર્દખાયે તેને કહ્યું હતું. ૧૦ એસ્તેરે હથાક સાથે મોર્દખાયને+ આ સંદેશો મોકલ્યો: ૧૧ “રાજાના બધા સેવકો અને તેમના પ્રાંતોના સર્વ લોકો સારી રીતે જાણે છે કે, જો રાજાના બોલાવ્યા વગર કોઈ સ્ત્રી કે પુરુષ રાજાના અંદરના આંગણામાં જાય,+ તો તેના માટે આ એક જ નિયમ છે: તેને મારી નાખવામાં આવે; જો રાજા તેની સામે પોતાનો સોનાનો રાજદંડ ધરે,+ તો જ તે જીવતો રહે. અને આ ૩૦ દિવસથી રાજાએ મને બોલાવી પણ નથી.”
૧૨ મોર્દખાયને એસ્તેરનો સંદેશો આપવામાં આવ્યો ત્યારે, ૧૩ તેણે એસ્તેરને જવાબ આપ્યો: “એવું ન વિચારતી કે રાજાના ઘરમાં હોવાથી તું એકલી જ બધા યહૂદીઓમાંથી બચી જઈશ. ૧૪ જો તું આ સમયે ચૂપ રહીશ, તો યહૂદીઓને મદદ અને છુટકારો તો બીજે ક્યાંકથી મળી જશે,+ પણ તારો અને તારા પિતાના કુટુંબનો* નાશ થઈ જશે. કોને ખબર, આ સમય માટે જ તને રાણી બનાવવામાં આવી હોય?”+
૧૫ એસ્તેરે મોર્દખાયને સંદેશો મોકલ્યો: ૧૬ “જાઓ, શુશાનના બધા યહૂદીઓને ભેગા કરો અને મારા માટે ઉપવાસ કરો.+ ત્રણ દિવસ સુધી રાત-દિવસ કંઈ જ ખાશો કે પીશો નહિ.+ હું પણ મારી દાસીઓ સાથે ઉપવાસ કરીશ. ત્યાર બાદ હું રાજાની હજૂરમાં જઈશ, પછી ભલે એ નિયમ વિરુદ્ધ હોય. જો મારો નાશ થાય, તો ભલે થાય.” ૧૭ પછી મોર્દખાય ત્યાંથી નીકળીને પોતાના રસ્તે ગયો અને એસ્તેરના કહ્યા પ્રમાણે બધું કર્યું.
૫ ત્રીજે દિવસે+ એસ્તેરે પોતાનો શાહી પોશાક પહેર્યો. તે અંદરના આંગણામાં આવીને રાજાના મહેલની* સામે ઊભી રહી. રાજા પોતાના મહેલમાં* રાજગાદી પર બેઠો હતો. એ મહેલ પ્રવેશદ્વારની સામે હતો. ૨ એસ્તેર રાણીને આંગણામાં ઊભેલી જોઈને રાજા ખુશ થઈ ગયો. રાજાએ પોતાના હાથમાં જે સોનાનો રાજદંડ હતો, એ એસ્તેર સામે ધર્યો.+ તે નજીક આવી અને રાજદંડની ટોચને અડકી.
૩ રાજાએ એસ્તેરને પૂછ્યું: “એસ્તેર રાણી, બોલ, શું થયું? તારી શી વિનંતી છે? જો તું મારું અડધું રાજ્ય માંગે, તો એ પણ હું તને આપીશ!” ૪ એસ્તેરે કહ્યું: “મેં આજે રાજા માટે એક મિજબાની રાખી છે. જો રાજાને ઠીક લાગે, તો તે અને હામાન+ એ મિજબાનીમાં આવે.” ૫ રાજાએ પોતાના ચાકરોને કહ્યું: “હામાનને જલદી બોલાવી લાવો. એસ્તેરના કહ્યા પ્રમાણે કરો.” પછી રાજા અને હામાન એસ્તેરે રાખેલી મિજબાનીમાં ગયા.
૬ દ્રાક્ષદારૂની મિજબાની વખતે રાજાએ એસ્તેરને પૂછ્યું: “બોલ, તારી શી અરજ છે? એ પ્રમાણે તને આપવામાં આવશે. તારી શી વિનંતી છે? જો તું મારું અડધું રાજ્ય માંગે, તો એ પણ હું તને આપીશ!”+ ૭ એસ્તેરે કહ્યું: “મારી આટલી જ અરજ છે, ૮ જો રાજા મારાથી ખુશ હોય અને મારી અરજ પૂરી કરવા, મારી વિનંતી પ્રમાણે કરવા રાજી હોય, તો રાજા અને હામાન કાલે પણ મારી મિજબાનીમાં આવે. હું કાલે મારી વિનંતી રાજાને જણાવીશ.”
૯ એ દિવસે હામાન બહાર નીકળ્યો ત્યારે ખુશખુશાલ હતો. તેના દિલમાં ખુશી સમાતી ન હતી. તેણે મહેલના પ્રવેશદ્વારે મોર્દખાયને જોયો. હામાનને જોઈને તે ઊભો થયો નહિ કે તેનાથી જરાય ગભરાયો નહિ. એટલે હામાનનો ગુસ્સો તેના પર સળગી ઊઠ્યો.+ ૧૦ પણ હામાન ગમ ખાઈ ગયો અને પોતાના ઘરે જતો રહ્યો. તેણે પોતાના મિત્રોને અને પોતાની પત્ની ઝેરેશને+ બોલાવ્યાં. ૧૧ હામાને તેઓ આગળ પોતાની માલ-મિલકત અને પોતાના ઘણા દીકરાઓ+ વિશે બડાઈ હાંકી. રાજાએ કઈ રીતે તેને ઊંચો હોદ્દો આપ્યો તથા બીજા રાજ્યપાલો અને અમલદારો કરતાં વધારે માન-મોભો આપ્યો એની પણ ડંફાસ મારી.+
૧૨ હામાને કહ્યું: “અરે, એસ્તેર રાણીએ મિજબાનીમાં રાજા સાથે બીજા કોઈને નહિ, ફક્ત મને જ બોલાવ્યો હતો!+ તેમણે કાલે પણ મને રાજા સાથે મિજબાનીમાં બોલાવ્યો છે.+ ૧૩ પણ જ્યાં સુધી હું પેલા યહૂદી મોર્દખાયને મહેલના પ્રવેશદ્વારે બેઠેલો જોઈશ, ત્યાં સુધી આ બધું મારા માટે નકામું છે.” ૧૪ ત્યારે તેની પત્ની ઝેરેશે અને તેના બધા મિત્રોએ તેને કહ્યું: “૫૦ હાથ* ઊંચો એક થાંભલો ઊભો કરાવો. સવારે રાજાને કહેજો કે એના પર મોર્દખાયને લટકાવી દે.+ પછી તમે ખુશી ખુશી રાજા સાથે મિજબાનીમાં જજો.” એ સલાહ હામાનને સારી લાગી અને તેણે એક થાંભલો ઊભો કરાવ્યો.
૬ એ રાતે રાજા ઊંઘી ન શક્યો.* તેણે એ સમયના ઇતિહાસનું પુસ્તક મંગાવ્યું.+ રાજા આગળ એમાંથી વાંચવામાં આવ્યું. ૨ એમાં લખ્યું હતું કે, રાજાના દરબારીઓમાંથી બે દરવાનો બિગ્થાન અને તેરેશે, રાજા અહાશ્વેરોશને મારી નાખવાનું* કાવતરું ઘડ્યું હતું અને મોર્દખાયે એની ખબર આપી હતી.+ ૩ રાજાએ પૂછ્યું: “શું એ માટે મોર્દખાયને કોઈ સન્માન કે ઇનામ આપવામાં આવ્યું છે?” રાજાના ખાસ સેવકોએ કહ્યું: “મોર્દખાય માટે કશું જ કરવામાં આવ્યું નથી.”
૪ પછી રાજાએ પૂછ્યું: “આંગણામાં કોણ છે?” હવે રાજાના મહેલના* બહારના આંગણામાં+ હામાન આવ્યો હતો. તેણે જે થાંભલો ઊભો કરાવ્યો હતો એના પર મોર્દખાયને લટકાવવા તે રાજા સાથે વાત કરવા માંગતો હતો.+ ૫ રાજાના સેવકોએ કહ્યું: “આંગણામાં હામાન+ છે.” રાજાએ કહ્યું: “તેને અંદર આવવા દો.”
૬ હામાન અંદર આવ્યો ત્યારે રાજાએ તેને પૂછ્યું: “રાજા જેનું સન્માન કરવા ચાહતો હોય એ માણસ માટે શું કરવું જોઈએ?” હામાને મનમાં વિચાર્યું: “મારા સિવાય બીજું કોણ હોય શકે, જેનું રાજા સન્માન કરવા ચાહે છે?”+ ૭ તેણે રાજાને કહ્યું: “રાજા જે માણસનું સન્માન કરવા ચાહતા હોય, ૮ તેના માટે રાજાનો શાહી પોશાક+ અને રાજા સવારી કરે છે એ ઘોડો લાવવામાં આવે. ઘોડાનું માથું શાહી મુગટથી શણગારવામાં આવે. ૯ રાજાના એક ઉચ્ચ અધિકારીને એ પોશાક અને ઘોડો સોંપવામાં આવે. રાજા જેનું સન્માન કરવા ચાહે છે, એ માણસને સેવકો શાહી પોશાક પહેરાવે અને તેને ઘોડા પર બેસાડીને શહેરના ચોકમાં ફેરવે. તેની આગળ તેઓ પોકાર કરે: ‘રાજા જેનું સન્માન કરવા ચાહે છે, તેને આવું જ માન આપવામાં આવે છે.’”+ ૧૦ રાજાએ હામાનને કહ્યું: “જલદી જા! પોશાક અને ઘોડો લે. તેં જે કહ્યું છે એ પ્રમાણે જ યહૂદી મોર્દખાયને કર, જે મહેલના પ્રવેશદ્વારે બેસે છે. તેં જે કહ્યું છે, એમાંથી કશું જ બાકી રાખતો નહિ.”
૧૧ તેથી હામાને ઘોડો અને શાહી પોશાક લીધા. તેણે એ પોશાક મોર્દખાયને+ પહેરાવ્યો અને તેને ઘોડા પર બેસાડીને શહેરના ચોકમાં ફેરવ્યો. તેણે મોર્દખાય આગળ પોકાર કર્યો: “રાજા જેનું સન્માન કરવા ચાહે છે, તેને આવું જ માન આપવામાં આવે છે.” ૧૨ પછી મોર્દખાય મહેલના પ્રવેશદ્વારે પાછો ગયો, પણ હામાન પોતાનું માથું ઢાંકીને નિસાસા નાખતો નાખતો ઉતાવળે પોતાના ઘરે ચાલ્યો ગયો. ૧૩ હામાને પોતાની સાથે જે બન્યું હતું, એ બધું જ પોતાની પત્ની ઝેરેશ+ અને મિત્રોને કહી સંભળાવ્યું. તેના સલાહકારોએ* અને તેની પત્ની ઝેરેશે કહ્યું: “જે મોર્દખાય આગળ તમારી પડતી થવા લાગી છે, તે જો યહૂદી વંશનો હોય, તો તમે તેની સામે જીતી નહિ શકો. તમારી હાર નક્કી છે.”
૧૪ તેઓ તેની સાથે વાત કરતા હતા એવામાં રાજાના પ્રધાનો આવ્યા અને એસ્તેરે તૈયાર કરેલી મિજબાનીમાં હામાનને ઉતાવળે લઈ ગયા.+
૭ રાણી એસ્તેરે તૈયાર કરેલી મિજબાનીમાં રાજા અને હામાન+ આવ્યા. ૨ આ બીજી મિજબાની વખતે દ્રાક્ષદારૂ પીરસવામાં આવ્યો ત્યારે* રાજાએ ફરીથી એસ્તેરને પૂછ્યું: “એસ્તેર રાણી, બોલ, તારી શી અરજ છે? એ પૂરી કરવામાં આવશે. તારી શી વિનંતી છે? જો તું મારું અડધું રાજ્ય માંગે, તો એ પણ હું તને આપીશ!”+ ૩ રાણી એસ્તેરે જવાબ આપ્યો: “હે રાજા, જો હું તમારી નજરમાં કૃપા પામી હોઉં, તો મારી અરજ છે કે મારો જીવ બચાવવામાં આવે અને મારી વિનંતી છે કે મારા લોકોને+ જીવતદાન આપવામાં આવે. ૪ મારો અને મારા લોકોનો વિનાશ કરવા, અમારી કતલ કરવા અને અમને મારી નાખવા વેચી દેવામાં આવ્યા છે.+ જો અમને દાસ-દાસીઓ તરીકે વેચી દેવામાં આવ્યાં હોત, તો હું ચૂપ રહી હોત. પણ અમારા પર આવનાર આફતથી, હે રાજા, તમને પણ નુકસાન થશે.”
૫ રાજા અહાશ્વેરોશે રાણી એસ્તેરને કહ્યું: “આવું દુષ્ટ કામ કરવાની હિંમત કોણે કરી? ક્યાં છે એ માણસ?” ૬ એસ્તેરે કહ્યું: “એ વેરી અને દુશ્મન તો આ દુષ્ટ હામાન છે!”
એ સાંભળતાં જ હામાન તેઓની સામે ધ્રૂજવા લાગ્યો. ૭ રાજાનો ગુસ્સો સળગી ઊઠ્યો. તે દ્રાક્ષદારૂની મિજબાની છોડીને મહેલના બાગમાં જતો રહ્યો. પણ હામાન ઊભો થયો અને એસ્તેર રાણી આગળ પોતાના જીવની ભીખ માંગવા લાગ્યો. તે સમજી ગયો કે હવે રાજા તેને નહિ છોડે, તેનું આવી બન્યું છે. ૮ રાજા મહેલના બાગમાંથી મિજબાનીના ભવનમાં પાછો ફર્યો. તેણે જોયું કે એસ્તેર આડી પડી હતી એ દીવાન પર હામાન દયાની ભીખ માંગતો ઊંધો પડ્યો હતો. રાજાએ મોટેથી બૂમ પાડીને કહ્યું: “શું તે હવે મારા જ ઘરમાં મારી રાણી પર બળાત્કાર કરશે?” રાજાના મોંમાંથી એ શબ્દો નીકળતાં જ ચાકરોએ હામાનનું મોં ઢાંકી દીધું. ૯ રાજાના દરબારમાં હાર્બોના+ નામે એક પ્રધાન હતો. તેણે કહ્યું: “જે મોર્દખાયની ખબરને લીધે રાજાનો જીવ બચ્યો હતો,+ તેના માટે હામાને ૫૦ હાથ* ઊંચો એક થાંભલો ઊભો કર્યો છે.+ એ થાંભલો હામાનના ઘરની નજીક છે.” રાજાએ કહ્યું: “એ જ થાંભલા પર હામાનને લટકાવી દો.” ૧૦ તેઓએ હામાનને એ જ થાંભલા પર લટકાવી દીધો, જે તેણે મોર્દખાય માટે ઊભો કર્યો હતો. આખરે રાજાનો ગુસ્સો શમી ગયો.
૮ એ જ દિવસે રાજા અહાશ્વેરોશે યહૂદીઓના દુશ્મન+ હામાનની+ બધી માલ-મિલકત રાણી એસ્તેરને આપી દીધી. એસ્તેરે રાજાને જણાવ્યું હતું કે મોર્દખાય તેનો સગો છે.+ એટલે મોર્દખાય આવીને રાજાની હજૂરમાં ઊભો રહ્યો. ૨ રાજાએ હામાન પાસેથી જે વીંટી*+ પાછી લઈ લીધી હતી, એ વીંટી કાઢીને મોર્દખાયને આપી. એસ્તેરે મોર્દખાયને હામાનની માલ-મિલકતનો ઉપરી બનાવ્યો.+
૩ એસ્તેરે ફરી રાજા સાથે વાત કરી. તે રાજાના પગે પડી અને રડીને કાલાવાલા કરવા લાગી. તેણે અરજ કરી કે અગાગી હામાને યહૂદીઓ વિરુદ્ધ ઘડેલું કાવતરું રદ કરવામાં આવે.+ ૪ રાજાએ એસ્તેર તરફ સોનાનો રાજદંડ ધર્યો.+ એટલે એસ્તેર ઊભી થઈને રાજા આગળ આવી. ૫ તેણે કહ્યું: “જો રાજાને સારું લાગે અને જો હું રાજાની નજરમાં કૃપા પામી હોઉં, તો મારી વિનંતી સાંભળવામાં આવે. જો રાજા મારા પર પ્રસન્ન હોય અને રાજાને ઠીક લાગે, તો એક હુકમ બહાર પાડવામાં આવે. એવો હુકમ જેનાથી અગાગી+ હામ્મદાથાના દીકરા હામાને બહાર પાડેલું ફરમાન રદ થાય.+ એ કાવતરાખોર હામાને રાજાના પ્રાંતોમાં રહેતા યહૂદીઓનો વિનાશ કરવાનું ફરમાન બહાર પાડ્યું છે. ૬ મારા લોકો પર આ મોટી આફત આવવાની છે, તો હું કઈ રીતે ચૂપ રહી શકું? હું મારી જ આંખો સામે મારાં સગાઓનો વિનાશ થતાં કઈ રીતે જોઈ શકું?”
૭ રાજા અહાશ્વેરોશે રાણી એસ્તેર અને યહૂદી મોર્દખાયને કહ્યું: “જુઓ! મેં હામાનની માલ-મિલકત એસ્તેરને આપી છે.+ હામાનને થાંભલા પર લટકાવવામાં આવ્યો છે,+ કેમ કે યહૂદીઓ પર હુમલો કરવા તેણે કાવતરું ઘડ્યું હતું.* ૮ હવે તમને યોગ્ય લાગે એ પ્રમાણે યહૂદીઓ માટે રાજાના નામથી એક ફરમાન લખો અને એના પર રાજાની વીંટીથી મહોર કરો, કેમ કે રાજાના નામે લખાયેલું અને રાજાની વીંટીથી મહોર થયેલું ફરમાન રદ થઈ શકતું નથી.”+
૯ તેથી ત્રીજા મહિનાના, એટલે કે, સીવાન* મહિનાના ૨૩મા દિવસે રાજાના શાસ્ત્રીઓને* બોલાવવામાં આવ્યા. તેઓએ મોર્દખાયના બધા હુકમો લખ્યા. એ હુકમો યહૂદીઓ માટે તેમજ હિન્દુસ્તાનથી લઈને ઇથિયોપિયા સુધી ૧૨૭ પ્રાંતોના સૂબાઓ,+ રાજ્યપાલો અને પ્રાંતોના અધિકારીઓ+ માટે હતા. એ હુકમો દરેક પ્રાંતના લોકો માટે તેઓની લિપિ અને ભાષામાં હતા. યહૂદીઓ માટે એ તેઓની લિપિ અને ભાષામાં હતા.
૧૦ મોર્દખાયે એ પત્રો રાજા અહાશ્વેરોશના નામે લખ્યા અને એના પર રાજાની વીંટીથી મહોર કરી.+ પછી સંદેશવાહકો દ્વારા એ પત્રો મોકલવામાં આવ્યા. તેઓ પૂરઝડપે દોડતા ઘોડા લઈને નીકળી પડ્યા, જે શાહી કામ માટે વપરાતા હતા. ૧૧ એ પત્રોમાં રાજાએ બધાં શહેરોમાં રહેતા યહૂદીઓને ભેગા થવાની અને પોતાનો જીવ બચાવવાની મંજૂરી આપી હતી. જો કોઈ પ્રજા કે પ્રાંતના લોકો ટુકડી બનાવીને યહૂદીઓ પર હુમલો કરે, તો યહૂદીઓને એ લોકોનો, તેઓની પત્નીઓનો અને બાળકોનો વિનાશ કરવાની, કતલ કરવાની અને તેઓને મારી નાખીને તેઓની માલ-મિલકત લૂંટી લેવાની છૂટ આપી હતી.+ ૧૨ એ હુકમ રાજા અહાશ્વેરોશના બધા પ્રાંતોમાં એ જ દિવસે લાગુ પડવાનો હતો, એટલે કે, અદાર* નામના ૧૨મા મહિનાના ૧૩મા દિવસે.+ ૧૩ એ પત્રોમાં લખેલું બધું જ દરેક પ્રાંતમાં નિયમ તરીકે લાગુ પાડવાનું હતું. બધા લોકો આગળ એ જાહેર કરવાનું હતું, જેથી યહૂદીઓ પોતાના દુશ્મનો સામે લડવા એ દિવસે તૈયાર રહે.+ ૧૪ રાજાનો હુકમ મળતાં જ સંદેશવાહકો શાહી કામ માટે વપરાતા ઘોડા લઈને નીકળી પડ્યા. એ નિયમ શુશાન+ કિલ્લામાં પણ જાહેર કરવામાં આવ્યો.
૧૫ પછી રાજાની હજૂરમાંથી મોર્દખાય બહાર ગયો. તેણે ભૂરા અને સફેદ રંગના દોરાથી બનેલો શાહી પોશાક અને જાંબુડિયા રંગના ઊનથી બનેલો ઉત્તમ ઝભ્ભો પહેર્યો હતો.+ તેના માથા પર સોનાનો ભવ્ય મુગટ હતો. આખું શુશાન શહેર ખુશીથી ઝૂમી ઊઠ્યું. ૧૬ યહૂદીઓને આશાનું કિરણ દેખાયું. તેઓએ આનંદ અને હર્ષનો પોકાર કર્યો. યહૂદીઓને માન આપવામાં આવ્યું. ૧૭ જે પ્રાંતો અને શહેરોમાં રાજાનું ફરમાન જાહેર કરવામાં આવ્યું, ત્યાં યહૂદીઓએ આનંદ-ઉલ્લાસ કર્યો. તેઓએ મિજબાનીઓ રાખી અને ઉત્સવ મનાવ્યો. એ દેશના ઘણા લોકો યહૂદી બની ગયા,+ કેમ કે યહૂદીઓનો ડર બધે જ છવાઈ ગયો હતો.
૯ હવે ૧૨મા મહિનાના, એટલે કે અદાર* મહિનાના ૧૩મા દિવસે+ રાજાનો હુકમ અને નિયમ અમલમાં આવવાના હતા.+ યહૂદીઓના દુશ્મનો આશા રાખતા હતા કે તેઓ એ દિવસે યહૂદીઓને કચડી નાખશે, પણ એનાથી ઊલટું જ બન્યું. યહૂદીઓએ એ દુશ્મનોને હરાવી દીધા, જે તેઓને નફરત કરતા હતા.+ ૨ એ દિવસે રાજા અહાશ્વેરોશના સર્વ પ્રાંતોનાં શહેરોમાં+ રહેતા યહૂદીઓ ભેગા થયા. તેઓને નુકસાન પહોંચાડવા માંગતા લોકો પર હુમલો કરવા* તેઓ સજ્જ થયા. એકેય માણસ યહૂદીઓ સામે ટકી શક્યો નહિ, કેમ કે તેઓનો ડર બધા લોકો પર છવાઈ ગયો હતો.+ ૩ પ્રાંતોના બધા અધિકારીઓ, સૂબાઓ,+ રાજ્યપાલો અને રાજાનો વહીવટ સંભાળતા માણસોએ યહૂદીઓને સાથ આપ્યો, કેમ કે તેઓ મોર્દખાયથી ડરતા હતા. ૪ રાજાના મહેલમાં* મોર્દખાય ઉચ્ચ પદે નિમાયો હતો.+ તેની નામના સર્વ પ્રાંતોમાં પ્રસરી ગઈ હતી, કેમ કે તેની સત્તા દિવસે ને દિવસે વધી રહી હતી.
૫ યહૂદીઓએ પોતાના બધા દુશ્મનોને હરાવી દીધા, તેઓને તલવારથી મારી નાખ્યા અને તેઓનો વિનાશ કર્યો. દુશ્મનો સાથે તેઓ મન ફાવે એમ વર્ત્યા.+ ૬ શુશાન+ કિલ્લામાં યહૂદીઓએ ૫૦૦ માણસોને મારી નાખ્યા. ૭ તેઓએ આ માણસોની પણ કતલ કરી: પાર્શાન્દાથા, દાલ્ફોન, આસ્પાથા, ૮ પોરાથા, અદાલ્યા, અરીદાથા, ૯ પાર્માશ્તા, અરીસાય, અરીદાય અને વાઈઝાથા. ૧૦ એ દસ માણસો હામાનના દીકરાઓ હતા. હામ્મદાથાનો દીકરો હામાન યહૂદીઓનો દુશ્મન હતો.+ એ દસ માણસોને મારી નાખ્યા પછી યહૂદીઓએ તેઓની એકેય વસ્તુ લૂંટી નહિ.+
૧૧ એ દિવસે શુશાન કિલ્લામાં મારી નંખાયેલા લોકોની સંખ્યા રાજાને જણાવવામાં આવી.
૧૨ રાજાએ રાણી એસ્તેરને કહ્યું: “યહૂદીઓએ ફક્ત શુશાન કિલ્લામાં જ ૫૦૦ માણસો અને હામાનના દસ દીકરાઓને મારી નાખ્યા છે. તો રાજાના બાકીના પ્રાંતોમાં તેઓએ શું નહિ કર્યું હોય?+ બોલ, હવે તારી શી અરજ છે? એ પ્રમાણે કરવામાં આવશે. તારી બીજી શી વિનંતી છે? એ પણ માન્ય કરવામાં આવશે.” ૧૩ એસ્તેરે કહ્યું: “જો રાજાને યોગ્ય લાગે,+ તો તે શુશાનમાં રહેતા યહૂદીઓને મંજૂરી આપે કે તેઓ આજના નિયમ પ્રમાણે આવતી કાલે પણ કરે+ અને હામાનના દસ દીકરાઓનાં શબને થાંભલા પર લટકાવવામાં આવે.”+ ૧૪ રાજાએ એ પ્રમાણે કરવાનો હુકમ આપ્યો. શુશાનમાં નિયમ જાહેર કરવામાં આવ્યો અને હામાનના દસ દીકરાઓનાં શબ લટકાવવામાં આવ્યાં.
૧૫ શુશાનમાં રહેતા યહૂદીઓ અદાર મહિનાના ૧૪મા દિવસે+ ફરીથી એકઠા થયા. તેઓએ શુશાનમાં ૩૦૦ માણસોને મારી નાખ્યા, પણ તેઓની એકેય વસ્તુ લૂંટી નહિ.
૧૬ રાજાના પ્રાંતોમાં રહેતા બાકીના યહૂદીઓ પણ એકઠા થયા અને પોતાનો જીવ બચાવવા લડ્યા.+ તેઓએ ૭૫,૦૦૦ દુશ્મનોને મારી નાખ્યા, જેઓ તેઓને નફરત કરતા હતા. તેઓએ એ દુશ્મનોનો નાશ કર્યો,+ પણ તેઓની એકેય વસ્તુ લૂંટી નહિ. ૧૭ અદાર મહિનાના ૧૩મા દિવસે એમ બન્યું. પણ ૧૪મા દિવસે તેઓએ આરામ કર્યો, મિજબાની કરી અને આનંદ મનાવ્યો.
૧૮ શુશાનમાં રહેતા યહૂદીઓ ૧૩મા+ અને ૧૪મા દિવસે+ લડાઈ માટે એકઠા થયા. પણ ૧૫મા દિવસે તેઓએ આરામ કર્યો, મિજબાની કરી અને આનંદ મનાવ્યો. ૧૯ એટલે જ બીજાં શહેરોમાં રહેતા યહૂદીઓએ અદાર મહિનાના ૧૪મા દિવસને આનંદ અને મિજબાનીના, એટલે કે ઉજવણીના દિવસ+ તરીકે અને એકબીજાને ભેટ-સોગાદો* મોકલવાના દિવસ તરીકે ઠરાવ્યો.+
૨૦ મોર્દખાયે+ એ બનાવો નોંધી લીધા. તેણે અહાશ્વેરોશ રાજાના બધા પ્રાંતોમાં, નજીક અને દૂર દૂરના પ્રાંતોમાં વસતા સર્વ યહૂદીઓને પત્રો મોકલ્યા. ૨૧ તેણે હુકમ આપ્યો કે દર વર્ષે અદાર મહિનાના ૧૪મા અને ૧૫મા દિવસે તહેવાર ઊજવવો, ૨૨ કેમ કે એ દિવસોમાં યહૂદીઓને દુશ્મનોથી છુટકારો મળ્યો હતો. એ મહિનામાં તેઓનો શોક આનંદમાં અને તેઓનો વિલાપ ઉજવણીમાં ફેરવાઈ ગયો હતો.+ એ દિવસોને તેઓએ આનંદ અને મિજબાનીના, ભેટ-સોગાદો* મોકલવાના અને ગરીબોને દાન આપવાના દિવસો તરીકે ઊજવવાના હતા.
૨૩ યહૂદીઓ સહમત થયા કે તેઓએ જે ઉજવણી શરૂ કરી છે એને કાયમ ઊજવતા રહેશે અને મોર્દખાયે તેઓને જે લખ્યું છે એ પ્રમાણે કરતા રહેશે. ૨૪ અગાગી+ હામ્મદાથાના દીકરા અને યહૂદીઓના દુશ્મન હામાને+ યહૂદીઓનો નાશ કરવા કાવતરું ઘડ્યું હતું.+ તેણે તેઓને ડરાવવા અને તેઓનો વિનાશ કરવા પૂર,+ એટલે કે, ચિઠ્ઠી* નાખી હતી. ૨૫ પણ એસ્તેર જ્યારે રાજાની હજૂરમાં ગઈ, ત્યારે રાજાએ આ લેખિત હુકમ બહાર પાડ્યો:+ “યહૂદીઓ વિરુદ્ધ હામાને ઘડેલું કાવતરું+ તેના પોતાના માથે આવે.” તેઓએ તેને અને તેના દીકરાઓને થાંભલા પર લટકાવી દીધા.+ ૨૬ એટલે જ, પૂરના*+ નામ પરથી તેઓએ એ તહેવારનું નામ પૂરીમ* પાડ્યું. એ પત્રમાં જે લખ્યું હતું અને તેઓએ જે જોયું હતું અને તેઓ પર જે આવી પડ્યું હતું એને લીધે ૨૭ યહૂદીઓએ એ તહેવાર ઊજવવાનું નક્કી કર્યું. હવેથી તેઓ, તેઓના વંશજો અને તેઓ સાથે ભળી જનાર લોકો+ દર વર્ષે ઠરાવેલા સમયે એ બે દિવસોએ તહેવાર ઊજવશે. એ વિશે પત્રમાં જે કંઈ લખ્યું હતું એ જરૂર કરશે. ૨૮ તેઓએ એવો પણ નિર્ણય લીધો કે પેઢી દર પેઢી યહૂદીઓનું દરેક કુટુંબ, દરેક પ્રાંત અને દરેક શહેર એ દિવસો યાદ રાખશે અને એને પાળશે. યહૂદીઓ અને તેઓના વંશજો પૂરીમની ઉજવણી બંધ કરશે નહિ કે એની યાદ ભૂંસાવા દેશે નહિ.
૨૯ પછી પૂરીમ વિશે બીજો પત્ર લખવામાં આવ્યો. અબીહાઈલની દીકરી રાણી એસ્તેરે અને યહૂદી મોર્દખાયે પોતાના અધિકારથી એ પત્રને મંજૂરી આપી. ૩૦ અહાશ્વેરોશના સામ્રાજ્યના ૧૨૭ પ્રાંતોમાં+ રહેતા બધા યહૂદીઓને શાંતિ અને ભરોસો આપતા પત્રો મોકલવામાં આવ્યા. ૩૧ એમાં જણાવ્યું હતું કે ઠરાવેલા સમયે તેઓ પૂરીમના દિવસો ઊજવે. જેમ યહૂદી મોર્દખાયે અને રાણી એસ્તેરે તેઓને આજ્ઞા આપી હતી+ અને જેમ તેઓએ પોતે પણ નક્કી કર્યું હતું, તેમ તેઓ અને તેઓના વંશજો એ તહેવાર ઊજવે,+ ઉપવાસ કરે+ અને કાલાવાલા કરે.+ ૩૨ એસ્તેરના હુકમથી પૂરીમના+ તહેવારને લગતી બાબતોને મંજૂરી મળી. એ હુકમ એક પુસ્તકમાં નોંધી લેવામાં આવ્યો.
૧૦ રાજા અહાશ્વેરોશે પોતાના સામ્રાજ્યના બધા વિસ્તારોમાં અને ટાપુઓ પર વસતા લોકો પાસે જબરજસ્તી મજૂરી કરાવી.
૨ રાજાનાં બધાં પરાક્રમી અને શક્તિશાળી કામો વિશેની તેમજ તેણે મોર્દખાયને+ ઉચ્ચ પદ આપ્યું+ એ વિશેની રજેરજ માહિતી માદાય અને ઈરાનના રાજાઓના+ ઇતિહાસના પુસ્તકમાં+ લખેલી છે. ૩ રાજા અહાશ્વેરોશ પછી બીજા સ્થાને યહૂદી મોર્દખાય હતો. યહૂદીઓમાં તેનું મોટું નામ હતું* અને તેના બધા ભાઈઓ તેને માન આપતા હતા. તે પોતાના લોકોના ભલા માટે અને તેઓના વંશજોના હિત માટે કામ કરતો હતો.*
એવું માનવામાં આવે છે કે તે શાસ્તા પહેલો હતો, જે મહાન દાર્યાવેશનો (દાર્યાવેશ હિસ્તાસ્પીસનો) દીકરો હતો.
અથવા, “કૂશ.”
અથવા, “જિલ્લાઓ.”
અથવા, “સૂસા.”
અથવા, “મહેલથી.”
અહીં પ્રાચીન ઈરાનની વાત થાય છે.
અથવા, “પાત્રોમાં; કટોરામાં.”
અથવા, “પીતા રોકવો નહિ.”
અથવા, “મહેલમાં.”
અથવા, “પાઘડી.”
અથવા, “એ માણસો રિવાજો.”
મૂળ, “એ માણસો સમયો પારખનાર હતા.”
એનો કદાચ એવો અર્થ થાય કે, જો પત્નીની ભાષા પતિની ભાષા કરતાં અલગ હોય, તો ઘરમાં પતિની ભાષા બોલાવી જોઈએ.
અથવા, “સ્ત્રીઓના ભવનમાં.”
શબ્દસૂચિમાં “નપુંસક” જુઓ.
અથવા, “માલિશ.”
રરા ૨૪:૮માં તેને યહોયાખીન કહેવામાં આવ્યો છે.
શબ્દસૂચિમાં “ગુલામી” જુઓ.
એ કદાચ કીશ અથવા મોર્દખાય હોય શકે.
અર્થ, “મેંદીનો છોડ.”
અથવા, “ભવનમાં.”
અથવા, “અતૂટ પ્રેમ રાખતો.”
અથવા, “નિખારવા માલિશ કરવાની.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિમાં “સુગંધી દ્રવ્ય” જુઓ.
અથવા, “અને માલિશનો.”
વધારે માહિતી ખ-૧૫ જુઓ.
અથવા, “શાહી ભવનમાં.”
અથવા, “અતૂટ પ્રેમ બતાવ્યો.”
અથવા, “પાઘડી.”
અથવા, “પ્રાંતોનું મહેસૂલ માફ કરવામાં આવે.” જોકે, એ શબ્દોનો ચોક્કસ અર્થ ખબર નથી.
એવી સ્ત્રીઓ જેઓએ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો નથી.
મૂળ, “હાથ નાખવાનું.”
અથવા, “મોર્દખાય વતી.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “હાથ નાખવો.”
વધારે માહિતી ખ-૧૫ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
વધારે માહિતી ખ-૧૫ જુઓ.
એક તાલંત એટલે ૩૪.૨ કિ.ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા કદાચ, “જેઓ આ કામ પાર પાડશે તેઓ માટે હું શાહી ખજાનામાં ૧૦,૦૦૦ તાલંત જમા કરાવીશ.”
શબ્દસૂચિમાં “મહોર વીંટી” જુઓ.
કદાચ એ ચાંદી, જે હામાન યહૂદીઓ પાસેથી લૂંટી લેવાનો હતો.
અથવા, “મંત્રીઓને.” શબ્દસૂચિમાં “મંત્રી” જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “શાસકો.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિમાં “શોક” જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ભવનની.”
અથવા, “શાહી ભવનમાં.”
આશરે ૨૨.૩ મી. (૭૩ ફૂટ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.
મૂળ, “રાજાની ઊંઘ ઊડી ગઈ.”
મૂળ, “હાથ નાખવાનું.”
અથવા, “ભવનના.”
મૂળ, “જ્ઞાની માણસોએ.”
મૂળ, “બીજા દિવસે, દ્રાક્ષદારૂની મિજબાની વખતે.”
આશરે ૨૨.૩ મી. (૭૩ ફૂટ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.
શબ્દસૂચિમાં “મહોર વીંટી” જુઓ.
મૂળ, “તેણે યહૂદીઓ પર હાથ નાખ્યો હતો.”
વધારે માહિતી ખ-૧૫ જુઓ.
અથવા, “મંત્રીઓને.”
વધારે માહિતી ખ-૧૫ જુઓ.
વધારે માહિતી ખ-૧૫ જુઓ.
મૂળ, “હાથ નાખવા.”
અથવા, “ભવનમાં.”
અથવા, “ખોરાક.”
અથવા, “ખોરાક.”
શબ્દસૂચિ જુઓ.
“પૂર”નો અર્થ “ચિઠ્ઠી.” એ શબ્દનું બહુવચન “પૂરીમ,” યહૂદીઓના તહેવાર તરીકે વપરાવા લાગ્યું. એને તેઓ પોતાના પવિત્ર કૅલેન્ડર પ્રમાણે ૧૨મા મહિનામાં ઊજવે છે. વધારે માહિતી ખ-૧૫ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “તે માનીતો હતો.”
મૂળ, “શાંતિ વિશે વાત કરતો હતો.”